- તમે ભૂદેવ છો - એટલે રસોઈનું કામ તમને આવડતું જ હોય, રસોઈ બનાવી શકશો?
- બાપુ, આપને પાંચ કીલો ગાંઠીયા બનાવવા છે ને તો સાંભળો: પહેલા તો એક મણ ચણાનો લોટ જોઈશે?'' પાંચ કીલો ગાંઠીયા માટે એક મણ ચણાનો લોટનું સાંભળી અમરજી દીવાન ચમક્યા
જુ નાગઢના નવાબના એક દિવાન. એટલે કે વજીર. અમરજી દિવાન એમનું નામ. ખુબ બાહોશ અને મુત્સદી. નવાબ તો બિચારા ભગવાનનું માણસ. આખો દિવસ ભક્તિમાં ડુબેલા રહેતા. પણ રાજ્યનું બધુ ધ્યાન આ દિવાન રાખે. ચારે બાજુ 'અમરજી-અમરજી' થઈ ગયેલું. એક દિવસ બપોરે અમરજી દિવાન ઘેર જમવા આવ્યા. જમી પરવારીને હિંચકા ઉપર બેસી સોપારી ચાવતા હતા કે તેમના ધર્મ પત્ની ઓશરીમાં આવ્યા, એટલે અમરજી સમજી ગયા કે ગોરાણીને કાંઈક કામ લાગે છે, એટલે એમણે પુછ્યું ''શું કાંઈ કામ હતું?'' કુંવર બેન કહે ''આપ જુનાગઢ રાજ્યના મોટા હાકેમ છો.'' આખા રાજમહેલમાં આપનું કહ્યું થાય છે.
આટલા મોટા વજીર દિવાન થઈ પિયરના મારા ભાઈને કાંઈ કામ ઉપર ના રાખી શકો? એ બિચારાનું મારા વગર કોણ છે? અમરજી ચમક્યા, કહ્યું ''તમારા સગા બે ભાઈઓને તો મહેલમાં સારી જગાએ રાખી લીધા છે.
હવે બીજો કયો ભાઈ પાક્યો?'' કુંવરબેન કહે ''મારા ગામના બ્રાહ્મણનો દિકરો છે મને 'બેન બેન' કહ્યા કરે છે. ગાંગજી એનું નામ. કામ ધંધા વિનાનો છે એને ક્યાંક ગોઠવો તો તે અંતરથી આશિષ આપશે. અમરજી કહે ''સારૂં, બોલાવી લાવજે તો કુંવરે તરત બાજુના રૂમમાં સાદ કરીને ગાંગજીને બોલાવી લીધો. અમરજી હસ્યા: એમને થયું આ તો બધું પહેલેથી જ નક્કી હતું ખરૂંને? ગાંગજી આવ્યો. જાડુ-તગડુ શરીર, માથે મોટી ચોટી, કપાળમાં ત્રિપુંડ.
એણે આવીને અમરજીને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું 'બનેવી સાહેબ, તમે તો સમર્થ છો. મને મારા જેવું કાંઈક કામ અપાવશો તો મારો રોટલાનો અને ઓટલાનો પ્રશ્ન ઉકલી જશે. બ્રાહ્મણનો દીકરો છું આપને આશિષ દઈશ. અમરજી એને વેધક નજરે જોતા બોલ્યા, ''મહારાજ, શું કામ કરી શકશો?'' ગાંગજી કહે ''આપ જે બતાવશો એ કરીશ. બાપુના અને આપના ટાપાટુંપા કરીશ. હુક્કો ભરી દઈશ.
વીંઝણો નાખીશ, જે બતાવશો એ કરીશ.'' અમરજી કહે 'તમે તો મારા સાળા નીકળ્યા, તમને એવા ચાકર જેવા કામ બતાવાય નહિ. પણ તમે ભૂદેવ છો - એટલે રસોઈનું કામ તમને આવડતું જ હોય, રસોઈ બનાવી શકશો?'' હવે ગાંગજી મહારાજે તો જિંદગીભર ચુલાને હાથ લગાડયો જ નહોતો, છતાં નોકરી મેળવવાની લ્હાયમાં બોલી ઉઠયો: ''બાપુ, રસોઈ બનાવવા માટે તો હું આખા પંથકમાં પ્રખ્યાત છું. બોલો આપને શું બનાવી દઉં? અમરજી મનમાં કહે: 'હવે આની પરિક્ષા કરવી પડશે.'' એટલે એમણે ગાંગજીને કહ્યું, ''મહારાજ, ધારો કે પાંચ કિલો ગાંઠિયા બનાવરાવવા છે તો કેટલી સામગ્રી જોઈએ?'' ગાંગજીને થયું ''માર્યા ઠાર'' હવે જીંદગીમાં કડછીને હાથ નથી લગાડયો ત્યાં પાંચ કીલો ગાંઠિયા કેવી રીતે બનાવવા? પણ એને તો નોકરીએ રહ્યા વગર ચાલે એવું ન્હોતું, એટલે એ તો હીંચકાની પાસે જ પલાંઠી વાળી બેસી ગયો અને