પંપાળેલી કાયા ધર્મસાધનામાં બાધક બને છે... કેળવેલી કાયા ધર્મસાધનામાં સહાયક બને છે...


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

રૂ પક કથાઓ ઉપદેશનું એક અગત્યનું અંગ છે. શ્રોતાને- વાચકને બોધ આપવા માટે કલ્પનાની રંગપૂરણી સાથે પ્રયોજાતી આ રૂપક કથાનાં પાત્રોની મૂર્ખતા- અજ્ઞાતા જાણીને ક્ષણભર શ્રોતાને રમૂજ થતી હોય છે પરંતુ એના ઉપનય દ્વારા શ્રોતાને જ્યારે ખબર પડે છે કે એ હાંસીપાત્ર વ્યક્તિ તો હું જ છું ત્યારે એના અંતરાત્માને- એના વિચારજગતને  ચોટ લાગે અને ઘણીવાર તો તે પોતાની એ ખામીમાંથી વિરમી પણ જાય. આથી જ પ્રવચનકારોથી લઈને શાસ્ત્રકારો પણ રૂપકકથાઓનો ઉપયોગ આવશ્યકતાનુસાર કરતા હોય છે.

જેના આધારે આપણી ચિંતનયાત્રા જારી છે તે અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રન્થના સર્જક મહર્ષિ ગ્રન્થના દેહમમત્વત્યાગાધિકારના પાંચમા શ્લોકમાં એક મજાની રૂપકકથા કંઈક આવી પ્રસ્તુત કરે છે ઃ ચતુર્ગતિ નામે નગરમાં કર્મવિપાક નામે રાજા રાજ્ય કરે છે. એના અનેક સેવકોમાં કાયા નામે એક દુષ્ટ સેવક છે. એક દિવસ એ રાજાએ તે દુષ્ટ સેવકને બોલાવીને કહ્યું ઃ ''તારે અમુક જીવને મુશ્કેટાટ બાંધીને નર્કના કેદખાનામાં પૂરી દેવાનો છે. એ માટે કર્મ નામની જે જંઝીરો જોઈએ છે તે તું લેતો જા.'' એ દુષ્ટકાયા નામે સેવક તૈયાર તો થયો. પરંતુ એણે એક ભય દર્શાવ્યો ઃ ''એ જીવ પાસે અનંત શક્તિ છે. સાધના દ્વારા એ શક્તિઓ તે સક્રિય બનાવશે તો હું એને જંજીરોથી જકડી પણ નહિ શકું,'' કર્મવિપાક રાજાએ એનો ઉપાય દર્શાવ્યો ઃ ''ઇન્દ્રિયોરૂપી મદિરાપાત્રમાં તું એને વિષય- કષાયાદિ પાંચ પ્રમાદના દારૂનું એવું આકંઠ પાન કરાવી દે જેકે બેહોશ બનીને એ કંઈ કરી જ નહિ શકે.'' અને... ખરેખર મદહોશ થઈ ગયેલ એ જીવ અનંત શક્તિમાન હોવા છતાં મડદાલની જેમ જંઝીરોથી બંધાવા લાગ્યો.

અહીં સુધીની આ રૂપકકથા સાંભળીએ ત્યારે આપણને અનંતશક્તિમાન એ જીવની મદિરા પાન દ્વારા બેહોશ બની જવાની મૂર્ખતા પર રમૂજ થાય. પરંતુ ગ્રન્થકાર મહર્ષિ જ્યારે રહસ્યસ્ફોટ કરે છે કે એ જીવ એટલે બીજું કોઈ નહિ, તું પોતે જ છે ત્યારે આપણને સચોટ આંચકો આવવો જોઈએ કે 'આત્મકલ્યાણના ક્ષેત્રે હું ક્યાં ગંભીર ભૂલ કરી રહ્યો છું.' ગ્રન્થકાર રૂપકકથાના એ શ્લોકમાં અંતે માર્મિક માર્ગદર્શન આપે છે કે, ''તારે પૂર્વોક્ત મદિરાપાત્રો દ્વારા પેલા ખતરનાક દારૂનું સેવન જ ન કરવું. ઉપરાંત કાયા નામે એ દુષ્ટ સેવકની નબળી કડીનો ઉપયોગ કરી એના દ્વારા જસાધના કરીને તારી અનંત શક્તિ સક્રિય કરવી. કાયાની નબળી કડી એટલે એને જરૂર પૂરતું  ખાન-પાન આપવું આટલું આપીને એને આત્મહિત માટે સંયમમાં સ્થિરકરી દે. તો એ જ તને સહાયક બની જશે.'

