વેક્સિન એટલે કોરોના સામે વોરંટી નહીં


- વેક્સિન તો મૂકાવજો જ પણ રાજાપાઠમાં ન આવી જતા. વેક્સિનની અસરકારકતાનો આંક 63 થી 81 ટકા જ છે. રસી દ્વારા એન્ટી બોડી ક્યારે, કેટલી માત્રામાં પેદા થાય છે તે અને તેની આવરદા અંગે વિજ્ઞાાન નિશ્ચિત તારણ પર નથી આવ્યું

- હોરાઈઝન-ભવેન કચ્છી

- વેક્સિન આવતા નિશ્ચિંતતાનો માહોલ જામ્યો અને કેસ વધ્યા

- આપણે જ આપણી પ્રતિકારક શક્તિ પેદા કરી અને સાવધતા રાખવી પડશે તે જ ખરો ઉપાય

૬૦ વર્ષથી વધુ વયજૂથના અને કોઈ બીમારી ધરાવતા ૪૫ પ્લસ વયનાને તો   કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ આપવાનું અભિયાન પણ શરુ થઇ ગયું છે. તો ૪૫ વર્ષથી વયના દેશના તમામ નાગરિકોને પ્રથમ ડોઝ પણ અપાઈ રહ્યો છે. સરકારે પ્રત્યેક ઘેરઘેર શક્ય ન બને તો સોસાયટીઓ અને જાહેર હોલમાં  કેમ્પ રાખીને નાગરિકોને વેક્સિન આપવાના આયોજન માટેની તૈયારી પણ પ્રારંભી છે.  ગયા મહિને  રસીકરણનાં શ્રીગણેશ થયા ત્યારે  જાણે કોરોનાનો મૃત્યુઘંટ વગાડવામા માનવ જગતે ઐતિહાસિક સફળતા મેળવી હોય તેમ ચહેરા પર એક પ્રકારના વિજયી કેફ સાથે  એક હાથ પર વેક્સિન મૂકાતી હોય અને બીજા હાથથી 'વી ફોર વિકટરી'ની સાઈન હોય તેવા ફોટા સાથેની  સોશિયલ પોસ્ટથી નેટવર્ક જાણે 'હેંગ ઓવર'માં આવી ગયું હોય તેમ જોવા મળ્યુ.

કોરોના હવે ઉભી પૂંછડીએ ભાગ્યો તેમ માની ઘણાં નાગરિકોએ સોશિયલ મીડિયામાં કોરોના વાયરસ પર દાઝ કાઢતા કોમેન્ટ કરી કે 'છટ ભૂંડા .. માનવભક્ષી, ઘાતકી.. બહુ લોહી પીધું ..સાલ્લા પિશાચ લે હવે ભાગ .. બહુ માથે લીધું હતું  આખા જગતને ..હવે જો રસી આવી જતા તારા કેવા બુરા હાલ થઇ જવાના છે.'' રસી સમ્રાટોએ ઘેર આવી કોઈ જીવન મરણના સંગ્રામમાં વિજય મેળવ્યો હોય અને ઘાતમાંથી બચી ગયા તેની ઉજવણીમાં આઈસ્ક્રીમની મજા પણ સહકુટુંબ માણી.

બસ હવે બીજા ૨૮ દિવસ પછી બીજી રસી અને જીવન બનશે ફરી રસદાર તેમ કહેતા બધા હવે કઈ રીતે પીકનીક, પ્રવાસ, ખાણી-પીણી અને શુભ પ્રસંગો તેમજ ક્લબ લાઈફની મજા માણીશું તેનું આયોજન કરવા માંડયા હતા. પણ કોરોના વાયરસે બરાબર આ જ સમયે  ગગનફાડ અટ્ટહાસ્ય કર્યું અને કોરોનાના કેસ જ્યારથી રસી મૂકવાનો પ્રારંભ થયો તે જ દિવસથી ફરી જેને આપણે હાલ બીજી લહર તરીકે ખોફ સાથે નામ આપ્યું છે તેમ કુદકે અને ભૂસકે વધી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને નિર્દેશ કરવો પડયો છે કે દેશ ભારે ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે અને હજુ મેડીકલ કટોકટી સર્જાઈ શકે તેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેમ છે. કેન્દ્ર સરકારે આઠ રાજ્યો કે જ્યાં કોરોનાના  ૮૫ ટકા કેસ છે ત્યાં વિશેષ યુદ્ધના ધોરણે પુન: લડત કે કોરોનાનું બીજું યુદ્ધ લડવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

