અક્ષય કુમારને થયો કોરોના, સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા કરી વિનંતી


- અક્ષય કુમારને કોરોના થવાના કારણે ફિલ્મ રામ સેતુનું શૂટિંગ અટકી પડ્યું

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ, 2021, રવિવાર

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ઈન્ડસ્ટ્રીના સૌથી બિઝી એક્ટર પૈકીના એક છે. 2020માં લાગુ થયેલું કોરોના લોકડાઉન હટાવી લેવામાં આવ્યું ત્યારથી તેઓ સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મોને સમયસર પૂરી કરવા કામ કરી રહ્યા હતા ત્યારે કોરોનાએ તેમને પોતાની લપેટમાં લઈ લીધા છે. 

સોશિયલ મીડિયા પર જાણકારી આપી

અક્કીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમને કોરોના થયો છે અને તેઓ હોમ ક્વોરેન્ટાઈન છે તેવી માહિતી આપી હતી. તેઓ જરૂરી મેડિકલ સહાય પણ લઈ રહ્યા છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું બધાને કહેવા માંગુ છું કે, આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પ્રોટોકોલ્સ ધ્યાનમાં રાખીને મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે. હું હોમ ક્વોરેન્ટાઈન છું અને જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યો છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવે અને ધ્યાન રાખે તેવો આગ્રહ રાખું છું. જલ્દી જ એક્શનમાં પાછો આવી જઈશ.'

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક બાદ એક અનેક કલાકારો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તાજેતરમાં અનુપમા સીરિયલની અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને લીડ એક્ટર સુધાંશુ પાંડે પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે સિવાય કાર્તિક આર્યન, આમિર ખાન, પરેશ રાવલ સહિતના કલાકારો પણ કોરોના સામે જંગ લડી રહ્યા છે. 

અક્ષય કુમારના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેમના પાસે બચ્ચન પાંડે, રામ સેતુ, રક્ષા બંધન, સૂર્યવંશી, પૃથ્વીરાજ, બેલ બોટમ, અતરંગી રે જેવી મોટી ફિલ્મો છે. તેમણે તાજેતરમાં ફિલ્મ રામ સેતુનું શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ હવે તે અટકી ગયું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mgBXfY
Previous
Next Post »