પેથાભાઈ પરિવારની પિયર જતી વહુને શુભકામના


- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી

- પટલાણીએ જરા મમરો મૂક્યો, પ્રિયાભાભીને આજે તો લાવવા હતા, રશ્મિ એમને મળીને વિદાયની ઘડીઓમાં રાજી થઈ જાત..

પે થાભાઈના ઘરના મુખ્ય હોલમાં દરબાર ભરાયો હોય એવું વાતાવરણ જામ્યું હતું. સહુ કોઈ જાત જાતની લહેરાતી વાતોમાં વ્યસ્ત હતા. વીરેન અને વિભાવરી પણ થોડા સમય પહેલાનો કુટુંબ કલહ ભૂલીને પ્રસન્નતાથી વાતોમાં સહભાગી હતા.

વીરેને જરા વાતોમાં અટકચાળું કર્યું. 'વડોદરામાં મમ્મી-પપ્પા માટે અમદાવાદની કોઈ નમૂનેદાર આઈટેમ લીધી કે નહિ ? તરત જ વિશાલના પપ્પા હોંશથી વીરેનની વાતને વધાવી લેતા કહે - આપણે ત્યાંની ભાખરવડી એમને મોકલો. આપણું અમદાવાદી ફરસાણ એ ચાખે તો ખરા !'

રશ્મિના મુખ પર હાસ્ય રેલાયું... 'પપ્પા ! ભાખરવડી અમદાવાદની નહિ, વડોદરાની વિરાસત છે. વડોદરાથી અહીં આયાત થાય છે.'

વિશાલે પણ મૂડમાં આવી ટકોર કરી: 'પપ્પાને ભાખરવડી બહુ ભાવે છે. રશ્મિએ એમને અવાર નવાર ટેસ કરાવ્યો છે ને ?'

રશ્મિ આ પ્રશંસા સાંભળી હસુ હસુ થઈ રહી.

વિભાએ પણ વીરેન પર નિશાન તાક્યું. એણે રશ્મિની બનાવેલી ભાખરવડીનો સ્વાદ માણ્યો છે ને એટલે એને ચટાકા થાય છે.

વાતાવરણમાં હાસ્ય વિનોદ ચાલી રહ્યાં હતાં. એવામાં પ્રોફેસર પ્યારેલાલે એમની હાજરી પુરાવી. પેથાભાઈએ હસતે મુખે વધાવ્યા. 'તમારી લાડકી દીકરી જેવીને શુભ વિદાય આપવા આવી રહ્યા. મને મનમાં હતું કે તમે આવ્યા વિના નહિ રહો. પટલાણીએ જરા મમરો મૂક્યો, પ્રિયાભાભીને આજે તો લાવવા હતા, રશ્મિ એમને મળીને વિદાયની ઘડીઓમાં રાજી થઈ જાત.'

વિશાલના પપ્પાએ જરા અનુચિત જોક મારી 'પ્રોફેસર અન્કલ એમને મોઝલમાં રાખે છે.'

પ્રોફેસર પ્યારેલાલ પણ કદાચ પહેલીવાર અવનવી મુંઝવણમાં આવી પડયાં. 'પ્રિયાને કોઈને ઘેર જવું ગમતું નથી. અમારી એ ઘરરખ્ખું ગૃહિણી છે.' પટલાણી મૂડમાં હતાં. તેમણે જરા અજણતી ટકોર કરી, 'ભલું છે ને કે તમને તો આવવા દે છે !'

પ્રોફેસર પ્યારેલાલ મોટેથી હસી પડયા, 'એ હવે જાણે છે ને કે હું ખોટો રૂપિયો છું. ગમે ત્યાંથી છેવટે ઘેરને ઘેર જ પાછો આવવાનો છું.' વાતોમાં હવે રંગત જામવા માંડી હતી.

રશ્મિ વારે વારે એની કાંડા ઘડિયાળમાં છૂપી નજર નાખતી હતી. સાસુએ - ફેન્ટાએ એને પકડી પાડી, 'તને ટાઇમસર વિદાય કરીશું હોં, ચિંતા ના કરીશ.'

રશ્મિ જરા ગલવાઈ ગઈ.

પ્રોફેસર પ્યારેલાલે જરા બચાવ કર્યો : 'દરેક વહુને એ કે ઝટ પહોંચવાની આદત હોય.'

રશ્મિને સાસુની ટીકાનો જવાબ જડયો નહિં. વીરેને ફરી જોક ઉછાળી, 'વિશાલ તો મનમાં ભગવાન - ભગવાન કરતો હશે કે ઘડિયાળ જેટલી મોડી જાય એટલું સારું.'

પ્રોફેસર પ્યારેલાલે ડહાપણનું સૂત્ર ઉચ્ચાર્યું. 'ટાઇમ એન્ડ ટાઇડ વેઇટ ફોર નોન (્ૈસી ચહગ ્ૈગી ઉચૈા ર્કિ ર્હહી) ઘડિયાળના કાંટા કોઈની રાહ જોયા થોભતા નથી, સાગરમાં ભરતીની જેમ' ફેન્ટાએ સહજ રીતે કહ્યું, 'રશ્મિ જતાં ઘરમાં ખાલીપો લાગશે.'

વીરેને વળી જોક લગાવી, 'બધાને તો નહિ, પણ વિશાલને ચોક્કસ વેક્યુમ ફચબીેસ લાગશે. વિશાલ વીર્ફ્યો - કદાચ પહેલી વાર' તને તો વિભા જાય તો છુટકારો લાગતો હશે.'

