જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લીયા


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- વીસ વર્ષની ઉંમરે તમે સ્વરૂપવાન ન હો, ત્રીસ વર્ષની ઉંમરે તમે બુધ્ધિવાન ન હો, ચાલીસ વર્ષની ઉંમરે તમે ધનવાન ન હો અને પચાસ વર્ષની ઉંમરે તમે કીર્તીવાન ન હો તો જીવનમાં સ્વરૂપવાન, બુધ્ધિમાન, ધનવાન અને કીર્તીવાન બનવાની તમારી વ્યાખ્યા બદલી નાંખો

કો ન્ફ્લીક્ટસ, અનિર્ણાયકતા, નિર્ણય લીધા પછીનો તનાવ અને સામાજિક દબાણો વ્યક્તિમાં કેટલા સ્ટ્રેસ પેદા કરે છે તેની ચર્ચા આપણે કરી ગયા.

આપણા પર આવતા વિવિધ દબાણો આપણને તનાવમાં મૂકે છે. એમાં સૌથી મોટું દબાણ આપણી પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનું હોય છે. આ ત્રણેયમાં થોડો ફેર છે.

ઈચ્છાઓમાં આવે છે, મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની ડીઝાયર (Desire).

આકાંક્ષા એટલે એસ્પીરેશન, Aspiration, અર્થાત્ આજે આપણે જે હાલતમાં જીવીએ છીએ તેમાં કંઈક સુધારો કરવાની કે પ્રગતિ કરવાની ખેવના કે પછી સતત અનુભવાતી જરૂરિયાત.

જ્યારે મહત્વાકાંક્ષા એટલે કે એમ્બીશન (Ambition) અર્થાત્ લાંબા ગાળાનું લક્ષ્યાંક નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એમ નક્કી કરે કે મારે પાયલોટ થવું છે, હાર્ટ સર્જન થવું છે કે પછી મોટી ફેક્ટરી નાંખવી છે, કે ભારતના વડાપ્રધાન બનવું છે તે થઈ મહત્વાકાંક્ષા.

જીવન જીવવા માટે ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ જરૂરી છે. પરંતુ જ્યારે તેનો અતિરેક થાય છે ત્યારે સ્ટ્રેસ વધે છે. દરેક વ્યક્તિ તેને જે જોઈએ તે મેળવીને જ રહે છે. એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી બીજી વાત પણ છે કે બધાંને પોતાની ઈચ્છા મુજબ મળતું નથી.

માણસની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનો કોઈ અંત નથી. એટલે જ જો તમે વાસ્તવવાદી બની તમારી મર્યાદાઓનો સ્વીકાર નહીં કરો તો તમારી પાસે જે નથી એ મેળવવાના પ્રયત્નો તમને સતત સ્ટ્રેસ આપતા જ રહેશે.

જિંદગી બે નિયમ પર ચાલે છે. પહેલો છે સામાન્ય નિયમ અને બીજો છે ખાસ નિયમ. સામાન્ય નિયમ એવું કહે છે કે દરેક વ્યક્તિ આખરે તો એને જે કંઈ જોઈએ છે તે મેળવીને જ રહે છે. બીજો ખાસ નિયમ એવું કહે છે કે દરેક વ્યક્તિ માટે આ સામાન્ય નિયમ અપવાદરૂપ છે.

આ અપવાદને પણ સહર્ષ સ્વીકારવો પડે કારણ જ્યારે આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનો અતિરેક થાય ત્યારે સ્ટ્રેસ વધે છે.

વાત થોડી અટપટી છે. એમાં સત્ય એ છે કે 'અતિ સર્વત્ર વર્જયેત' એટલે કે ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનો અતિરેક ટાળો પણ તમારે જે કંઈ બનવું છે તેનું લક્ષ્ય, ધ્યેય કે ઉદ્દેશ્ય જ ન રાખો તો તમારી જિંદગીનું વહાણ દિશાશૂન્ય બની જશે. અથવા તો જ્યાં નથી પહોંચવું ત્યાં પહોંચી જશે.

જિંદગીમાં કોઈ લક્ષ્યાંક નહી હોય તો પણ સ્ટ્રેસ વધવાનો છે. ક્રીકેટ કોચીંગ કેમ્પમાં જતા બાળકને વિરાટ કોહલી, જયપ્રીત બુમરાહ કે મહેન્દ્રસિંહ ધોની જેવા બનવાનું લક્ષ્યાંક ન હોય તો એને કોચીંગ માટે જવાનો ઉત્સાહ જ નહીં રહે. પરંતુ બીજી એ વાત પણ સાચી છે કે તમે સ્કુલ ટીમમાં સિલેક્ટ ન થાવ પછી નેશનલ ટીમમાં સિલેક્ટ થવાનાં સ્વપ્નાં રાખી અભ્યાસ બગાડીને પણ ક્રીકેટર થવાનું લક્ષ્ય ન રખાય.

એટલે કે તમારા લક્ષ્યની પણ ચોક્કસ અવધિ નક્કી કરવી પડે.

