- ગરમીમાં પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં સાબુને બદલે શાવર જેલ-ક્રીમ સહાયક
સ્નાન કરવા માટે બજારમાં અનેક જાતના સાબુ મળે છે. તેમાંય જે સાબુની જાહેર ખબર પ્રખ્યાત અભિનેત્રીઓ કરતી હોય તો સાબુ બજારમાંથી ચપોચપ ઉપડી જાય છે. ખૂશ્બુદાર સાબુ આપણા તનને સ્વચ્છ કરવા સાથે તેને સુગંધથી તરબતર કરી દે છે. પણ હવે સાબુની જેમ જ શાવર ક્રીમ અને જેલનો ક્રેઝ પણ વધી રહ્યો છે. નહાતી વખતે ચોક્કસ સામગ્રીનો ઉપયોગ ત્વચાને મુલાયમ અને સુગંધી બનાવે છે.
નહાવાના પાણીમાં એક કપ દૂધનો પાવડર, દસ ટીપાં જિરેનિયમ ઓઈલ, એક મુઠ્ઠી ફૂદીનાના પાન અને કેમોમાઈલ, એક કપ જુવારનો લોટ અને પાંચ નાની ચમચી લવંડર ઓઈલ ભેળવો. બાથ ટબમાં પાણી ભરીને આ મિશ્રણ તેમાં નાખી દો. પછી અડધા કલાક સુધી બાથટબમાં બેસો. પાણીમાં રહેલા ફુદીનાના પાનથી તમને ટાઢક મળશે. કેમામાઈલ તમારી ત્વચાને રાહત પહોંચાડશે. જ્યારે જુવારનું સ્ક્રબ અને મિલ્ક પાવડર ત્વચાને મુલાયમ બનાવવામાં મદદગાર પુરવાર થશે.
ત્વચાને મુલાયમ બનાવવા અન્ય એક સાવ સોંઘો ઉપાય પણ કારગત નીવડે તેમ છે. એક ઝીણા કપડામાં એક ચમચી (નાની) સ્ટાર્ચ, મિલ્ક પાવડર, ગુલાબની પાંખડી, જુવારનો લોટ અથવા ચોખાનો લોટ અને થોડાં ટીપાં લવંડરનું તેલ નાખો. આ બધી સામગ્રી સારી રીતે મિક્સ કરીને કપડાની નાની નાની પોટલીઓ બનાવી રાખો.
સ્નાનનાં પાણીમાં એક પોટલી નાખી દો અથવા આ પોટલીને ભીંજવીને તેનાથી ત્વચા પર ગોળાકારમાં મસાજ કરો. સ્ટાર્ચથી ચામડી પ્રાકૃતિક રીતે કડક બને છે જેથી કરચલી ઝટ નથી પડતી. ગુલાબની પાંખડીઓ ત્વચાને ટોનઅપ કરે છે જ્યારે જુવારના લોટથી મૃત ત્વચા દૂર થવાથી ચામડી ચમકી ઉઠે છે.
ગરમીના દિવસોમાં આપણે પરસેવાથી રેબઝેબ થતાં રહીએ છીએ. આ દિવસોમાં નહાવાના પાણીમાં મોગરાના ફૂલ અને લીંબુની સ્લાઈસ નાખી દો. ત્યાર પછી શરીર પર ચંદન પાવડર ઘસો. આ બંનેનું કોમ્બિનેશન પરસેવામાં રાહત આપશે. તેવી જ રીતે ગ્રીષ્મ ઋતુમાં શરીરમાંથી ફેલાતી પરસેવાની દુર્ગંધ દૂર કરવાનો ઉપાય પણ સાવ સરળ છે. સ્નાન કરતી વખતે શરીરે હર્બલ માટી ચોપડો. તેનાથી તડકાને લીધે કાળી પડેલી ત્વચા સાફ થશે. આ માટીમાં એક કપ ચણાનો લોટ, સંતરા તેમ જ લીંબુની છાલનો પાવડર અને પીસેલી બદામ ભેળવીને ચામડી પર લગાવો.
