લોકડાઉન જેવા એ એકાંતવાસે જ્યારે સાયન્સની દુનિયા અને દુનિયાનું સાયન્સ બદલાવી નાખ્યું!


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- જો ખુદની કંપની ગમાડો અને થોડા શોખ કેળવો તો અનિવાર્ય કામ વિના બહાર નીકળવાના 'ગુરૂત્વાકર્ષણ'નું નિયંત્રણ કરી શકો એ ન્યુટનનો 'સ્થિરતા'નો નિયમ છે!

૧૬ ૬૫. ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજ. હજુ બેક્ટેરિયા થકી પ્લેગ જેવા રોગ થાય એ શોધને જ ૨૦૦ વર્ષની વાર હતી, એવો એ ભૂતકાળ. કોલેજમાં ચાર વર્ષથી એક વિદ્યાર્થી બીએ કરી પછી તેજસ્વી હોવાને લીધે સ્કોલરશિપ મેળવી એમએ કરવાનો હતો. વિજ્ઞાાનને ખાસ સમર્પિત એમએસસી, બીએસસી કે એન્જીનિયરિંગ જેવા ડેડિકેટેડ કોર્સને હજુ વાર હતી. ઇનફેક્ટ, એવા અભ્યાસક્રમોને ડિગ્રીનો પાયો જ એ ત્યારે માત્ર ૨૩ વર્ષના રહેલા સ્ટુડન્ટના નામથી નખાવાનો હતો અને મોડર્ન સાયન્સના તાતશ્રી તરીકે એનું નામ અમર થઈ જવાનું હતું.

હતો મજબૂત જુવાન. તનમન બેઉથી. સ્કૂલમાં એનું બુલીઇંગ કરનાર છોકરાને કુસ્તીમાં ધોબીપછાડ આપી ચૂકેલો જોરાવર. ને ભણવામાં ટોપ રેન્કર. સનડાયલ ને પવનચક્કીના મોડલો બનાવતો જ્યારે હજુ વિજ્ઞાાનમેળાઓનું તો અસ્તિત્વ નહોતું. કેમ્બ્રિજમાં ભણીને સ્કોલરશિપ સુધી અમસ્તો નહોતો પહોંચ્યો. પણ ત્યાં જ એની ધમધમતી જ્ઞાાનસંપાદનયાત્રાને ગ્રહણ લાગ્યું બ્યુબોનિક પ્લેગનું.

આજના કોરોના બાબતે હજુ ઓળખ ને જાણકારી તો મળે છે, અને એમના પ્રમાણમાં હજુ જીવ ઓછા જાય છે. પણ એ વખતના રોગચાળામાં તો હજુ બેક્ટેરિયા-વાઈરસની હાજરીની ઓળખ નહોતી. (રશિયન બોટનિસ્ટ દિમિત્રી ઇવાનોવસ્કીએ ૧૮૯૨માં વાઇરસનું અસ્તિત્વ કુદરતમાં 'શોધી' કાઢ્યું.) પ્લેગ ફાટી નીકળતો એ વધુ ખતરનાક નીવડતો. એક વર્ષમાં એણે ત્યારે 'રાજધાની' લંડનની સાડા ચાર લાખની વસતિમાંથી એક લાખનો ભોગ લીધેલો. સપ્ટેમ્બર ૧૬૬૫માં તો એક જ સપ્તાહમાં ત્યાં ૭,૧૬૫ વ્યક્તિઓ એમાં ગુજરી ગયેલી!

એ હાહાકાર વખતે ય સોલ્યુશન તો એક જ સિમ્પલ હતું. સોશ્યલ નામ અપાયું છે એ ફિઝિકલ ડિસ્ટન્સિંગ. આજે કોવિડમાં સમૃદ્ધ લોકો જેમ ખુલ્લા ફાર્મહાઉસમાં જતા રહે છે, ને એમ રોગચાળા વખતે લોકોને સંપર્ક ટાળી (વાંચો, કાપી) ઘેર બને એટલા એકાંતવાસમાં ઢબૂરાઈ રહેવાની સલાહો અપાતી. ચેપની ચેઈન કાપવાની પેન્ડેમિકમાં આ પધ્ધતિ એવરગ્રીન છે. એટલે એ વખતે કેમ્બ્રિજે એના વિદ્યાર્થીઓને અનિશ્ચિત મુદત માટે ઘેર જવાની રજા આપી દીધી. અને ત્યારે તો ઈન્ટરનેટ પણ નહોતું કે ઓનલાઈન ક્લાસીઝ ચાલે. એટલે એ ૨૩ વર્ષનો જુવાનિયો ઉપડયો ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજથી ૯૬ કિમી દૂર પોતાના ગામે. જેનું નામ હતું વુલરથ્રોપ મેનોર. જ્યાં એ એક વર્ષ માટે ઘેર જ રહેવાનો હતો. ને કોઈ પ્રોફેસરો વિના જાતે જ અભ્યાસ કરવાનો હતો, અને એ એક વર્ષ માનવજાતના જ્ઞાાનવિજ્ઞાાનની આવનારી તવારીખ પલટાવી દેવાનું હતું.

