- કોમોડિટી કરંટ : જયવદન ગાંધી
નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ની શરૂઆતમાં સોના-ચાંદીમાં તેજીનો થોડોક ચમકારો રહેતાં સોનું ૪૫૦૦૦ની સપાટી કુદાવી છે. દેશ-વિદેશમાં કોરોનાનું વધી રહેલું સંક્રમણને લીધે ગમે ત્યારે લોકડાઉન થવાની શક્યતાની સાથે સાથે અમેરિકાના મોટા રાહત પેકેજથી મોંઘવારી વધવાની ભીતિ પણ બજારમાં છે. ગયા ઓગસ્ટમાં સોનાના પ્રતિ ૧૦ ગ્રામે ૫૭૦૦૦ની હાઈસપાટીએથી હાલમાં ૨૨થી ૨૩ ટકા બજાર તુટીને ૪૪૦૦૦થી નીચે જતાં સોનું ઘણું સસ્તુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી કોમોડિટી કરતાં શેરબજારમાં રોકાણકારોનો વર્ગ વધુ દિલચસ્પી દાખવી રહ્યો છે. ટૂંકાગાળામાં શેરબજારમાં ૮૦થી ૯૦ ટકા જેટલું વળતર મળતાં કેટલાય રોકાણકારો કોમોડિટીમાંથી ફંટાઈને શેરબજાર તરફ ગયા છે. જો કે શેરબજારમાં નાણાં ક્યારે પાશેર થઇ જાય અનિશ્ચિત હોવાથી રિસ્ક ફેકટર વધુ છે. છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી વધારે વળતર આ વર્ષ ૨૦૨૧માં રોકાણકારોને થયેલ છે.
કોમોડિટી બજારોમાં સોનુ-ચાંદીની સાથે સાથે કાચાતેલમાં પણ તેજીને જુવાર છે. એગ્રી કોમોડિટીમાં ખાદ્ય તેલો, દાળો, મસાલા તથા અનાજમાં પણ ઉંચા ભાવોને કારણે ખેડૂતોને આ વર્ષે સીઝનમાં નોંધપાત્ર ભાવો મળી રહ્યા છે. સરકાર પણ રેડીમેઇડ એટલે કે રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક કક્ષાના ખાદ્ય પદાર્થોના કારોબાર વધારવા માટે પ્રોત્સાહન માટે વિશેષ યોજના માટે લગભગ ૧૦૯૦૦ કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરી છે. વર્ષ ૨૦૨૧-૨૨ને આધાર વર્ષ ગણીને સરકાર રેડીમેઇડ ખાદ્ય પદાર્થોના બિઝનેશને વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં ૩૦ હજાર કરોડ પણ વધુ થવાનું લક્ષ્યાંક જાહેર કરેલ છે.
બીજી તરફ માર્ચ એન્ડીંગના મીની વેકેશન બાદ રાજ્યના કૃષિ બજારોમાં વિવિધ પાકોનો આવરો નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. સૌથી વધુ કારોબારવાળા જીરૂ, ધાણા, જેવા બજારોમાં વેચવાલીનું પ્રેસર પણ બજારને સતાવી રહ્યું છે. જીરામાં લોકલ તથા વિદેશી ડિમાન્ડ પણ અપેક્ષા મુજબની નહિ હોવાથી હાલમાં માહોલ નરમ છે. ગયા અઠવાડિયે જીરૂ વાયદો પણ નરમ રહેતાં ૧૪૦૦૦ની આસપાસ નીચે જાય તેવી વકી છે. જો કે જીરામાં પાછોતર વાવેતરમાં થયેલા ઉત્પાદનમાં ક્વોલીટી તથા ઉત્પાદનમાં પણ ગાબડાં પડવાની રાવ ઉઠી છે. અપેક્ષિત ઉતારા નહિ હોવાની ચર્ચા છે. જેથી આ વર્ષે સરેરાશ સીત્તેર લાખની આસપાસ સરેરાશ ઉત્પાદન જીરાનું થવાની ધારણા છે.
જીરાના હાજર બજારમાં સરેરાશ ભાવો પ્રતિ મણે ૨૪૦૦થી ૨૭૦૦ની રેન્જમાં છે આ ઉપરાંત એપ્રિલ માસમાં રમજાન હોવાથી આરબ દેશોમાંથી ધારણા પ્રમાણેના વેપાર નહિ થવાની ગણત્રીથી પણ બજારમાં માહોલ નરમ રહે તેમ છે. હળદરમાં સટોડિયા વર્ગ તેજીનો નફો રળી લીધા બાદ નીકળી જઇ હવે જીરા તથા ધાણામાં નજર કેન્દ્રિત કરતાં બંને ચીજોમાં તેજી થવાની શક્યતાઓ વેપારી વર્ગમાં બહુચર્ચિત બની છે. હાલમાં તેલીબીયાંમાં સૌથી વધુ તેજી સોયાબીન તથા એરંડામાં છે. સોયાબીન વાયદો ૮૦૦ના ઉછાળા સાથે વધીને ૬૧૦૦ની સપાટી કુદાવી છે. જ્યારે એરંડા વાયદો પણ ૪૦૦ના ઉછાળા સાથે ૫૦૦૦ની નજીક આવી ગયો છે. ચીનમાં સોયાબીનની સાથે સાથે એરંડાના તેલ દિવેલાની માંગ સારા પ્રમાણમાં છે. જો કે એપ્રિલમાં એરંડાની આવકો હાજર બજારમાં વધવાની ગણત્રીથી મોટી તેજીની કોઈ અપેક્ષા નથી. દેશમાં આ વર્ષે લગભગ ૧૭થી ૧૯ લાખ ટનની આસપાસ એરંડાનું ઉત્પાદન થવાની ધારણા છે.
તેલીબીયામાં મગફળીનું ઉત્પાદન અને ચીનની વધતી જતી માંગ વધતાં તાજેતરમાં જાહેર થયેલા. એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે એપેડાના નવા નિયમોના કારણે અપેક્ષીત નિકાસ નહિ થાય તેવી ધારણા છે. ભારતમાંથી વિયેટનામ જતા માલોમાં કિટકો નીકળતાં નવો ઇસ્યૂ ઉભો થતાં નિયમો આકરા બનતાં નિકાસને ફટકો પડે તેમ છે. ભારતીય સીંગદાણાની સામે આફ્રિકાએ નીચા ભાવે ઓર્ગેનિક સીંગદાણા સપ્લાય કરતાં ભારતીય સીંગદાણાની નિકાસને અવરોધરૂપ થયેલ છે. ગુજરાતમાં આ વર્ષે ૩૨થી ૩૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. હાલમાં મગફળીનો ૫૮૦૦થી ૬૦૦૦ની રેન્જમાં બજાર છે. જો કે મગફળીમાં હજી તેજી થવાની શક્યતાઓને પગલે બજાર આગામી સમયમાં ૬૨૦૦થી ૬૫૦૦ સુધી ઉંચે જાય તેવી ચર્ચા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dA7tl3
ConversionConversion EmoticonEmoticon