આ તો થયા ત્વચાને નિખારવાના ઘરગથ્થુ ઉપચારો. પણ આજે બજારમાં કેટલીય જાતના શાવર જેલ મળે છે. જેમ કે શાવર જેલ સેંશુઅલ. આ શાવર જેલમાં મિન્ટ, એલોવેરા, ગુલાબ, લીંબુ, જાયફળ જેવા તત્વો અને પામરોઝ તેલ હોય છે.
રમતગમતના શોખીનો માટે બનાવવામાં આવેલા શાવર જેલમાં એન્ટિસેપ્ટિક અને ડિઓડરન્ટના ગુણ હોય છે. ત્વચાને પુનર્જિવીત કરવા માટે પણ શાવર જેલ મળે છે. આ શાવર જેલમાં લવંડર અને બોર્ગેમોટ તેલનુંં મિશ્રણ હોય છે. તેનાથી શરીર મહેંકી ઉઠે છે. સાથે સાથે ત્વચા પણ પ્રાકૃતિક રીતે તરોતાજા બને છે.
શાવર જેલના ઉપયોગથી સંખ્યાબંધ જાતના ફાયદા થાય છે. જેમ કે તેનાથી ચામડીને એકદમ સરળતાથી સ્વચ્છ કરી શકાય છે. તે દરેક પ્રકારની ત્વચા માટે લાભકારક પૂરવાર થાય છે. શાવર ક્રીમમાં રહેલા મોઈશ્ચરાઈઝરને કારણે ત્વચા સુકી થતી અટકે છે. ત્વચા નિષ્ણાતોના મત મુજબ સાબુની તુલનામાં શાવર જેલ અથવા ક્રીમનો ઉપયોગ ત્વચા માટે લાભકારક રહે છે. કારણ કે તેમાં ડિટર્જન્ટની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે.
જેલ સાબુની તુલનામાં મોંઘા હોય છે, પણ થોડું જેલ પણ ઘણા અંશે ફેલાઈ જતું હોવાથી ઓછી માત્રામાં જોઈએ છે. તેવી જ રીતે તેનાથી ફીણ પણ બહુ જલ્દી થાય છે. સાબુના કણ ત્વચા પર ચોંટી જવાથી એલર્જી થવાની સંભાવના રહે છે. જ્યારે જેલ સેમી લિક્વિડ હોવાથી પાણી નાખ્યા પછી ઝડપથી ધોવાઈ જાય છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો શાવર ક્રીમનો ઉપયોગ કરો. પણ જો ચામડી તૈલીય હોય તો શાવર જેલનો વપરાશ સલાહભર્યો છે. જોકે આ ઉત્પાદનોનો વપરાશ ચહેરા પર બિલકુલ ન કરવો જોઈએ.
શરીર પર સ્ટિમ્પુલેટીંગ બોડી વૉશનો વપરાશ પણ થઈ શકે. તેમાં તજ અને ફુદીનાનું તેલ હોવાથી તન-મનમાં સ્ફૂર્તિ આવી જાય છે. ત્વચાને સ્વચ્છ કરવા માટે હંમેશાં સાફ બ્રશનો ઉપયોગ કરો. બ્રશને હળવા હાથે ગોળાકારમાં સ્ક્રબ કરો, જેથી ફીણ બને. બ્રશનો ઉપયોગ કરવાથી પહેલા અને પછી તેને નવશેક પાણીથી સારી રીતે ધોઈ લો. જો બ્રશ અસ્વચ્છ હોય તો તેમાં રહેલા બેક્ટેરિયા ત્વચાના છિદ્રોમાંથી થઈને શરીરમાં પ્રવેશે છે અને રોગ પેદા કરે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3up4NgX
ConversionConversion EmoticonEmoticon