
- એપોલો-11 મિશનના પડછાયામાં ઉછરેલ એક ઓસ્ટ્રેલિયન, જયારે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
આ જથી વીસ વર્ષ પહેલા, એટલેકે ૨૦૦૦ની સાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું હતું. આ વાતને આજે બે દાયકા વીતી ગયા છે. ચીન હવે અંતરિક્ષમાં પોતાનું આગવું સ્પેસ સ્ટેશન તૈયાર કરવા માંગે છે. જેનું કામ કાજ ચાલુ છે. ચીન તેનું અંતરીક્ષ મથક ૨૦૨૨માં કાર્યરત થઈ જાય તેવા આયોજન કરી રહ્યું છે. જેનું નામ છે. 'ટીઆંગોંગ-૩'. તાજેતરમાં ચીન અને રશિયાએ ચંદ્ર ઉપર સંયુક્ત અભિયાન લઈ જવા માટેના કરાર કર્યા છે.
આવા સમયે ચીનને તેનું 'ટીઆંગોંગ-૩' સ્પેસ સ્ટેશન સારી રીતે ઉપયોગી બની શકે તેમ છે. આજની નવી પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય, એક સમય એવો હતો, જ્યારે અમેરિકા પાસે તેનું પોતાનું આગવું સ્પેસ સ્ટેશન, સ્કાયલેબ કાર્યરત હતું.
સ્કાયલેબનો જીવનકાળ ટૂંકો રહેવાથી, લોકોની યાદદાસ્તમાંથી તે જલ્દી લુપ્ત થઈ ગયું છે. પરંતુ અત્યારે એક પેઢી એવી જીવી રહી છે, જેને લગભગ ચાર દાયકા પહેલા એવો ડર સતાવતો હતોકે સ્કાયલેબ તેમના શહેર ઉપર તૂટી ન પડે. કારણકે સ્કાયલેબ તેની ભ્રમણ કક્ષામાંથી ખસી ગયું હતું. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે, પૃથ્વી તરફ ખેંચાઈ રહ્યું હતું. આ કારણે જ વિશ્વના મોટાભાગના લોકો એ સમયે ડરના માહોલમાં જીવી રહ્યા હતા. આખરે સ્કાયલેબનો ભૂતકાળ શું છે?
સ્કાયલેબ : એપોલો મિશન બાદ, નાસાની કંઈક નવું કરવાની તમન્ના
અમેરિકન નાગરિક એ પહેલીવાર જુલાઈ ૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગને, એપોલો ૧૧ મિશન દ્વારા, ચંદ્ર ઉપર ઉતારીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો. એપોલો મિશનના છેલ્લા મિશન એટલે કે એપોલો-૧૭માં છેલ્લી વાર ત્રણ અંતરિક્ષયાત્રીઓને ચંદ્રની મુસાફરી કરાવીને ૧૯ ડિસેમ્બર ૧૯૭૨ના, નાસાએ પોતાના મૂન મિશનની સંકેલી લીધું હતું. અમેરિકન રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
અમેરિકન નાગરિકને ચંદ્ર ઉપર ઉતારનાર રાષ્ટ્રપ્રમુખ, રિચાર્ડ નિક્સન વોટરગેટ કૌભાંડમાં સંડોવાઈને રાજીનામું આપવાના હતા. કંઈક નવું કરવાના ઈરાદે, ૧૪ મે ૧૯૭૩નાં રોજ, નાસાએ અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન ગોઠવવાનું નક્કી કર્યું. જેના માટે પહેલેથી કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું નહતું. અમેરિકાના ચંદ્ર અભિયાનમાં વપરાયેલ સેટર્ન-૫ રોકેટનો ત્રીજો તબક્કો, ચંદ્રની મુસાફરી માટેના કમાન્ડ અને સર્વિસ મોડયુલને જોડીને સ્કાયલેબની રચના કરવામાં આવી હતી.
