
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- થાઇલેન્ડના એક વિસ્તારમાં એેવો બનાવ બની ગયો. એની વિડિયો ક્લીપ સોશ્યલ પર ગણતરીના કલાકોમાં કરોડો લોકોએ જોઇ અને વિસ્મય અનુભવ્યું.
ત મે હોલિવૂડની થ્રીલર ફિલ્મોના ચાહક હો તો તમે ડાઇનોસોર, કરવત જેવા દાંત ધરાવતી શાર્ક માછલીની ફિલ્મ જોઝ, એમેઝોનના જંગલોમાં વસતા અર્ધો ફૂટ જાડા અને ત્રીસ પાંત્રીસ ફૂટ લાંબા અજગરોની ફિલ્મ આનાકોન્ડા વગેરે જોઇ હશે. આવી ફિલ્મોમાં કોમ્પ્યુટરની કમાલ વધુ હોય છે. આજે તો રાક્ષસી કદનાં જાનવરો ક્યાંય જોવા મળતાં નથી. કદાચ એમેઝોનનાં જંગલોમાં વિરાટ કદના અજગર હોઇ શકે કે આફ્રિકાના જંગલમાં કદાવર હાથીઓ હોઇ શકે છે.
પરંતુ વાસ્તવ જીવનમાં આવું સહેલાઇથી બનતું નથી. યૂરોપ અમેરિકાનાં જંગલોમાં ભયાનક જાનવરો વસતા હશે. પરંતુ એશિયાઇ દેશોમાં આવા બનાવો બહુ બનતા નથી. છતાં ક્યારેક ન જોયેલું ન કલ્પેલું બની જાય. ગયા પખવાડિયે થાઇલેન્ડના એક વિસ્તારમાં એેવો બનાવ બની ગયો. એની વિડિયો ક્લીપ સોશ્યલ પર ગણતરીના કલાકોમાં કરોડો લોકોએ જોઇ અને વિસ્મય અનુભવ્યું. શેની હતી એ વિડિયો ક્લીપ ? એ જાણવા જેવું છે. થાઇલેન્ડના નાખોમ પેધમ વિસ્તારમાં એક નિવૃત્ત અધિકારીનો ગ્રોસરી સ્ટોર છે. આપણે ત્યાં ડી માર્ટ, સ્ટાર બજાર વગેરે છે એવો આ ગ્રોસરી સ્ટોર છે જ્યાં રોજબરોજના વપરાશની મોટા ભાગની વસ્તુઓ વાજબી ભાવે મળતી હોય.
આ ગ્રોસરી સ્ટોરમા ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે છ ફૂટ લાંબી અને કદાવર કાયાવાળી એક ગરોળી (લિઝાર્ડ) ક્યાંકથી ધસી આવી. એ ભૂખી હશે. ખોરાકની શોધમાં આવી હશે અને ગ્રોસરી સ્ટોરમાં તૈયાર નાસ્તા અને સોફ્ટ ડ્રીન્ક્સની સુગંધથી એ તરફ આવી ગઇ હશે એમ માનવામાં આવે છે. સામાન્ય રીતે સિનેમા થિયેટરના રૂપેરી પરદા પર જોવા મળે એવી રાક્ષસી કદની ગરોળી જોઇને સ્ટોરમાં હાજર રહેલા લોકો ભયભીત થઇ ગયા. ચીસાચીસ શરૂ થઇ ગઇ. આવું થવું સ્વાભાવિક હતું. થોડા સમય પહેલાં વડોદરામાં વિશ્વામિત્રી નદીના મગરો ધસી આવ્યા હતા એ પ્રસંગ અત્રે યાદ કરવા જેવો છે.
સદ્ભાગ્યે સ્ટોરની એક ચબરાક સેલ્સગર્લે તરત પોલીસને ફોન કર્યો. પોલીસ એ વિસ્તારમાં દોડી આવી. એ પહેલાં પોલીસે વાઇલ્ડ લાઇફ ગ્રુપ અને ઝૂના અધિકારીઓને ફોન કરી દીધો હતો. એટલે એક તરફ પોલીસ અને બીજી બાજુ ઝૂના નિષ્ણાત અધિકારીઓ ત્યાં પહોંચી ગયા. જો કે એ દરમિયાન, લોકોની ચીસાચીસ અને ભાગમભાગને કારણે પેલી ગરોળી પણ થોડી ગભરાણી હશે એટલે એણે પણ જુદા જુદા શેલ્ફ પર દોડાદોડ કરી મૂકી. પોલીસે પહેલાં તો ગ્રાહકોને શાંત કરીને પછી વેટરનરી ડોક્ટરને આગળ વધવાનું કહ્યું.
કાયમ બને છે એમ વેટરનરી ડોક્ટરે ખાસ રાયફલ દ્વારા એને બેહોશ કરવાનું ઇંજેક્શન માર્યું. સામાન્ય રીતે ગરોળીની પીઠ પોલાદ જેવી હોય એટલે પહેલા ઇંજેક્શનથી કશું વળ્યું નહીં. ધીરજ રાખીને ડોક્ટરે બે ત્રણ 'ફાયર' કર્યા ત્યારે એક શોટ કારગત નીવડયો. ગરોળીએ હોશ ગુમાવ્યા. ઝૂ વાળા એને લઇ ગયા.
પાછળથી જાહેર કરાયું કે આ ગરોળી મોનિટર લિઝાર્ડ જાતની હતી. સામાન્ય રીતે એ માણસો પર હુમલો કરતી નથી સિવાય કે માણસ દ્વારા સળી કરવામાં આવે. આવી વિરાટ કદની ગરોળી દક્ષિણ અને અગ્નિ એશિયાના દેશોમાં, ઓસ્ટ્રેલિયામાં અને નૈરૂત્ય પેસિફિક વિસ્તારમાં જોવા મળે છે. એ જાતજાતનાં જીવડાં, કંસારી-વાંદા અને પક્ષીઓનેા શિકાર કરે છે. થાઇલેન્ડના શોપિંગ મોલમાં થોડા કલાકો માટે એ સનસનાટી મચાવી ગઇ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a99zrl
ConversionConversion EmoticonEmoticon