દેહને રાગદ્રષ્ટિથી જોશો તો એ સંસારનું કારણ બનશે... દેહને વૈરાગ્યદૃષ્ટિથી જોશો તો એ મુક્તિનું કારણ બનશે...


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

(ગતાંકથી ચાલુ)

જીવનભર સુંદર આરાધનાઓ-પ્રવચનશ્રવણાદિ કરવા દ્વારા દેહાત્માભેદજ્ઞાાન આત્મસાત્ કરનાર બહેનને અંતિમ વર્ષોમાં અશાતાવેદનીયકર્મના ઉદયે ગળાનું કેન્સર થયું. જેમ જેમ એ કેન્સર વધતું ગયું તેમ તેમ ખાવાનું-પીવાનું બંધ થતું ગયું., વેદનાની તીવ્રતા વધતી ગઈ અને છેલ્લે છેલ્લે તો સ્થિતિ એ હદે વકરી ગઈ કે ગળા પાસેથી રીતસર કીડાઓ ખરે ! જોનારા ય ભયથી આંખ મીંચી દે એવી ખતરનાક પરિસ્થિતિ હતી. હવે આયુષ્ય ગમે તે ક્ષણે પૂર્ણ થવાની સંભાવના હોવાથી સ્વજનો ગુરુભગવંતને માંગલિક સંભળાવવા-વોસિરાવવા લઈ આવ્યા. ગળામાંથી ખરતા ઢગલાબંધ કીડાઓ જોઈને તેઓ પણ હચમચી ગયા. પણ કમાલ ! જરાય બોલી ન શક્તાં એ બહેનેસ્લેટ પર લખીને ગુરુભગવંતને જણાવ્યું કે, 'હાલમાં મારી સામે દીવાલ પર શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિશાલ તસવીર છે, હું પૂર્ણ સમતાથી વેદના સહન કરું છું. આશીર્વાદ આપો કે મૃત્યુની ક્ષણે પણ મારું મન શંખેશ્વરપ્રભુમાં જ લીન રહે !' આવા શબ્દો લખવાનું સત્વ ત્યારે જ આવે કે જ્યારે દેહાત્મભેદજ્ઞાાન પ્રવૃત્તિનાં સ્તરે આત્મસાત્ થયું હોય.

ઉપરોક્ત બંને હેતુઓ સિદ્ધ કરવા કાજે ગ્રંન્થકાર જે સબળ-પ્રબળ પ્રસ્તુતિઓ કરે છે એમાંની પ્રથમ ઝલક આ અધિકારના પ્રથમ શ્લોકનાં માધ્યમે નિહાળીએ. તેઓ લખે છે કે:-

પુષ્ણાસિ યં દેહમધાન્યચિન્તયન્, 

કર્માણિ કુર્વન્નિતિ ચિન્તયાયતિ,

જગત્યયં વંચયતે હિ ધૂર્તરાટ્.

આ શ્લોક દ્વારા ગ્રન્થકાર ત્રણ હૈયાંસોસરવી ઉતરી જાય  તેવી રજૂઆત કરે છે. પહેલી વાત તેઓ પ્રશ્નરૂપે કરે છે કે 'જે શરીરના લાલન-પાલન-પોષણ-રક્ષણ માટે તું પાપોનો-દોષોનો ય વિચાર કરતો નથી એ શરીર આત્મકલ્યાણનાં સંદર્ભમાં તારા પર ક્યો વિશેષ ઉપકાર કરે છે ? એનું ચિંતન કર.' એવું ઘણીવાર બને છે કે પોતાના શરીરની સુવિધા સાચવવા ખાતર વ્યક્તિ સ્વાર્થી-એકલપેટી બની જાય છે, તો અન્યોનંિ આંચકી લેવા ય તત્પર થઈ જાય છે; એ શરીરના શોખ પોષવા માટે અભિક્ષ્ય ચીજોનાં ભક્ષણ-માંસાહાર અને દારુનાં સેવન સુદ્ધા કરવા તૈયાર થઈ જાય છે, તો કાતિલ રોગોનાં આક્રમણ સમયે હિંસાજન્ય દવાઓ-ઉપચારો પણ કરાવવા વ્યક્તિ વગર વિચાર્યે તૈયાર થઈ જાય છે. ગ્રન્થકાર કહે છે કે શરીર ખાતર આવાં બધાં અકૃત્યો કરતી વેળાએ તું ખાસ એ વિચાર કર કે આ શરીર તને ધર્મ-લાભરૂપે કોઈ વળતર આપે છે કે નહિ ?

