
- રત્નાકરસૂરિએ પોતાના હૈયાની વેદના સ્તુતિરૂપે ઠાલવી અને ૨૫ ગાથાની 'રત્નાકર પચ્ચીશી' નામના અનુપમ કાવ્યની અધ્યાત્મ જગતને ભેટ મળી
પ્ર તિષ્ઠિત રૂનો વેપારી સુધન મૂળ ધંધુકાનો, પણ સિઝન હોય ત્યારે રાયખંડ વડલી આવીને ધમધોકાર વેપાર કરે. હૃદયમાં ઊંડી ધર્મભાવનાને તેને જાણ થઈ કે મુનિ રત્નાકરસૂરિ બહોળા શિષ્ય પરિવાર સાથે બિરાજે છે. સુધન પ્રવચન સાંભળવા ઉપાશ્રયમાં આવતા જોયું કે, ગુરુદેવનું રજોહરણનું પડિલેહણ, એટલે કે આ ધાર્મિક ઉપકરણને સ્વચ્છ કરી જાગૃતિપૂર્વક સુઘડ કરતા હતા. આ ઉપકરણની દેશીઓની વચ્ચે એટલે કે આ રજોહરણ વચ્ચે દોરાના ઝૂમખા વચ્ચે રાખેલી એક નાનકડી પોટલી ગુરુ રસપૂર્વક નિહાળી મલકાતા હતા. જોતાં ખબર પડી કે આ પોટલીમાં ઝળહળતા રત્નો હતાૃ જોઈ અને ગુરુજીએ પાછા મૂકી દીધા. શ્રદ્ધાળુ સુધન આ દૃશ્ય જોઈ આશ્ચર્યમાં ગરકાવ થયો. થોડા દિવસ તેણે આચાર્યજીની જીવનચર્યા બારીકાઈથી નિહાળી. તે રજોહરણ કોઈ પણ શિષ્યને ન દેતાં પોતા પાસે જ રાખતા.
પૂર્વાશ્રમમાં રત્નાકર હીરા- ઝવેરાત રત્નોના વેપારી હતા. દીક્ષા સમયથી આ પોટલી તેમની પાસે હતી. સુધનનું વિચારમંથન પરાકાષ્ઠાએ પહોંચ્યું. વિચારે છે કે ગુરુવરને આસક્તિમાંથી અનાસક્ત કેમ કરવા ? દિવસો સુધી સતત ઉપાય વિચારે છે કે શાસ્ત્રની કોઈ એવી ગાથા મળી જાય તો કામ થાય.
'ઉપદેશ માળા'નો સ્વાધ્યાય કરતા, સુધનને પરીગ્રહના મોહનો નશો ઉતારનાર ગારુડીમંત્ર સમો એક શ્લોક મળે છે.
ગુરુ પાસે જઈ નમ્રભાવે કહે છે કે, કલ્યાણમિત્ર ગુરુ ભગવંત ! મને આ શ્લોકનો અર્થ સમજાવો. ગુરુ કહે છે કે, આનો અર્થ તો સાવ સરળ છે, સાંભળ પરીગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને આ શ્લોક કહેવાયો છે - 'ધન-દોલત એક બે નહી પણ અનેક દોષોનું મૂળ છે, તેથી પૂર્વેના ઋષિઓએ તેનો ત્યાગ કર્યો હતો. તો હે મુનિ ! આવા અનર્થકારી ધન-દોલત તું તારી પાસે રાખતો હોય તો તારા સંયમ- ચારિત્ર્યનો અર્થ શો ?''
સુધન વિચારે છે કે, જ્ઞાાની ગુરુ જાણે છે કે, આ ધન-દોલત અનર્થકારી છે. છતાં તે રત્નોમાં કેમ આસક્ત છે ? તેને સ્મરણ થાય છે ભગવાન મહાવીરના આનંદને કહેવાયેલા શબ્દો કે, ''હે આનંદ ! પરિગ્રહમાં આસક્તિ એ પાપ છે અને દુર્ગતિ કરાવનાર છે.'' પણ આ વાત ફોડ ગાડીને ગુરુદેવને કહીએ તો અવિનય થાય, માટે તે ગુરુજીને કહે છે કે મને આ વાત સમજાતી નથી. ગુરુજી વિચારે છે કે હું આટલો જ્ઞાાની છું, સંખ્યાબંધ શિષ્યોને મેં પ્રજ્ઞાાવંત કર્યા છે પણ આ સરળ શ્લોક હું સુધન જેવા ભક્તિવંતને સમજાવી શકતો નથી. વહેલી પરોઢે રજોહરણમાંની પોટલી હાથમાં છે. રત્નોનો સ્પર્શ થતા ચિંતનમાંથી ચિનગારીનો સ્ફોટ થાય છે ને ગુરુ વિચારે છે કે કદાચ આ બધા અનર્થનું મૂળ મારાં આ રત્નો પ્રત્યેની આસક્તિ છે. અરે, મેં આ શું કર્યું ?
રત્નો હાથમાં લઈ એક પથ્થર લઈ રત્નોના ચૂરા કરી રહેલ છે ત્યારે સુધન દર્શન કરવા આવતા કહે છે, આ કિંમતી રત્નોનો ચૂરો કરી ધૂળમાં કાં મેળવો ? તારા શ્લોકનો અર્થ સાચી રીતે સમજાવવા આ કર્યું છે. હવે એક વાર અર્થ સાંભળ. સાંભળીને સુધન કહે, હે ગુરુદેવ ! અર્થ બરાબર સમજાઈ ગયો.
આચાર્ય શિષ્યને કહે, તું મારો શિષ્ય નહી પણ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાવાળો સદ્ગુરુ છે. એક ક્ષણે રત્નાકરસૂરિ પ્રાયશ્ચિત્તની ગંગામાં સ્નાન કરી પાવન થઈને બહાર આવ્યા અને હૃદયમાંથી કાવ્યપંક્તિ સરવા લાગી.
''ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, મતિભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા, હેે પ્રભુ સમ્યક્ જ્ઞાાન, દર્શન, ચારિત્રના રત્નો ગુમાવી આ કાચના ટુકડા જેવાં રત્નોમાં મમત્વ રાખ્યું.''
રત્નાકરસૂરિએ પોતાના હૈયાની વેદના સ્તુતિરૂપે ઠાલવી અને ૨૫ રત્નોના ચૂરા કરવા સાથે ૨૫ ગાથાની 'રત્નાકર પચ્ચીશી' નામના અનુપમ કાવ્યની અધ્યાત્મ જગતને ભેટ મળી, જેથી અનેક ભાવુકો પ્રભુસમક્ષ પોતાના કુકર્મોની કબુલાત કરી પ્રાયશ્ચિત દ્વારા હળવા બનેછે. આ મહાપુરુષની અંતરવેદના જગત માટે આશીર્વાદરૂપ બની.
- ગુણવંત બરવાળિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2REYeJn
ConversionConversion EmoticonEmoticon