- રામાયણમાંની મહિમાવંત 'નવ' (9) ચીજોને (વસ્તુઓને) યાદ કરવા જેવી છે. અગત્યની ઘટનાઓ પ્રસંગોમાં આ ચીજોએ મહિમાવંત ભાગ ભજવ્યો છે
આ પણા સનાતન ધર્મ સંસ્કૃતિમાં તે અતિ પ્રાચીન મહાકાવ્યો - 'રામાયણ' અને 'મહાભારત' છે. તેમાં સૌથી પ્રાચીન મહાકાવ્ય છે 'રામાયણ'. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં રીતરિવાજો, સમાજની સ્થિતિ, શ્રેષ્ઠ ચરિત્રો, સંસ્કૃતિ, આદર્શો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. 'રામાયણ' ગ્રંથના કર્તા 'વાલ્મિકી ઋષિ' હતા. આ ગ્રંથ વિશ્વના મહાન સાહિત્યમાં એક અનુપમ અને અતિસુંદર રચના તરીકે આપણને મળેલો છે.
ભગવાન શ્રીરામ અને સીતાજી ભારતીય પ્રજાના આદર્શો છે. જીવનમાં પ્રત્યેક ભાગમાં પ્રવેશી રહેતો અને પ્રજાના લોહીના બુંદે બુંદમાં થનગની રહેતો આવો આદર્શ બીજી કોઈ પૌરાણિક કથા રજૂ કરતો નથી. શ્રીરામજી અને સીતાજી ઉપરાંત લક્ષ્મણ, ભરત, હનુમાનજી, વિભીષણ વગેરે મહિમાવંત સદ્ચરિત્રો પણ છે હજારો વર્ષ પછી પણ આપણા હૃદયમાં કાયમી સ્થાન પામ્યાં છે.
રામાયણમાંની મહિમાવંત 'નવ' (૯) ચીજોને (વસ્તુઓને) યાદ કરવા જેવી છે. અગત્યની ઘટનાઓ પ્રસંગોમાં આ ચીજોએ મહિમાવંત ભાગ ભજવ્યો છે.
(૧) પાદુકા (૨) વીંટી (૩) નૈકા (૪) ધનુષ્ય-બાણ (૫) બોર (૬) પથ્થર (૭) શિવધનુષ્ય (૮) કાવડ (૯) સીતાજીનાં ઘરેણાં.
(૧) પાદુકા: રાજસિંહાસન શ્રીરામજીની પાદુકાઓ મૂકી, ભરતે 'દાસ'ભાવે રામજીના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન, અયોધ્યાનો રાજકારભાર કુશળતાથી ચલાવ્યો. 'પાદુકાઓ' ભરતજીના 'મહાન ત્યાગ' સાથે જોડાઈ ગઈ. મહિમાવંત બની ગઈ. ભરતજીના શ્રેષ્ઠચરિત્રની યાદ બની અમર થઈ ગઈ.
(૨) વીંટી: હનુમાનજી આકાશ માર્ગે લંકા પહોંચીને સીતાજીએ અશોકવાટિકામાં એક વૃક્ષની નીચે બેસેલા જોયાં. સૂક્ષ્મ બની, હનુમાનજીએ એ વૃક્ષની ડાળીએ બેસી, સીતાજીના ખોળામાં, રામજીએ આપેલી વીંટી નાખી. 'આ તો રામજીની વીંટી' એમ વિચારી ઉપર જોયું. ત્યારે હનુમાનજીએ કહ્યું, 'હું રામજીનો દુત છું' સીતાજીને વીંટીથી વિશ્વાસ પડી ગયો.હનુમાનજીને કશું પોતાના વિશે કહેવું ન પડયું. આમ રામજીની વીંટીએ હનુમાનજીની ઓળખ સરળતાથી આપી, મહિમાવંત સ્થાન પ્રાપ્ત કર્યુ. રાક્ષસીઓનો ચોકી-પહેરો હોવા છતાં ઓળખનું કામ સરળતાથી થઈ ગયું.
(૩) નૌકા: વનવાસ જતાં વચ્ચે નદી આવી. રામ-લક્ષ્મણ જાનકીજીને નદી પાર ઉતારવા નાવિકે તૈયારી બતાવીને કહ્યું:- 'હે મારા રામજી! તમારા પગ ધોવા દો. તમારા સ્પર્શથી શલ્યા અહલ્યા (સ્ત્રી) થઈ ગઈ હતી. મારી નૌકા સ્થીર થઈ જાય તો?' ભોળાભાવે, પ્રેમભાવે નાવિકે વિનંતી કરી. રામજીએ રજા આપી. નાવિકને પ્રભુના પગ પૂજ્યનું સૌભાગ્ય મળ્યું. નિમિત્ત 'નૌકા' બનીને મહિમાવંત બની ગઈ.
