નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી તબીબ ન હોવાની બૂમ


નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના સારવાર સામે સૌથી મોટી યુદ્ધભૂમિ ગણાતી નડિયાદની સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી ડૉકટર જ ન હોવાની બૂમરાણ મચી  છે. જોકે સિવિલના અધિકારીએ રેડિયોલોજિસ્ટ દ્વારા ઓનલાઈન રિપોર્ટ કરાતા હોવાનું જણાવ્યું હતું.

મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિનાથી રેડિયોલોજી ડૉકટર ન હોવાના કારણે ટેકનીશીયન દ્વારા જ કામ ચલાવવામાં આવે છે.  અગાઉ જે ડોક્ટર રેડિયોલોજી તરીકે સિવિલમાં કાર્યરત હતા તેમનો વાર્ષિક બોન્ડ પૂરો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે હાલના ગંભીર કોરોનાકાળમાં પણ સિટિસ્કેન મશીન માત્ર ટેકનીશિયન દ્વારા ચાલી રહ્યું હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે. આ તરફ નડિયાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓને સીટી સ્કેન કરાવવા ફરજ પાડવામાં આવતી હોવાનો આરોપ પણ કેટલાક સ્થાનિક દર્દીઓ કર્યો છે.  સિવિલ હોસ્પિટલમાં માત્ર ટેકનીશીયનથી જ સીટીસ્કેન કરવામાં આવતા દર્દીઓને તકલીફ પડતી હોવાનુ દર્દીઓએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ૨૦ જેટલા સીટીસ્કેન કરવામાં આવે છે. જેનો દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ બાબતે સિવિલના તબીબી અધિકારીના જણાવ્યા પ્રમાણે સિવિલના કોઈ દર્દીને તકલીફ નથી પડી રહી. સીટીસ્કેન મશીનમાં અત્યાધુનિક સગવડ હોય જ  છે. ટેકનીશિયન સિટિસ્કેન કરીને તેની પ્લેટ ઓનલાઈન જોવા માટે રેડિયોલોજિસ્ટને મોકલી આપે છે અને તે ઓનલાઈન રિપોર્ટ મોકલી આપે છે. આ માટે અન્ય રેડિયોલોજિસ્ટ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે, તે ઓનલાઈન રિપોર્ટ કરી આપે છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P2tEby
Previous
Next Post »