સ્કાયલેબનું લોન્ચિંગ થયું ત્યારે જ, બહાર લગાવવામાં આવેલ થર્મલ પ્રોટેક્શન શિલ્ડમાં, એરોડાયનેમિક ફોર્સના કારણે નુકસાન થયું હતું. આમ છતાં ત્રણ ત્રણ અંતરિક્ષ યાત્રીઓનાં ગ્રુપ, ત્રણ વાર સ્કાયલેબ ઉપર રોકાણ કરી આવ્યા હતાં. અંતરિક્ષમાં મનુષ્યના રોકાણના ત્રણ નવા રેકોર્ડ પણ તેમણે કાયમ કર્યા.વિચલિત થયેલ સ્કાયલેબને, ફરી ભ્રમણકક્ષામાં ગોઠવવા માટે નાસાએ કોઈ પ્રયત્ન નકર્યો. તે સમયે નાસાનું સ્પેસ શટલ તૈયાર થઈ જવું જોઈતું હતું, પરંતુ સ્પેસ-શટલનો કાર્યક્રમ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો.
મર્યાદિત બજેટના કારણે નાસાએ સ્કાયલેબ-બી પ્લાનને પણ તિલાંજલિ આપી દીધી. હવે નાસા આંતરરાષ્ટ્રીય સહયોગથી બની રહેલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સહયોગ આપવા માટે તૈયાર થઈ ગયું હતું. એપોલો-૧૩ની દુર્ઘટના બાદ અમેરિકા, અંતરીક્ષયાત્રીઓ માટે નવું જોખમ ખેડવા પણ તૈયાર ન હતું. અમેરિકાનું અંતરિક્ષ અંતરીક્ષ મથક, સ્કાયલેબ અંતરિક્ષ યાત્રીઓ માટે માત્ર ચોવીસ અઠવાડિયા કાર્યરત રહ્યું હતું. છેવટે નાસાને અંતરીક્ષ મથક ત્યજી દેવાની ફરજ પડી.આ ઘટનાના પાંચ વર્ષ બાદ, આખરે ૧૧ જુલાઈ ૧૯૭૯માં સ્કાયલેબ ઓસ્ટ્રેલિયા અને હિંદ મહાસાગરમાં તૂટી પડયું. નાસાના સ્કાયલેબ અધ્યાયનો અકાળે અંત આવ્યો.
એડવર્ડ ગિબ્સન : સ્કાયલેબનો દરવાજો હંમેશ માટે બંધ કર્યો
રશિયાના અંતરીક્ષ મથક મીર કરતા, સ્કાયલેબમાં ખૂબ જ વધારે, જગ્યા ઉપલબ્ધ હતી. જેથી વૈજ્ઞાાનિકો આરામથી પ્રયોગ કરી શકતા હતા. રશિયન સ્પેસ ક્રાફ્ટ પાસે સાડા ત્રણ હજાર ક્યુબેક ફૂટ જેટલી જગ્યા હતી, જ્યારે સ્કાયલેબ માં ૧૩૦૦૦ કયુબીક ફૂટ જેટલી જગ્યા હતી. સ્કાયલેબના અંતિમ મિશનમાં, ત્રણ અંતરિક્ષયાત્રીએ ભાગ લીધો હતો. સ્કાયલેબ-૪ મિશન અંતર્ગત ગેરાલ્ડ કાર એડવર્ડ ગિબ્સન, અને વિલિયમ પોગ અંતરિક્ષ મથક ઉપર ૮૪ દિવસ રોકાઈને એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.
સ્કાયલેબના છેલ્લા અભિયાનમાં, સ્કાયલેબ ઉપર સમય વિતાવનાર, સ્કાયલેબનો દરવાજો હંમેશ માટે બંધ કરીને આવનાર, છેલ્લા અંતરિક્ષ યાત્રી એડવર્ડ ગિબ્સન કહે છેકે 'જો તેમને તક મળે તો તેઓ ફરીવાર અંતરિક્ષમાં જવા તૈયાર છે'. 'વૃદ્ધાવસ્થામાં અંતરિક્ષ યાત્રા દરમિયાન, નબળા પડેલા હાડકા ઉપર ઝીરો ગ્રેવિટીની શું અસર પડે છે? તેની ચકાસણી કરવી હોય તો હું તૈયાર છું.' હાલ તેમની ઉંમર ૮૪ વર્ષની છે. એડવર્ડ ગિબ્સન સૂર્ય ઉપર સંશોધન કરનાર ભૌતિકશાસ્ત્રી છે.