(૪) ધનુષ્ય-બાણ: શ્રીકૃષ્ણ સાથે ચક્ર, વિષ્ણુભગવાન સાથે ગદા, શિવ સાથે ત્રિશૂળ એમ શ્રી રામજી ધનુષ્યબાણ સાથે જ હોય. મહાત્માઓ ધનુષ્યબાણને જ્ઞાાનનું પ્રતિક ગણે છે. શ્રીરામજીની અનન્ય-અલૌકિક શક્તિ-પ્રભાવના પ્રતીકરૂપ ધનુષ્યબાણ ય મહિમાવંત બન્યાં.
(૫) બોર: 'મારે ઘેર ચોક્કસ શ્રીરામજી પધારશે' એવી શ્રદ્ધા સાથે શબરી રામજીનું રટણ કરતી અને રામજી માટે પૂરા પ્રેમથી બોર ભેગાં કરી રાખતી. એની પ્રતીક્ષા ફળી અને શ્રીરામજીએ તેની કુટિરમાં આવી એઠાં બોર પ્રેમથી આરોગેલાં. આમ બોર પ્રેમલક્ષણાભક્તિનાં મહિમાવંત મધુરું પ્રતીક બની ગયાં.
(૬) પથ્થર: લંકામાં જવા રામજીના વાનરસૈન્યે શ્રદ્ધાથી રામનામ લખેલા પથ્થરો સમુદ્રમાં નાખી સેતુ બનાવ્યો. શ્રી રામના મહત્ત્વના આ કાર્યોમાં કામ લાગ્યા. રામનામ લખેલા પથ્થરો તરી ગયા. શ્રધ્ધાના પ્રતીક બની ગયા. રામનામથી પથ્થર તર્યા તો માણસ રામનામથી ચોક્કસ ભવપાર તરે તેવી શ્રદ્ધાનો સંદેશ આપનાર પથ્થરો મહિમાવંત બની ગયા.
(૭) શિવધનુષ: સીતા સ્વયંવરમાં 'શિવધનુષ'ને એક ઇંચ પણ ઉપર કોઈ રાજવી ઉઠાવી ન શક્યા. શ્રી રામજીએ પલકવારમાં ઉઠાવી... પણછ ચડાવી. ને ધનુષ્ય તૂટી ગયું! શ્રીરામજીની અપરંપાર શક્તિનું દ્યોતક બની ગયું. 'શિવધનુષ'... ભલે પોતે તૂટયું પણ જગતમાં શ્રીરામજીની અપાર શક્તિનું દર્શન કરાવ્યું.
(૮) કાવડ: રામાયણમાં માતાપિતાની અદ્ભૂત સેવા કરનાર 'શ્રવણ'ની કથા પણ આવે છે. ખભે કાવડ ચડાવી તેના પલ્લામાં માતા-પિતાને બેસાડી વિવિધ તીર્થોની યાત્રા શ્રવણે કરાવેલી. શ્રવણની સેવાના પ્રતીકરૂપ 'કાવડ' મહિમાવંત બની ગઈ. માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ સંદેશ આપ્યો.
(૯) સીતાજીનાં ઘરેણાં: આકાશ માર્ગે સીતાજીનું અપહરણ કરી રાવણ લંકા તરફ જાય છે. ત્યારે સીતાજીએ આક્રંદ કરતા નીચે જોયું તો ટેકરી ઉપર વાનર બેઠેલા જોયા. સીતાજીએ સ્વયંસૂઝથી તેમના ઉપર ઘરેણાં નાખ્યાં. એવી સમજથી કે શ્રીરામ મારી શોધ કરશે ત્યારે આ વાનરો દ્વારા ભાળ મળશે કે મને રાવણ લંકા લઈ ગયો છે. આમ આત્મસૂઝનું ઉત્તમ દ્રષ્ટાંત ઘરેણાં થયાં. રામજીને સીતાજીની ભાળ મળી. સીતાજીની શોધના કાર્યમાં ઉપયોગી થઈ મહિમાવંત બન્યાં ઘરેણાં. આ નવ ચીજોને આદરભાવથી કહીશું કે:-
તમારી આ મહિમાકૃતિ.. મધુરાકૃતિ,
જગત નિરખી રાચી રેશે, ગ્રહી નિજ ઉન્નતિ.
- લાભુભાઈ ર. પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sZfdnl
ConversionConversion EmoticonEmoticon