સંક્રમણમાં સતત વધારો : એરલાઇન્સ અને રેસ્ટોરન્ટ તેમજ હોટલ ઉદ્યોગ ઠપ


- નાઇટ કરફ્યુ અને મિની લોકડાઉનના કારણે આ બંને ઉદ્યોગો પર સીધી અસર

એક માસ અગાઉ સરકાર અને એરલાઇન્સ કંપનીઓ વચ્ચે થયેલ એક બેઠકમાં સરકારે જણાવ્યું હતું કે, હવાઈ સેવા ક્ષેત્રમાં મોટો સુધારો નોંધાયો છે. આગામી સમયમાં ભારતીય એરલાઇન્સ ઉદ્યોગનું ભાવિ ઉજ્જવળ છે. પરિસ્થિતિ સુધરતા નાના- નાના શહેરોને સાંકળતી સર્વિસ પણ શરૂ કરાઈ હતી. તો બીજી તરફ આ ક્ષેત્રની કંપનીઓએ પગારકાપ પાછો ખેંચ્યો હતો.

જો કે, માર્ચ માસના અંતિમ તબક્કા દરમિયાન આ બધી સાનુકૂળતા અચાનક જ પ્રતિકૂળતામાં પલટાઈ જવા પામી છે. દેશભરમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ ઝડપથી પ્રસરતા વિવિધ રાજ્ય સરકારો દ્વારા મીની લોકડાઉન અને કરફ્યુ સહિતના અન્ય આકરા પગલાનો અમલ કરાવાઈ રહ્યો છે. આ ઉપરાંત એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવતા એરલાઇન્સ ઉદ્યોગની ઉડાન પર અચાનક જ બ્રેક વાગી ગઈ છે.

એરલાઇન્સ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ માસના પ્રથમ તબક્કામાં ૬૦ ટકા સીટો સાથે ફ્લાઇટ ઓપરેટ થતી હતી. જે ફેબુ્રઆરીમાં ૭૦ ટકા કેપેસીટીથી ઓપરેટ થતી હતી. પરંતુ માર્ચ માસના પ્રથમ સપ્તાહ સુધી દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા અનેક રાજ્યો દ્વારા સંક્રમણ ખાળવા નાઇટ કરફ્યુ, મિની લોકડાઉન સહિતના આકરા પગલાનો અમલ કરાવાયો છે. તો બીજી તરફ વિવિધ રાજ્યો દ્વારા અવરજવર માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવાતા આ ઉદ્યોગને ભારે ફટકો પડયો છે.

આકરા નિયમનોને કારણે મુસાફરો હવાઈ મુસાફરી ટાળી રહ્યા છે જે મુસાફરોએ અગાઉ બુકિંગ કરાવ્યું હતું તેઓ પણ કેન્સલેશન કરાવી રહ્યા છે. આમ, સતત કેન્સલેશનને પગલે હાલ માત્ર ૩૦ ટકા જેટલી નીચી કેપેસીટીથી જ ફ્લાઇટો ઓપરેટ થતા કંપનીઓ દ્વારા અનેક રૂટની ફ્લાઇટો કેન્સલ કરી દેવાઈ છે. એરલાઇન્સ કંપનીઓની સંસ્થા આઇએટીએના જણાવ્યા મુજબ બજેટ એરલાઇન્સ કંપનીઓને નફો થાય તે માટે ઓછામાં ઓછી ૮૦ ટકા જેટલી સીટો ભરાય તે જરૂરી હોય છે.

આમ, સંક્રમણમાં વધારો થતા આ ઉદ્યોગમાં જે સુધારો થઈ રહ્યો હતો તેના પર બ્રેક વાગી ગઈ છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિને કારણે એરલાઇન્સ કંપનીઓ દ્વારા સાવચેતીના પગલા ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. જે એરલાઇન્સ કંપનીઓ નવા વિમાન લેવાની યોજના હાથ ધરી હતી તેના પર બ્રેક વાગી ગઈ છે.

વકરેલી સ્થિતિના કારણે લોકોએ આગામી ઉનાળુ વેકેશનના બુકિંગ પણ કેન્સલ કરાવતા આ કંપનીઓએ મોટા ભાગના શિડયુલ રદ કરી દીધા છે. આ ઉપરાંત પાયલોટોને જે એક માસનું શિડયુલ અપાતું હતું તેના બદલે હવે ૧૫ દિવસનું જ શિડયુલ અપાય છે. આમ, હાલ એરલાઇન્સ ઉદ્યોગ અગાઉના મહામારીના સમય વેળાની પ્રતિકૂળ સ્થિતિનો અહેસાસ કરી રહી છે.

કોરોના સંક્રમણનો બીજો તબક્કો પ્રસરતા વિવિધ રાજ્યો દ્વારા અમલી બનાવાયેલ નાઇટ કરફ્યુ તેમજ મિની લોકડાઉનના કારણે હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. આ ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી હતી ત્યાં જ અમલી બનેલા વિવિધ અંકુશોના પગલે ગ્રાહકોએ હોટલ- રેસ્ટોરન્ટમાં જવાનું ટાળ્યું છે. આ ઉપરાંત વિવિધ ફંક્શનોમાં પણ ગેસ્ટ અંગેની મર્યાદા અમલી બનતા આ ઇન્ડસ્ટ્રીને બેવડો ફટકો પડયો છે. બીજા શહેરો/ રાજ્યોમાંથી ટ્રાવેલિંગમાં ઘટાડો થતાં હોટલો પણ સૂમસામ બની ગઈ છે. આમ, હોટલ/ રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ અગાઉ જેવી પરિસ્થિતિમાં સપડાઈ ચૂક્યો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RmWXWV
Previous
Next Post »