પરિવર્તનનો પવન ક્યાં લઈ જશે?


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- નવી પેઢીનાં બાળકો હવે ખેતરે જઈ કશું શીખવાનાં નથી. ભાઈ ભેળા બેસી બાપા-દાદાની જેમ ખેતરમાં ભાથાં ખાવાના નથી. વૃક્ષો વઢાઈ ગયાં છે. કારખાનાં ગળી ગયાં એ વૃક્ષોને... 

ખે તર એનું એ, જગ્યા એની એ, શેઢાય એના એ, માલિક એના એ, છતાં એ ખેતર વલોપાત કરે છે. એકલતા અનુભવે છે. પડોશનાં બધાં ખેતરો, એનાં સદસ્યો બદલાઈ ગયાં છે. એ ખેતરોમાં હવે મોલ લહેરાતો નથી. ત્રિકોર કારખાનાં થઈ ગયાં છે. થોરની વાડની જગ્યાએ તારની વાડ અને સિમેન્ટદીવાલો ઊભી છે. ખેતરની ત્રણ બાજુ કારખાનાંની યાંત્રિકતાએ ઘણાં ખેતરોને ઘમરોળી નાખ્યાં છે. સિમેન્ટ-કોંક્રિકટના, લોખંડના કે વિરાટ તથા સંવેદનહીન બાંધકામો થયાં છે - તેનાથી  ખેતર શ્વાસ લેવામાંય ઘણી મુશ્કેલી અનુભવે છે. ક્યાંય પાકી સડક જ નહોતી... હવે  વ્હાલુડા ખેતરને હાથ છેટે પાકી સડક કાળોતરા નાગ જેવી દેખાય છે.

એમાં ભલે, પાણીની સગવડ ન્હોતી પણ ચોમાસામાં મગ-ગુવાર-તુવેર, અડદ, બાજરીની રખેવાળી કરતા દાદા અને બાપાનું આખું જીવતર વટપૂર્વક કેવું ગયું એ ખેતર જાણે છે. એ ખેતરની બાપાએ રખેવાળી કરી કે મૉલની? - બંને હશે પણ ખરેખર વધારે સાચું તો  એ લાગે છે - દાદા અને બાપાના ખોળિયાની રખેવાળી ખેતરે કરી છે. ખેતર જ એમનું સાચું સંતાન છે. ખેતરે તો તેમને બરાબર સાચવ્યા છે. શિયાળાની ટાઢ, ઉનાળાનો તાપ અને ચોમાસાનો વરસાદ બધું જ ખેતરની સાક્ષીએ વેઠયું છે.

ઊંચા માળા ઉપર નાખેલી ગોદડીમાં ટાઢે હૂંફ મેળવી એ ખેતરમાં... આંબા-લીમડાને છાંયે તડકે ટાઢક મેળવી એ ખેતરમાં અને ભીંજાઈને-પલળીને દાદાની જેમ બાપાય પાક્કા થયા એ જ ખેતરમાં તુવર મગ, બાજરી, તલ, ગુવાર અને એરંડા એ મુખ્ય પાકો... વરસાદનું વ્હાલ વરસે તો ન્યાલ થતા... ઓછું વરસે ત્હોય સંતોષી રહેતા ને ક્યારેક ના વરસે ત્યારે ય 'પરભુ રાખે એમ રે'વાનું' કહ્યા વગર - બોલ્યા વગર જીવનનો પાઠ ભણેલા... ખેતરે કેવી રીતે જીવવું -   જીવનમાં કેમ સમતા રાખવી? એ બોલ્યા વગર શીખવી દીધેલું. જે ખેતરમાં દાદા-બાપાના ઓરતા ઉછર્યા એ ખેતરની વચ્ચે કરવત ક્યાંથી? આપણે ખેતરના ભાગ પાડી બાપા અને દાદાને દુઃખી કર્યા છે.

નવી પેઢીનાં બાળકો હવે ખેતરે જઈ કશું શીખવાનાં નથી. ભાઈ ભેળા બેસી બાપા-દાદાની જેમ ખેતરમાં ભાથાં ખાવાના નથી. વૃક્ષો વઢાઈ ગયાં છે. કારખાનાં ગળી ગયાં એ વૃક્ષોને... કેવી વિશાળ રાયણ હતી? ખોડાભાના ખેતરમાં કેવો આંબો હતો? કેવા લીમડા લહેરાતા હતા? વૃક્ષોનું કોણે નિકંદન કાઢી નાખ્યું? એ ખેતરના ખળે બચુ મહારાજનાં પગલાં પડયાં છે...

શેઢા કપાઈ ગયા અને ખળાવાડ પણ નાની થઈ ગઈ વળી બધે વઢાઈ ગયાં છે વૃક્ષો - ઉજ્જડ થયાં છે ખેતરો - વહેરાઈ ગયાં છે કાયા - કારખાનાં ઊભાં થતાં ખેતર ઢંકાયું એના શ્વાસો રૂંધાયા છે. એ કારખાનાંએ ઓકેલું ઝેર ખેતરની કાયામાં પ્રવેશી ગયું છે - રહ્યું છે... ખેતર પાધર બન્યું છે. બળદ-ગાડાં-હળ પણ હવે નથી. ટ્રેક્ટરે - ખેતરની છાતી ચીરી કાઢી છે - રોકડિયા પાક લેવાની લોભવૃત્તિએ ખેતરની ફળદ્રુપતાની ક્યારેય પરવા નથી કરી.

આજે આપણે ખેતરને જ ઓળખી શક્તા નથી - કેવો થયો છે ઘાટ? ખેતર ઓળખવા વૃધ્ધને પૂછવું પડે છે - અરેરે!! એ ખેતરના ખોળે જઈ સ્મરણો ઉકેલીએ છીએ - પણ?? ગામનાં વેરઝેર ખેતરની વાડ સુધી આવી ગયાં છે. ચૂંટણીના પડઘા ખેતરના કૂવામાંય પડયા છે. ટીવી અને રેડિયોની તરંગમાલા ખેતરને અભડાવી ચૂકી છે. દેશી ખેતર, દેશી ખાતર, દેશી બી, દેશી ખેડની જગાએ વિલાયતી... વિલાયતી નજરે પડે છે એટલે જ તો ખેતર પણ વિલાયતી લાગી રહ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dQPBmm
Previous
Next Post »