
- સમયાંતર-લલિત ખંભાયતા
- મંગળ પર હેલિકોપ્ટર ઊડશે ત્યારે કેવું લાગશે તેનું નાસાએ રજૂ કરેલું કલ્પનાચિત્ર
નાસાએ મંગળ પર પ્રથમવાર યાન સાથે મિનિ હેલિકોપ્ટર મોકલ્યું છે. હવે આજ-કાલમાં એ મંગળની અજાણી અને ભેંકાર ધરા પર પાંખો ફફડાવશે..
ધ રતીના પડોશી ગ્રહ મંગળ પર ભારતનું 'મંગળયાન' પ્રદક્ષિણા કરી રહ્યું છે, ચીનનું યાન પણ ત્યાં છે, યુએઈનું 'હોપ' મિશન પણ હમણાં જ પહોંચ્યુ છે, તો વળી અમેરિકાની સ્પેસ એજન્સી 'નાસા'ના તો એકથી વધારે યાન મંગળ પર કાર્યરત છે. નાસાએ મંગળ મિશનના નામે તો ઘણા સ્પેસક્રાફ્ટ રવાના કર્યા છે.
૧૯૭૬માં 'વાઈકિંગ-૧' યાન ઉતારીને મંગળ પર લેન્ડિંગની પ્રથમ સિદ્ધિ નોંધાવી હતી. ત્યારથી આજ સુધીમાં મંગળ પર નાસાના નવ યાન ઉતરી ચૂક્યા છે. એ સિવાય ભ્રમણકક્ષામાં ફરતાં રહ્યા હોય કે પછી મંગળની બાજુમાંથી પસાર થયા હોય (ફ્લાય બાય યાન) એ તો અલગ.
કહેવાનો અર્થ એટલો જ કે મંગળ પર યાન ચલાવવાના સૌથી અનુભવી ડ્રાઈવરો કોઈ પાસે હોય તો એ નાસા પાસે છે. એટલે આ વખતે નાસાએ માત્ર યાન ઉતારવાને બદલે હેલિકોપ્ટર ઊડે એવો પડકાર હાથમાં લીધો છે.
હેલિકોપ્ટરની મંગળ સુધીની સફર
૨૦૨૦ની ૩૦મી જુલાઈએ રવાના થયેલું 'પર્સેવેરન્સ' યાન ૨૦૨૧ની ૧૮મી ફેબુ્રઆરીએ મંગળના 'જેઝેરો ક્રેટર' નામના ખાડાના કાંઠે ઊતર્યું. દસ ફીટ લાંબુ, ૯ ફીટ પહોળું, સાત ફીટ ઊંચુ અને ૧૦૨૫ કિલોગ્રામનું યાન ઉતર્યું એ સાથે તેણે પોતાનું કામ આરંભી દીધું. એ યાન મંગળ પર ૫૦થી વધારે દિવસ પસાર કરી ચૂક્યુ છે, ૧૯ હજાર જેટલી તસવીરો લઈ ચૂક્યુ છે, મંગળનો અવાજ રેકોર્ડ કરીને મોકલી ચૂક્યું છે.. ટૂંકમાં યાન કડેધડે છે.
કાંગારુના પેટમાં કોથળી સાથે બચ્ચું હોય એમ યાનના તળીયે હેલિકોપ્ટર ફીટ થયેલું છે. હેલિકોપ્ટરને નાસાએ ઈન્જિન્યૂઈટી (એટલે કૌશલ્ય અથવા ચતુરાઈ) નામ આપ્યું છે. હેલિકોપ્ટર શબ્દ જરાક ગેરમાર્ગે દોરે એવો છે. કેમ ધરતી પર તો આપણે વાયુસેનાના કે પછી પ્રવાસીઓની ફેરી મારતા હેલિકોપ્ટર ઉડતાં જોઈએ છીએ. મંગળ પર પહોંચેલું ઈન્જિન્યૂઈટી હેલિકોપ્ટર શબ્દને શરમથી ડૂબાડે એવડું છે. કેમ કે તેનું વજન માંડ પોણા બે કિલોગ્રામ છે, ઊંચાઈ પોણા બે ફીટથી વધારે નથી, પાંખો સાથે પહોળાઈ ચાર ફીટ છે.. એને હેલિકોપ્ટર કહેવું કે રમકડાંનું હેલિકોપ્ટર? પણ એ જગતનું સૌથી મોંઘું રમકડું છે.
