
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- હોસ્પિટલમાં 10 મહિના સુધી કેન્સર સામે ઝઝૂમનારી રિકાકોએ 100 મીટર બટરફ્લાય ઈવેન્ટ 57.77 સેકન્ડમાં પૂરી કરીને ટોકિયો ઓલિમ્પિક માટેની જાપાનની રિલે ટીમમાં સ્થાન મેળવ્યું
'હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનૂંગા
કાલ કે કપાલ પે લિખતા મિટાતા હૂં
ગીત નયા ગાતા હૂં'
જિં દગીમાં આવતા ચડાવ-ઉતાર અને પડકારોની સામે ઘુંટણ ટેકવવાને બદલે ખુમારી સાથે આગળ વધવાની પ્રેરણા આપતાં આ અવિનાશી શબ્દો અનંતમાં વિલીન થયેલા ભારતરત્ન અને કવિહૃદય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના છે. વિઘ્ન અને સંઘર્ષ એ દરેકની જિંદગીનો એક ભાગ છે, તેનાથી જ વ્યક્તિને તેની ખરી ક્ષમતાનો પરિચય થાય છે અને દુનિયાને વધુ એક મિસાલ મળે છે. દરેક સંઘર્ષકથાનો પ્રારંભ તો અચાનક આવી પડેલી સમસ્યાથી થાય છે, પણ તેનો સામનો કરવાના જઝ્બાને આધારે જ તેનો અંત આવે છે. જિંદાદિલીને સહારે ભલભલી વિપદાઓને અવસરમાં પલ્ટી શકાય છે.
જાપાનીઝ સ્વિમર રિકાકો ઈકીએ પણ અસાધારણ ધીરજ અને મક્કમતા સાથે લ્યુકેમિયા કેન્સર જેવી ભયાનક બીમારી સામેના સંઘર્ષમાં સફળતા હાસલ કરી. છેક મોતના દરવાજા સુધી જઈને પાછી ફરેલી રિકાકોએ લ્યુકેમિયા કેન્સરની અત્યંત પીડાદાયક સારવાર બાદ ફરી સ્વિમિંગમાં પુનરાગમન કર્યું હતુ. સદેહે પુનઃજન્મ જેવી અનુભૂતિ સાથે દુનિયાને એક નવી નજરે નિહાળતી જાપાનીઝ સ્વિમરે આખરે ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરીને ઈતિહાસ રચી દીધો છે.
રિકાકોની આ સફળતાનો પડઘો આખી દુનિયામાં પડયો છે કારણ કે, તેની આ સફળતા, માનવીય ક્ષમતાનું સીમાચિહ્ન સમાન છે. તેણે દુનિયાને બતાવ્યું કે, પરિસ્થિતિઓ ભલે તમને અંધકારની ઊંડી ખીણમાં ધકેલી દે પણ આત્મશ્રધ્ધાના દીવાને સહારે તમે ફરી આસમાની અજવાળાને સ્પર્શવાની ક્ષમતા ધરાવો છો. તેના આ જઝ્બાને આજે દુનિયા સલામ કરી રહી છે.
કિશોરાવસ્થામાં જ આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ જગતમાં ખળભળાટ મચાવનારી રિકાકો ઈકીનો જન્મ ૨૧મી સદીના ઉષાકાળે થયો હતો. જાપાનની રાજધાની ટોકિયોમાં જન્મેલી રિકાકોને બાળપણથી જ સ્વિમિંગમાં રસ પડતો. તેમાં ય સ્વાસ્થ્ય અને ભોજન અંગે અત્યંત સજાગ એવી જાપાનીઝ સંસ્કૃતિમાં તે સ્વાભાવિક રીતે રમતગમત તરફ વળી. સ્વિમિંગમાં ફ્રિસ્ટાઈલ અને બટરફ્લાયમાં તેણે મહારત હાંસલ કરવા માટે કમર કસી. આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધાઓ અને તકનિકી રીતે નિષ્ણાત કોચીસની દેખરેખમાં તેની પ્રતિભા ઝડપથી નિખરવા માંડી.
જાપાનમાં બાળપણથી વિશ્વસ્તરની પ્રતિભાને તૈયાર કરવા માટે ચાલતાં સ્પોર્ટ્સ પ્રોગ્રામમાં રિકાકોની પસંદગી કરવામાં આવી. અનુભવી કોચીસના માર્ગદર્શનમાં રિકાકોએ અસાધારણ પ્રતિભાનો પરચો દેખાડતાં ટૂંકા ગાળામાં જ રાષ્ટ્રીય સ્તરે ભારે નામના મેળવી. માત્ર ૧૩ વર્ષની ઊંમરે તે ટોકિયોના સ્વિમિંગ પૂલમાં રાષ્ટ્રીય પ્રતિભાઓને હંફાવતી.
