પાલિકાએ વીજબિલ ન ભરતા ડાકોરના કેટલાય વિસ્તારોમાં અંધારપટ છવાયો


ડાકોર : ડાકોર નગરપાલિકાની બેદરકારીને લીધે ડાકોરમાં કેટલાય વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. પાલિકાએ વીજળીનું બિલ ન ભર્યું હોવાથી શહેરના મુખ્ય વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટોની વીજળીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. વહીવટી બેદરકારીને લીધે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એમ.જી.વી.સી.એલ.નું બીલ ભરવાનું બાકી હોવાથી ડાકોરના મુખ્ય વિસ્તારમાં સ્ટ્રીટલાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. વડાબજાર, મંદોડા ફળિયું, કોર્ટ રોડ, નવી નગરી, ભોઈવાળામાં સ્ટ્રીટલાઈટો અચાનક બંધ થઈ જવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ડાકોરના આટલા વરસના ઈતિહાસમાં કોઈને યાદ નથી આવતું કે આવી બેદરકારીને લીધે લાઈટ કનેક્શન કપાઈ ગયાં હોય. લોકોમાં ઉગ્ર ફરિયાદો ઊઠી છે તે પ્રમાણે ડાકોર નગરપાલિકામાં ઈનચાર્જ ચીફ ઓફિસર હોવાથી તે નિયમિત આવતા નથી. પરિણામે પાલિકાનો વહીવટ ખોરંભે ચડયો છે. આ સ્થિતિમાં તંત્રનો કારોબાર ટલ્લે ચડેલો જોવા મળે છે. એક પણ કામ વ્યવસ્થિત થઈ ન રહ્યું હોવાની બૂમરાણ નગરવાસીઓમાં મચી છે.મળતી વિગતો પ્રમાણે પાલિકાના નામે માર્ચ-૨૦૨૧ સુધીના વપરાશમાં બાકી ૩૯ લાખ અને માર્ચના પાંચ લાખ રૂપિયા મળી કુલ ૪૪ લાખનું વીજબીલ બાકી છે.

હાલના પ્રમુખ મયૂરીબેન પટેલે અને સત્તાધીશો માજી પ્રમુખ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પૂર્વ પ્રમુખ દ્વારા સમયસર બીલ ભરવામાં ન આવ્યું હોવાને લીધે આ સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો પૂર્વ પ્રમુખ વીજબીલની જવાબદારી હાલના પ્રમુખની હોવાનું જણાવી રહ્યા છે.

પાલિકાને ટેક્સની આવક રૂ. 1.20 કરોડ થઈ

પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે તેમની ટર્મ ૨-૯-૨૦૨૦ના રોજ પૂરી થઈ હતી. તે ટર્મ પૂરી થયાને સાત મહિના વીતી ગયા છે. હાલ ડાકોર નગરપાલિકામાં લોકોના ટેક્સની ૧,૨૦,૦૦,૦૦૦ રૂપિયાની આવક થયેલી છે, વીજબીલ ભરવાની જવાબદારી હાલના પ્રમુખની છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ofvcyo
Previous
Next Post »