નાનકડું હેલિકોપ્ટર અવકાશ સંશોધનના ઇતિહાસમાં નવાં વિક્રમો સર્જવા જઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કેટલાક વિક્રમો તો નોંધાવી દીધા છે. જેમ કે ધરતી સિવાયના ગ્રહ પર પહોંચેલું પ્રથમ હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનું મુખ્ય કામ મંગળની ધરતી પર ઊડાન ભરવાનું છે. જેનાથી ભવિષ્યમાં મંગળ પર કે દૂરના બ્રહ્માંડમાં મોકલાનારા યાન માટે પ્રેક્ટિસ થાય અને સફળતા-નિષ્ફળતાના આધારે ભવિષ્યના મિશનો માટે ટેકનોલોજી વિકસાવવાની ખબર પડે.
નાસાનો સફળ ઇતિહાસ
નાસાને આ પડકારમાં રસ છે અને પાર પાડવાનો આત્મવિશ્વાસ પણ છે. કેમ કે નાસાએ મંગળ પર ૧૯૯૭માં 'સોજર્નર' યાન ઉતાર્યું હતું. મંગળ પર ઉતરીને તેણે હર-ફર કરી દેખાડી હતી. મંગળ પર રોમિંગ કરવામાં (રોવર પ્રકારનું) સફળતા મેળવી હતી. કોઈ પણ બીજા ગ્રહ પર જેના પૈડાં ફર્યા હોય એવુ એ પહેલું યાન હતું. ત્યારે પણ શંકા હતી કે સફળતા મળશે કે નહીં મળે.. પણ મળી. એટલે નાસાનું હેલિકોપ્ટર ઊડે એવી આશા વધારે પડતી નથી. પરંતુ કામ સહેલુંય નથી.
મંગળ પર ઉતર્યા પછી દોઢેક મહિના સુધી તો હેલિકોપ્ટર યાનના પેટાળમાં ચોંટેલું જ રહ્યું હતું. ૩જી એપ્રિલે તેને મુખ્ય યાનથી અલગ કરાયું. સફળતાપૂર્વક અલગ થયું એ પહેલી સફળતા હતી. યાનની છત્ર-છાયાં વગર હેલિકોપ્ટરે મંગળ પર ઠંડી રાત પસાર કરી. રાતે મંગળની ધરતી પર તાપમાન માઈનસ ૯૦ ડીગ્રી સુધી પહોંચે. એમાંય હેલિકોપ્ટરને કંઈ થયું નથી. એટલે નાસાએ હરખભેર જાહેર કર્યું કે હેલિકોપ્ટરને કંઈ વાંધો નથી, મોજમાં છે. એ બીજી સફળતા.
હવે હેલિકોપ્ટરની સાધન-સામગ્રીના વિવિધ ટેસ્ટ થશે. જેમ કે હેલિકોપ્ટર પોતાના પગ પર ટકી શકે છે, ડમગમતું તો નથી ને! બધા ઉપકરણો કામ કરે છે? હેલિકોપ્ટર અને રોવર સાથેનું કમ્યુનિકેશન નેટવર્ક કામ કરે છે?.. વગેરે. એમાં સફળતા મળશે એટલે ઊડાન ભરશે.