નાસાએ અંતરિક્ષમાં જનાર અંતરિક્ષયાત્રીઓ માટેનાં પ્રથમ ગ્રુપમાં એડવર્ડ ગિબ્સનની પસંદગી કરી હતી. સ્કાયલેબ ઉપર તેમને રૂટીન મેન્ટેનન્સનું કામ કરવાનું હતું. ૧૯૭૪ના નવા વર્ષની શરૂઆતમાં, સ્કાયલેબના અંતરિક્ષયાત્રીઓ અને નાસાના કમાન્ડ સેન્ટરના લોકો વચ્ચે મતભેદ ઊભો થયો હતો. સ્કાયલેબના અંતરિક્ષયાત્રીઓએ, હડતાળ પાડી એક આખો દિવસ, કંટ્રોલ સેન્ટર સાથેનો સંદેશા વ્યવહાર કાપી નાખ્યો હતો.
મીડિયાવાળા આ ઘટનાને નાસા સામેના બળવા તરીકે ઓળખે છે.નાસાએ સ્કાયલેબને અંતરિક્ષમાં નવ વર્ષ સુધી કાર્યરત રહે તેવું આયોજન કર્યું હતું. પરંતુ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે, સ્કાયલેબનું મિશન એક વર્ષ કરતાં પણ ઓછા ગાળામાં સંકેલાઈ ગયું હતું. સ્કાયલેબને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના નજીકના પૂર્વજ ગણી શકો. સ્કાયલેબમાં વૈજ્ઞાાનિકોને સૂર્ય સંબંધી જાણકારી મળી હતી. સ્કાયલેબ ઉપર લગાડવામાં આવેલ, સોલાર ટેલિસ્કોપનો ઉપયોગ કરી વૈજ્ઞાાનિકોએ અનેક સંશોધન કર્યા હતા.
ડ્વાઇટ સ્ટીવન-બોનીએસ્કી : જ્યારે સ્કાયલેબ તૂટી પડયું
ઓસ્ટ્રેલિયાની એક શાળામાં દસ વર્ષનો વિદ્યાર્થી, એક દિવસ શાળાના પટાંગણમાંથી પસાર થતો હોય છે, તારે જુએ છેકે, પ્રિન્સિપાલની ઓફિસની બહાર એક પોસ્ટર લાગેલું છે. જેમાં સ્કાયલેબ સ્ટેશન દર્શાવવામાં આવ્યું હતું, નીચે લખ્યું હતું- સ્કાયલેબ (અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર) પડી રહ્યું છે.' પોસ્ટર જોતા વિદ્યાર્થીઓને ડર લાગ્યો કે સ્કાયલેબ તેના ઘર ઉપર જ તૂટી નપડે. છેવટે સ્કાયલેબ ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગ અને, હિંદ મહાસાગરમાં તૂટી પડયું ત્યારે, વિદ્યાર્થીના મનમાં ઠસી ગયુંકે 'સ્કાયલેબ નાસાનો નિષ્ફળ ગયેલ પ્રયોગ હતો.
આ વિદ્યાર્થીને વિજ્ઞાાનમાં શરૂઆતથી જ રસ હતો. અમેરિકાએ નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર ઉતાર્યો, તેના છએક મહિના પહેલાં જ આ વિદ્યાર્થીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. વિદ્યાર્થી સમજણો થયો ત્યારથી જ અંતરીક્ષ શોધખોળમાં ખૂબ જ રસ લેતો થયો હતો. કારણકે તેના બાળપણ ઉપર અમેરિકાના એપોલો પ્રોગ્રામના પડછાયા પડેલા હતા. ટીવી અને સાયન્સ ફિક્શન ફિલ્મોથી અભિભૂત થયેલા, વિદ્યાર્થીએ આગળ જતાં, ફિલ્મ અને ટેલિવિઝનનો કોર્સ કરવા માટે ઉત્તર સિડનીની ટેકનિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ અમેરિકા જઈને, ડેનિયલ્સ કેબલવિઝનમાં અનુભવ મેળવવા માટે કામ કર્યું. છેવટે ઓસ્ટ્રેલિયા પાછા ફરીને TCN-9 ચેનલમાં જોડાઈ ગયા. મનોવિજ્ઞાાનમાં માસ્ટર ડિગ્રી મેળવવા, તેમને ફરીવાર અભ્યાસ શરૂ કર્યો.