અહી એક દાખલો આપું યુવરાજસીંગનો ૨૦૧૧નો વર્લ્ડકપ જીતાડનાર, એક ઓવરના છ બોલ પર છ છગ્ગા મારનાર યુવરાજસીંગ ૨૦૧૪ની આઈ.પી.એલ. ઓક્શનમાં ૧૪ કરોડ રૂપીયામાં વેચાયો. ત્યાર પછી ૨૦૧૫ની આઈ.પી.એલ.માં સોળ કરોડમાં ેવેચાયો અને ૨૦૧૮ની આઈ.પી.એલ.માં પચાસ લાખમાં પણ તેને કોઈ લેવા તૈયાર ન હતું. યુવરાજે પોતાની મર્યાદા સ્વીકારી ૨૦૧૯ પહેલાં જ તમામ પ્રકારના ક્રીકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

સ્વ. વિજય મરચંટે ક્રીકટરોએ ક્યારે નિવૃત્તિ લેવી એ અંગે ટીપ્પણી કરતાં કહ્યું છે કે ''લોકો કહે કે હવે તો જાવ'' ત્યારે નહીં પણ ''આ તે કંઈ નિવૃત્ત થવાની ઉંમર છે? ત્યારે નિવૃત્ત થવું.''

આ વાત સ્વપ્નસેવી અને મહત્વાકાંક્ષી પ્રત્યેક વ્યક્તિએ યાદ રાખવા જેવી છે.

વીસ વર્ષની ઉંમરે તમે સ્વરૂપવાન ન હોવ. ત્રીસ વર્ષની ઉંમરે તમે બુધ્ધિમાન ન હોય, ચાલીસ વર્ષની ઉંમરે તમે ધનવાન ન હોવ અને પચાસ વર્ષની ઉંમર તમે કીર્તિવાન ન હોવ તો પછી સ્વરૂપવાન, બુધ્ધિમાન, વ્યાખ્યાને તમારે બદલવી પડે અથવા તમારા લક્ષ્યાંકો થોડા નીચા લાવવા પડે.

સાંઈઠ વર્ષની ઉંમરે રેખા કે હેમામાલીની યુવાન અને આકર્ષક દેખાવવા ફીટનેસ અને મેઈકઅપ ચોક્કસ કરી શકે પરંતુ એ કોઈ ફીલ્મની હીરોઈન ક્યારેય ન બની શકે.

મોટીવેશનલ ગુરૂઓનો જ્યાં રાફડો ફાટયો છે. અને બધા જ થીંક એન્ડ ગ્રો રીચ - અર્થાત્ વિચારો અને ધનવાન બનો, કરોડપતિ બનવાના કીમીયાઓની વાતો કરે છે ત્યારે પ્રત્યેક વ્યક્તિએ એક વાત યાદ રાખવી જોઈએ કે માત્ર વિચારવાથી ધનવાન બની જવાતું હોત તો દુનિયામાં ક્યાંય ગરીબી જ ન હોત.

જીવનમાં કંઈક બનવાનો કે સતત ટોચ પર રહેવાની કિંમતો ચૂકવવી પડે છે. જેમાંની એક છે સ્ટ્રેસ. પરંતુ સ્ટ્રેસ સામે લડવામાં કોઈ આકાંક્ષા કે મહત્વાકાંક્ષા જ ન રાખવી એવો ઉપાય શોધવો એક જીવલેણ રોગ સાબિત થઈ શકે છે.

ભગવદ્ ગીતામાં કર્મયોગીને વાત કરતાં કહ્યું છે કે ''કરમ્ણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...'' એટલે કે તમારો અધિકાર કર્મ કરવામાં જ છે. ફળની ઈચ્છા ન રાખવી. આ વિધાન પણ કંઈ બધા માટે સાચું નથી સિવાય કે તમે સાધુ કે સંન્યાસી બની જાવ. અહીં એક સત્યવાત એ છે કે સાધુ કે સન્યાસી પણ એક ચોક્કસ ટારગેટ રાખીને જ જીવતા હોય છે. કોઈને સાધુઓમાં શ્રેષ્ઠ કે ગુરૂપદ મેળવવાની મહત્વાકાંક્ષા હોય છે અને બધાંને મોક્ષ ને ઈશ્વરને કે પછી સ્વર્ગને પામવાની ઈચ્છા, આકાંક્ષા અને મહત્વાકાંક્ષા હોય છે.

અર્થાત્ મહત્વાકાંક્ષા બે ધારી તલવાર છે. એ પૂરી થાય કે અધૂરી રહે તો સમયને ઓળખતાં અને તનાવમુક્ત રહેતાં શીખવું જ પડે.

ન્યુરોગ્રાફ :

આજના સમયમાં તમારી સફળતા અને નિષ્ફળતાનું મુલ્યાંકન થશે. તમે કેટલા સમયમાં શું અને કેટલી માત્રામાં મેળવ્યું તેના પરથી લક્ષ્યાંક હોવું જોઈએ જીતવાનું, પણ દિલ હોવું જોઈએ, જે મળ્યું તે સ્વીકારવાનું... ''જો ખો ગયા ઉસી કો ભૂલાતા ચલા ગયા...''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrCShf
Previous
Next Post »