- અનાવૃત-જય વસાવડા
- ગુજરાતી મા-બાપો એમના સંતાનો વતી 80% જિંદગી જીવી લે છે
- દીકરીને ખોટા પાત્ર ને યોગ્ય જીવનસાથી વચ્ચે ભેદ પારખી શકે ને બોલી શકે એટલી હોશિયાર બનાવો, માત્ર ડાહીડમરી સેવિકા નહીં
ગુ જરાતમાં રહીને અહીં જ અંતિમ શ્વાસ લેનારા ભારતીય સંસ્કૃતિના પ્રાણપુરુષ એવા શ્રીકૃષ્ણના સમયમાં સારું છે, દ્વારકામાં સુધર્મસભા હતી, વિધાનસભા નહોતી !
ડોન્ટ વરી,વધતા કોરોના પેન્ડેમિકની વળી ચર્ચા નથી કરવી. કથિત લવ જેહા'ના કાયદાની ય નહી. કથિત એટલે કે કાયદામાં તો આ શબ્દનો ઉલ્લેખ નથી. પ્રેમ જ સૌથી મોટો ધર્મ છે. એટલે એના નામે લગ્ન કરો તો પછી ધર્મપરિવર્તન શેનું? પ્રેમથી આગળ જો કોઈ પોતાના ધર્મ કે રૂઢિચુસ્ત ઇસ્લામિક પરંપરાઓને મુકે એ જ ઉઘાડું ચીટિંગ છે, ઓળખ સાચી હોય તો ય. એકવીસમી સદીની પુખ્ત છોકરીએ આવી શરત જ માનવાની ન હોય. લવ કરો તો જે છે એને એ રીતે સ્વીકારો. એકબીજાના કલ્ચરનું રિસ્પેકટ કરો પણ એ પરાણે થોપીને બદલાવો નહિ. છેતરો નહિ. સિમ્પલ એન્ડ ક્લીયર.
પણ ગુજરાત વિધાનસભામાં એ વખતે મીડિયા કવરેજ મુજબ કોંગ્રેસના એક મહિલા ધારાસભ્યએ કહ્યું કે 'યુવક યુવતીના કોઈ પણ પ્રેમલગ્ન (આંતરધર્મીય, આંતરજ્ઞાાતીય એમ નહિ, લવ મેરેજ માત્ર) માતા-પિતાની સહમતી વિના થવા જ ન જોઈએ ને કરે ત્યારે પાંચ સાક્ષીની સહી તો હોવી જ જોઈએધ ને ભાજપના મંત્રીશ્વરો ધારાસભ્યોએ પણ ગેલમાં આવી પાટલી થપથપાવી આવી કોરી વાહિયાત દકિયાનૂસી વાતોના સમર્થનમાં. શાબ્બાશ. લોકોની પર્સનલ લાઈફની ચોઇસનું ધરાર સરકાર મોનિટરિંગ કરે એ ચીન જેવી સામ્યવાદી સરમુખત્યારી હોય કાં પાકિસ્તાન જેવી ઈસ્લામિક મુલ્લાશાહી.
બસ, એમ જ હરિની યાદ આવી ખરી. બહુ ઉંડાણમાં ગ્રંથો ન વાંચ્યા હોય એવા કોઈ સાદા, અરે ગ્રામીણ અભણ ભારતીયને ય કૃષ્ણ ને રુક્મિણીની કથા તો ખબર જ હોય. રુક્મિણીનો એ અદ્ભુત પ્રેમપત્ર ભાગવતમાં છે તે અને પછી એના માતાપિતા કે ભાઈ ને અન્ય ઉમેદવારોની નામરજી છતાં કૃષ્ણે કરેલું હરણ. રુક્મિણીહરણ થકી તો ગિરિરાજધરણને પટરાણી મળ્યા! હવે આ આપણા માનનીય જનપ્રતિનિધિઓની ફેન્ટેસી મુજબના કાયદા હોત તો પાછળથી બલરામના હાથે જેનું મૃત્યુ થયું એ કૃષ્ણનો સાળો રુક્મિ કે સગામાંથી જ એના હાથનો ઉમેદવાર એવો શિશુપાલ એવી સહમતિની સહીઓ થવા દેત? અને આ પાંચ સાક્ષીવાળી વાત તો જેની જડતાની સવારબપોરસાંજરાત ટીકા થાય છે એ ઇસ્લામિક કલ્ચરથી ખાપ પંચાયત સુધી વિસ્તરેલી વાત છે. આ ઇન્ટરનેશનલ વેક્સીનના સમયે આપણે કેટલી સદી પાછળ જવું છે આવી પ્રેમલગ્નવિરોધી માનસિકતા લઈને?
