
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- સમુદ્રનાં જળની સિંચાઈ યોજનાનો વિચાર જે માણસના દિમાગની ઉપજ હતો એ કાર્લ હોજસનું 84 વર્ષની વયે નિધન થયું, તેમણે એ દિશામાં ક્રાંતિકારી સંશોધનો કર્યા હતાં.
- દરિયાનાં પાણીથી મીઠાં મોલ ઉગાડનારા આ વિજ્ઞાાની કહેતા: પરંપરાગત માન્યતાનો ઢાંચો તોડીને વિચારવાની જરૂર છે. જે અગાઉ ક્યારેય શક્ય ન હતું એ આજેય શક્ય નથી - એવું માનીને ચાલીએ તો સદીઓ આમને આમ વીતી જશે.
એ ક લીટર પાણીમાં ૩૫ ગ્રામ નમક નાખીએ ત્યારે જેવો સ્વાદ આવે એટલું ખારું દરિયાનું પાણી હોય છે. સમુદ્રનું પાણી સરેરાશ બધે જ આટલું ખારું હોવાથી તે પીવાલાયક કે ખેતીલાયક નથી. દરિયાનું પાણી પીવાલાયક કે ખેતીલાયક બની જાય તો દુનિયામાં પાણીની અછતનો કાયમી ઉકેલ જડી જાય. એ ઉકેલ મેળવવા આજે ૨૧મી સદીમાં દરિયાનાં પાણીને પીવાયોગ્ય બનાવવાના અસંખ્ય પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.
દુનિયાનાં ૧૭૭ દેશોમાં નાના-મોટાં ૧૬,૦૦૦ જેટલાં પ્રોજેક્ટ સમુદ્રના ખારાં પાણીને મીઠું બનાવવા માટે ચાલી રહ્યાં છે. એમાંથી ૯-૧૦ કરોડ ક્યૂબિક મીટર ફ્રેશ-વૉટરનો જથ્થો ઉત્પન્ન થઈ રહ્યો છે, પણ દુનિયાની પાણીની જરૂરિયાતના પ્રમાણમાં આ જથ્થો ખૂબ જ ઓછો છે. નવી નવી ટેકનોલોજીની મદદથી દરિયાનું પાણી વપરાશયોગ્ય, પીવાયોગ્ય કે સિંચાઈયોગ્ય બનાવવાની દિશામાં ઝડપભેર સંશોધનો થઈ રહ્યાં છે.
પરંતુ આવા સંશોધનોની દિશા તો ૨૦મી સદીના છેલ્લાં દશકાઓમાં જ ખૂલી ગઈ હતી. સોલાર-પાવર અને દરિયાનાં પાણીની મદદથી ખેતી કરવાનો પ્રોજેક્ટ ૧૯૯૧માં ચાર્લી પેટોન અને ફિલિપ ડેવીસે આદર્યો ત્યારે તેની ભારે ચર્ચા થઈ હતી. સીવૉટર ગ્રીનહાઉસ કન્સેપ્ટના નામથી એને ત્યારે મીડિયામાં પણ સારી એવી પ્રસિદ્ધિ મળી હતી. એટલાન્ટિક મહાસાગરમાં આવેલા કેનેરી ટાપુમાં એ પ્રયોગ થયો હતો. એ પ્રોજેક્ટ દરમિયાન
દરિયાનાં પાણીમાંથી સિંચાઈ યોજનાનો આ સૌપ્રથમ સફળ પ્રયોગ હતો - એવી વ્યાપક માન્યતા છે, પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે. દરિયાનાં પાણીમાંથી સિંચાઈની કલ્પનાને સાકાર કરવાનો યશ મોર્ડનવર્લ્ડમાં ચાર્લ્સ હોજસને મળે છે. ચાર્લી-ફિલિપની જોડીએ સીવૉટર ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ સફળ બનાવ્યો તેના ત્રણ-સાડા ત્રણ દશકા પહેલાં ચાર્લ્સ હોજસે દરિયાનાં ખારાં પાણીમાં સિંચાઈના મૂળિયાં જમાવી દીધાં હતાં.
કાર્લ હોજસનું નામ આજની જનરેશન માટે બિલકુલ અજાણ્યું છે, પણ એ ક્ષેત્રના સંશોધકોમાં ખૂબ જ આદરપાત્ર છે. તેમણે જીવનના છ દશકા દરિયાનાં પાણીમાંથી સિંચાઈ યોજનાને સફળ બનાવવા માટે ખર્ચ્યા હતાં. તેમણે જે પ્રયોગો કર્યા એ દરિયાના પાણીના ઉપયોગ માટે થયેલું ટ્રેન્ડ સેટર વર્ક છે.