જો કે લોક ડાઉન જાહેર કરવાની ગંભીર ભૂલ સરકાર હવે નહીં જ કરે કેમ કે આર્થિક જગતના પૈડા અને નાના માણસોની રોજી પર જો ફટકો પહોંચશે તો દેશમાં વર્ગવિગ્રહ કે અંધાધૂંધી, આત્મહત્યાના કિસ્સાઓ વધતા જશે. માનસિક બીમારી પણ પડકારનો બીજો મોરચો બની જાય. કોરોના માંડ કાબુમાં આવ્યો હતો ત્યારે જ પેટા ચુંટણી, પાલિકા,પંચાયત અને મહાનગર પાલિકાની ચુંટણી અને ક્રિકેટ મેચ પ્રેક્ષકોની હાજરી સાથે યોજાઈ તે તો કોરોના ફીનીક્ષ પંખીની જેમ રાખમાંથી બેઠું કરવા માટે જવાબદાર છે જ પણ નાગરિકોને પણ  બેજવાબદારી માટે એટલા જ દોષિત ઠેરવવા જોઈએ.

કેટલાક સુપર બુદ્ધિજીવી નાગરિકો અને નેતાઓ એવી દલીલ કરે છે કે 'મહારાષ્ટ્રમાં ક્યાં ચુંટણીઓ કે મેચ હતી.' મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈની ગીચતા, દેશનું આર્થિક સેન્ટર, અન્ય રાજ્યોના શ્રમજીવીઓની રોટલા માટે રઝળપાટ, લોકલ ટ્રેન, દેશભરનું પરિવહન જેવા કેટલાયે પરિબળો છે જે કોરોનાના સોફ્ટ ટાર્ગેટ માટે કાફી છે. ખેડૂતોના અંદોલનની અપાર ભીડ પછી હવે કોરોનાએ ચેપનો ચીપીયો પંજાબમાં પછાડયો છે.

કેરળ અને તમિલનાડુ કે જે કોરોનાના કેસની રીતે આઠ મહત્તમ રાજ્યોમાં સ્થાન પામે છે ત્યાં આગામી છ એપ્રિલથી વિધાનસભાની ચુંટણીનું મતદાન છે. પશ્ચિમ બંગાળની સાથે કર્ણાટકમાં એક લોકસભાની અને ત્રણ વિધાનસભાની બેઠક માટેનું પણ મતદાન થયું. છેલ્લા બે મહિનાથી ચુંટણીનો પ્રચાર તેની ચરમસીમાએ હતો. લાખોની મેદની, કાર્યકારોની રોજેરોજની મોડી રાત્રી સુધીની બેઠક-નાસ્તા પાણી, પ્રચાર તેમજ મતદાનની ભીડમાં કોરોનાન સંક્રમણ બેફામ બન્યું.

વેપાર ધંધાની જેમ શાસન વ્યવસ્થાને ચેતનવંતી રાખવા ચુંટણી પણ ભલે યોજો પણ માસ્ક માટેની અપીલ એક પણ નેતાએ સમર્થકોએ કરી હોય તેવું ચુંટણી પ્રચાર અને રેલી દરમ્યાન જોવા ન મળ્યું. માત્ર ફરજ બજાવવાના નાટક તરીકે અપીલ થાય છે પણ અમલીકરણ માટેની કડકાઈ અને ગંભીરતા જોવા ન મળી.

રાજકારણીઓમાં સત્તાની લાલસા અને અસલામતી એ હદની હોય છે કે તેઓ તેમનો બેઝ ન ગુમાવે એટલે કોઈને કોઈ કાર્યક્રમો, રેલી, મેળાવડા યોજાતા જ રહે છે. એવું લાગે કે હાઈકમાન્ડની જ ગર્ભિત સુચના હોય કે આ કોરોના તો ક્યારે સમૂળગો નાબુદ થશે તે ભગવાન જાણે આપણા મતદારોનો  સંપર્ક ન તુટવો જોઈએ.

'હવે આપણે કોરોના સાથે જ જીવવાનું છે.' તે વાક્યનો અર્થ મોટાભાગના બેજવાબદાર નાગરિકોએ એવી રીતે લીધો લાગે છે કે  'આપણું  કોરોના નહતો ત્યારના જેવું રોજિંદુ જીવન ફરી શરુ કરી દો. આ શું રોજની જફા, એકાદ ટકા દર્દીઓના મૃત્યુ માંડ થાય છે, થશે ત્યારે બે અઠવાડિયા કવોરન્ટાઈન થઇ જઈશું.' તો  રોજેરોજની કમાણીથી જીવતા વર્ગ માટે તો લાચારીથી કોરોના થવાની શક્યતા વિશેષ હોય તેવા સંજોગોમાં રહ્યા સિવાય છૂટકો નથી.