જોજો પાછા બહુ પાછા ન જતા રહેતા. કારણ કે ટાઈમમાં બેકવર્ડ ટ્રાવેલ કરશો તો લવ મેરેજ બાબતે એકદમ ફોરવર્ડ કાળ ભારતવર્ષનો દેખાશે. વધુ પડતા સંસ્કૃતિના મુળિયા લાગી ઊંડા ઉતરી જશો તો એકાવન શક્તિપીઠના જનકસમા તાંડવનૃત્યનો જમાનો આવી જશે. સતીના પિતા પ્રજાપતિ દક્ષને ધોળે ધર્મે દીકરીના પ્રેમલગ્ન શું જમાઈ જ લેગન પછી પણ પસંદ નહોતા એમાં તો દેવાધિદેવ દેવ મહાદેવે સતીના અગ્નિસ્નાન પછી કોપાયમાન થઈને તાંડવ કરવું પડેલું. હવે આમાં પેરન્ટસ પરમિશનનું મિશન કેમ પૂરું થાય બોલો?
ને પછી શિવપાર્વતીના સ્નેહલગ્ન ઉપરાંત જે રામમંદિરનો દેશ આખાને હરખ છે એ જય શ્રીરામના લગ્ન સ્વયંવરથી થયા એ તો ખરું પણ એમના દાદા અજ પણ દાદી ઈન્દુમતીને સ્વયંવરમાં જ પરણેલા. જેણે કૃષ્ણના સ્વમુખેથી ભગવદગીતા સાંભળવા મળી એ અર્જુનના તો તમામ લગ્નો પ્રેમલગ્નો. દ્રૌપદી પછી સુભદ્રામાં તો વળી કૃષ્ણ સિવાયના અન્ય વડીલો સહમતી આપે એમાં શંકા એટલે કૃષ્ણે જ સુભદ્રાહરણ માટે યોજના કરી આપી. અને પૌત્ર અનિરુદ્ધે એ જમાનાના ઇન્ટરરેસિયલ લવ મેરેજ કર્યા બાણની કૈલાસમાં મોટી થયેલી અસુરપુત્રી (રીડ અનાર્ય) ઉષા જોડે, ત્યારે બાણાસુરની તો ટ્રેડીશનલી મરજી જ ક્યાં હતી બાપ તરીકે. લડીને ય કૃષ્ણે આદર તો યુવક-યુવતીઓની લવ ચોઈસનો કર્યો!
હવે જયારે આખા દેશના નામ ભારતના મૂળ ભરતવંશના સ્થાપક ભરતનો જન્મ જ લિવ ઇન પ્લસ રિલેશન બિફોર ઓફિશ્યલ મેરેજ પ્લસ લવ મેરેજથી હોય ત્યાં પ્રાચીનતાના નામે એક સદી પહેલા ભારતીય વિદ્વાનોએ જ જેણે મહત્વ નથી આપ્યું એ મનુસ્મૃતિના જ પાઠ ક્યાંથી ચાલે. વિશ્વામિત્ર મેનકા સાથે રહ્યા એમાં કે એમની દીકરીને કણ્વએ ઉછેરી એમાં કોઈનું ષિપદ છીનવાઈ નથી ગયું. લગ્ન પહેલાજ પ્રેમાસક્ત શકુંતલા પોતાની મરજીથી દુષ્યંત થકી ગર્ભવતી હતી ને સ્મૃતિલોપમાં રાજાએ ત્યાગી તો મહેણાં મર્યા વિના પાલક પિતાએ સ્વીકારી અને સિંહના જાંત ગણતા ભરતને જોયા બાદ અંતે હેપી એન્ડિંગ થયો.
માટે કામસૂત્ર ને ખજુરાહો તો પછી પરાશર-મસ્ત્યગાંધા અને શાંતનુ-ગંગા-સત્યવતી કે ભીમ-હેડંબા ને અર્જુન-ઉલૂપી-ચિત્રાંગદાથી આ વારસા ને સંસ્કૃતિની વાતોનો એન્ડ કરીએ. છતાં ય બહુ મન હોય તો પતિ-પત્ની વચ્ચેના સંવાદો બૃહ'આરણ્યક ઉપનિષદમાં મૈત્રેયી-યાજ્ઞાવલ્ક્યના ને ગ્વેદમાં અગસ્ત્ય-લોપામુદ્રાના વાંચી લેવા. એ ફોરવર્ડ મેસેજની ફેકટરીઓમાં નહી આવે. ને આખું છાપાનું પાનું વાંચવાની ટેવ તો બહુ ઓછામોટા કહેવાતા માણસોને હોય છે. બાકી તો કચ-દેવયાનીમાં ક્યાં પેરન્ટસ પરમિશન મળે એમ હતી શુક્રાચાર્યની હેં? ખબર તો છે ને એ કથા? કે માત્ર ઓનલાઈન ભારત ભારત ડિજીટલી કરો પછી બધું ઈલ્લે ઈલ્લે ! હોય તો ચ્યવનપ્રાશવાળા ચ્યવન-સુકન્યાને યાદ કરજો. ઉદયન-વાસવદત્તાથી આગળ જઈશું તો પછી શુકસપ્તસતી ને પંચતંત્રની એડલ્ટ હા, એડલ્ટસ ઓન્લી એડલ્ટરી ટેલ્સ પણ આવશે.
