જીવનમાં સુખી થવું હોય તો, યાદ રાખતાં નહિ, પરંતુ આપણે ભૂલતાં શીખવું પડશે...


- જીવનમાં કડવાં અને મીઠાં પ્રસંગો તો બનવાના જ છે, કડવા પ્રસંગો ને યાદ કરીને ક્યાં સુધી દુઃખી થતાં રહેશું

મા નવી માત્રનો સ્વભાવ સંગ્રહ કરવાનો છે, જે દેખે તે જોઈએ, અને તેને મેળવવા પ્રયત્ન કરતો રહે છે, પરિણામ અંતે તો શું આવે છે ? પોતાની આંકાક્ષા ના સંતોષાય ત્યારે તે દુઃખી થાય છે. ટૂકમાં વાત એટલી જ છે કે, મનુષ્ય ગમે તેટલું સંગ્રહ કરે તો પણ તેને દુઃખ જ મળે છે. હંમેશા સુખ સંગ્રહ કરવામાં નથી, પરંતુ ત્યાગવામાં છે.

આપણે ઘણી વખત પુસ્તકોમાં કે કથામાં સાંભળ્યું પણ હશે કે, એક સમડી હતી, તેને માંસનો લોચો જોયો એટલે લઈ લીધો અને આકાશમાં ઉડી, તો તેની પાછળ બીજી ઘણી બધી સમડીઓ પાછળ તે લેવા પડી, અંતે તે સમડીએ એ માંસનો લોચ મૂકી દીધો, તો બધી સમડી ચાલી ગઈ અને તે સમડીને શાંતિની અનુભૂતિ થઈ.

આમ, આપણે કોઈ પદાર્થનો સંગ્રહ કરવા માટે પ્રયત્નો કરીએ છે, તો દુઃખ થાય જ છે, તેવી રીતે આપણે આપણા જીવનમાં જો સુખી થવું હોય તો જીવનમાં બનેલા દુઃખદ પ્રસંગોને પણ ભૂલતા શીખવું જ પડશે. જે કાંઈ આપણે જાણીએ, સાંભળીએ, જોઈએ તેને જો યાદ રાખ્યા કરીશું તો અવશ્ય દુઃખી થઈશું જ. તેથી જીવનમાં ભૂલતા શીખવાની પણ જરૂર છે.

દરેકના જીવનમાં ઘણી ઘટનાઓ દુઃખમય બની હોય છે, તેને ભૂલી જવી જોઈએ, દુઃખને વારંવારં વાગોળવાથી વધુ દુઃખ થાય છે. જે દુઃખ આવ્યું હોય છે. તેને ફરી ફરીને યાદ કરીને શા માટે દુઃખી થવું જોઈએ ?  જો વારંવાર યાદ કરીશું તો દુઃખ જ પ્રાપ્ત થશે. આ વાત સમજાવવા માટે અત્રે એક પ્રેરણાદાયી પ્રસંગ ટાંકું છું.

અમદાવાદમાં એક વખત હાસ્ય દરબારનો એક કાર્યક્રમ યોજાયો હતો. તનાવભરી જિંદગીથી તંગ આવી ગયેલા લોકો આનંદ પ્રાપ્ત કરવાને માટે એકત્રિત થયા હતા. સમગ્ર હોલ ભરાઈ ગયો હતો. ઘણા માણસો તો જગ્યા ન મળવાના કારણે ઉભા પણ હતા. એક પછી એક હાસ્ય કલાકાર પોતાની કલા દ્વારા શ્રોતાઓને પેટ પકડીને હસાવી રહ્યા હતા. એક પ્રસિદ્ધ હાસ્ય કલાકારનો વારો આવ્યો. લોકો એને સાંભળવા માટે તલપાપડ હતા. આથી જ આયોજકોએ એમનો વારો સૌથી છેલ્લે રાખ્યો હતો.

હાસ્યકલાકારે એક સુંદર જોકથી શરૂઆત કરી. જોક એવો જોરદાર હતો કે લોકોનું હાસ્ય રોક્યું રોકાતું નહોતું. થોડા બીજા જોક કહ્યા પછી પેલા કલાકારે ફરી આજ જોક જરા જુદી રીતે કહ્યો. લોકોને મજા આવી પણ પહેલા જેવી નહીં. ફરીથી થોડા જોક કહ્યા પછી પ્રથમ કહ્યો હતો તે જ જોક જરા જુદા અંદાજમાં કહ્યો. હવે લોકોના ચહેરા પર સ્મિત જ હતું. ખડખડાટ હાસ્ય તો અદૃશ્ય થઈ ગયું હતું.

