કઠલાલમાં મિની સિવિલ માટે દોઢ વર્ષથી દબાણો દૂર કરાયા પણ કોઇ ઠેકાણા નથી


કઠલાલ : ખેડા જિલ્લાના તાલુકામથક કઠલાલમાં મિનિ સિવિલ હોસ્પિટલની માગણી તીવ્ર બની છે. દોઢ-બે વરસથી દબાણો દૂર કરી હોસ્પિટલ માટે જગ્યા સંપાદિત કરી દીધી હોવા છતાં હોસ્પિટલ ન બનતા સ્થાનિકો રોષે ભરાયા છે. હોસ્પિટલ સમયસર તૈયાર થઈ ગઈ હોત તો કોરોનાના કપરાકાળમાં તાલુકાના દર્દીઓએ સારવાર માટે નડિયાદ કે અમદાવાદ દોડાદોડ ન કરવી પડત તેવી ફરિયાદ લોકોમુખે સાભળવા મળે છે.

કઠલાલ તાલુકામથકમાં સરકારી દવાખાના પાસેના મેદાનમાં ૩૦ જેટલાં કાચાંપાકાં દબાણો અને  ઝુંપડપટ્ટીઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૯થી આ જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે આ જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. ઘરઆંગણે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલ બનવાની વાતથી કઠલાલવાસીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. જોકે છેલ્લાં બે વરસથી યોગ્ય આયોજન અને નેતૃત્વના અભાવે આ જગ્યા ખાલી પડી રહી છે અને ત્યાં હોસ્પિટલની વાત તો દૂર જગ્યા આખી વેરાન બની છે. તાલુકાવાસીઓના જણાવ્યા પ્રમાણે દબાણો દૂર કરી દીધાં પછી બે વરસ થવા આવ્યા છતાં બાંધકામની એક ઈંટ પણ ચણાઈ નથી. નાનીમોટી બીમારીઓમાં નગરજનોને નગરમાં જ સારી સારવાર મળી રહેશે તેવી આશા ઠગારી નીવડી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે.

તાલુકામાં જાહેર સ્વાસ્થ્ય માટે જાગ્રત નાગરિકોએ સ્થાનિક આગેવાનોને રજૂઆત કરીને આ જગ્યા પર હોસ્પિટલના કામને વેગ અપાવવા અનેક પ્રયાસ કર્યા. તેમના જણાવ્યા પ્રમાણે જો અહીં હોસ્પિટલનું બાંધકામ તરત શરૂ થઈ ગયું હોત તો અત્યારના આ કોરોનાના કપરાકાળમાં આ હોસ્પિટલ તાલુકાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની હોત. 

અત્યારની સ્થિતિમાં કઠલાલવાસી અને તાલુકાભરના નાગરિકોએ  કોરોનાની સારવાર માટે નડિયાદ અથવા અમદાવાદ દોડાદોડ કરવી પડે છે, જે સારવાર તેમને અહીં કઠલાલમાં જ મળી શકી હોત. નાગરિકોએ અવરજવરની હાલાકી વેઠવા સાથે અનેકગણા વધારે પૈસા પણ ખર્ચવા પડતા હોવાની ફરિયાદો ઊઠી છે. સત્તા તરફથી વહેલી તકે કઠલાલમાં સિવિલ હોસ્પિટલના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ તીવ્ર બની છે.

એક ટેન્ડર બહાર પડાયું પણ ટેકનિકલ કારણોથી અટક્યું

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કામગીરી માટે એકવાર ટેન્ડર બહાર પડયું હતું, પણ ટેકનીકલ કારણસર અટકી પડયું હતું.ત્યારબાદ ફરી નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પણ એ પછી કોઈ પ્રક્રિયા થઈ નથી. સ્થાનિક આગેવાનોના જણાવ્યા પ્રમાણે આ માટે તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે. હાલના સંજોગોમાં ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી અને ખેડા જિલ્લા પ્રભારી અંગત રસ લઈને આ કામને બહાલી આપી આગળ ધક્કો મારે તે ખૂબ જરૂરી છે. આ અંગે ધારાસભ્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યા પ્રમાણે અગાઉ પણ અને હમણાં પણ અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RqeXQf
Previous
Next Post »