વ્યાકરણ, આયુર્વેદ, યંત્રવિજ્ઞાાન અને વિમાનશાસ્ત્રના રચયિતા પ્રાચીન ભારતના બ્રહ્મનિષ્ઠ, તપસ્વી મુનિ ભરદ્વાજ


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- ભગવાન શ્રીરામ સાકેત પધાર્યા તે પછી મુનિરાજ ભરદ્વાજ ભગવાન શ્રીરામના સ્વરૂપના ધ્યાનમાં, એમના ગુણોના ચિંતનમાં અને એમના દિવ્ય ચરિત્રની કથાના શ્રવણમાં જ મગ્ન રહેતા હતા.

દે વગુરુ બૃહસ્પતિના ભાઈ ઉતથ્ય અને તેમની પત્ની મમતા થકી જન્મેલા ભરદ્વાજ મુનિ રામ કથા શ્રવણના રસિક હતા. તે બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય, તપસ્વી અને ભગવાનના પરમ ભક્ત હતા. બ્રહ્માના માનસપુત્ર અંગિરાઋષિના પુત્ર દેવોના ગુરુ બૃહસ્પતિએ તેમના ભાઈ ઉતથ્યની ગર્ભવતી પત્ની મમતામાં ગર્ભાધાન કર્યું હતું. એટલે બૃહસ્પતિને પણ ભરદ્વાજના પિતા દર્શાવવામાં આવે છે. 'ભરદ્વાજ' નામ કેવી રીતે પડયું તેનું સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવ્યું છે. બૃહસ્પતિએ મમતાને કહ્યું હતું- 'આનું ભરણ-પોષણ કર (ભર). આ મારો 'ઔરસ' અને મારા ભાઈનો 'ક્ષેત્રજ' પુત્ર હોવાના કારણે અમારા બન્નેથી જન્મેલો પુત્ર (દ્વાજ) છે. પરંતુ મમતા કે બૃહસ્પતિમાંથી કોઈ તેનું ભરણ-પોષણ કરવા તૈયાર ન થયા. તે તેને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા. મરુદ્ગણોએ તેમને ગ્રહણ કર્યા અને દુષ્યંત- શકુંતલાના પુત્ર ભરતને તે સોંપી દીધા હતા. વેદો, રામાયણ, મહાભારત અને પુરાણોમાં તેમની માહિતી ઉપલબ્ધ છે.

મહર્ષિ ભરદ્વાજ પ્રાચીન ભારતીય ઋષિ હતા. ચરકસંહિતા અનુસાર ભરદ્વાજે ઇન્દ્ર પાસેથી આયુર્વેદનું જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું. ઋક્તંત્ર અનુસાર તે બ્રહ્મા, બૃહસ્પતિ અને ઇન્દ્ર પછી ચોથા વ્યાકરણ પ્રવક્તા હતા. વ્યાકરણનું જ્ઞાાન પણ તેમણે ઇન્દ્ર પાસેથી મેળવ્યું હતું. મહર્ષિ ભૃગુએ તેમને ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો. તમસા નદીના તટ પર ક્રૌંચ પક્ષીના વધ સમયે ભરદ્વાજ જ મહર્ષિ વાલ્મીકિની સાથે જ હતા. આ ઘટના વખતે જ વાલ્મીકિ મુનિના હૃદયમાં રામાયણનો પ્રથમ શ્લોક અને અનુષ્ટુભ્ છંદ સ્ફૂર્યો હતો. વાલ્મીકિ રામાયણ પ્રમાણે ભરદ્વાજ મુનિ મહર્ષિ  વાલ્મીકિના શિષ્ય હતા.

ભરદ્વાજ મુનિએ વ્યાકરણ, આયુર્વેદ સંહિતા, ધનુર્વેદ, રાજનીતિશાસ્ત્ર, યંત્ર સર્વસ્વ, અર્થશાસ્ત્ર, પુરાણ, શિક્ષા વગેરે વિષયો પર અનેક ગ્રંથો લખ્યા છે. પરંતુ અત્યારે માત્ર 'યંત્ર સર્વસ્વ' અને 'શિક્ષા' જ ઉપલબ્ધ છે. વાયુપુરાણ મુજબ તેમણે 'આર્યુવેદ સંહિતા' નામનો ગ્રંથ પણ લખ્યો હતો. જેના આઠ ભાગ કરીને તેમણે તે પોતાના શિષ્યોને શીખવ્યો હતો. ચરકસંહિતા અનુસાર તેમણે આત્રેય પુનર્વસુને 'કાય ચિકિત્સા'નું જ્ઞાાન આપ્યું હતું. ઋગ્વેદના છઠ્ઠા મંડળના દ્રષ્ટા ઋષિ ભરદ્વાજ જ છે. આ મંડળમાં ૭૬૫ મંત્રો છે. અથર્વવેદમાં પણ ભરદ્વાજ ઋષિના ૨૩ મંત્રો છે. વૈદિક ઋષિઓમાં તેમનું સ્થાન ઘણું ઊંચુ છે.

