
નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષથી એક વિધવા વૃદ્ધા આ મહામારી સામે અડીખમ યૌદ્ધાની જેમ લડી રહ્યાં છે. તે વૃદ્ધા છે નડિયાદના સ્મશાનગૃહમાં કોરોના મૃતકોને અગ્નિસંસ્કાર આપતાં તારાબહેન દલિત. તારાબહેન અને તેમનાં સંતાનો છેલ્લા એક વરસથી કોરોનામાં મૃત્યુ પામનારા મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું કામ કરી રહ્યાં છે, પણ તેમના જ શબ્દોમાં કહીએ તોઃ સ્મશાનમાં બિરાજેલા ભૂતનાથદાદા તેમનું રક્ષણ કરે છે. તેમની જ કૃપાથી હજી તેમને કોઈને સંક્રમણ લાગ્યું નથી. આ પરિવારની હિંમત અને હામ જોઈને જેનેરામ રાખે તેને કોણ ચાખે કહેવત સાકાર થતી ભાસે.
નડિયાદના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા બોકડ સ્મશાનગૃહમાં તારાબેન દલિત અને તેમનો પરિવાર છેલ્લાં પચાસેક વરસથી નિવાસી છે. સ્મશાનમાં જ ઘર વસાવીને રહેતો આ પરિવાર પાંચ દાયકાથી સ્મશાનમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું કામ કરી રહ્યો છે. તારાબહેનના પતિ વાડીલાલ દલિત થોડાં વરસ અગાઉ મૃત્યુ પામ્યા બાદ તેઓ જ સ્મશાનમાં મૃતદેહો બાળવાનું કામ સંભાળી રહ્યા છે. તેઓએ જણાવ્યા પ્રમાણે તેમનો દીકરા હિતેશ, રવિ અને ભત્રીજો અનીલ સ્મશાનના કામમાં તેમને મદદ કરતા હોય છે. આશરે ૬૦ વર્ષનાં તારાબહેન ૨૫થી ૩૫ વર્ષના તેમનાં સંતાનો સાથે મળીને સ્મશાનનું કામ એકલે હાથે સંભાળી રહ્યાં છે.
કોરોનાકાળના અનુભવ વર્ણવતાં તેઓ કહે છેઃ છેલ્લા વરસમાં ઓછામાં ઓછાં ૧૦૦૦ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવ્યાં હશે. એમાંય છેલ્લા મહિનાથી તો રોજના ૭થી ૧૦ મૃતકો આવી રહ્યા છે. સરકાર તરફથી પી.પી.ઈ. કિટમાં સજ્જ કરીને મોકલેલા મૃતદેહ સાથે બે સરકારી કર્મચારી મોકલવામાં આવે છે અને કેટલાક પરિવારજન હોય. સરકારી કર્મચારી મૃતદેહ ગોઠવવામાં મદદ કરતા હોય છે, ત્યારબાદ પરિવારજને અગ્નિદાહ આપવા દેવામાં આવે છે. જોકે ઘણીવાર પરિવારજનો અગ્નિદાહ આપી ચાલ્યા જતા હોય છે, ત્યારબાદ મોટાભાગે લાશોને આખી બાળવાનું કામ ઘણું લાંબું ચાલતું હોય છે.ઘણા પરિવારજનો તો અગ્નિદાહ આપ્યા પછી અસ્થિઓ લેવા પણ રોકાતા નથી. હાલના સમયમાં તો અમને જમવા જવાનો સમય પણ મળી નથી રહ્યો.
તારાબહેનના પુત્ર રવિના જણાવ્યા પ્રમાણે મૃતદેહના અગ્નિસંસ્કાર સામે તેમને ૫૦-૧૦૦ રૂપિયાની બક્ષીસ પરિવારજનો તરફથી મળતી હોય છે તે સિવાય કોઈ વિશેષ આર્થિક ચૂકવણી હોતી નથી. દરેક લાશને બાળવા પાછળ દોઢથી બે લારી ભરીને લાકડા બાળવા પડતા હોય છે. કોરોનાનો સમય ખૂબ જ કપરો રહ્યો છે. સવારે સાતથી રાતે ૮ વાગ્યા સુધી સતત મૃતદેહોનો દાહ ચાલતો રહેતો હોય છે. વચ્ચે વચ્ચે સગડી ઠંડી કરવાનો સમય પણ નથી મળતો.
તારાબહેન કહે તે પ્રમાણે તેમના પુત્ર રવિ અને હિતેશ, ભત્રીજો અનીલ સહિત પરિવારના છ જેટલા સભ્યો અહીં સ્મશાનમાં જ રહે છે અને છેલ્લા એક વરસથી કોરોના મૃતકોને અગ્નિદાહ આપવાની કામગીરી કરી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં તો અઠવાડિયે ચાર-પાંચથી વધારે મૃતકો કદી આવ્યા ન હોવાનું પણ તેઓ જણાવે છે. કોરોનાની પહેલી લહેરમાં પણ રોજના ૧-૨થી વધારે મૃતકો નહોતા આવતા. મૃતકોનો આટલો બધો ધસારો આ માર્ચથી જ જોયો છે અને મૃત્યુનો આવો તાંડવનાચ પણ તેઓ જીવનમાં પહેલીવાર જોઈ રહ્યાં છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tlmBcX
ConversionConversion EmoticonEmoticon