જે દિવસે ઊડાન ભરશે એ દિવસ ધરતી અને મંગળ બન્નેના ઈતિહાસમાં યાદગાર બનશે. ઊડાન ભર્યા પછી સફળ ન થાય તો પણ યાદ રહેશે અને સફળતા મળે (જેની શક્યતા વધારે છે) તો તો અમર બની જશે. નાસાએ ઊડાન માટે અત્યારે તો અગિયારમી એપ્રિલ અથવા એ પછીનો કોઈ દિવસ વિચાર્યો છે.
સામાન્ય રીતે પરગ્રહ પર તેની ધરતીનો અભ્યાસ અને જીવનની શક્યતા છે કેમ અથવા પુરાતન કાળમાં ત્યાં જીવન હતું કે કેમ એ તપાસવાનું હોય છે. પણ આ હેલિકોપ્ટરનો એવો કોઈ ઉદ્દેશ નથી. તેનો ઉદ્દેશ માત્ર પરગ્રહ પર ઊડાન ભરી શકાય કે કેમ, તેના પ્લસ-માઈનસ તપાસવાનો છે. પહેલી વાર ઊડશે ત્યારે માંડ ૩૦ સેકન્ડ સુધી હવામાં રહેશે અને દસ ફીટ ઊંચુ પહોંચશે. એ પછી ક્રમશઃ વધારે ઊડાન ભરશે.
સદી પછીની ઐતિહાસિક ક્ષણ
૧૯૦૩ની ૧૭મી ડિસેમ્બર ધરતીના ઈતિહાસનો ઐતિહાસિક દિવસ હતો. એ દિવસે પ્રથમવાર કોઈ વાહન ઉડયું હતું, જે હવે વિમાન તરીકે ઓળખાય છે. એ રીતે મંગળ પર હેલિકોપ્ટર ઊડાન એ પણ ઐતિહાસિક દિવસ બનવાનો છે. મંગળ પર આ હેલિકોપ્ટરે કુલ તો માંડ ૩૦૦ મીટર એટલે કે હજાર ફીટની ઊડાન ભરવાનું છે. એ આંકડો નાનો લાગે એમાં નવાઈ નથી. પણ રાઈટ બંધુઓએ ૧૯૦૩માં પહેલું વિમાન ઊડાવ્યું હતું એ તો હવામા માંડ ૧૨૦ ફીટનું અંતર કાપી શક્યું હતું. નાસા પોતે જ એટલે મંગળ પર હેલિકોપ્ટર ઊડાનને ધરતી પર રાઈટ બંધુઓએ સર્જી હતી એવી જ ક્ષણ ગણાવે છે.
એ ક્ષણ આગામી દિવસોમાં આવશે અને તેના આધારે જ ભવિષ્યના રોબોટિક સ્પેસ મિશનોની દશા-દિશા નક્કી થશે.
હેલિકોપ્ટરની રચના
સોલાર પેનલ, જેના દ્વારા એટલી ઊર્જા મળશે કે હેલિકોપ્ટર ૯૦ સેકન્ડ સુધી ઉડી શકે.
કમ્યુનિકેશન માટે એન્ટેના. જોકે ઊડાન વખતે ધરતી પરથી ઓછામાં ઓછા કમાન્ડ આપવા પડે એ રીતે પહેલેથી જ તેનો પ્રોગ્રામ સેટ કરેલો છે.
૧.૨ મીટરની બ્લેડ્સ-પાંખો
લેન્ડિંગ સ્ટેન્ડ-પગ
કેમેરા-સેન્સર-૬ લિથિયમ આયન બેટરી સહિતના ઉકરણો
મુખ્ય યાન નીચે ફીટ થયેલું નાનકડું હેલિકોપ્ટર. ગાડી સાથે ટૂલકીટ હોય એ રીતે યાન નીચે પેટીમાં તેને પેક કરાયું હતું. તેનું કવર હટાવી લેવાયું છે.
