રાત્રિ કરફ્યુના અમલ વચ્ચે આણંદ પાલિકાના પૂર્વ પ્રમુખે જાહેરમાં કેક કાપી બર્થ-ડે ઉજવ્યો


આણંદ : આણંદ શહેર સહિત રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણ ખાળવા સાંજના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે પરંતુ આણંદ પાલિકાના પૂર્વપ્રમુખ વિજય પટેલે સાથીદારો સહિત ૪૦ જેટલા લોકો કરીને રાત્રિના ૧૨ના ટકોરે જાહેરમાં કેક કાપી બર્થ-ડેની ઉજવણી કર્યાનો વિડિયો સોશિયલ મિડીયામાં ગઈકાલે થતા સામાન્ય નાગરિકો સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસ સામે રોષ ભભૂકી ઉઠયો છે.

શહેરમાં સાંજના આઠ વાગ્યા બાદ પોલીસ તંત્ર રાત્રિ કરફ્યુનું પાલન કરાવવા દંડો લઈને નીકળી પડે છે તેમજ રાજમાર્ગો પર પસાર થતા સામાન્ય નાગરિકોએ માસ્ક ન પહેર્યું હોય તો નિયમનું પાલન કરાવવા ૧૦૦૦નો દંડ વસુલવામાં આવે છે. આ ઉપરાંત વેપારીઓ જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો કાયદાનો દંડો ઉગામીને કાનુની પગલા લેવામાં આવે છે.

બીજી બાજુ ભાજપના નેતાઓ જ રાજ્ય સરકારના આદેશોનો ભંગ કરે તો પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો નિહાળ્યા કરે છે. આવો જ એક કિસ્સો આણંદ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ માસ્તરના જન્મદિવસની ઉજવણી રાત્રિ કરફ્યુના કડક અમલ વચ્ચે રાત્રે ૧૨ના ટકોરે કરી હોવાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે.

સોશિયલ મિડીયામાં વાઇરલ વિડીયોમાં પૂર્વ પ્રમુખ અને સાથીદારો સહિત ૪૦ જેટલા લોકો ફટાકડા ફોડી કેક કાપીને રાત્રિ કરફ્યુ અને કોવિડની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. પાર્ટીમાં પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ ઉર્ફે ભયલુ અને શ્વેતલ પટેલ ઉર્ફે મેયર તેમજ અન્ય કાર્યકરો હોદ્દેદારો માસ્ક વગર ફરી સરકારના આદેશોને ઘોળી પીને એકબીજાને કેક ખવડાવી રહ્યા હોવાનું વિડિયોમાં દેખાઈ રહ્યું છે.

શહેરમાં વિદ્યાનગર રોડ પર કરફ્યુના અમલ વચ્ચે રાત્રિના ૧૨ વાગ્યે ઉજવાયેલ વર્ષગાંઠની પાર્ટીનો વિડિયો સવારથી સોશિયલ મિડીયામાં વારલ ફરતો થઈ ગયો છે. એકબાજુ સામાન્ય નાગરિકો સામે નાગરિકો સામે કરફ્યુ અને જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા આણંદ ટાઉન પોલીસ જાણે ભાજપના નેતા સામે ઘૂંટણિયે પડી જતી હોય તેમ બનાવના ૧૭ કલાક બાદ પણ નેતાો સામે કોઈ કાર્યવાહી કરી શકી નથી. આમ, શહેરમાં પોલીસની વિભાગની બેધારી નીતિ સામે સામાન્ય નાગરિકોમાં રોષની લાગણી જન્મી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ajSkUe
Previous
Next Post »