'એવું ખરું ખરું હોં !' વિભાએ ટાપશી પૂરીને બધાને હસાવી પાડયા.

વીરેનને હાજર જવાબ સૂઝ્યો નહિ. અને તરત જ બારણામાં શકરાભાઈનો પુત્રવધૂ મંજરી અને તેમની લાડકી દીકરી પરી દેખાયા.

રશ્મિ આનંદથી ઉછળી ઉઠી : 'અરે તું ય આવી ગઈ ? તને ક્યાંથી ખબર પડી ?'

'ગેલમાંથી' કહેતાં મંજરી હસી પડી. પ્રોફેસર પ્યારેલાલે કહ્યું, 'મોબાઈલ એટલે જ ગેલ. એમાંય આકાશવાણીની જેમ જ વહેવાર ચાલે છે ને.'

મંજરી કહે: 'પરીને ય એનાં રશ્મિભાભીને મળવાની ઈચ્છા હતી.'

'રશ્મિભાભીને કે એના વહાલા વિશાલભાઈને ? વિશાલના પપ્પાએ રમૂજ કરી.'

વિશાલે પરીનો હાથ પકડીને એને પોતાની પાસે ખેંચી - પરી સંકોચાઈ ગઈ.

મમ્મીએ કહ્યું : 'તમે હવે પરીને મળવા આવતા નથીને એટલે...'

ફેન્ટાએ કહ્યું : 'હવે ઉંમરમાં ય જરા મોટી થઈ ને ?'

પરીએ સહજ પૂછ્યું : 'વિશાલભાઈ ! તમે વડોદરા જાવ છો ?'

'ના, રે...' વિશાલે જરા ખંધુ હસીને કહ્યું : 'મને કોણ લઈ જાય ?'

રશ્મિએ લાડથી કહ્યું : 'હું એમને લઈ જઉં તો તને ગમે નહિ ને !'

પરી કશું બોલી નહિ, એના મુખ પર જરા ઉદાસી છવાઈ ગઈ. એટલે વિશાલે કહ્યું, 'આપણે બંને એને લેવા સાથે જઈશું હોં ?' વિશાલે તો માત્ર સધિયારો આપ્યો હતો, પણ વીરેન મજાકની તક કેમ ચૂકે ? 'જો - એણે એના મનની જ વાત કરી દીધી ! ખોળિયું અહીં ને જીવ વડોદરામાં !'

વિભાએ જરા કડવી ટકોર કરી: 'બધા કાંઈ તારા જેવા ના હોય !'

એમની વાતો અટકે ત્યાં જ પેથાભાઈએ ધ્યાન દોર્યું : 'ટાઇમ થવા આવ્યો હોં ! હવે ઉપડો... ધીમે ધીમે.'

બધાં સજાગ થઈ ગયા. હોલમાં હલચલ મચી ગઈ.

રશ્મિ બધાની સાથે ઉતાવળે ઉભી થઈ. એ સીધી વડસસરા પાસે ગઈ અને એમના ચરણમાં નમી. સહજ ભીની આંખે બોલી શકી : 'તબિયત સાચવજો... થોડા દિવસમાં આવી જઈશ.'

પ્રોફેસર પ્યારેલાલના ય તેણે આશીર્વાદ લઈ લીધા.

બધાં ઉભા થઈ ગયા... વિદાયની વેળા આવી ગઈ હતી.

એકાએક રશ્મિ જતાં જતાં ઉભી રહી ગઈ. ફેન્ટાએ નવાઈ પામી પૂછ્યું 'કેમ રશ્મિ ! ઉભી રહી, કશું રહી ગયું ?'

'હા...' કહેતી રશ્મિ પેથાભાઈના બાપાના રૂમ તરફ ઝડપથી ગઈ.

ફેન્ટા અને વડસાસુય એની પાછળ દોરવાયાં વડદાદા ઉંઘતા હશે કે કેમ, પણ એમણે સહેજ આંખ ઉઘાડી.

રશ્મિએ નીચા નમીને તેમના આશિષ માગી.

દાદા ટેકો લઈને પરાણે બેઠા થયા. રશ્મિને માથે હાથ મૂક્યો. અને કશુંક અસ્પષ્ટ બોલ્યા. 'સામી... ના... ના... યણ' ભગ... વાન સા... રો દિવસ આપશે.

બધાને ત્રુટક ત્રુટક સાંભળાયું રશ્મિએ બરાબર સાજી લીધું. પાછળ વિશાલ આતુરતાથી ઉભો જ હતો. એના મુખ પર તેજી આવી ગઈ.

સ્ટેશને જતાં કારમાં રશ્મિનું જેટલું સાંન્નિદ્ય મળે તેટલું ભોગવી લેવાના 'લાલસા' સાથે બંને સ્ટેશને પહોંચ્યા.

વિસાલે એની બેગ ઊંચકી લીધી. રશ્મિને ડબામાં બેસાડી સીટ બારી પાસે હતી. ગાડી ઉપડે ત્યાં સુધી એ પ્લેટફોર્મ પર બારીની પાસે ઉભો રહ્યો. રશ્મિનો કોમળ હાથમાં એનો હાથ ભળ્યો. નાગરવેલના કુમળા પાન જેવી રશ્મિની હથેળીએ એને કંઈ કંઈ ભાવોમાં તરતો મૂકી દીધો.

ટ્રેન ઉપડી ત્યારે બાયબાય કરતો હવામાં લહેરાતો હાથ અને આંખોનાં આંસુ પોછતો રૂમાલ...

(સંપૂર્ણ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Opk81W
Previous
Next Post »