શબ્દોના સાથિયા અને અર્થોનો ઉત્સવ


- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી

- જેની કૃતિ વાંચી ચિત્ત ચકરાવે ચડતું એ હેમિંગ્વેએ બંદૂકથી આત્મહત્યા કરી, દિમાગના ફૂરચેફૂરચા ઉડાડયા હતા. હેમિંગ્વેએ કહેલું કે 'જીવનમાં મૃત્યુ સાવ નક્કામી ચીઝ છે. હું તો જીવન જીવવામાં માનું છું.' સર્જકો થોડા નીમપાગલ હોય છે.

'કાવ્ય એટલે રતિક્રીડા, એ ક્ષણ મળતાં હું બંકો રાજા'

અને એમ કવિતા સર્જાય

કવિરાજાને કવિરાજપદનું ગર્વ થાય,

અભિમાનમાં ઊંચે ચડે,

ફોગટ ફૂલાય ને મોટપમાં મ્હાલે.

ને એવામાં કવિતા કસોટીની એરણ પર ચડે

કવિતાનાં કોઈ છોતરાં કાઢે

લીરે લીરા ઉડાડે

મન વ્યથિત થાય, આકળ વિકળ થાય

ત્યારે રાવજીનાં જ શબ્દોમાં ભાન થાય કે,

'હત્તેરી ! આનાથી તો કવિતા ન લખી હોત તોય સારું'

-ડા. હિમ્મત ભાલોડિયા

દરેક કાર્ય કર્યાનો એક તોષ અને તૃપ્તિ હોય છે. એમાં ય મનગમતાનું મોરપિચ્છ લહેરાય તો તો વાત જ શું પૂછવી ! કહેવાયું છે કે 'સફળ થવા ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો'. ગમતાનો ગુલાલ તમને કંટાળાનો ગુલામ નહીં બનવા દે. એકવિધતાના આકાશમાં મેઘધનુષ ઊગાડશે. સતત વ્યસ્તતામાં નરવી નિરાંત આપશે. પોતીકી પળનો પરિચય પામશો. શોખ બડી નહીં સબસે બડી ચીઝ હૈ. સાહિત્યશોખનો રોગ તો જીવલેણ છે, અમે એ જ અમરત્વ પણ બક્ષે છે.

રમેશ પારેખ કહે છે કે 'મેં કદી પતંગ ઉડાડયો નથી. નાનપણથી જ એ પ્રવૃત્તિમાં કદી રસ પડયો નથી, પરંતુ નાની વયથી તે આજ સુધી મનમાં એક 'બાલીશ' ઈચ્છા બળવત્તર બનતી રહી છે કે પતંગને નહીં, તેને બદલે મારી જાતને દોર બાંધીને ઉડાડવી છે. હસવું નથી આવતું આવી ઈચ્છા પ્રગટ કરતાં- 'આવું તે કાંઈ થાય, ગાંડા !' તેમ કહી શાણપણથી મનને ટપારીયે નથી શકતો. આવું કેમ ન થાય ? તેવી ચેલેંજ હું મારી સામે ફેંકુ છું ! કાવ્યસર્જન  એ જાતને દોર બાંધીને આકાશમાં ઉડાડવાની મથામણ છે કદાચ.'

શબ્દસાક્ષાત્કાર થાય ત્યારે સર્જન થતું હોય છે. 'માગ, માગ, માગે તે આપું' કહીને કલ્પનાદેવી કૃપા વરસાવતા હોય છે. 'તથાસ્તુ'નું તારામંડળ રચાય છે. પછી તો ચાંદનીની ચાદર અને આનંદનું ઓશીકું...  સર્જનનો સંતોષ સર્વશ્રે છે. જેમાં અધધ આનંદનો ઓડકાર છે. માતૃત્વ જેવી જ અનુભૂતિ સાહિત્યસર્જકને થતી હોય છે. પણ આ સર્જનને નવ મહિનાનું બંધન નથી. નવસર્જનમાં નવ વર્ષ પણ થાય અને ૯ મિનિટ પણ થાય. 'ને અવતરણ થતું હોય છે. સમાજની ઉન્નતિમાં વૈજ્ઞાાનિકો જેટલું જ વૈચારિકોનું પણ પ્રદાન છે. એક સંશોધન પાછળ જે ધૈર્ય જોઈએ એટલું જ ધૈર્ય સર્જન માટે જોઈએ. વિશ્વનું સર્જન કરનાર પ્રજાપિતા બ્રહ્માના દર્શન તો નથી કર્યા પણ માટલાંનું સર્જન કરતા પ્રજાપતિને જોયા છે. માટીને ગૂંદીને મખમલ કરતી કુંભારણ અને એને ચાકડે ચડાવતો કુંભાર પીછાં જેવા સ્પર્શથી ઘડો સર્જે છે. ઘડામાંથી ધડો લેવો હોય તો કોઈની પ્યાસ બુઝાવવી પડે. માટલું આખા ઉનાળાને ટક્કર આપે છે. પાણીયારાં નથી રહ્યાં ત્યાં માટલાંનો ભાવ કોણ પૂછે ! આપણે સાત્વિક શીતળતા સામે રેફ્રીજરેટરનું સ્થાપન કરી દીધું છે. આપણું માટી સાથેનું થોડુંઘણું અનુસંધાન હતું એ ય આજે તૂટી ગયું છે. ધોમધખતા ઉનાળામાં ગોળામાંથી પીધેલો એક પ્યાલો સાત જનમની તરસ બુઝાવે છે.  

સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે  ‘The intention that man should be happy is not in the plan of Creation’ એક વિદેશીકૃતિમાં લેખક ભાવકને વાર્તા સંભળાવતો હોય છે. ભાવક વાર્તાથી એવો કંટાળી જાય છે કે લેખકને માથે ખુરશી ફટકારે છે. લેખક મૃત્યુ પામે છે. કોર્ટમાં કેસ ચાલે છે. ભાવક જજને કહે છે કે હું લેખકથી એટલો કંટાળી ગયો હતો કે જો હું આ પગલું ન લેત તો મારું માથું ફાટી જાત અને જજે ભાવકને નિર્દોષ જાહેર કર્યો. ક્યારેક પ્રાસવાદીઓ ત્રાસવાદી બની જતા હોય છે. કવિઓમાં આવી કુટેવ વધારે હોય છે. તાજી અને તરફડતી રચના બોલે એ પહેલા તો શ્રોતા રણછોડ બનવા મજબુર બને છે. કવિશ્રી ચિનુ મોદી કહેતા કે 'મુશાયરામાં તો અમે વિના મૂલ્યે આવીએ છીએ. 'ને જૂના કવિઓની જૂની રચના સાંભળવાનો પુરસ્કાર લઈએ છીએ.'

કાગળ પર શબ્દની પ્રાણપ્રતિા થાય છે ત્યારે મનમાં મહોત્સવ આરંભાય છે. કાચી કુંવારી કલ્પના નયનરમ્ય નવવધુ બની જાય છે. કાગળ પર શબ્દોના સાથિયા પૂરાય ત્યારે કલમના દ્વારે દિવાળી ઉજવાય છે. જાણે અર્થોના આંગણે ઉત્સવ... કલમને ખોળે માથું મુકનાર નર્મદ અને કૉલમના ખોળે કાળજું મુકનાર બક્ષી સુધીના લેખકોએ ભાષાના આ રત્નાકરને સમૃદ્ધ કર્યો છે. કલમને કાન્ડોમ પહેરાવી સોજ્જી સોજ્જી સુફિયાણી વાતો કરનાર લેખક ચિરંજીવ થઈ શકતા નથી. એક સાચી/સારી કૃતિને જન્મ આપવા પ્રસવપીડા વહોરવી પડે છે. રાતનો અજંપો દિવસનું અજવાળું લઈને આવે છે. સર્જનપ્રક્રિયા પૂર્વે અને પછી એમ બંને સ્થિતિમાં અદકેરો આનંદ આવે છે. એટલે જ એને બ્રહ્મસહોદર કહ્યો છે. સર્જનના સમુદ્રમંથનમાંથી માત્ર આનંદનું અમૃત જ નીકળે છે. સર્જનનું કાર્ય સૌથી અઘરું છે. જેમાં હોંશિયાર નાપાસ થઈ શકે અને ઠોઠ અવ્વલ આવી શકે છે. સોશ્યલ મીડિયાને કારણે રાતોરાત ખ્યાત થવાની એષણામાં કાચીપાકી કવિતાનો ઘાણ ઉતરતો રહે છે પણ એમને એક્સ્ટસીની અનુભૂતિ ક્યારેય ન થઈ શકે. જેની કૃતિ વાંચી ચિત્ત ચકરાવે ચડતું એ હેમિંગ્વેએ બંદૂકથી આત્મહત્યા કરી, દિમાગના ફૂરચેફૂરચા ઉડાડયા હતા. હેમિંગ્વેએ કહેલું કે 'જીવનમાં મૃત્યુ સાવ નક્કામી ચીઝ છે. હું તો જીવન જીવવામાં માનું છું.' સર્જકો થોડા નીમપાગલ હોય છે. બોરીસ પાસ્તરનાકની કૃતિ 'ડા. જીવાગો'ને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. એક સમયે એમની એ કૃતિ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો અને એક સમય એ હતો કે આખું વિશ્વ એમને વાંચતું હતું. શબ્દોને કદી સરહદો નડતી નથી.બોરીસે કહ્યું હતું કે 'ક્યારેક એક જ પળના ખ્યાલ માત્રથી હું રણઝણી ઊઠું છું !' વીજળીના ચમકારા જેમ આવેલી એક ક્ષણમાં પણ શબ્દો પરોવી શકાય છે. આવી ક્ષણ સર્જકના જીવનમાં વર્ષો બાદ આવે છે અને આવી ક્ષણથી જ મહાન સર્જનનું અવતરણ થતું હોય છે. 

આવજો...

સફળતા માટે મુશ્કેલ માર્ગ પસંદ કરવો જોઈએ. કઠીન માર્ગ તમને તમારી મંઝિલ સુધી લઇ જશે. સુંદર માર્ગ તો પોતે જ મંઝિલ છે.

-પ્રસૂન જોશી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wxf7W1
Previous
Next Post »