એવુંય સાવ નથી કે સુએઝ નહેર પહેલા વિશ્વવેપાર ચાલતો ન હતો.. સુએઝ નહેર બની એ પહેલા દુનિયાના જહાજો એક છેડેથી બીજે છેડે જતા હતા પરંતુ એમને રસ્તામાં આફ્રિકાનો લાંબો ફેરો મારવો પડતો હતો. ૧૮૫૬માં સુએઝ ખુલ્લી મુકાઈ પછી જહાજો આફ્રિકા ખંડને આંટો મારવો પડે એ રસ્તો જ ભૂલી ગયા. એટલે હવે જ્યારે નહેર બ્લોક થાય ત્યારે જગતના વેપાર પર તેની અસર થાય એ સહજ છે. અલબત્ત, સદ્ભાગ્યે બહુ મોટુ નુકસાન થાય એ પહેલા જહાજ મુક્ત થયુ અને હવે સુએઝમાં ફરીથી જહાજોને લીલી ઝંડી મળવા લાગી છે. તો પણ ૯થી ૧૦ અબજ ડૉલરનું નુકસાન તો થયું જ છે.
પોતે ફસાયું, અન્ય જહાજોને પણ ફસાવ્યા
એવરગીવન એટલે કે એવર ગ્રીન નામનું જહાજ નેધરલેન્ડના રોટરડેમથી નીકળીને તાઈવાનના કોહીશુંગ બંદરે જવા નીકળ્યું હતું. જહાજનું વજન ૨ લાખ ટન હતું અને તેમાં ૧૮૩૦૦ ટ્વેન્ટિ ફીટ યુનિટ (ટીએફયુ) તરીકે ઓળખાતા કન્ટેનર હતા. જો જહાજ સુએઝને બદલે આફ્રિકા ખંડના દક્ષિણ છેડે કેપ ઓફ ગૂડ પાસેથી પસાર થઈ, હિન્દ મહાસાગરમાં થઈ તાઈવાન પહોંચે તો તેનો પ્રવાસ ૩૪ દિવસ ચાલે અને ૨૫૦૦૦ કિલોમીટરની સફર કરવી પડે. સુએઝમાંથી નીકળતું હોવાથી જહાજ ૨૫ દિવસમાં તાઈવાન પહોંચે અને એ દરમિયાન ૧૮૫૦૦ કિલોમીટરની જ સફર કરવી પડે. એટલે વિશ્વ વેપારના જહાજો સુએઝમાંથી નીકળે તેમાં નવાઈ નથી. અહીં ફસાયેલા જહાજની અને સુએઝના કાંઠે ફસાયેલા જહાજને કારણે ફસાઈ પડેલા જહાજોની વિમાનમાંથી લીધેલી તસવીર રજૂ કરી છે.
ફસાયુ, મુક્ત થયું, રવાના થયું..
ફસાયેલું જહાજ, થોડા દિવસની અથાક મહેનત પછી પાણી માટે જરા મારગ કરતું જહાજ અને મુક્ત થયા પછી રવાના થતું જહાજ અહીં તસવીરોમાં દેખાય છે. બીજી તસવીરમાં સર્કલ કર્યું છે, એ ટન નૌકાઓ છે. કોઈ પણ જહાજ બંદર વિસ્તારમાં એન્જીન ચાલુ રાખી પ્રવાસ ન કરી શકે, કેમ કે એન્જીન શક્તિશાળી હોવાથી બ્રેક ન લાગે, અથડાઈ જવાનો ભય રહે. એ માટે બંદર વિસ્તારમાંથી જહાજને દૂર ખેંચી જવા કે ખેંચી લાવવા શક્તિશાળી ટગ નૌકા વપરાતી હોય છે. આ નૌકાઓ દેખાવે નાની હોય, પણ મોટા જહાજને હલબલાવી શકે. એવરગ્રીનને ખસેડવા માટે ૧૪ ટગ નૌકાનું સંયુક્ત બળ કામે લગાડાયું હતું.
ધરતી પર સર્જાયેલી મુશ્કેલીની આકાશી તસવીર
સુએઝ કેનાલ ઈજિપ્તના રણ પ્રદેશમાંથી પસાર થાય છે. અહીં રણમાં ઉઠતો તોફાની પવન નિયમિત ફૂંકાતો રહે છે. જહાજ પસાર થયું ત્યારે પણ તોફાની પવન હતો જ. એટલું ઓછું હોય એમ જહાજ નક્કી કરેલી ૭.૬થી ૮.૬ નોટિકલ માઈલ કરતા ક્યાંય વધારે સ્પીડે લગભગ ૧૩.૫ નોટિકલની ઝડપે આગળ વધતું હતું. આ ઝડપ આપણને બહુ મામુલી લાગે પણ સમુદ્રના ઉછળતા પાણી પર એ ઝડપ બહુ વધારે ગણાય. એમાંય ૨ લાખ ટન વજન ધરાવતા જહાજને આવી સ્પીડે રોકવુ અશક્ય થઈ પડે. ફસાયેલું જહાજ ધરતી પર તો ચર્ચાનું કેન્દ્ર બન્યું પણ અવકાશમાંય બન્યું. ૪૦૦ કિલોમીટર ઊંચે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પણ એ પુનમના દિવસે તો સ્પષ્ટ જોઈ શકાયું હતું. તો વળી મેક્સર ટેકનોલોજીના ઉપગ્રહો પણ જહાજની આકાશી તસવીરો લઈ શક્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rNbOXn
ConversionConversion EmoticonEmoticon