જોકે, તેના કોચીસે તેને વધુ મહેનત કરવાની સલાહ આપી અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ પહેલા કેટલોક સમય તેણે સ્પર્ધાઓમાં ભાગ લેવાને બદલે પોતાની ટેક્નિકને વધુ બહેતર બનાવવામાં સમય પસાર કર્યો.
માત્ર ૧૪ વર્ષની ઊંમરે તેણે વર્લ્ડ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જબરજસ્ત સફળતા હાંસલ કરતાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી લીધું. એક વર્ષની સઘન તાલીમ બાદ ૨૦૧૫માં સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રિકાકોએ બટરફ્લાઈની ૫૦ અને ૧૦૦ મીટરની ઈવેન્ટમાં નવો ચેમ્પિયનશિપ રેકોર્ડ સર્જતાં ગોલ્ડન સિદ્ધિ હાંસલ કરી ખળભળાટ મચાવ્યો.
તેણે આ ઈવેન્ટમાં અમેરિકન-યુરોપીયન સ્વિમરોનો દબદબો ખતમ કરતાં એશિયાને એક દસકા બાદ ટાઈટલ અપાવ્યું હતુ. સફળતાનું પહેલું પગથિયું ચઢયાના અહેસાસ સાથે તેણે મીડિયાને કહ્યું કે, હું આના કરતાં વધુ સારુ પર્ફોમન્સ પ્રેક્ટિસમાં આપું છું. આવનારા દિવસોમાં પણ હું હજુ નવી ક્ષિતિજો સુધી પહોંચીને બતાવીશ.
કુમળી વયે વૈશ્વિક સ્તરની સીમાચિહ્નરુપ સફળતાં હાંસલ કરવા છતાં તેણે તેની પ્રેક્ટિસમાં જરા પણ ઘટાડો ન કર્યો. તેણે હવે દુનિયાના દિગ્ગજ સ્વિમરો સામેની હરિફાઈ માટે પોતાની જાતને તૈયાર કરવાની શરૂ કરી દીધી. આ માટે તે કલાકોના કલાકો સુધી મહેનત કરતી. રિકાકો જાણતી હતી કે, જો દુનિયા કરતાં આગળ નિકળવું હોય તો બીજાઓ કરતાં વધુ મહેનત કરવી પડશે.
આ સૂત્રને તેણે આત્મસાત્ કરી બતાવ્યું. જેના પરિણામે ચંદ્રકોની પ્રાપ્તિ સહજ સાધ્ય બની. આ બધાની વચ્ચે તેણે તેના કોઈ ચંદ્રકને કારકિર્દી અને પ્રેક્ટિસમાં પૂર્ણવિરામ બનવા ન દીધું. જેના કારણે તેની પ્રગતિનો ગ્રાફ ઉત્તરોત્તર વધતો ચાલ્યો.
રિકોકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાનો સિલસિલો જાળવી રાખવાની સાથે ૫૦ મીટર ફ્રિસ્ટાઈલ અને બટરફ્લાય એમ બંને ઈવેન્ટમાં તત્કાલીન વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખીને ખળભળાટ મચાવી દીધો. જાપાનીઝ સ્વિમિંગની આ નાનકડી રાઈઝિંગ સ્ટારે આગામી સમયના સુપરસ્ટારની ઝલક દેખાડી.
તેની સાથે મીડિયાએ તેને જાપાનીઝ સ્વિમિંગની પોસ્ટર ગર્લ તરીકે નવાજી. તેણે ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ અને બટર ફ્લાયમાં નેશનલ રેકોર્ડ નોંધાવતા રેકોર્ડ બૂકમાં અમર સ્થાન મેળવી લીધું. માત્ર ૧૬ વર્ષની ઉંમરે એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ શોર્ટ કોર્સ ચેમ્પિયનશિપની ઈવેન્ટ્સમાં મેડલ્સ હાંસલ કર્યા બાદ તેણે રમતોના મહાકુંભ એવા રિયો ઓલિમ્પિકમાં પણ પ્રભાવશાળી દેખાવ કર્યો.
તેને મેડલ તો ન મળ્યો પણ સ્વિમિંગ વર્લ્ડ આ કિશોરીના પર્ફોમન્સ પર આફરીન પોકારી ઉઠયું. વર્ષ ૨૦૧૭માં જુનિયર સ્વિમિંગમાં ગોલ્ડન હેટ્રિક બાદ તેણે ૨૦૧૮ની જકાર્તા-પાલેમ્બાગ એશિયન ગેમ્સમાં છ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જાપાનની ૧૭ વર્ષીય સ્વિમર રિકાકોને આ સાથે એશિયન ગેમ્સની સર્વશ્રે એથ્લીટ જાહેર કરવામાં આવી હતી.