કોરોનાના કેસનો  ગયા મહીને રસી મૂકવાની દેશવ્યાપી શરૂઆત થયા પછી જ કેમ રાફડો ફાટયો તેનું મહત્ત્વનું કારણ એ પણ છે કે નાગરિકોએ રસી મુકાવી તેઓ હવે કોરોનાથી મુક્ત થઇ ગયા હોય તેમ અતિ આત્મવિશ્વાસમાં રાચતા રાજાપાઠમાં આવી ગયા. જેઓનો રસીમાં હજુ વારો નથી આવ્યો તેઓનાં  મગજમાં એક ભયંકર ગેરસમજ ઘૂસી ગઈ કે કોરોનાનો અકસીર ઈલાજ તો શોધાઈ ગયો છે. આજે નહીં તો કાલે આપણો વારો આવશે જ.

અધૂરામાં પૂરું ઉમદા હેતુથી દેશભરમાં સરકાર અને માનવીય અભિગમ સાથે કાર્યરત સંસ્થાઓ અને વિચારકોએ 'કોરોનાથી ડરવાની જરુર નથી.' જેવી પ્રચાર ઝુંબેશ હાથ ધરી જેનો હાર્દ સમજ્યા વગર નાગરિકો એક પ્રકારની બેફિકરાઈ બતાવવા માંડયા. જાન્યુઆરીમાં કોરોનાના કેસ ઘટતા જ હવે વાયરસ તેની ઘાતકતા ગુમાવી ચુક્યો છે તેવી સ્વયંસિદ્ધી સાથે આપણે ઝડપથી ન્યુ નોર્મલ ત્યાગીને નોર્મલ જીવનશૈલી તરફ ઢળવા માંડયા હતા.

રસીકરણ જેમ જેમ વધુને વધુ નાગરિકો સુધી પહોંચશે તેમ જો રસી વિશેની પૂરતી જાણકારી અને જાગરૂકતા નહીં કેળવીએ તો હજુ વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. સૌથી પહેલા ભીંત પર એ લખી રાખો કે રસી નિર્માતા ફાર્મા કંપનીઓ પણ સંશોધન બાદ રસી માનવજગત માટે પેશ કરતા સ્પષ્ટ એમ કહી ચુક્યા છે કે રસીની અસરકારકતા ૬૨થી ૬૬ ટકા જ છે.

ભારતની ૧૩૫ કરોડની વસ્તી રસી મુકાવે અને ૨૫ ટકા વસ્તીને પણ જો તે પ્રભાવ ન પાડી શકે તો પણ કોરોના ફેણ સાથે ડંસવાનું જારી જ રાખે. બીજું, રસી બધા માટે માની લો કે ઉપલબ્ધ હશે તો પણ ૩૦થી૪૦ ટકા વર્ગ એવો હશે કે તેઓ રસી નહીં જ મૂકાવે. તેઓ પોતે તો કોરોનાનાં ચેપ ફેલાવાના સુત્રધાર જારી હશે જ પણ તેઓ પણ ભોગ બની જ શકે.

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ હજુ નક્કર તારણ નથી નીકળ્યું પણ સંશોધકો એવું કહે છે કે પ્રતિકારક શક્તિની સજ્જતા (એન્ટીબૉડી) કેળવતા ત્રણ અઠવાડિયા કે કોઈને ચાર અઠવાડિયાનો સમય લાગે. એનો અર્થ એમ કે કોરોનાની રસી લીધા પછી પણ જો એન્ટી બોડી ન બન્યા હોય અને આપણે એમ માનીને હળવા થઈને માસ્ક અને અંતર જાળવ્યા વગર ફરવા માંડીએ કે અમે તો રસી મૂકીને ઢાલ ધારણ કરી લીધી છે તો ધારણા જીવલેણ પણ પૂરવાર થઇ શકે છે. કેમ કે રસી છતાં કોઈ પ્રતિકારક શક્તિ શરીરમાં પેદા ન થઇ હોય તો  આપણે કોરોનાના નિમંત્રક જ હોઈએ છીએ.

અગાઉ કહ્યું તેમ બંને ડોઝ લીધા પછી પણ ૬૩થી ૮૧ ટકા જ અસરકારકતા કે પ્રભાવ હોય અને આપણે જેના પર રસી બાદ શરીરમાં તેના લીધે ખાસ પ્રતિકારક  શક્તિ પેદા જ ન થઇ હોય તેમાંના હોઈએ તો  અને મસ્તીથી ફરવા માંડીએ તો પણ આફત સર્જાઈ શકે. આથી જ ફાર્મા કંપનીઓ એ વાત પર ખાસ ચેતવણી સાથે ભાર મુકે છે કે રસી મૂકાવ્યા પછી પણ માસ્ક તો પહેરી જ રાખવું પડશે અને કોઈ સ્પર્શ પછી સેનેટાઈઝરથી  હાથ ધોવા કે બે વ્યક્તિ વચ્ચેનું અંતર રાખવું, ભીડમાં ન જવું.