કાર્લનો જન્મ ૧૯૩૭માં ટેક્સાસમાં થયો હતો. તેમનો પરિવાર ઘોડાનો તબેલો ધરાવતો હતો. તેમના પિતા ઘોડેસવારીની તાલીમ માટે આખાય ઈલાકામાં જાણીતા હતા. ડૉ. રોબર્ટ ફ્લિન નામના પાડોશીને તેમણે ઘોડેસવારીની તાલીમ આપી હતી. એ વખતે બંને પાડોશીએ ગાઢ દોસ્ત બની ગયા. રોબર્ટ ફ્લિને નોંધ્યું કે નાનકડો કાર્લ પણ પિતાના પગલે તબેલામાં જોતરાઈ ગયો છે. ભણી-ગણીને ડોક્ટર થયેલા રોબર્ટને લાગ્યું કે કાર્લને સારું શિક્ષણ મળવું જોઈએ. આ રીતે તબેલામાં આયખું નીકળશે તો એની આવડત બહાર નહીં આવે.
ડૉ. રોબર્ટ ફ્લિન એ દિવસોમાં ફ્લિન ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા હતા અને એ સંસ્થા પ્રતિભાશાળી સ્ટૂડન્ટ્સને સ્કોલરશીપ આપીને આગળ અભ્યાસનું પ્રોત્સાહન પૂરું પાડતી હતી. રોબર્ટ ફ્લિનના પ્રયાસોથી કાર્લ હોજસને એરિઝોના યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવાની તક મળી.
હોજસ પરિવારમાં ગ્રેજ્યુએટ થનારા કાર્લ પ્રથમ વ્યક્તિ હતા. એ પહેલાં કોઈએ આટલે સુધી ભણવાની જરૂર પડી ન હતી. પરંપરાગત રીતે જ આખો પરિવાર ઘોડાના તબેલાનું કામ કરતો હતો અને એમાંથી જ તેમની રોજગારી ચાલતી હતી, પણ કાર્લે નવો રસ્તો કંડાર્યો. ગ્રેજ્યુએશન પૂરું થયાં પછીય તેમણે અભ્યાસ આગળ વધાર્યો. ઉનાળાનાં વેકેશનમાં ઘરે જવાને બદલે શહેરમાં રોકાઈને બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરીને સંઘર્ષ વેઠયો. મજૂરીમાંથી જે વળતર મળે તેમાંથી કોલેજની ફી ભરાતી અને એમ ડિગ્રી મેળવી.
એરિઝોના યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ મેળવીને ૧૯૫૯માં એટમોસ્ફેરિક ફિઝિક્સમાં સ્પેશિયલાઈઝેશન કર્યું અને યુનિવર્સિટીની જ એટમોસ્ફેરિક ફિઝિક્સ ઈન્સ્ટિટયૂટમાં સુપરવાઈઝર તરીકે કામ મેળવ્યું. એ ઈન્સ્ટિટયૂટમાં તેમને સોલાર એનર્જી રીસર્ચ લેબમાં મહત્વના પ્રોજેક્ટ્સ કરવાની તક મળી.
એ અરસામાં એટમોસ્ફેરિક ફિઝિક્સ એટલે કે વાતાવરણીય ભૌતિકશાસ્ત્રની પાંખો ફેલાઈ રહી હતી. તેમાં નવાં નવાં સંશોધનો માટે મોકળું મેદાન હતું. ગ્લોમલ વોર્મિંગ જેવો શબ્દ અમેરિકામાં કોઈન થવા લાગ્યો હતો અને ક્લાઈમેટ ચેન્જની વ્યાખ્યા હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી, પરંતુ એ ક્ષેત્રમાં સ્ટડીને વેગ આપવામાં આવી રહ્યો હતો.
બરાબર એ જ સમયગાળામાં કાર્લ હોજસને દરિયાનાં પાણીમાંથી સિંચાઈનો વિચાર આવ્યો. દરિયાનાં પાણીમાં વિપુલ માત્રામાં ખારાશ હોવાથી તેનો ઉપયોગ કૃષિમાં થઈ શકે નહીં એવી પરંપરાગત માન્યતા હતી. દરિયાનાં પાણીને પીવાયોગ્ય બનાવી શકાય કે વપરાશયોગ્ય બનાવી શકાય તે કલ્પના દૂર હતી. એ વખતે ૨૪ વર્ષના કાર્લ હોજસે દરિયાનાં ખારાં પાણીમાંથી ખારાશ દૂર કરવાના પ્રયોગો હાથ ધરીને દુનિયા માટે ક્રાંતિકારી સંશોધનની બારી ખોલી આપી.