કારણ કે, હવે તો જાણકારોએ જાણી જ લીધું હશે એ યુવાનનું નામ. પછીથી 'સર' થયેલા આઇઝેક ન્યુટન.

ન્યુટનનું આસપાસના જગત વિશેનું કુતૂહલ તો બચપણથી જ શરૂ થઈ ગયેલું. અને ક્યુરિયોસિટી હોય પછી ક્રિએટિવિટી તો આવે જ. નેક્સ્ટ અભ્યાસનું તપ શરૂ થઈ જાય. પણ સતત કોપીબૂક ક્લાસરૂમના ભણતરમાંથી પ્લેગને લીધે ન્યુટનને બ્રેક મળ્યો. બચપણમાં સમજણો થાય એ પહેલાં પિતા ગુજરી ગયેલા, ને માતા એને મૂકી બીજે પરણી ત્રણ સાવકા ભાંડરડાની મા બની વિધવા થયેલી. એટલે ન્યૂટન માટે તો આમ પણ એકલા રહેતા હોવાની નવાઈ નહોતી.

ગામડે મજાનું બાગ ધરાવતું ઘર તો હતું જ. એ સમયે પણ ૮૪ વર્ષનું થવાનું હતું એવા તંદુરસ્ત દેહની ચડતી જુવાની હતી. ઓલમોસ્ટ આજના લોકડાઉન જેવી હાલત હતી. પ્લેગના ડરથી લોકો બહુ બહાર એકબીજાના સંપર્કમાં આવવાનું જ ટાળતા. ને ગામડે તો ખાધાખોરાકી ઘરમેળે મળી જતી હતી. એટલે ન્યુટનના ફળદ્રુપ દિમાગને એ બ્રેક સ્ટડીમાં સ્પીડબ્રેકર બનવાને બદલે સ્પીડરેસર બની ગયો!

ભણવામાં અધૂરા રહેલા ગણિતના અટપટા કોયડાઓ હવે ન્યુટને અચાનક મળેલી નવરાશમાં ઉકેલવાની માથાપચ્ચી શરૂ કરી. અને એ પેપર્સે હવે દરેક સાયન્સ સ્ટુડન્ટ માટે મેથ્સમાં ફરજીયાત ભણવામાં આવતા મોડર્ન કેલ્ક્યુલસ યાને કલનગણિતનો પાયો નાખ્યો, જેના વિના આજની સેટેલાઈટ ટેકનોલોજીની ગૂઢ ગણતરીઓ શક્ય જ નથી!

પછી એણે પ્રિઝમ યાને ત્રિપાશ્વૅ કાચ લીધો હાથમાં ને બેડરૂમમાં દરવાજેથી પ્રકાશનું એક કિરણ જ આવે એવું કાણું પાડીને પ્રકાશનો અભ્યાસ શરૂ કર્યો. જ્યાંથી એની ઓપ્ટિક્સની થિયરીઝ આવી, ને હજુ ય ભણવામાં અડીખમ ન્યુટનનું રંગચક્ર આવ્યું. શ્વેત પ્રકાશનું સાત તરંગલંબાઈ ધરાવતા રંગોમાં વિભાજન જોઈને પછી એણે ખોળી કાઢ્યું કે પ્રકાશનો રંગ એ જ રહે છે, ને રંગીન લાગતી વસ્તુ કોઈ રંગનું ઉત્પાદન નથી કરતી.

