માનવ જીવનમાં સમતુલાનું અધિક મહત્વ છે. માનવીની ઇચ્છાઓ સંતોષાતી નથી કે ધાર્યું થતું નથી ત્યારે અને આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે તેની મગજની સમતુલા તે ખોઈ બેસે છે. આપણે ત્યાં અદાલતોમાં ન્યાયની દેવીનું ચિત્ર કે મૂર્તિ જોવા મળે છે. કે જેણે આંખે પાટા બાંધ્યા હોય છે તથા હાથમાં તુલા કે વજનકાંટો હોય છે. આ તુલા ન્યાયની નિશાની છે.
પહેલાંના સમયમાં વજન કરવા માટે ત્રાજવું તથા તોલાં હતાં હવે ડીજીટલ મશીનો આવી ગયાં છે. કાંટામાં એકબાજુ તોલાં બીજી બાજુ વજન હોય અને કાંટો મધ્યમાં હોય તો સમતોલ સ્થિતિ કહેવાય. માનવીની માનસિક સમતુલા જાળવવામાં ધીરજ, સહનશક્તિ, જતું કરવું કે મૌન જરૂરી છે. માનવી પરિસ્થિતિ સહન ન થાય ત્યારે ઉગ્ર થઈ જાય છે. ગુસ્સો કરવા લાગે છે પરંતુ ઉગ્ર બનનારે ઘણીવાર ઘણું ગુમાવવું પણ પડે છે. રાવણ તથા કંસ તેનાં દૃષ્ટાંતો છે.
જેમ શરીરની સમતુલા જાળવવી જરૂરી છે તેમ મનની સમતુલા સ્થિર રહે તે આવશ્યક છે. સમતોલ રહેનાર વ્યક્તિ ઢળી જતો નથી. એકાગ્ર કે શાંત ચિત્તવાળો સ્થિરતા ધારણ કરી શકે છે. આપણે ત્યાં એક જાણીતું ભજન પણ છે. મેરૂ તો ડગે, જેના મનડાં ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે..' માણસે કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થવું જોઈએ નહીં. જે ડરે છે તે ડગે છે અને જે ડગે છે તે ગુમાવે છે. સમતુલા સહજ હોય છે, તે સ્વભાવમાં હોય છે પરંતુ ક્યારેક તે કેળવવી પણ પડે છે. સમતોલ હોવું એટલે સ્થિરતા કે અડગતાને પામવું . સ્થિર મતીના લાભો શ્રીગીતાજીમાં પણ દર્શાવ્યા છે. પરિસ્થિતિ પ્રમાણે રહી સમતુલા જાળવવી તે આજના સમયની માંગ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m8hr13
ConversionConversion EmoticonEmoticon