- કાપડ બજાર : ઉદયન રસિકભાઈ મોદી
કાપડ બજારમાં કોટન યાર્ન અને કોટન ગ્રે કાપડના ભાવમાં ઘટાડો જોવા મળી રહેલ છે. યાર્ન અને ગ્રે કાપડમાં જે લાવોલાવો પરિસ્થિતિ હતી તેમાં ફેરફાર જોવા મળી રહેલ છે. કાપડ બજારમાં એક પછી એક કારણોના લીધે બજારની દોડ ધીમી થઇ ગયેલ છે. આમાં દેશમાં વધી રહેલ કોરોના લીધે બજારનો માહોલ બગડેલ છે. વધુમાં દેશમાં પાંચ રાજ્યોમાં ચાલી રહેલ ઇલેકશનના લીધે આ રાજ્યોની ખરીદી અટકી જવા પામેલ છે. માર્ચ એન્ડિંગ પતી ગયેલ છે. અને એપ્રિલની શરૂઆત થયેલ છે. પરંતુ એપ્રિલમાં બેંકોની વધારે પડતી રજાઓના લીધે નાણાકીય સાયકલ બગડવાના સંકેત છે. બજારમાં પાછી નાણાભીડ જોવા મળી રહેલ છે.
ગ્રે કાપડ જે કેશ કે RTGS થી વેચાતા હતા તે પાછા ઉધારીમાં વેચાતા થયેલ છે. ઘરાકી ઘટી છે. કોરાના લીધે મુંબઇ, અમદાવાદ અને સુરતના બજારમાં બહારગામથી આવતા વેપારીઓ અટકી ગયેલ છે, અમદાવાદમાં નવ વાગ્યા સુધી વર્કીંગ અવર્સ હોવાના લીધે બજાર સાત વાગે બંધ થતા હોય છે. તેવી જ રીતે મુંબઇમાં મૂળજી જેઠા મારકીટ જે હોલસેઇલ કાપડ બજારનું મુખ્ય બજાર ગણાય તેમાં ખરીદી માટે આવતા વેપારીઓ અટકી ગયેલ છે. જે સુરતના બજારમાં પણ ખરાબ હાલત છે અને સુરતમાં વીવર્સ ફેકટરીઓમાં કામ કરતા કારીગર વર્ગ કોરોના અને ગરમીના લીધે પોતાના વતન પરત થતા પ્રોડકશન ઉપર અસર થવા પામેલ છે. ભીવડીમાં વધારે પડતી ગરમી અને રાજ્યોમાં ચાલતી ચૂંટણીના લીધે કારીગર વર્ગ હીજરત કરી ગયેલ છે. આન ાલીધે ઉત્પાદનને અસર થવા પામેલ છે.
દેશમાં અત્યારે સખત ગરમી ચાલુ થઇ ગયેલ છે. આના લીધે પાવરલુમ ફેકટરીઓ અને મિલો પાસે સમરમાં ચાલતા ઝીણા માલોના પ્રોગ્રામ ચાલુ થઇ ગયેલ છે. તેમાં મલમલ, ફેબ્રિક, પોપલીનના માલોના પ્રોગ્રામ ચાલુ થઇ ગયેલ છે. બજારમાં ગરમીના ચાલતા માલો, સ્કૂલ યુનિફોર્મના કાપડની અને લગ્નસરાના કાપડની ડીમાન્ડ જોવા મળી રહેલ છે. પરંતુ ગયા વર્ષ કરતા આવા માલોની ડીમાન્ડ ૫૦ ટકા જ જોવા મળી રહેલ છે. તેના મુખ્ય કારણમાં કોરોનાના લીધે બજારમાં હોલસેઇલ તેમજ સેમી હોલસેઇલ લેવલે મોટા પાયે ખરીદી થતી નથી.