એ આખો કલરનો ખેલ લાઈટનો છે. રાતના ઘોર અંધારામાં લાઈટ બંધ કરો તો રંગીન લાગતા સોફા-ટેબલ-રમકડાં-કપડાં બધા એનો રંગ પ્રકાશના અભાવે ગુમાવી દે છે! (હોળીનો પ્રકાશ ને ધુળેટીના રંગો યુ નો!) અને અવકાશ વિજ્ઞાાનમાં ઉપયોગી 'સ્પેક્ટ્રોમીટર' અને 'લેસર' ટેકનોલોજીનો પાયો નખાયો, જે ૧૭૦૪ની એની કિતાબ 'ઓપ્ટિક્સ' પર આધારિત હતો. લેન્સની કામગીરી સમજવા ખુદની જ આંખમાં સોય પણ ભોંકી હતી, જાતે!

અને ન્યુટનના એ ઘરની બારીની બહાર એક વૃક્ષ હતું. જેનું એક 'વારસદાર' આજે ય ત્યાં ઉભું છે પબ્લિક એટ્રેક્શનનું એટેન્શન બનતું. સફરજનનું ઝાડ! યસ, પેલું જગવિખ્યાત એપલ ટ્રી! હવે ત્યાં એના માથે સફરજન પડયું કે નહિ એ વાર્તાનો વિષય છે. પણ ન્યુટનના જ પાછળથી મદદનીશ બનેલા જોન કોન્ડુઈટે લખ્યું છે કે એ સફરજનના બગીચામાં જ ટહેલતા ટહેલતા ન્યુટનને વિચાર આવેલો કે પૃથ્વીમાં એ કયું બળ છે જે સફરજનને ખેેંચે છે, ને પછી વિચાર આગળ વધ્યો કે ચંદ્રને ય એ જ ખેંચી રાખતું હશે?  અને જન્મ થયો ગ્રેવિટી એન્ડ મોશન બાબતે એને અમર બનાવી દેતી અફર થિયરીઓનો! ન્યુટનના ગતિ અને ગુરૂત્વાકર્ષણના નિયમો, જેણે ભૌતિકશાસ્ત્રની દશા અને દિશા બદલાવી નાખી! ફિઝિક્સ જ શું, આજે જેના વિના ભલભલા ધર્મગુરૂઓનો દિવસ ન ઉગે, એવા 'મિકેનિક્સ'ના સાયન્સનું પણ એમાંથી જ ફાઉન્ડેશન રચાયું.

૧૬૮૭માં ન્યુટનની 'પ્રિન્સિપિયા મેથેમેટિકા' બૂક પબ્લિશ થઈ, એ રેસ્ટ ઈઝ હિઝ સ્ટોરી! હિસ્ટ્રીમાં ડાર્વિનની 'ઓરિજીન ઑફ સ્પિશિઝ'ની જેમ અમરત્વ પ્રાપ્ત કરી ચૂકેલા એ પુસ્તકે જ આમ તો એક વખતના યંત્રોનો પાયો નાખીને ઔદ્યોગિક ક્રાંતિથી 'પશ્ચિમ'ની સિકલ બદલાવી નાખી! વજન માટેના લેટિન શબ્દ ગ્રેવિટાઝથી ગ્રેવિટી શબ્દ લઈ આવીને ગુરૂત્વાકર્ષણ, ગતિ ને જડત્વ જેવા સિદ્ધાંતો શોધીને ન્યુટને બ્રહ્માંડના રહસ્ય આડેનો એક મોટો ઘેરો પડદો ખોલી નાખ્યો, જેના પછી બાકીના પડદા ખોલવા માટે આઇન્સ્ટાઈન જેવા મહાન ભેજાંબાજને પગથિયું મળ્યું! પણ એ પુસ્તકના સિદ્ધાંતો ન્યુટનના મગજમાં ઘોળાયા  ૧૬૬૬ના સેલ્ફ લોકડાઉન જેવા 'જનતા કરફ્યુ' દરમિયાનના ઘેર બેઠેલાં એકાંતવાસમાં!

ત્યારે ટીવી, મોબાઈલ, નેટ, ફિલ્મો કશું હતું જ નહિ! એટલે ન્યુટને નવરાંબેઠાં કુદરતને જોવાનું શરૂ કર્યું. ગતિ, વજન, આકાશ, પ્રકાશ... અને એનું ગણિતવિજ્ઞાાન બેસાડવાનું કામ કર્યું. દોઢ વર્ષ અન્ય પ્રલોભનોના અભાવે એકલા એકલા એના માટે ઘરે બેઠાં એટલું તો પ્રોડક્ટિવ બની ગયું કે જ્યારે ૧૯૬૭માં એ કેમ્બ્રિજ પાછો આવ્યો ત્યારે થિયરીઝમાં સજ્જ બનેલો નવો અપગ્રેટેડ ન્યુટન ૨.૦ હતો. 

