પાં ડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી એમ ત્રણ ભાઈઓ હતા. એમાં સૌથી નાના વિદુરજી કૌરવોના મંત્રી હતા. તેઓ પ્રખર બુધ્ધિશાળી અને ભક્તિપરાયણ હતા. તેઓ આદરણીય અને પૂજનીય હતા. તેઓ પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને હમેશાં સત્ય અને હિતકારી સલાહ આપતા. તેમની એવી વાણીમાં સત્ય, નીતિ અને ધર્મનો પ્રતિઘોષ સંભળાતો હતો. એટલે તેમની વાણીને 'વિદુરનીતિ' કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદુરનીતિ એવો એક નીતિગ્રંથ છે જે માનવમાત્રને જીવનશ્રેયનો માર્ગ બતાવે છે.
* વિદુરનીતિ કહે છે કે... મનુષ્યની સાચી કમાણી સંપત્તિ નહિ પણ ચારિત્ર્ય છે. ચારિત્ર્ય માનવીનું સર્વસ્વ છે. એક અંગ્રેજી વિદ્વાને કહ્યું છે કે ''જ્યારે માણસે સંપત્તિ ગુમાવી ત્યારે માનો કે કંઈ ગુમાવ્યું નથી. જ્યારે આરોગ્ય ગુમાવ્યું ત્યારે માનો કે કંઈક ગુમાવ્યું છે. પરંતુ જ્યારે ચારિત્ર્ય ગુમાવ્યું ત્યારે માનો કે સર્વસ્વ ગુમાવ્યું છે. ચારિત્ર્યનીહીન માણસ અધમ છે. કવિ ન્હાનાલાલે કહ્યું છે કે -
''યૌવન શોભે છે સંયમથી
અને સૌંદર્ય શોભે છે શીલથી.''
* વિદુરનીતિ કહે છે કે... 'જે ગુણસંપન્ન છે. જે અન્યના કલ્યાણ માટે તત્પર છે, જેનું ચારિત્ર્ય ઉજ્જવળ છે, જે સદા જાગ્રત છે એવો મનુષ્ય ઉત્તમ છે. એનો સંસર્ગ સદા લાભદાયી છે. કોઈ હેતુ પૂર્ણ કરવા, કોઈ ચોક્કસ લાભ મેળવવા માટે એમનું સાહચર્ય જરૂરી છે. કિંતુ જે મનુષ્ય દુર્ગુણોનું પૂતળું છે, જે અવગુણોથી ભરેલો છે. જેનામાં માનવતા નથી એવા અધમ માણસથી સદા દૂર રહેવું જોઈએ.'
* વિદુરનીતિ કહે છે કે... દિનભર એવું કામ કરવું જોઈએ કે રાત્રે સુખપૂર્વક ઊંઘ આવે અને જીવનભર એવાં કર્મો કરવા જોઈએ જેથી મૃત્યુ પછી માણસની સદ્ગતિ થાય. અહીં કૂડકપટ કરનારા, યુક્તિ-પ્રયુક્તિઓ કરનારા, અનીતિ અને અનાચારમાં ડૂબેલા, માણસોની અધોગતિ થાય છે. પતન થાય છે. મનુષ્યના કર્મમાં ન્યાય, નીતિ અને સત્યની સુગંધ ભળવી જોઈએ. સત્કર્મોથી જ મનુષ્ય સદ્ગતિ પામે છે.
* વિદુરનીતિ કહે છે કે.... મનુષ્યે આજીવિકા મેળવવા માટે પુરુષાર્થ કરવો પડે છે. બુદ્ધિ, પ્રભાવ, તેજ, બળ, ઉત્સાહ અને ઉદ્યમ વગેરે જેવા ગુણો પુરુષાર્થનાં ચાલક બળ છે. આમાંથી એકાદ ગુણ હોય તો પણ મનુષ્ય સરળતાથી આજીવિકા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જેની પાસે આ છ ગુણો છે તે તનમનથી સ્વસ્થ અને સુખમય જીવન જીવે છે. પુરુષાર્થ વિના જીવનમાં પ્રગતિ શક્ય નથી.
* વિદુરનીતિ કહે છે કે... સાગર જળસંપન્ન છે. નદીઓ પોતાનાં જળ તેનામાં વહાવે છે. સાગરની એ પાત્રતા યોગ્યતા છે. ગહનતા એનું વ્યક્તિત્વ છે. ગંભીરતા એની મહાનતા છે. ઔદાર્ય એનો સદ્ગુણ છે. આમ પોતાની પાત્રતાથી સાગર સર્વસંપન્ન છે. મનુષ્યે પણ આમ સૌપ્રથમ પાત્રતા-યોગ્યતા કેળવવી જોઈએ. એક ચિંતકે કહ્યું છે કે મનુષ્યે ધનપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાને બદલે પાત્રતા મેળવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જેની પાસે પાત્રતા છે તેને સમયાંતર સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
- કનૈયાલાલ રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dtFaVI
ConversionConversion EmoticonEmoticon