બહારથી ઘેર આવી કપડા ધોવા માટે નાંખી દેવા, શક્ય હોય તો બહારથી આવી સ્નાન કરવું. આ ઉપરાંત હવે જગજાહેર બની ગયેલા દેશી અને આયુર્વેદ  નિર્દોષ  નૂસખાઓ અને પ્રાણાયામથી પ્રતિકારક શક્તિ વધારવી તે જ રસી કરતા પણ લાંબેગાળે સ્વાસ્થ્ય અર્પશે.

રસીના સંશોધકો હજુ એમ પણ પ્રમાણિત નથી  કરી શક્યા માની લો કે રસીના બે ડોઝ મૂકાવ્યા પછી તેના લીધે પ્રતિકારક શક્તિ ્રએન્ટી બોડી ડેવલપ પણ થાય તો તે બીજા કેટલા મહિના કોરોના વાયરસ સામે રક્ષણ આપી શકે. અનુમાન એવું છે કે ચારથી છ મહિના હોઈ શકે પણ તેમાં પણ વિશ્વના સંશોધકોને  તે અભ્યાસ કરવાનો સમય કે તબક્કો નથી મળ્યો કેમ કે કોરોનાથી બચવા જેમ બને તેમ ઝડપથી રસી વિશ્વ માટે જંગી ઉત્પાદન કરીને મૂકી દેવાની હતી. યાદ રહે માનવજગતના ઇતિહાસની આ સૌથી પહેલી રસી છે જે ટ્રાયલના તમામ તબક્કા વગર મૂકી દેવાની ફરજ પડી છે.

રસીની દુરોગામી અસર કે રસી કોરોના સામે કેટલા મહિનાઓ પ્રતિકાર આપે છે તે શોધાયું નથી. ખરી રસી તે જ કહેવાય જે ૯૯ ટકા રોગ સામે રક્ષણ આપે અને ન્યૂનતમ આડઅસર ઉભી કરે. અત્યાર સુધીની અન્ય વાયરસ સામેની બીમારીની ફૂલ પ્રૂફ રસી લોન્ચ કરતા વિજ્ઞાાનીઓને  દસ વર્ષ  કે વધુ સમય લાગ્યો છે. એઈડઝની બીમારી પર વિજય મેળવતી રસીનું સંશોધન તો ત્રણ દાયકાથી ચાલે છે. હજુ અસાધ્ય રોગ સામે પણ વિજ્ઞાાન સંઘર્ષ કરી રહ્યું છે. 

આમ છતાં એક જ વર્ષમાં અને તે પણ અબજોની સંખ્યામાં નાગરિકોને રસી તે પણ છ થી આઠ અઠવાડિયા વચ્ચે બે ડોઝ પ્રાપ્ય કરાવવા તે વિજ્ઞાાન અને ફાર્મા કંપનીઓની સિદ્ધી કહેવાય. તે માટેનું સેટ અપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવા બદલ   સરકાર અને કોર્પોરેશનને દાદ આપવી પડે. અમેરિકા અને અન્ય દેશોમાં તો રસી ત્રણ હજારની પડે છે જ્યારે ભારતમાં આટલી વિરાટ વસ્તીને મફતમાં અને ખાનગી ધોરણે રૂ.૨૫૦માં આપવામાં આવે છે તે સલામ કરવા જેવી યશકલગી કહી શકાય.

રસી મૂકાવજો જ પણ તે પછી ભૂલી જજો કે તમે રસી મૂકાવી છે. ફરી માસ્ક અને અન્ય નિયમો સાથેનું જીવન જ જારી રાખો. રસી એટલા માટે છે કે શક્ય છે તે તમને રક્ષણ આપે અને માની લો કે કોરોના રસીના બે ડોઝ પછી પણ થાય તો તમારી સ્થિતિ ગંભીર ન બને. ..આ પણ કોઈ વિજ્ઞાાની શિલાલેખ પર લખીને કહી શકે તેમ નથી. ૬૬ ટકા અસરકારકતાની શક્યતા તે કઈ બહુ નિશ્ચિતતા આપતો આંક તો નથી જ. પ્રતિકારક શક્તિ આપણે જ કેળવીએ અને માસ્ક સાથે સ્વયંશિસ્તના જે નિયમો છે તે પાળીએ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cLUaik
Previous
Next Post »