થોડા સમય પછી ફરીથી આ જોક આવ્યો. હવે તો લોકોને એકનો એક જોક વારંવાર સાંભળીને રીતસરનો કંટાળો આવવા લાગ્યો.

લોકો ઉભા થઈને ચાલવા લાગ્યા. હાસ્ય કલાકારે બધાને બે મિનિટ માટે ઉભા રહેવા વિનંતી કરી. બધા પોતાની જગ્યાએ ઉભા રહી ગયા એટલે હાસ્યકલાકારે કહ્યું,'મારા ભાઈઓ-બહેનો, મને માફ કરજો. એકનો એક જોક વારંવાર કહીને હું આપનો સમય બગાડવા નહોતો માંગતો. પરંતુ મારે આપનો તનાવ કાયમ માટે દૂર કરવાની એક દવા આપને આપવી હતી. એકનો એક જોક વારંવાર સાંભળવાથી આપને હસવું નથી આવતું તો પછી જીવનમાં બનેલી દુઃખદાયક ઘટનાને વારંવાર જુદા-જુદા સ્વરૂપે યાદ કરીને રડયા કેમ કરો છો ?'

જીવનની આ સફરમાં સારા-નરસા પ્રસંગો તો બનવાના જ છે. હાર્મોનિયમમાં સફેદ અને કાળા બંને રંગની ચાંપ હોય. માત્ર સફેદ ચાંપ જ દબાવવામાં આવે તો કર્ણપ્રિય સંગીત ન જન્મે. સફેદની સાથે કાળી ચાંપ પણ દબાવવી જ પડે. બસ એવી જ રીતે દુઃખદ પ્રસંગો પણ જીવનનો એક લાભ છે. એને અનુભવીને ભૂલી જઈએ. વારંવાર વાગોળવાથી પીડા ઓછી થવાને બદલે વધશે.

તેથી જીવનમાં જ્યારે દુઃખદ બાબતો બંને તેને યાદ ના રાખવી જોઈએ, તેને ભૂલી જવી જોઈએ, એવી વાતોને યાદ કરી કરીને વધુ દુઃખી થવાનું થાય છે. તેથી તેને ભૂલી જવામાં જ મજા છે.

આપણે કોઈની સાથે બોલાચાલી થઈ હોય, કોઈએ આપણને અન્યાય કર્યો, કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે આપણને ખૂબ જ દુઃખ થઈ આવે છે. પરંતુ આ તો જીવન છે, જીવનમાં તો આવું બન્યા જ કરવાનું, બધા માણસો સરખા નહી હોતા, તેમ જીવનમાં બધા દિવસો પણ સરખા પસાર નથી થવાના એ વાસ્તવિકતાને આપણે સ્વીકારવી જ પડશે. તેથી જ કહ્યું છે કે,

નિરંતર જીંદગીમાં દુઃખના દા'ડા નથી હોતા:

ચમનમાં ફૂલ પણ છે, એકલા કાંટા નથી હોતા.

સમય એવોય આવે છે, આ જિંદગીમાં,

કે જ્યારે સાથમાં ખુદના જ પડછાયા નથી હોતા.

બસ જીવન છે, આ જીવનમાં કડવાં અને મીઠાં પ્રસંગો તો બનવાના જ છે, કડવા પ્રસંગો ને યાદ કરીને ક્યાં સુધી દુઃખી થતાં રહેશું.. તેથી જ કુમકુમ મંદિરના સો વર્ષની ઉંમર ધરાવતા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કહેલું આ વાક્ય 'જીવનમાં સુખી થવું હોય તો, યાદ રાખતાં નહિ, પરંતુ આપણે ભૂલતાં શીખવું પડશે' આપણે આપણા જીવનમાં જેટલું વ્હેલું ઉતારીશું એટલા વધુ સુખી થઈશું.'

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sZC81D
Previous
Next Post »