પથ્થરની મૂર્તિમાં ભગવાન છે તે ભગવાન દરેક મનુષ્યમાં છે


ધાર્મિક હોવાની પરખ શું હોઈ શકે?

સંત તુલસીદાસજી લખે છે

''સીયા રામ સમ સબ જગ જાની

કરહુ પ્રણામ જોરી જુગ પાની.''

આખા વિશ્વમાં ભગવાન વ્યાપ્ત છે. તેથી ભગવાનનું એક નામ 'વિભૂ' પણ છે. મનુષ્ય તો શું પશુ, પક્ષી, નાનાં-મોટાં જીવ માત્રમાં. અરે અણુ-અણુમાં તે વ્યાપ્ત છે. છતાં જોઈ શકાતા નથી. તેથી અતિશય તર્ક કરનારાઓને તે માન્યામાં આવતું નથી. એવા શંકાશીલ જ્ઞાાનીઓને સમજાવવા મુશ્કેલ છે. ભગવાનની અસ્તિત્વ સાથે સમગ્ર વિશ્વ ઓતપ્રોત છે. જેમ દૂધમાં ઘી છે. તલમાં તેલ છે. લાકડામાં અગ્નિ છે. ફુલમાં સુગંધ છે તેમ શ્રીહરિ સર્વત્ર વ્યાપ્ત છે. દૂધમાં ઘી છે પરંતુ તે જોવા માટે દૂધને ગરમ કરવું પડે. ઠાર્યા પછી તેમાં મેળવણ નાખવું પડે. દહીં બને પછી વલોવવું પડે. ત્યારે છાશની ઉપર તરતું તે માંખણ ગરમ થાય ત્યારે તે ઘી બને છે. જેને જોઈ શકાય છે. ચાખી શકાય છે. સુંઘી શકાય છે.

તેવી ઘીની મદદથી દીવો પ્રગટાવી શકાય છે અને પ્રકાશ પથરાય છે. ત્યારે જ્ઞાાની માણસો માને છે. દૂધમાં ઘી છે. એ રીતે પરમ પિતા પરમાત્મા અત્ર-તત્ર સર્વત્ર સમાન રૂપે ઠસોઠસ ભરેલા છે. છતાં દેખાતા નથી છતાં કરુણાથી સભર હૃદયવાળા ભક્તજનો તે ભગવાનને ઓળખી લે છે. પોતાના તે ઈષ્ટદેવ સાથે રમી શકે છે. જેવા પોતે ઈચ્છે તેવા સ્વરૂપે ભગવાનને પ્રગટ કરી શકે છે.

દાદા ઘરમાં વડીલ છે. બધા તેમની આમન્યા રાખે છે. પરંતુ નાનો બાળક સાથે પોતાનું વડીલપણું છોડીને રમવા લાગે છે. અને જો બાળક કહે તો ઘોડો થાય છે તે રીતે ભગવાન ભક્તના પ્રેમને વશ થઈને જશોદામાતાની ગોદમાં રમ્યા છે. (શ્રી કૃષ્ણ) અને કૌશલ્યા માતાની ગોદમાં રમ્યા છે. (ભગવાન શ્રીરામ) ભક્ત નરસૈયાની શામળશા શેઠ બનીને હુંડી સ્વીકારી છે. કુંવર બાઈનું મામેરું ભર્યું છે. ભક્ત મીરાંબાઈની સામે આવેલા ઝેરના કટોરાનું અમૃત કર્યું છે. ભક્ત પ્રહલાદની સામે પણ ધગધગતા થાંભલામાંથી પ્રગટ થયેલા ને નરસિંહ અવતાર પણ છે.

- નાથાલાલ ડીસા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uv5sgR
Previous
Next Post »