મહર્ષિ ભરદ્વાજ એવા પહેલાં વિમાનશાસ્ત્રી છે. જેમણે મંહર્ષિ અગસ્ત્યના સમયનું વિદ્યુત (વીજળી) જ્ઞાાન અભિવર્ધિન કર્યું. મહર્ષિ ભરદ્વાજે યંત્ર સર્વસ્વમાં તમામ પ્રકારના યંત્રો (મશીન) બનાવવાની રીત અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું વિસ્તૃત વર્ણન કર્યુ છે. એનો એક ભાગ વૈમાનિક શાસ્ત્ર છે. આ ગ્રંથના પહેલા પ્રકરણમાં પ્રાચીન વિજ્ઞાાન વિષયક ૨૫ ગ્રંથોની એક સૂચી પણ આપવામાં આવી છે. જેમાં મુખ્ય છે- અગસ્ત્યકૃત શક્તિસૂત્ર, ઇશ્વર કૃત્ત સૌદામિની કલા, ભરદ્વાજ કૃત અશુબોધિની, યંત્રસર્જસ્વ અને આકાશ શાસ્ત્ર, શાક્ટાયન કૃત વાયુતત્વ પ્રકરણ અને નારદકૃત વૈશ્વાનર તંત્ર, ધૂમ પ્રકરણ વગેરે.

તીર્થરાજ પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમથી થોડેક જ દૂર ભરદ્વાજ મુનિનો આશ્રમ હતો. હજારો બ્રહ્મચારી એમની પાસે વિદ્યા અધ્યયન કરવા આવતા. તેમના સાંનિધ્યમાં રહી યોગ, ઉપાસના, તત્ત્વ અનુસંધાન વગેરે પારમાર્થિક પ્રવૃત્તિ કરી આત્મ-કલ્યાણ પ્રાપ્ત કરતા. ભગવાન શ્રીરામમાં ભરદ્વાજ મુનિનો અનન્ય અનુરાગ હતો. જ્યારે શ્રીરામ વનવાસ ભોગવવા નીકળ્યા ત્યારે પ્રયાગરાજમાં મુનિ ભરદ્વાજના આશ્રમમાં એક રાત્રિ રોકાયા હતા. તે વખતે મુનિએ ભગવાન રામને કહ્યું હતું ' કરમ વચન મન છાડિ છલુ જબ લગિ જનુ ન તુમ્હારા । તબલગિ સુખુ સપનેહુ નહીં. કિએ કોટિ ઉપચાર ।।

જ્યારે ભરત ભગવાન રામને પાછા બોલાવી લેવાના ઉદ્દેશથી ચિત્રકૂટ જતા હતા ત્યારે તે પણ એક રાત્રિ ભરદ્વાજ મુનિના આશ્રમમાં રહ્યા હતા. ભરદ્વાજ મુનિએ એમના તપોબળ અને સિદ્ધિઓના પ્રભાવથી ભરત સાથે આવેલા લાવ-લશ્કર અને રસાલાનું એવું ભવ્ય આતિથ્ય કર્યું હતું કે તે બધા અયોધ્યાવાસીઓ ભારે વિસ્મય પામ્યા હતા. તે વખતે પણ ભરદ્વાજ બોલ્યા હતા. સુનહુ, ભરત હમ ઝૂઠ ન કહહીં । ઉદાસીન તાપસ બન રહહીં ।। સબ સાધન કર સુફલ સુહાવા । લખન રામ સિય દરસનુ પાવા ।

જ્યારે રઘુકુળભૂષણ ભગવાન શ્રીરામ લંકાવિજય કરી પાછા ફર્યા ત્યારે પણ પુષ્પક વિમાનમાંથી ઉતરીને પ્રયાગમાં ભરદ્વાજ મુનિને મળવા ગયા હતા. ભગવાન શ્રીરામ સાકેત પધાર્યા તે પછી મુનિને મળવા ગયા હતા. ભગવાન શ્રીરામ સાકેત પધાર્યા તે પછી મુનિરાજ ભરદ્વાજ ભગવાન શ્રીરામના સ્વરૂપના ધ્યાનમાં, એમના ગુણોના ચિંતનમાં અને એમના દિવ્ય ચરિત્રની કથાના શ્રવણમાં જ મગ્ન રહેતા હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dpYKSE
Previous
Next Post »