બીજી રજૂઆત ગ્રન્થકાર એ કરે છે કે 'આ શરીર તો ધૂર્તરાજ છે.' મોટો ધૂર્ત-કપટીશિરો મણિ તે કહેવાય કે જે રોજ રોજ નવી નવી માંગણી કરતો રહે, પોતાની તરફેણમાં કામો કરાવતો રહે અને છતાં આપણને કોઈ લાભ ન કરે. શરીર આવું હોવાથી એ ધૂર્તરાજ છે. રોજ રોજ એ ખાન-પાનની રહેણી-કરણીની સારવારની ભાતભાતની સુવિધાઓ માંગશે, ગમે તે રીતે એ માંગણીઓ પૂર્ણ કરાવશે અને છતાં આત્મકલ્યાણ માટેની સાધના-આરાધનાની વાત આવશે ત્યારે એ જાતજાતનાં બહાનાં-નિમિતો ઊભા કરી છટકી જશે... ત્રીજી મહત્વની રજૂઆત તેઓ એ કહે છે કે 'હે જીવ! તુ તારા ભાવિનો-આગામી જન્મની ગતિનો વિચાર કર. જ્યારે જ્યારે શરીર ખાતર પાપોનું - હિંસાનું સેવન કરવાનો પ્રસંગ આવે ત્યારેતું અંતઃકરણથી એ વિચારજે કે આનાથી મને દુર્ગતિ તો નહિ મળે ને ! તો ચોક્કસ તું દેહની મમતાથી ઉપર ઊઠીને અનિષ્ટ બાબતોથી બચી શકીશ ! આની પ્રીતિતિ કરવા માટે આપણે નિહાળીએ શાસન-સમ્રાટ આ. વિજય નિમિસૂરીશ્વરજી મહારાજની અંતિમ અવસ્થાનો એક પ્રેરક પ્રસંગ:

વર્તમાન જીવનશૈલીના સંદર્ભમાં આપણને આશ્ચર્ય થાય કે તેઓએ જીવનભર ક્યારેય ઈંજેકશન લીધું ન હતું. માન્યતા એમની એ હતી કે તબીબી શાખાની આ દવાઓ - ઈંજેકશનો વગેેરે હિંસક સંશોધનો-હિંસક સાધનોથી તૈયાર થતાં હોઈ એ લેવા જ નહિ. આયુષ્યના છેલ્લા દિવસોમાં ડોક્ટરે એક ઈંજેકશન લેવાનો પ્રસ્તાવ કર્યો કે તો આચાર્યશ્રીએ ઈન્કાર કર્યો કે 'શરીર ખાતર માટે હિંસક દવાનું ઈંજેકશનનું સેવન કરવું નથી. દોષ સેવીને શરીરને શા માટે સાચવવું ? ' અને... એમણે ઈંજેકશન ન લીધું. આજીવન ઈંજેકશન આ કારણે નહિ લેવાની વાત આજના યુગમાં અવશ્ય અજાયબી જ લાગે. એ પાપ-ભીરુતામાંથી પ્રગટેલ દેવમમત્વત્યાગનું પરિણામ હતું.

છેલ્લે એક વાત: દેહને રાગદૃષ્ટિથી જોશો તો એ સંસારનું કારણ બનશે... દેહને વૈરાગ્ય-દૃષ્ટિથી જોશો તો તે મુક્તિનું કારણ બનશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mrvgYF
Previous
Next Post »