હાથના કર્યાં હૈયે વાગ્યાં.... .


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- એલેઝાન્ડ્રોએ મિડિયા સમક્ષ પોતાની દુર્દશાની વાત વર્ણવી ત્યારે સિક્યોરિટી એજન્સીને શંકા જાગી 

સં સ્કૃત ભાષામાં એક સુભાષિત છે જેનો સાર એવો છે કે પનિહારીનો ઘડો ફોડીને કે ગર્દભ પર સવારી કરીને, ગમે તે રીતે માણસે પ્રસિદ્ધ થવું જોઇએ. જો કે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયાસ ક્યારેક બહુ મોંઘા પડે છે. ઇટાલીના એક ગર્ભશ્રીમંત વેપારીને એવો પ્રયાસ ખરેખર મોંઘો પડી ગયો. હાલ ઇટાલીની રાષ્ટ્રીય સલામતી સમિતિ અને ગુપ્તચર સેવા આ વેપારીએ કરેલા દાવાની સચ્ચાઇ ચકાસી રહી છે. એલેઝાન્ડ્રો સાન્દ્રીની નામના આ વેપારી પ્રસિદ્ધ થવાની લાહ્યમા બદનામ થઇ ગયા.

એ કેસની વાત કરવા અગાઉ ઔર એક અપરાધકથા તમને યાદ કરાવી દઉં. લગભગ વીસ વર્ષ થયાં એ ઘટનાને. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે એક આદમીને માત્ર શંકા પરથી ઝડપી લીધો હતો. જંગી આર્થિક ખોટ આવતાં આ માણસે પોતાના પરિવારને પોતાના વીમાની રકમ મળે એ માટે એક અકસ્માત સર્જીને પોતે મરણ પામ્યો હોવાનો ડોળ કર્યો હતો. વીમાના પૈસા એના પરિવારને મળી ગયા.

એણે યૂરોપના અન્ય દેશમાં જઇને પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી. પછી એનો આત્મવિશ્વાસ પહેલાં કરતાં ડબલ થઇ ગયો. એકવાર ચિક્કાર નશામાં કાર ચલાવતાં એ ઝડપાઇ ગયો. પોલીસે એની ઊલટતપાસ કરી ત્યારે શરાબના નશામાં એ સત્ય ઓકી ગયો. ઇટાલીના જે વેપારીની વાત કરવી છે એ એલેઝાન્ડ્રો સાન્દ્રીનીની ચાલ પણ કંઇક આવી જ હતી. પરંતુ એ પણ વિચિત્ર સંજોગોમાં ઝડપાઇ ગયો. 

એલેઝાન્ડ્રોએ એક ખેલ વિચાર્યો હતો. પોતે ફરવા માટે સિરિયા તરફ ગયા હતા ત્યાં જિહાદી આતંકવાદીઓએ એમનું અપહરણ કર્યું અને મોટી રકમની ખંડણી માગી. એ રકમ ચૂકવાયા પછી પોતે મુક્ત થયા એવી સ્ટોરી આ વેપારીએ વિચારી હતી. પરંતુ બન્યું ઊલટું. એ ભાઇ સાચોસાચ જિહાદી આતંકવાદીઓના હાથમાં સપડાયા અને પાંચ પંદર દિવસ નહીં, પૂરાં ત્રણ વર્ષ આતંકવાદીઓના બંધક બની રહ્યા. 

એટલેથી વાત અટકી નહીં. જે આતંકવાદી જૂથે એમને પકડયા હતા એ જૂથે એલેઝાન્ડ્રોને બીજા આતંકવાદી જૂથને 'વેચી નાખ્યા.' પહેલા જૂથે આ વેપારીને તૂર્કીના અદાના વિસ્તારમાં રાખેલા. બીજું જૂથ હયાત તહરીર અલ-શામ એમને સિરિયા લઇ ગયું. ત્યાં એમને ગુલામની જેમ મજૂરી કરાવવા માંડી. પ્રસિદ્ધ બનવાની ભૂખ એમને ભારે પડી ગઇ.

ત્રણેક વર્ષ બાદ એલેઝાન્ડ્રો ઇટાલી પાછા ફરી શક્યા. એ કેવી રીતે આતંકવાદીઓની જાળમાંથી મુક્ત થયા, એમની મુક્તિ માટે કોણે કેટલી રકમ ચૂકવી એની વિગતો પ્રગટ થઇ નથી. પરંતુ એમણે મુક્તિ માટે ખાસ્સી મોટી રકમ ચૂકવવી પડી હશે એમ માનવામાં આવે છે. ખરી મજા હવે શરૂ થાય છે. અગાઉ ઇટાલીના જ એક વેપારીએ પોતાની હત્યાનો પ્રયાસ થયો એમ કહીને વીમા કંપની પાસેથી વળતર મેળવવાના પ્રયાસ કરેલા. વીમા કંપનીએ પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકીને તપાસ કરાવી ત્યારે સત્ય બહાર આવ્યું.

એલેઝાન્ડ્રોએ મિડિયા સમક્ષ પોતાની દુર્દશાની વાત વર્ણવી ત્યારે સિક્યોરિટી એજન્સીને શંકા જાગી એટલે નવેસર તપાસ શરૂ કરી. ગુનાશોધક અધિકારીઓની આકરી પૂછપરછ સામે ભલભલા હાંફી જાય છે અને ભાંગી પડે છે. એલેઝાન્ડ્રોએ તો વાસ્તવમાં આતંકવાદીઓનો શારીરિક માનસિક ત્રાસ સહન કર્યો હતો એટલે એમણે તો પોતાની તમામ વિગતો ડિટેક્ટિવ્સને જણાવી. અત્યારે તો તપાસ ચાલી રહી છે અને આપણે ત્યાં બને છે એમ મિડિયાએ પોતાની રીતે ઊલટતપાસ આદરીને એલેઝાન્ડ્રોને નેગેટિવ રીતે ચીતરવા માંડયા છે. જોવાનું છે કે એલેઝાન્ડ્રોના કિસ્સામાં કેવી પરાકાષ્ઠા આવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39OC3Xd
Previous
Next Post »