ડિગ્રી મેળવ્યા પછી, તેમને લાગ્યુંકે 'સેટેલાઈટ ટીવીના વધતાં જતાં ચલણના કારણે, તેમના માટે ફિલ્મ અને ટીવી ક્ષેત્રે સારી તક રહેલ છે.' આમ વિચારી તેઓ યુરોપમાં આવ્યા. અહીં બ્રિટન અને જર્મનીની ટીવી કંપની માટે વિવિધ કાર્યક્રમો બનાવવાનું અને ટીવી શો કરવાનું કામ શરૂ કર્યું. અંતરીક્ષવિજ્ઞાાનનો શોખ હજી અકબંધ હતો.
તેમણે 'લાઈવ ટીવી ફ્રોમ મૂન' નામનું પોતાનું પ્રથમ પુસ્તક લખ્યું. ત્યારબાદ 'લાઈવ ટીવી ફ્રોમ ઓરબીટ' નામનું બીજું પુસ્તક પણ લખ્યું. આ પુસ્તકો માટે તેમને એવોર્ડ પણ મળ્યા. ૧૦ વર્ષની ઉંમરે અંતરિક્ષ વિજ્ઞાાનથી આકર્ષાયેલા આ વ્યક્તિ એટલે : ''ડ્વાઇટ સ્ટીવન-બોનીએસ્કી.'' જે આજે વિશ્વપ્રસિદ્ધ દિગ્દર્શક અને નિર્માતા તરીકે જાણીતો બની ગયો છે.
''સચગ ઓફ સ્કાયલેબ'': વિસરાયેલી જીત
સ્કાયલેબ હવે એક ઇતિહાસ બની ગયું છે. આ ઇતિહાસને જીવંત રાખવા,એક અનોખા માનવીએ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. જેનું નામ છે 'સચગ ઓફ સ્કાયલેબ'. આ ફિલ્મને એક ડઝન જેટલા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. જેના ખરા હકદાર, તેના દિગ્દર્શક - ડ્વાઇટ સ્ટીવન-બોનીએસ્કી' છે. 'લાઈવ ટીવી ફ્રોમ મૂન' નામનું પુસ્તક, લખતી વખતે પહેલી વાર તેઓ અમેરિકાના, સ્કાયલેબ પ્રોગ્રામ વિશે વિગતવાર જાણતા થયા. અહીં સ્કાયલેબ વિશેનો બાળપણનો તેમનો અભિપ્રાય પણ બદલાઈ ગયો. સ્ટીવન-બોનીએસ્કી એક પુસ્તક પ્રકાશન સાથે 'સ્કાયલેબ મિશન' વિશે પુસ્તક લખવાની ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે તેમને લાગ્યું કે સ્કાયલેબ વિશે અને તેના સંશોધન વિશે, કલાકો સુધી ચાલે તેટલા ઓરીજનલ ફૂટેજ ઉપલબ્ધ છે. તેને સંકલિત કરીને, ભવિષ્યની પેઢી માટે તેને જાળવી રાખવા જોઈએ.
આ વિચાર બિંદુ છેવટે, 'સચગ ઓફ સ્કાયલેબ' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ફેરવાઈ ગયું. સ્કાયલેબના અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા ફર્યા, તેની ૪૫ વર્ષગાંઠ નિમિત્તે ફિલ્મને ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનું પ્રિમિયર, યુ.એસ. સ્પેસ એન્ડ રોકેટ સેન્ટર, હન્ટવિલે, અલાબામા ખાતે રાખવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રીમિયરમાં સ્કાયલેબ મિશનના અવકાશયાત્રીઓ, જેક લૌસમા (સ્કાયલેબ ૩) અને એડ ગિબ્સન (સ્કાયલેબ ૪) ખાસ હાજર રહ્યા હતા. મૂવીના બધા કિસ્સાઓમાં વાસ્તવિક મિશન ફૂટેજ બતાવવામાં આવ્યું છે. જર્મન બેન્ડ '૧૦ સેન્ટ' દ્વારા ફિલ્મનું ટાઈટલ સોંગ બનાવવામાં આવ્યું છે. પ્રેક્ષકોમાં લોકપ્રિય થયેલ, આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નાસાના સ્કાયલેબ મિશનના ભવ્ય ભૂતકાળને આવનારી પેઢી માટે સાચવીને રાખશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PJyQ4x
ConversionConversion EmoticonEmoticon