જાણકાર રસોયાની માફક કહેવા લાગ્યો કે ''બાપુ, આપને પાંચ કીલો ગાંઠીયા બનાવવા છે ને તો સાંભળો: પહેલા તો એક મણ ચણાનો લોટ જોઈશે?'' પાંચ કીલો ગાંઠીયા માટે એક મણ ચણાનો લોટનું સાંભળી અમરજી દીવાન ચમક્યા. એમણે કહ્યું ''પાંચ કિલો ગાંઠિયામાં પણ આટાનો લોટ?'' તો ગંગાજી ઠાવકું મોં રાખી બોલ્યો કે ''બાપુ, આ તો ગાંગજી મહારાજના ગાંઠીયા, નહીં કે રેંજી પેંજીના!'' અમરજી હસ્યા, પછી કહે, 'ચાલ, એક મણ ચણાનો લોટ આપ્યો, પછી?'' ગાંગજી કહે ''દિવાન સાહેબ, પાંચ મણ લાકડાં જોઈશે.'' અમરજી ફરી ભડક્યા. બોલ્યા, ''અલ્યા બામણ, એક બે નહિ અને પાંચ મણ લાકડાં?'' તો ગાંગજી કહે ''બાપુ, આ તો ગાંગજી મહેતાના ગાંઠિયા, આલ્યા માલ્યાના નહીં!'' દિવાન સાહેબ સમજી ગયા કે આ ગપ્પા જ મારે છે છતાં તેમણે વધુ પરિક્ષા કરતા કહ્યું ''જા, પાંચ મણ લાકડા આપ્યા - પછી?'' ગાંગજી કહે ''બાપુ હવે ત્રણ ડબ્બા તેલના જોશે.''
સાંભળીને કુંવરબેન પણ ભડક્યા. અમરજી કહે જા, ત્રણ ડબ્બા તેલ આપ્યું. પણ હવે તારી ગાંઠીયા બનાવવાની રીત તો બતાવ. ગાંગજીને થયું કે અમરજી દિવાનને હવે રીત બતાવવી પડશે એટલે કહ્યું કે દિવાન સાહેબ: હું પણ ચણાના લોટને પાણીથી નહિ પણ તેલથી કણક બાંધીશ. ગુંદી ગુંદીને ચણાના લોટની કણક આખા એક ડબ્બાથી બાંધીશ. એટલે ચણાના લોટની કણક મૂલાયમ માખણ જેવી બની જશે. પછી પિંડ વાળીશ. અમરજી કહે: 'પછી?' ગાંગજી કહે પછી તાવડામાં બે ડબ્બા તેલ ખાલી કરીશ અને નીચે પાંચ મણ લાકડાનો અગ્નિ પ્રગટાવીશ - એ તાવડાનું તેલ બળતું બળતું દસેક કીલો જેટલું રહેશે, એટલે એમાં ગાંઠિયા વણી વણીને નાંખીશ. એ તૈયાર થયેલા ગાંઠિયા આપ ચાખશો તો મોંમા મુક્યા ભેગા ઓગળી જશે. આ તો ગાંગજી મહારાજના ગાંઠિયા. નહી કે આલ્યા માલીયાના. અત્યાર સુધી શાંતિથી ગાંગજીના ગપ્પા સાંભળી રહેલા અમરજી દિવાનનો પિત્તો ગયો.
એમણે રાતી આંખ કરી, આંખ ફેરવી કહ્યું, ''અલ્યા, બામણ, સાચું બોલજે હોં. તારા આખા કુટુંબમાં કોઈએ કદી કડછો અને તાવડો જોયો છે? કોઈ દિવસ રસોઈ બનાવી છે? તેં ક્યારેય તાવીથો હાથમાં ઝાલ્યો છે? સાચું બોલજે હોં નહિતર નોકરીએ રાખવાની વાત તો એક બાજુ રહી પણ જેલમાં પુરીશ. તેં કોઈ દિવસ ગાંઠિયા બનાવ્યા છે?''
ગાંગજી મહારાજના પગ ધુ્રજવા લાગ્યા. તે અમરજી દિવાનના પગમાં પડી ગયો અને બોલ્યો: ''ના, બાપુ મેં કદી ગાંઠીયા તો શું ચા પણ બનાવી નથી. પણ નોકરીની સખત જરૂર હોવાથી ગપ્પુ ચલાવ્યે રાખ્યું. મને માફ કરો.'' હવે અમરજી હસ્યા. ખુબ હસ્યા પછી કહે: જા, તને કામ પર રાખી લીધો. હું બતાઉં તે ટાંપાટુંપા કરજે. પણ ભૂલથી રસોડામાં જતો નહી. તારી બીજાના ગળે વાત ઉતારવાની (ભલે ખોટી તો ખોટી) આવડત ઉપર ઓળઘોળ થઈને જ હું તને નોકરીએ રાખી લઉં છું. કે કામ પાર પડે કે ના પડે પણ એકવાર તો સામેવાળાને તારી વાત ગળે ઉતરે જ. જા કાલથી મહેલમાં આવી જજે.
- યુસુફ મીર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R4tukz
ConversionConversion EmoticonEmoticon