છ મહિનામાં એ 'ફેલો'' બની ગયો અને બે વર્ષ પછી પ્રોફેસર! મેથ્સ, પ્લેસ, ટાઇમ, મોશન, લાઇટ, કલર્સ, વેઇટ, ફોર્સ, સ્પીડ, કોસ્મોસ, વિઝન - આસપાસના જગતને જોવાની નજર બદલાવી નાખી કાયમ માટે એ દોઢ વર્ષના ન્યુટનના તપસ્વી જેવા એકાંતવાસની જ્ઞાાનસાધનાએ! એણે જ કહેલું ગુરૂત્વાકર્ષણનું રહસ્ય કેમ ઉકેલવું  એ બાબતે ઃ  બાય થિંકિંગ ઓન ઇટ કન્ટીન્યુઅલી ! સતત સખત વિચાર્યા કરીને !

જીનિયસ હેઝ એરાઇવ્ડ. ૧૬૭૧માં યાને પાછા નગરમાં ફર્યાના ચાર વર્ષમાં તો ન્યુટને પેલા લાઇટ ને કલરના વિચારોના આથામાંથી જગતનું પહેલું અરીસાના ઉપયોગવાળું પરંપરાગત કરતા નાનું ટેલીસ્કોપ બનાવ્યું જે મોડર્ન ટેલીસ્કોપનું પિતામહ ગણાય ! દરેક પ્રખર પ્રતિભાવાનની જેમ એને ય એના પરીક્ષણના સત્યો સમાજના અન્ય અસભ્યો ન સમજે એની ચીડ હતી. હોય પણ ખરી. જાતે ને જાતે સેલ્ફ ચેક કરી ૩૬૦ ડિગ્રીએ વિચારી વર્ષો નિઃસ્વાર્થભાવે ખપાવીને વાત રજૂ કરો ને માત્ર ઓપિનિયન કહી કોઈ એના પર કોમેન્ટ કરે એ તેજસ્વી તપસ્યાનું ય અપમાન છે.

રોયલ સોસાયટીમાં એની થિયરી ત્યારે જગતને પચે એવી ન હોઇને ટીકા થઈ. પોતાના સત્યોની ખુમારી અને સજ્જતા વખતે સ્ટબર્ન ન્યુટને વટથી એ છોડી ને પછી મા બીમાર હોઈ ૧૬૭૯માં ફરી ગામડે ગયો ને ત્યાં પાછો એકાંતવાસમાં રહી કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. પોતાની ગણિત અને વિજ્ઞાાનની થિયરીઝ ધાર કાઢીને વધુ તેજ કરી ! અને એ પછી પેલી ઇતિહાસ સર્જનારી ઐતિહાસિક બૂક પ્રિનિસપિયા બહાર પડી !

પછી તો એ સાંસદ થયો. દિવસના ચારેક કલાક જ ઉંઘનાર આઈઝેક ન્યુટને બ્રિટનની ટંકશાળના વડા તરીકે અર્થશાસ્ત્રમાં ય મગજ ખપાવીને ત્યારે ક્રાઈસીસમાં રહેલ બ્રિટિશ કરન્સીને વિશ્વની સૌથી સ્ટેબલ કરન્સી બનાવી દીધી ! રેપ્યુટેશન હવે એવી એની હતી કે જ્યાં એની ટીકા થઇ ત્યાં જ એ રોયલ સોસાયટીનો જ પ્રમુખ બન્યો. એના સ્પષ્ટવક્તા ને જીનિયસોમાં સહજ હોય એવા જીદ્દી સ્વભાવને લીધે એને બાખડવાનું ઘણા સાથે થયા કરતું. પણ એનું પાક્કું હોમવર્ક મક્કમપણે એને આગળ વધારતું ગયું.

અને આજે હાઈરાઈઝ બિલ્ડિંગ હોય કે અવકાશયાત્રા સાગરની ભરતી હોય કે ઉડતું વિમાન, ન્યુટન વિના આ ન્યુ સાયન્સ ન હોત. અને સ્વેચ્છાએ સ્વીકારેલા એકાંતવાસમાં કોઈ અધ્યાપકો વિના મસ્તક ને પુસ્તક, આકૃતિ અને પ્રકૃતિને જોડે રાખી મેળવેલી સ્વ-કેળવણી, સેલ્ફ એજ્યુકેશન વિના આઈઝેક ન્યુટન ન હોત !