હેલિકોપ્ટરે યાન નીચેથી નીકળીને આ નિર્ધારિત માર્ગ પર ઊડવાનું છે. ઊડાન દરમિયાન ફોટા પાડશે અને મંગળની સપાટીની અન્ય વિગતો એકઠી કરશે. ઊડ્ડયન દરમિયાન એ મહત્તમ દસ ફીટ ઊંચુ થશે. કુલ ૩૦૦ મીટર (૧૦૦૦ ફીટ) કરતા વધારે લાંબી ઊડાન ભરવાની નથી. ઊડાન લંબાઈની દૃષ્ટિએ નાની હોવા છતાં અવકાશ સંશોધનના ઇતિહાસમાં મોટી છલાંગ સાબિત થશે.
વાનીઝા રૂપાણી : હેલિકોપ્ટરનું નામ આપનાર વિદ્યાર્થિની
નાસા અને અન્ય અવકાશ સંશોધન સંસ્થાઓ મિશનના નામ માટે લોકો પાસેથી સૂચન મંગાવતા હોય છે. હેલિકોપ્ટરનું નામ નક્કી થયું એ પહેલા અલબામાની હાઈ-સ્કૂલમાં ભણતી ૧૧મા ધોરણની વિદ્યાર્થિની વાનીઝા રૂપાણીએ હેલિકોપ્ટર માટે ઈન્જિન્યૂઈટી એવું અઘરું નામ સૂચવ્યું હતું. કુલ ૨૮ હજાર નામ મળ્યા હતા, જેમાંથી રૂપાણીનું નામ નાસાએ પસંદ કર્યું.
નાસાના કોઈ મહત્ત્વપૂર્ણ સ્પેસ મિશનમાં ભારતીય વિજ્ઞાાનીઓ શામેલ ન હોય એવું તો કેમ બને? આ મિશનમાં પણ છે. પર્સેવેરન્સ મંગળ પર સફળતાપૂર્વક ઉતર્યું, તેનો કમાન્ડ ભારતીય મૂળના વિજ્ઞાાની સ્વાતી મોહનના હાથમાં હતો. મિશન હેઝ લેન્ડેડ.. પ્રકારની જાહેરાત તેમણે કરી હતી. મિશનની ટીમમાં ગુજરાતી મૂળના વિજ્ઞાાની યોગીતા શાહ પણ શામેલ છે. હેલિકોપ્ટરના પ્રોજેક્ટ મેનેજર અને ચીફ એન્જિનિયર જે. બલરામ છે. એ બધા ભારતીય વિજ્ઞાાનીઓ છે, જેઓ અમેરિકા માટે કામ કરે છે કેમ કે અમેરિકાએ સમયસર તેમની આવડતની કદર કરી છે.
મંગળ પર હેલિકોપ્ટરના ઊડ્ડયન સામે પડકાર
નાસાના વિજ્ઞાાનીઓએ હેલિકોપ્ટર ત્યાં સુધી પહોંચાડવામાં કેટલાક મહત્ત્વના પડાવ પાર કર્યા
અને વધુ આકરી કસોટી પાર કરવાની છે. જેમ કે..
- ધરતી પર ઊડવા કરતાં મંગળ પર ઊડવું અઘરું છે. એક તો મંગળ પર ઊડવું એટલે સાડા પાંચ કરોડ કિલોમીટર દૂર રિમોટ વડે સંચાલન કરવું. હેલિકોપ્ટરને તો એ રીતે જ પ્રોગ્રામ્ડ કરેલું છે, કે પોતાની મેળે ઊડશે, પરંતુ તેને અમુક કમાન્ડ તો ધરતી પર (૫.૫ કરોડ કિલોમીટર દૂરથી રિમોટ કન્ટ્રોલ વડે)થી આપવા જ પડશે. એમાં કમ્યુનિકેશનનો અવરોધ ઉભો થાય તો ગરબડ સર્જાઈ શકે. અન્ય ગ્રહો પર યાન ચલાવતી વખતે સામાન્ય રીતે ધરતી પરના કન્ટ્રોલ મથકેથી તેને કમાન્ડ અપાતો હોય અને જોય સ્ટીકથી સંચાલન થતું હોય છે. હેલિકોપ્ટરના કેસમાં એ શક્ય નથી, કેમ કે તેણે મંગળની ધરતી પર ધીમે ધીમે ચાલવાનું નથી. ઝડપથી ઊડવાનું છે. એટલે કેટલીક મિનિટ પછી મળતો કમાન્ડ તેના માટે નકામો છે.
