- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 1997ની ટેસ્ટમાં એક સાથે રમેલા ઝિમ્બાબ્વેના બંધુઓ એન્ડી-ગ્રાન્ટ ફ્લાવર, ગેવિન રેની-જ્હોન રેની,પોલ સ્ટ્રેન્ગ-બ્રાયન સ્ટ્રેન્ગ
- 10 એપ્રિલ : સિબ્લિંગ્સ ડે
- ઉંમરના કોઇપણ તબક્કે મિત્ર ગમે તેટલો જીગરી કેમ ન હોય તેના માટે પણ છેવટે તો એક જ શબ્દ કહેવો પડે છે, 'આ તો મારા ભાઇ જેવો છે.'
ટે સ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યારસુધી કુલ ૨૪૧૭ મેચ રમાઇ ચૂકી છે. પરંતુ તેમાં સપ્ટેમ્બર ૧૯૯૭માં હરારે ખાતે યજમાન ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ક્રિકેટના ઈતિહાસમાં એક અલાયદું સ્થાન ધરાવે છે. આ ટેસ્ટમાં તોતિંગ સ્કોર નોંધાયો હતો? કોઇ બોલરે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું ? ઝિમ્બાબ્વેએ ન્યૂઝીલેન્ડને હરાવી અપસેટ સર્જ્યો હતો? આ પ્રકારના તમામ સવાલનો એકમાત્ર જવાબ 'ના' છે. આમછતાં આ ટેસ્ટ મેચ ક્રિકેટ ઈતિહાસમાં શા માટે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેનું પાછળનું કારણ રસપ્રદ છે.
વાત એમ બની કે, આ ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વે એન્ડી ફ્લાવર-ગ્રાન્ટ ફ્લાવર, પોલ સ્ટ્રેન્ગ-બ્રાયન સ્ટ્રેન્ગ, ગેવિન રેની-જ્હોન રેની એમ ૩-૩ સગા ભાઇઓની જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. પ્લેઇંગ ઇલેવેનમાં એક સાથે ૩ સગા ભાઇની જોડી રમી હોય તેવી આ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ઘટના હતી. એટલું જ નહીં આ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ગાય વ્હિટલનો પિતરાઇ ભાઇ એન્ડી વ્હિટલ ૧૨મો ખેલાડી હતો. આમ, આ ટેસ્ટનું પરિણામ ભલે ડ્રો રહ્યું હોય પણ છતાં તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝનને આડે પણ હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને ૧૦ એપ્રિલની ઉજવણી 'સિબ્લિંગ્સ ડે' તરીકે પણ કરવામાં આવે છે. આમ, મોકા ભી હૈ..દસ્તુર ભી હૈ તે હિસાબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા ભાઇ-ભાઇ, ભાઇ-બહેન કે બહેન-બહેનની વાત કરીશું.ટેસ્ટ ક્રિકેટ માં બે ભાઇઓ એક સાથે રમ્યા હોય તેનો ઈતિહાસ ટેસ્ટ ક્રિકેટ જેટલો જ પુરાણો છે. કેમકે, ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટ મેચ ૧૫-૧૯ માર્ચ ૧૮૭૭માં રમાઇ ત્યારે તેમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેપ્ટન ડેવ ગ્રેગરી અને તેમના ભાઇ નેડ ગ્રેગરી પણ એકસાથે રમ્યા હતા.
જોકે, ભાઇ-ભાઇ એક જ ટીમમાં સાથે રમ્યા હોય તેવા પ્રસંગ જવલ્લે જ જોવા મળે છે પરંતુ ભાઇ-ભાઇએ અલગ-અલગ સમયે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેવી અનેક ઘટનાઓ બની છે. જેમાં ચાર ભાઇઓ પોતાના દેશ માટે રમ્યા હોય તેમાં માત્ર પાકિસ્તાનના હનિફ બ્રધર્સનો સમાવેશ થાય છે. હનિફ મોહમ્મદ, મુશ્તાક મોહમ્મદ, સાદિક મોહમ્મદ, વઝિર મોહમ્મદ એમ ચાર ભાઇઓ અલગ-અલગ સમયગાળા દરમિયાન પાકિસ્તાન માટે રમ્યા હતા. હનિફ મોહમ્મદે ૧૯૫૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં ૯૭૦ મિનિટ (૧૬ કલાક ૧૦ મિનિટ)ની મેરાથોન ઇનિંગ્સમાં ૩૩૭ રન નોંધાવ્યા હતા. પાકિસ્તાન માટે સર્વોચ્ચ વ્યક્તિગત ટેસ્ટ સ્કોરનો આ રેકોર્ડ આજે પણ હનિફ મોહમ્મદને નામે અકબંધ છે.
હનિફ મોહમ્મદના બંધુઓ વઝિર મોહમ્મદ,મુશ્તાક મોહમ્મદ, સાદિક મોહમ્મદનો પણ જન્મ જૂનાગઢમાં થયો અને તેઓ પાકિસ્તાન માટે રમ્યા હતા. આ પૈકી સાદિક મોહમ્મદે ૪૧ ટેસ્ટમાં ૨૫૭૯, વઝિર મોહમ્મદે ૨૦ ટેસ્ટમાં ૮૦૧, મુશ્તાક મોહમ્મદે ૫૭ ટેસ્ટમાં ૩૬૪૩ રન નોંધાવ્યા હતા. ૧૯૭૦ સુધી ભાગ્યે જ કોઇ એવી ટેસ્ટ હશે કે જેમાં એકપણ મોહમ્મદ બ્રધર્સ પાકિસ્તાનની ટીમમાં હોય નહીં.