ગ્રન્થકારનો આ અંતિમ નિર્દેશ ગતલેખના અમારા એ વિધાનને પુષ્ટિ આપે છે કે જૈન દર્શન દેહની સર્વથા ઉપેક્ષા કરવાનું પણ નથી જણાવતું, તો દેહની આળપંપાળ કરવાનું પણ નથી જણાવતું એ એમ કહે છે કે દેહની ખપ પૂરતી આવશ્યકતા પૂર્ણ કરી એને સંયમમાં- સાધનામાં જોડી દો એને એના દ્વારા વધુમાં વધુ કર્મનિર્ઝરા કરવાનું લક્ષ્ય રાખો.

કાયાની માયા તોડવા અને એને આત્મકલ્યાણના પંથે જોડ્વા છઠ્ઠા શ્લોકમાં ગ્રન્થકાર દેહની પાંચ વિ-લક્ષણતા વિચિત્રતા દર્શાવે છે. એમાંની પ્રથમ વિ-લક્ષણતા આપણે દ્રષ્ટાંત સહિત વિવેચિત કરવાની હોવાથી એને છેલ્લા ક્રમે વિચારીશું. તેઓ કાયાની બીજી વિચિત્રતા એ દર્શાવે છે કે વ્યક્તિ જીવંત હોય તો ય એની કાયાની ભીતરમાં કૃમિ વિગેરે વિદ્યમાન હોય છે અને વ્યક્તિ મૃત્યુ પામે તો તો બે-ચાર દિવસમાં એનું નિશ્ચેષ્ટ શરીર કીડાઓથી ખદબદી ઉઠે છે જે કાયા આ રીતે કૃમિ કીડાઓનું નિવાસસ્થાન છે એ કાયા પર મમત્વ શું ? ત્રીજી અને ચોથી વિચિત્રતા તેઓ એ દર્શાવે છે કે મૃત્યુ પછી આ કાયાના હાલ બે ય રીતે બેહાલ થવાના છે ઃ એનો જો અગ્નિસંસ્કાર ન કરાય તો એ કાગડા-કૂતરા આદિનું ભક્ષ્ય બની જશે અને જો એનો અગ્નિસંસ્કાર કરાય તો એ ભસ્મ થઈ જશે. એનું અસ્તિત્વમાત્ર નહીં રહે. પાંચમી વિલક્ષણતા તેઓ એ જણાવે છે કે શરીર મોહક લાગે છે એનું એકમાત્ર કારણ  એનો બાહ્ય દેખાવ છે બાકી સુંદર ત્વચાની ભીતરમાં તો માંસ- રૂધિર- હાડકા જેવી બિભત્સ અશુચિમય પદાર્થ જ છે. આવા અશુચિમય પદાર્થોના પિંડરૂપ દેહ પર આસક્તિ શા માટે ?

હવે વિચારીએ એમણે દેહની વિ-લક્ષણતામાં પ્રથમ ક્રમે જે દર્શાવી છે તે વાત.એકદમ અસરકારક દલીલ કરતાં ગ્રન્થકાર ફરમાવે છે કે શરીર એવું અશુચિમય છે કે એની સાથે જેટલી સ્વચ્છ- શુદ્ધ ચીજોનો સંપર્ક થાય તે તમામ શરીરના સંસર્ગ બાદ અસ્વચ્છ- અશુદ્ધ બની જાય છે. ઉદાહરણરૂપે, શરીર પર અત્તર લગાવશો તો થોડીવાર પછી એ દુર્ગંધી પરસેવારૂપે વિ-પરિણામ પામી જશે જે અત્તર બોટલમાં દિવસો- મહિનાઓ સુધી યથાવત્ સુગંધી રહ્યું હતું એ જ અત્તર શરીરના સંપર્કથી ચંદ ક્ષણોમાં એમાં કારણ ચોક્કસપણે દેહના અશુચિમયતા જ છે. એક ઓર ઉદાહરણ જોઈએ. કબાટમાં મુકાયેલ સ્વચ્છ- ઇસ્ત્રીટાઇટ વસ્ત્રો એ અવસ્થામાં દિવસો પર્યંત ટકી રહે પરંતુ એ જ વસ્ત્રો જ્યારે પરિધાનરૂપ ેશરીરના સંપર્કમાં આવે છે ત્યારે એકાદ બે દિવસમાં મલિન- પ્રસ્વેદ દુર્ગંધી બની જતા વાર નથી લાગતી. કોનો આ પ્રતાપ ? કહેવું જ જોઈશે કે શરીરની આ અશુચિમયતાનો ખબર છે શરીરની આ અશુચિમયતા પર ધારદાર કટાક્ષ કરતી પેલી રમૂજકથા ?

(ક્રમશઃ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uOlKle
Previous
Next Post »