જો કે કાપડમાં દેશાવર અને લોકલ ચેનલોમાં માલના સ્ટોક ઓછા હોવાના લીધે કાપડના ભાવમાં એકદમ ઘટાડો થતો નથી. વધુમાં કપાસ અને કોટન યાર્નના ભાવોમાં સારા પ્રમાણમાં વધારો થવાના લીધે કાપડ બનાવવાના કોસ્ટિંગ ઉચા ગયેલ છે આના પરિણામે કોટન ગ્રે કાપડના ભાવ વધેલ પરંતુ ગ્રે કાપડના ભાવમાં જેટલો વધારો થયેલ તેની સરખામણીએ ફીનીશ કાપડના ભાવમાં વધારો થયેલ નથી. તેના લીધે ગયા વીકમાં ગ્રે કાપડના ભાવમાં મીટરે રૂ. ૨થી રૂ. ૫નો ઘટાડો જોવા મળી રહેલ છે. અને કોટન યાર્નના ભાવમાં પણ રૂ ૫થી રૂ ૭નો ઘટાડો થયો હતો.
કપાસના ભાવમાં વધારો : કપાસના ભાવ જે ગયા વર્ષે રૂ ૩૮૦૦૦ શંકર ૬ના હતા તે આ વર્ષે રૂ ૪૫૦૦૦ સુધી પહોંચી ગયેલ છે. કલ્યાણ કપાસનો ભાવ રૂ ૨૮૦૦૦થી રૂ ૨૯૦૦૦ સુધી રહેવા પામેલ. જો કે કપાસની ક્વોલીટી નબળી રહેવા પામેલ છે. કપાસની નિકાસ ૭૦ લાખના અંદાજ કરતા વધીને ૭૫ લાખ ગાંસડીનો અંદાજ છે. જો કે કોટન એસોસિએશનનો અંદાજ ૬૦ લાખ ગાંસડીનો છે. કપાસની નિકાસમાં મુખ્ય દેશોમાં બાગ્લાદેશ, ચીન, તુર્કી અને વિયેતનામ છે.
જોબ ચાર્જીસ : ગયા વીકથી ઘટી ગયેલ લેવાલીના લીધે અને દેશમાં પડી રહેલ સખત ગરમીના લીધે જોબ વર્ક ચાર્જીસમાં ઘટાડો જોવા મળી રહેલ છે. ગરમીના લીધે યાર્ન તૂટતું હોવાના લીધે અને અમુક કારખાનામાં ઉપર શેડ પતરા ના હોવાના લીધે જોઇએ તેટલું ઉત્પાદન થતું નથી. વધુમાં દેશમાં ચાલી રહેલ ચૂંટણીના લીધે કારીગરો હીજરત કરી ગયેલ હોવાના લીધે ઉત્પાદન ઘટી જવા પામેલ છે. રેપીયર લૂમના મજૂરી દર ઘટીને ૧૪થી ૧૬ પૈસા અને એરજેટ લૂમના મજૂરી દર ઘટીને ૧૨થી ૧૩ પૈસા થયેલ છે. શૂલ્ઝર લૂમ્સ હવે ગણીગાંઠી જ રહેવા પામેલ છે. તેના કામકાજ ઘણા ઓછા છે.
નાણાભીડ : બજારમાં પાછી નાણાભીડ જોવા મળી રહેલ છે. માર્ચ મહિનામાં નાણાના એડજસ્ટમેન્ટના લીધે અને એપ્રિલમાં બેંકોની વધારે પડતી રજાઓના લીધે નાણાભીડ વધેલ છે. વધુમાં કાપડના વધેલ ભાવોના લીધે કાપડના ધંધામાં વધારે પડતા નાણા રોજબરોજના ધંધા માટે જોઇતા હોય છે. કપાસ અને યાર્નના ભાવ ગયા વર્ષ કરતા ૨૫થી ૩૦ ટકા વધી જતા તેટલા વધારે નાણાની જરૂરિયાત ઉભી થયેલ છે. નાનાવેપારીઓને નાણાભીડ વધારે નડી રહેલ છે.
બજારમાં શરાફી વ્યવહાર ઘણા ઓછા થઇ ગયેલ છે. અને બેંકોની પૂરી લીમીટ વપરાતી થયેલ છે. પ્રોસેસીંગ કારખાનાનોે પણ કલર, કેમીકલ્સ, કોલસો, લીગનાઇટ, એસીટીક એસીડ, પેકીંગ મટીરીયલ્સ, ટ્રાન્સપોર્ટેશન અને મજૂરીના ખર્ચમાં વધારાના લીધે વધારે નાણાની જરૂરિયાત ઉભી થયેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31IZOLS
ConversionConversion EmoticonEmoticon