એશિયન ગેમ્સમાં ધરખમ પર્ફોમન્સ આપનારી રિકાકોની નજર ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપ પર હતી. ત્યાર બાદના વર્ષે તો ઘરઆંગણે ઓલિમ્પિક યોજાવાના હતા. જેના કારણે તેને માત્ર સ્વિમિંગપૂલ જ દેખાતો હતો. તે સખત પ્રેક્ટિસ કરીને દુનિયાના તમામ સ્વિમરોને પાછળ રાખી દેવા માંગતી હતી. આ દરમિયાન જાપાનીઝ સ્વિમિંગ ટીમનો કેમ્પ ઓસ્ટ્રેલિયામાં આયોજીત થયો અને તેમાં રિકાકો પણ સામેલ હતી. જોકે આ કેમ્પ દરમિયાન તેને નબળાઈ અને અશક્તિ લાગવા માંડી. જેના કારણે ટીમના કોચે તેને તત્કાળ જાપાન પાછી મોકલવાનો નિર્ણય લીધો.
ફેબુ્રઆરી, ૨૦૧૯માં સ્વદેશ પરત ફરેલી રિકાકોની મેડિકલ તપાસમાં તેને લ્યુકેમિયા કેન્સર હોવાનું નિદાન થયું. આ રિપોર્ટ તેના માટે વજ્રાઘાત સમાન હતો. તેના કારણે આખા સ્વિમિંગ વર્લ્ડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. વિશ્વની ટોચની સ્વિમરના હાથમાંથી જાણે આયુષ્યની રેખા ભૂંસાતી હોય તેવી પ્રતીતી થવા લાગી હતી. જોકે તેણે હાર ન માની. આ દરમિયાનમાં તેની સારવાર શરૂ થઈ. અત્યંત મુશ્કેલ સારવારમાં પણ રિકાકો હિંમતથી ટકી રહી. હોસ્પિટલમાં ૧૦ મહિના સુધી કેન્સર સામેની લડાઈ લડતી રહેલી રિકાકોને આખી દુનિયાના સ્વિમરો અને રમતવીરોએ સમર્થન આપ્યું અને તેનો જુસ્સો ટકાવી રાખ્યો.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેના માટે રિકવરીની રાહ આસાન નહતી. તેણે ખુબ જ ધીરજ સાથે પોતાની જિંદગીને ફરી ગોઠવવા માંડી. થોડા સમયમાં સ્વસ્થતા મેળવ્યા બાદ તેણે હળવી કસરતો શરુ કરી અને ધીરે ધીરે આગવી ફિટનેસ મેળવી લીધી. ૧૯ મહિના સુધી સ્વિમિંગ પૂલથી દૂર રહ્યા બાદ તેણે ફરી સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું,
ત્યારે ૨૦૨૦નો ઓગસ્ટ મહિનો તેના અંતિમ ચરણમાં હતો. તેને માટે હવે ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૦નું સ્વપ્ન પણ જોવું નિરર્થક હતુ, એટલે તેણે ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરુ કરી. જોકે આ દરમિયાનમાં જ કોરોના મહામારી આખા વિશ્વમાં છવાઈ ગઈ અને ટોકિયો ઓલિમ્પિકને સ્થગિત કરવા પડયા.
આ નિર્ણય વિશ્વભરના રમતવીરો અને આયોજકો માટે હતાશ કરનારો હતો, પણ તેનાથી રિકાકોને સમય મળી ગયો. તેનું ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સ્વપ્ન જાણે જીવંત બની ગયું. તેણે સખત મહેનત કરવા માંડી. આખરે જાપાનની ઓલિમ્પિક ટ્રાયલ્સમાં તેણે મહિલાઓની ૧૦૦ મીટર બટરફ્લાય ઈવેન્ટમાં ૫૭.૭૭ સેકન્ડનો સમય આપ્યો. આ કારણે તે વ્યક્તિગત ઈવેન્ટમાં ક્વોલિફાય ન થઈ શકી, પણ તેણે ૪ બાય ૧૦૦ મીટરની મેડલે રિલેની ટીમમાં સ્થાન મેળવી લીધું. તેના માટે આ સિદ્ધિ સ્વપ્ન સમાન હતી.
ટોકિયો ઓલિમ્પિકની ટિકિટ મેળવતા જ તે ભાવુક બનીને રડી પડી. તેણે કહ્યું કે, થોડા મહિનાઓ અગાઉ મને લાગતું હતુ કે, હું ભાગ્યશાળી છું કે હું આજે જીવતી છું. આજે ફરી મને એવો અહેસાસ થઈ રહ્યો છે. મને લાગતું નહતુ, કે હું ૧૦૦ મીટર પુરા કરી શકીશ, પણ સ્વિમિંગ પૂલમાં ડાઈવ લગાવ્યા બાદ રેસ પુરી થઈ ત્યારે છેક ખબર પડી. હવે તો ટોકિયો ઓલિમ્પિકમાં મેડલ જીત્યે જ છુટકો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uTrIl5
ConversionConversion EmoticonEmoticon