એટલે જાણે બહુ સંસ્કૃતિ સંસ્કૃતિ મર્યાદા મર્યાદા કરવામાં આપણે રાજ કરનારા મઝહબપરસ્ત મુસ્લિમો ને વિકટોરિયન અંગ્રેજોની જડતા કોપીપેસ્ટ કરી છે, ને ઓરીજીનલ રસિકરંગીનરોમેન્ટિક ભારત - જેમાં રાજકુમારી સ્ત્રીને ય મર્યાદાના ભાષણોને બદલે પોતાનો વર જાતે પસંદ કરવાની છૂટ હતી - તો ક્યાંય ભૂલી ગયા છે એ ઉઘાડું થઈ જશે ! એની વે, જુનો અભ્યાસ ન હોય પણ નેતાઓ પોતાની પાર્ટીનો તો અભ્યાસ કરે કે નહિ? કોંગ્રેસનાઅન્ય નેતાઓ દિગ્વિજયસિંહથી શશી થરૂર જવા દઈએ પણ ટોચના જવાહરલાલ નેહરુની નામરજી છતાં ઇન્દિરા ગાંધીએ પારસી (હા, વિશુદ્ધ પારસી જ) ફિરોઝ ગાંધી જોડે, સંજય ગાંધીએ મેનકા અને રાજીવ ગાંધીએ સોનિયા જોડે ક્યાંક માતાની ઈચ્છા ઓછી હોય તો ય પ્રેમલગ્નો જ કર્યા છે. ને પ્રિયંકા ગાંધીએ પણ. ભાજપમાં ય છે. ગુજરાતના વર્તમાન ને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આંતરધર્મીય પારસીને પરણેલા સ્મૃતિ ઈરાની ને સ્વ. સુષમા સ્વરાજ ને લગ્ન નહિ પણ પ્રેમની નિખાલસ કબુલાત કરનાર અટલજી. નાણામંત્રી નિર્મલાજીતો પોતે તમિલ ને ભણતા ભણતા પ્રેમમાં પડયા એ પતિ પ્રભાકર આંધ્રના તેલુગુભાષી ને લગ્ન કરીને લંડન જતા રહેલા!
યાદી બહુ લંબાશે પણ આ તો ઝલકમાત્ર. હજુ માનવસંસાધન મંત્રીશ્રી નિશંકજીની દીકરી હીરોઈન બનવાની છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો આપણે વાત જ નથી કરતા. એ તો ધામક ઉપદેશક જેવા સર્જકોને બદલે પહેલેથી લવ મેરેજના નેશનલ-ઇન્ટરનેશનલ ઈન્ટીગ્રેશન બાબતે પરમેનન્ટ 'દેખો પ્યાર મેં ઐસા નહી કરતે, દુનિયાવાલો સે કભી નહીં ડરતે'ના ઝંડાધારી રહ્યા છે. ને લવ મેરેજીઝ બાબતે પ્રોગ્રેસીવ છે, એટલે તો ફિલ્મોના નામમાત્રથી બધા જ ધર્મના બની બેઠેલા કલ્ચર કસ્ટોડિયન્સને લાલકાળા મંકોડા ચટકા ભરવા લાગે છે.
સંસ્કૃતિમાં બધું મા-બાપ કે વડીલોની મરજી મુજબ જ કરવાનું હોત તો પ્રહલાદના નામનો હોળીનો તહેવાર જ ન ઉજવાતો હોત સદીઓથી! ફોઈ કે પિતાની મરજી તો જુદી હતી. ડિટ્ટો નચિકેતા અને પિતા ગૌતમ. અરે, રાષ્ટ્રકાર્ય માટે પરિવારના દબાણ પછી લગ્ન બા' પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વનિર્ણય લઈને સિંગલ રહેવાનું જ પસંદ કર્યું ને! ત્યાં ય વડીલોની મરજી ફિટ કરવા જવાની સીધી પાટલી થપથપાવતા જનપ્રતિનિધિઓએ? બીજું તો કશું નહિ, જે વિધાનગૃહમાં બેઠાં છો એમાં જેની શપથ લો એ બંધારણની ય આમન્યા ન રાખી સમૂળગા દરેક પ્રેમલગ્નમાં જ પુખ્ત યુવકયુવતીઓના હક પર માવતરનો ઓનરશિપ કન્ટ્રોલ મુકવાની વાતો પહેલા?