- એ પછીનો પડકાર મંગળનું વાતાવરણ છે. ધરતી કરતા મંગળ પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. વાતાવરણ ધરતી પર હોય એવુ ઘટ્ટ નથી. એટલે ઊડાન વખતે હેલિકોપ્ટર વધારે સ્પીડ પકડીને બેકાબુ બને તો.. પાતળા વાતાવરણનો અર્થ એ થાય કે હેલિકોપ્ટરે ઊડવા માટે ધરતી પર જોઈએ એના કરતાં વધારે બળ વાપરવાનું થાય. એ સ્થિતિને પહોંચી વળવા ધરતી પર ઊડતાં હેલિકોપ્ટર કરતાં ઈન્જિન્યૂઈટી વધારે ઝડપી બનાવાયું છે. તેની પાંખો મિનિટના લગભગ ૨૪૦૦ આંટા ફરશે.
- હેલિકોપ્ટર સોલાર સંચાલિત છે. પણ મંગળ પર ધરતીના પ્રમાણમાં સૌર ઊર્જા અડધી જ મળે છે. એટલે પેનલો એ પ્રકારે ડિઝાઈન કરવી પડી છે. મુખ્ય યાનથી અલગ પડયા પછી હેલિકોપ્ટરે પોતાની રીતે જ ચાર્જ થવાનું છે.
- આમ તો ધરતી પર હેલિકોપ્ટર અહીંથી ત્યાં સામાન મોકલવા માટે વપરાતા હોય. પરંતુ આ હેલિકોપ્ટર તો પોતે જ મંગળ પર સંપેતરા સ્વરૂપે ગયું છે. એટલે પર્સેવેરન્સ યાનમાં સમાઈ શકે એવડું જ તેનું કદ રાખવાનું હતું. નાની સાઈઝમાં હેલિકોપ્ટરની તમામ યંત્ર-સામગ્રી સમાવતા વિજ્ઞાાનીઓને પરસેવો વળી ગયો હતો.
- મંગળ પર રાતે તાપમાન માઈનસ ૯૦ ડીગ્રી પહોંચે ત્યારે હેલિકોપ્ટરના આંતરીક સાધનો ગરમી જાળવી રાખે એટલી ઊર્જા તેમાં સમાવવી જોઈએ. એ રીતે સોલાર પેનલની અને બેટરીની વ્યવસ્થા કરવી પડી. દિવસે વાતાવરણ વળી ગરમ હોય એ પણ માફક આવવું જોઈએ.
- હેલિકોપ્ટર યાન સાથે ચોંટેલું હતું. તેને અલગ કરવામાં આવે ત્યારે તેના પર મંગળનું વાતાવરણ કેવી અસર દાખવશે એ મોટો સવાલ હતો. તેણે મંગળ પર એકથી વધારે રાતો સફળતાપૂર્વક પાર પાડી છે. પરંતુ યાનથી અલગ પડયા પછી ઊડાન માટે તૈયાર થતાં તેને ૬ દિવસથી વધારે સમય લાગશે.
- નાસાએ પોતાની વેબસાઈટ પર આવા ઘણા નાના-મોટા પડકારો ગણાવ્યા છે. એ બધા પાર કરવામાં જ હેલિકોપ્ટરને તૈયાર કરતાં છ વર્ષ લાગ્યા. જ્યારે કે મંગળ પર તો માંડ થોડા કલાકો કરતા વધારે ઉડવાનું નથી. તોય નાસાએ એકલા હેલિકોપ્ટર પાછળ ૮.૫ કરોડ ડૉલર હોમી દીધા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a07nSN
ConversionConversion EmoticonEmoticon