આ ૨૦૨૧ના વિમેન્સ ડેએ યુનિસેફના એક્ઝીક્યુટિવ ડાયરેકટર હેનરિટાએ આર્મેનિયા જેવા ઘણા માટે અજાણ્યા દેશની સોળ વરસની છોકરી હસ્મેકને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, એનો ઇન્ટરવ્યૂ કરેલો. હસ્મેકે આર્મેનિયામાં ય યૂથ આઇડિયાનું ઇનામ જીતેલું અને અંગ્રેજીને બદલે એની માતૃભાષામાં બોલેલી એ યુવા સાયન્ટીસ્ટ.

હસ્મેક આર્મેનિયાની પબ્લિક સ્કૂલમાં ભણતી ત્યારે ત્યાં ક્લાસ હતા, લેબ નહિ. પછી એ નવી સારી ગણાતી સ્કૂલમાં ભણવા ગઇ. એમાંથી એને જે ન્યુટનની જેમ સ્પાર્ક યાને ઝબકારો થયો એ 'જેનયુ' (ના જેએનયુ નહિ, જનરેશનનું ટૂંકુ જેન-યુ આપણે બધા)ની ઇન્ટરનેશનલ. કોન્ટેસ્ટમાં પહોંચ્યો.

હસ્મેકને થયું કે ઓનલાન ક્લાસ તો ચાલી શકે, પણ ઓનલાઈન લેબોરેટરી કેવી રીતે ચાલે ? ને કોવિડના કકળાટ વચ્ચે એણે એક છોકરાને ચાર છોકરીની ફ્રેન્ડસની ટીમ બનાવી.અને 'વીઆર કેમિસ્ટ્રીલેબ' બનાવી ! યાને વર્ચ્યુઅલ રિયાલિટી લેબોરેટરી. વીઆર ગીઅર તો મોબાઇલ જોડે ય મળે છે. આંખો પર પહેરવાના ચશ્મા જે તમારી આસપાસ થ્રીડીમાં એવી દુનિયા રચી દે કે તમે એની અંદર બેઠા હો એવું લાગે ! ટેકનોલોજીની આવતીકાલ છે એ.

ઉંમરસહજ મોબાઇલ-એન્ટરટેઇનમેન્ટથી પરીચિત હસ્મેકે પોતાની સ્કૂલ કેમિસ્ટ્રી લેબના રાસાયણિક પ્રયોગોનું વીઆર સોશ્યલ રેકોર્ડિંગ કરી એના ગીઅર (ખાસ ચશ્મા) માટે ફંડ રેઇઝિંગ કરી ગામડાની ગરીબ વિદ્યાર્થિનીઓ સુધી પહોંચાડયું. કારણ કે આપણી જેમ આર્મેનિયામાં ય ઘણી છોકરીઓ સાયન્સ લેતી નથી. પબ્લિક સ્કૂલમાં ભણતા સ્ટુડન્ટસ લોકડાઉનમાં ઘેરબેઠાં ભાષણો જ મીટિંગોના ચોકઠાંમાં સાંભળે એમ નહિ.

આમ વીઆરમાં કોઈ મનોરંજનની જેમ થ્રીડીમાંખુદ ત્યાં ઉભા હોય એમ લેબ એક્સપેરિમેન્ટસ જુએ, મુગ્ધ થાય, અચંબિત થાય અને એમાંથી કશુંક રસપ્રદ શીખે ! આમ જ તો સ્વશિક્ષણ શરૂ થાય ! હસ્મેકે જ કહ્યું એના ઇન્ટરવ્યૂમાં કે કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ બધું ક્લાસરૂમમાં જ નથી. આપણી આસપાસ પણ છે. હું બગીચામાં મારા નાના ભાઈ-બહેનો જોડે રમતા રમતા એનો પરિચય કેળવું છું !'