તેમણે સમુદ્રનાં ખારાં પાણીને મોળું કરવામાં સફળતા મેળવી હતી. તેમની આ પદ્ધતિ રીવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ એટલે કે આર.ઓ.થી પ્રેરિત હતી. ૧૯૫૦-૬૦નાં સમયગાળા દરમિયાન અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીએ જ રીવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. કેલિફોર્નિયા અને ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ પાણીમાંથી દૂષિત પદાર્થો અને ક્ષાર દૂર કરવામાં કામયાબી મેળવી હતી, પણ દરિયાના પાણીને શુદ્ધ કરવાના પ્રયોગમાં જોઈએ એવું પરિણામ મેળવ્યું ન હતું.
કાર્લ હોજસે એ કામ કરી બતાવ્યું. ખારું પાણી એ વખતે પીવાલાયક મીઠું તો ન કરી શકાયું, પણ મોળું કરી શકાયું હતું. એ પાણીનો ઉપયોગ પીવા સિવાય થઈ શકે તેમ હતો. કાર્લ હોજસે દરિયાનાં એ આંશિક શુદ્ધ થયેલાં પાણીને સિંચાઈમાં વાપરવાનો પ્રસ્તાવ મૂક્યો અને એરિઝોના યુનિવર્સિટીએ એ પ્રસ્તાવ માન્ય રાખીને ફંડ ફાળવ્યું. તે સાથે જ દુનિયામાં દરિયાનાં પાણીમાંથી સિંચાઈનો નવો અધ્યાય શરૂ થયો.
કાર્લ હોજસે દરિયાનાં પાણીને શુદ્ધ કરવામાં સોલાર એનર્જીનો ઉપયોગ કર્યો હતો. આવું કરનારી એરિઝોના યુનિવર્સિટી પ્રથમ હતી. સોલાર એનર્જીના પ્રયોગો એ વખતે ઝડપભેર થઈ રહ્યાં હતાં. કાર્લ હોજસે સોલાર સંચાલિત પ્લોરિફાયર ગોઠવીને તેમાંથી શુદ્ધ થયેલું પાણી સિંચાઈમાં વાપરવાની શરૂઆત કરી.
જે વખતે દરિયાનું પાણી સિંચાઈમાં વાપરવાનો વિચાર તેને આવ્યો હતો એ જ વખતે આ પદ્ધતિથી રણમાં હરિયાળી લાવવાનો વિચાર પણ સ્ફૂર્યો હતો. અમેરિકન સંસ્થાઓનું અનુદાન મેળવીને તેમણે ૧૯૬૨માં મેક્સિકો સ્ટેટના અલ્ટરના રણમાં ખેતી શરૂ કરાવી. એ વિસ્તારમાં કાકડી, ચીભડાં, પપૈયા, ટમેટાનો પાક લીધો.
અચ્છા, તેમણે આ પ્રોજેક્ટ દરમિયાન બીજું એક કામ એવુંય કર્યું હતું કે ખારાં પાણીમાં કેવાં પ્રકારના શાકભાજી-ફળો-અનાજ ઉગી શકે તેનું રીસર્ચ કર્યું હતું. એટલિસ્ટ ૧૦-૧૨ ફસલ એવી હતી, જે મોળાં પાણીમાં કે થોડાં ખારાં પાણીમાં પણ સરળતાથી વિકસી શકતી હતી. આવી જાતો એકઠી કરીને તેમણે દરિયાનાં પાણીથી તેનો ઉછેર કરી બતાવ્યો હતો.
પછી તો પ્રોજેક્ટમાં ઘણાં સાથીદારો જોડાયા. લોગ મિલતે ગયે, કારવાઁ બનતાં ગયા! તેમણે ૧૯૭૦ના દશકામાં દુનિયાનો પ્રવાસ કર્યો. વનસ્પતિશાસ્ત્રીઓને મળીને પાણી-વનસ્પતિનાં કોમ્બિનેશનનું વૈવિધ્ય જોયું-જાણ્યું-અનુભવ્યું. ફૂડ પ્રોડક્શનની સ્થિતિ વિશે પણ ઊંડો અભ્યાસ કર્યો. એ પછી તેમને સમજાયું કે દુનિયામાં ભૂખમરો એટલો છે કે દરરોજ લાખો-કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે અને સેંકડો લોકો ભૂખથી મૃત્યુ પામે છે. દરિયાનાં પાણીથી ખેતી થવા માંડે તો અનાજની અછત દૂર થાય. યાદ રહે, ૭૦નાં દશકામાં સંખ્યાબંધ દેશોનો અનાજનો ભંડાર ખાલીખમ હતો.