આ મોહમ્મદ બ્રધર્સે કુલ ૧૭૩ ટેસ્ટમાં ૧૦૯૩૮ રન-૨૯ સદી-૪૭ અડધી સદી ફટકારવા ઉપરાંત ૮૦ વિકેટ પણ ખેરવી હતી.આ તો થઇ ચાર ભાઇઓની વાત. ત્રણ ભાઇઓ પોતાના દેશ માટે રમ્યા હોય તેમાં ઓસ્ટ્રેલિયામાંથી ગ્રેગ ચેપલ-ઇયાન ચેપલ-ટ્રેવર ચેપલ, ઇંગ્લેન્ડમાંથી એડવર્ડ ગ્રેસ- ફ્રેડ ગ્રેસ-વિલિયમ ગ્રેસ, પાકિસ્તાનમાંથી મંઝૂર-ઝહૂર-સલીમ ઈલાહી, અદનાન-કામરાન-ઉમર અકમલ, શ્રીલંકામાંથી અર્જુન-સંજીવા-દામ્મિકાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ભારતમાંથી મોહિન્દર-સુરિન્દર અમરનાથ, અરવિંદ-માધવ આપ્ટે,નઝિર અલી-વાઝિર અલી, સીકે નાયડુ-સીએસ નાયડુ, બાલુ ગુપ્તે-સુભાષ ગુપ્તે, એલ.અમરસિંહ-એલ.રામજી, એજી ક્રિપાલસિંહ-એજી મિલ્ખાસિંહ જેવા બંધુઓ ટેસ્ટ ક્રિકેટમાં રમી ચૂક્યા છે. વન-ડે ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ હસ્સી-માઇક હસ્સી, શોન માર્શ-મિચેલ માર્શ, બ્રેટ લી-શેન લી, ઇંગ્લેન્ડમાંથી બેન હોલિઓક-એડમ હોલિઓક, ટોમ કરન-સેમ કરન, ભારતમાંથી મોહિન્દર-સુરિન્દર અમરનાથ, ઇરફાન-યુસુફ પઠાણ, હાદક-કૃણાલ પંડયા, ન્યૂઝીલેન્ડમાંથી જેફ ક્રો-માટન ક્રો કેટલાક પ્રખ્યાત નામ છે.
ભાઇ-બહેને ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેવી જૂજ ઘટનાઓ જોવા મળી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાંથી ટેરી એલ્ડરમેન-ડેનિસ એલ્ડરમેન, ન્યૂઝીલેન્ડના પીટર-સારા મેકગ્લાશન, સ્કોટલેન્ડના ગોર્ડન-એન્નેટે ડ્રમન્ડ, આયર્લેન્ડના એડ-ડોમ-સેસિલા-ઇઝાબોલનો સમાવેશ થાય છે.
આ પૈકી ટેરી-ડેનિસ એલ્ડરમેન એક જ દિવસે ઓસ્ટ્રેલિયા માટે રમવાનો રેકોર્ડ ધરાવે છે. ૩ ફેબુ્રઆરી ૧૯૮૫ના ટેરી એલ્ડરમેન શ્રીલંકા સામે જ્યારે ડેનિસ એલ્ડરમેન ઈંગ્લેન્ડ સામે રમ્યા હતા.
ઘણા ક્રિકેટરના કિસ્સાઓમાં ભાઇએ જીવનના મહાભારતમાં સારથીની ભૂમિકા અદા કરી છે. જેમાં સચિન તેંડુલકરના ભાઇ અજીતનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકરે નિવૃત્તિ બાદ તેની ફેરવેલ સ્પિચમાં કહ્યું હતું કે , 'ક્રિકેટર તરીકેનું આ સ્વપ્ન અમે સાથે મળીને જોયું છે. તેણે મારા ક્રિકેટ માટે પોતાની કારકિર્દીનું બલિદાન આપ્યું હતું. ૧૧ વર્ષની ઉંમરે મારામાં એક તણખો જોયો એટલે તે મને આચરેકકર સર પાસે લઇ ગયો હતો. દરેક મેચ બાદ હું કેવું રમ્યો તેના માટે અમે ફોન પર લાંબી ચર્ચા કરતા હતા. મારી સફળતામોટા ભાઇને જ આભારી છે. '
ઉંમરના કોઇપણ તબક્કે મિત્ર ગમે તેટલો જીગરી કેમ ન હોય તેના માટે પણ છેવટે તો એક જ શબ્દ કહેવો પડે છે, 'આ તો મારા ભાઇ જેવો છે.' આ જ રીતે બહેનપણીનો ભાવાર્થ પણ આખરે એ જ છે કે જેની સાથે બહેન જેવી જ લાગણી અનુભવાય. હેપ્પી સિબ્લિંગ્સ ડે...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39NsW9f
ConversionConversion EmoticonEmoticon