અને યુનિસેફના ડાયરેકટર હેનરિટાએ કહ્યું કે બી વિથ ચેમ્પિયન્સ. આવનારી આવતીકાલ 'સ્ટેમ'ની છે. સ્ટેમ સેલ્સ નહિ. સ્ટેમ એટલે સાયન્સ, ટેક, એન્જીનીઅરિંગ એન્ડ મેથ્સ ! (કોમર્સને તો ઘણી મોટી શિક્ષણ સંસ્થાઓ જગતમાં કોર્સ નથી ગણતી ! આર્ટને ગણે છે. ન્યુટન પણ ત્યારની આર્ટની યાને ફિલોસોફીની ડિગ્રીમાં જ હતો ને !)યસ મેમ, પણ આજે ઘડી ઘડી ઓનલાઈન-ઓફલાઈન થતા એજ્યુકેશનમાં કેટલાને આ આવતીકાલના 'સ્ટેમ'નું વિઝન છે ? વ્હેર આર ટીચર્સ ફોર ટુમોરો ? રાઇટર્સ ફોર ટુમોરો ? સ્પીકર્સ ફોર ટુમોરો ? લીડર્સ ફોર ટુમોરો ? રીડર્સ ફોર ટુમોરો ?

ઇતિહાસમાં ડૂબકી મારો ગઇ કાલના, પણ આવતીકાલના સપનાનું મોતી શોધવા ! રિચાર્ડ ફેઇનમેનનું પ્રસિદ્ધ ક્વોટ છે 'તમારે વરસ, મહિના કે દિવસ પહેલા ય હતા જ, એવા રહેવાનું જરૂરી નથી. તમે આ જગતમાં છો તમને ખુદને ઘડવા માટે, નિરંતર સ્વઘડતર ! શિક્ષણ એ નથી કે જે ભણો, વાંચો, સાંભળો, જુઓ એ માની લો. શિક્ષણ એ છે કે જે શીખો એમાંથી નવા સવાલો ઉભા કરો, ને વળી જાતે જ નવું શીખો !'

યસ, આજે કોરોનાવિસ્ફોટ ફરી થયો છે. જગતના કોઈ પણ પેન્ડેમિકનો ઇતિહાસ જોશો તો એ વાવાઝોડાની જેમ તરત જતો નથી. એના વેવ્ઝ આવ્યા કરે છે, પછી જોર દવા, વેક્સીન કે કુદરતી રીતે ઢીલું પડે છે. પણ એ માટે જનતા ને જનપ્રતિનિધિઓ બેઉ પાસે વિજ્ઞાાન હોવું જોઇએ. એટલે ડિગ્રી નહિ. ઓપનનેસ ટુ એક્સપ્લોર.

ભલે કાયદાના પાલકો એમના જ ઘડેલા નિયમોને 'ચૂંટણીજીવી' બની ચાતરી જાય, જીંદગી આપણી છે. એડમિશનને એકઝામ એ ફી પ્લસ ફેસિલિટી હશે, એજ્યુકેશન નહિ. કોઈ રેસમાં આપણે પાછળ નથી રહી જવાના. મહત્વ સિચ્યુએશન કરતાં રિએકશનનું છે. કેમ્બ્રિજ છૂટી ગયું હાય હાય કહી ન્યુટને ટપોટપ આસપાસ માણસો મરતા હતા તો ય હૈયે હામ રાખી રોગચાળાના સમયમાં પોતાને રિફાઈન્ડ કરવાનું કામ કર્યું.

એ ફરજીયાત બ્રેક એના તો શું, માનવજાત માટે આશીર્વાદરૂપ નીવડયો. કારણ કે, અકારણ સોશ્યલાઇઝિંગ ને બદલે એકાંતમાં જાત સાથે સંવાદની નિરાંત એણે કેળવી હતી. સમયના વળાંકનો એણે ઉપયોગ કરી લીધો. જે આજે હસ્મેકે કરી લીધો. કોરોના વાઇરસ જ નથી. ટીચર પણ છે. સુપરફિટ અક્ષય કે સચીન પણ હોસ્પિટલમાં જઇ શકે, ત્યારે અનિવાર્ય કે આવક માટે ફરજીયાત ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ભલે ન્યુટન ન બનીએ, પણ ન્યુ અને ટનાટન તો બની શકીશું ! બાકી પડવું જ છે, એને ગુરૂત્વાકર્ષણ મદદ જ કરે છે.

ફાસ્ટ ફોરવર્ડ

'આપણી પ્રજાને સાબુ ને માસ્ક જોડે થોડા ફેવિકોલની ય જરૂર છે !'

(ફન ફોરવર્ડિયું)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mJ2xyz
Previous
Next Post »