તેમણે દરિયાનાં પાણીની સિંચાઈ પદ્ધતિને જીવનનું મિશન બનાવવાનો નિર્ધાર કર્યો. રણને લીલુંછમ બનાવવાના હેતુથી તેમણે આવાં જ બીજા પ્રોજેક્ટ્સ હાથ ધર્યાં. એરિઝોના યુનિવર્સિટીએ તેમને એન્વાયર્મેન્ટ રીસર્ચ લેબના ડિરેક્ટર બનાવ્યા. આફ્રિકામાં ભૂખમરો દૂર કરવા માટે ફૂલ નહી તો ફૂલની પાંખડી આપવાનાં વિચારે તેમણે એરિટ્રિયામાં ખારાં પાણીની મદદથી ખેતીનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો. એમાં ૮૦૦ લોકો કામ કરતાં હતા. ૨૦૦૫ સુધી એ પ્રોજેક્ટ ચાલ્યો. ૨૧મી સદીમાં એરિટ્રિયાની સ્થાનિક રાજકીય-સામાજિક સ્થિતિ બદલાઈ ગઈ. વિદેશીઓને શંકાની નજરે જોવાનું શરૂ થયું. ૨૦૦૭માં તેમને પ્રોજેક્ટ બંધ કરવાની ફરજ પડી.
પણ ત્યાં સુધીમાં દરિયાનાં ખારાં પાણીમાંથી મીઠાં મોલ પકવવાનું કામ દુનિયાભરમાં ચાલુ થઈ ગયું હતું. એ દિશામાં ૨૦૧૦ સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ સંશોધનો શરૂ થયા હતા. આ ક્ષેત્રમાં આટલું સદ્ધર કામ કરનારા પ્રથમ વિજ્ઞાાની તરીકે કાર્લ હોજસ દુનિયાભરમાં વિખ્યાત થયા. તે એટલે સુધી કે સંખ્યાબંધ યુનિવર્સિટીમાં તેમણે એડવાઈઝર તરીકે સેવા આપી હતી. ઘણાં ક્લાઈમેટ પ્રોજેક્ટમાં તેમનો અનુભવ કામે લાગ્યો હતો. તેમણે સીવૉટર ફાઉન્ડેશનની સ્થાપના કરીને દરિયાનાં પાણીમાંથી સિંચાઈ યોજના શરૂ કરવાના સંશોધનો અને પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
અમેરિકાના નેશનલ એટમોસ્ફિયર રીસર્ચ સેન્ટરથી લઈને નાસા સહિતની ઘણી સંસ્થાઓએ તેમના જ્ઞાાન અને અનુભવનો લાભ મેળવ્યો હતો. અબુ ધાબી, સાઉદી અરેબિયા, ઈજિપ્ત સહિતના ઘણાં દેશોએ ખારાં પાણીમાંથી પીવાલાયક પાણી બનાવવાના પ્રોજેક્ટ શરૂ કર્યાં તેમાં કાર્લ હોજસના સૂચનો ઉપયોગી સાબિત થયા હતા.
દુનિયાભરના સંખ્યાબંધ સમ્માનો મેળવનારા કાર્લ હોજસનું ગયા સપ્તાહે ૮૪ વર્ષની વયે ૩જી એપ્રિલે અવસાન થયું. દરિયાનાં પાણીથી મીઠાં મોલ ઉગાડનારા આ વિજ્ઞાાની કહેતા: આપણે હજુ પ્રકૃતિને બરાબર ઓળખી શક્યા નથી. પરંપરાગત માન્યતાનો ઢાંચો તોડીને વિચારવાની જરૂર છે. જે અગાઉ ક્યારેય શક્ય ન હતું એ આજેય શક્ય નથી - એવું માનીને ચાલીએ તો સદીઓ આમને આમ વીતી જશે. એના બદલે શક્યતા તલાશવાથી ઘણાં દ્વાર ઉઘડી જાય છે. લખી રાખજો, આજે નહીં તો કાલે ખારો દરિયો જ આપણને સૌને મીઠું પાણી આપતો હશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s1NkK4
ConversionConversion EmoticonEmoticon