મર્યાદા અને સંસ્કાર બાબતે, દેશહિત ને ઈતિહાસ બાબતે જેમનું જ્ઞાાન અને તપ, ત્યાગ અને સમર્પણ આજના દરેક પક્ષના કોઈ પણ નેતાકરતા બેશક મહાન હતું એવા
આઝાદી સમયના જુના ગણાતા સમયના બંધારણના તમા ઘડવૈયા ને સ્વરાજની લડતમાં લાઠીઓ ખાઈ જેલ જનાર ઘડવૈયા વરિષ્ઠ વડીલોએ બંધારણ કેટલું આધુનિક બનાવ્યું જેમાં પ્રેમલગ્નની પૂરી બિનશરતી છૂટ મળી. રક્ષણ પણ મળ્યું. અરે પ્રેમીયુગલોએ ખાસ જાણવા જેવો સ્પેશ્યલ મેરેજ એક્ટ પણ છે જ ને!
એટલે તો હમણાં,માત્ર બે મહિના પહેલા જ ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સોઈ ઝાટકીને ફરી આ સત્ય પર બોલ્ડ રેડ અન્ડરલાઈન કરી ! કર્ણાટકની છોકરી ને ઉત્તર પ્રદેશનો છોકરો કોલેજમાં મળ્યા, હળ્યા ને પ્રેમમાં પડી એના પાઠ ભણતા ભણતા ભણાવવા ય લાગ્યા. નેચરલી જાતિભેદ ને કલ્ચરલ ડિફરન્સને લીધે વડીલો નારાજ હતા. દીકરીના મા-બાપ તો સાવ વિરોધમાં. ૨૦૨૦માં પ્રેમીઓએ ભાગીને લગ્ન કર્યા. પણ પોલીસ ફરિયાદ નોંધાવી ને દબાણ લઇ આવ્યા પરિવારજનો. કપલ ગટ્સવાળું ને ભણેલું હતું. સુપ્રિમ કોર્ટમાં ગયું. ને જસ્ટિસ સંજય કિશન કૌલ તથા જસ્ટિસ હૃદયનાથ રોયની બેચમાં કેસ ચાલ્યો. કિશન ને હૃદય ભેગા થાય ત્યાં જીત તો નરસિંહ મહેતાના પ્રેમરસ ને કબીરના ઢાઈ અક્ષર પ્રેમની જ થાય ને!
પણ ચુકાદામાં સુપ્રિમે સમાજનો ઉધડો લઇ નાખ્યો! 'સમાજે આંતરજ્ઞાાતીય, આંતરધર્મીય અને મૂળ તો પુખ્ત વયના યુવકયુવતીઓને મરજીથી થતા મેરેજને સ્વીકારતા શીખવું જોઈએ' એવું સ્પષ્ટ કહ્યું! આગળ કહ્યું કે 'આજે શિક્ષિત છોકરા અને છોકરીઓ પોતાની મરજીથી જાતે લાઈફ પાર્ટનર પસંદ કરે એ ટ્રેન્ડ વધતો જાય છે ને સમાજ કે માબાપ એમની એ પ્રેમપસંદગીનો વિરોધ જ કર્યા કરે એ ઇચ્છનીય નથી. રાઈટ ટુ મેરી પાર્ટનર ઓફ ઓન ચોઈસ એ બંધારણના આટકલ ૨૧ ( લાઈફ એન્ડ લિબર્ટી )નો અંતરંગ હિસ્સો છે. અને ભલે સોસાયટી કે પેરન્ટસની નામરજી હોય, એ ફરજ પોલીસ અને તંત્રની છે કે એમના આ હકનો આદર કરે. એમની સામે ખોટી ફરિયાદો ન નોંધે અને એમનું રક્ષણ કરે.'
સર્વોચ્ચ અદાલતે તો પોલીસનો ય ક્લાસ લેતા કહ્યું કે આ મામલે સતત પ્રેમીપંખીડાઓને હેરાન જ કર્યા કરવા એ પોલીસનું કામ નથી. બલકે, એમને સુરક્ષા આપવી એ એની જવાબદારી છે અને એ શીખવાડો સ્ટાફને. અને છાપાઓમાં બહુ નોંધ લેવાતી હોય છે એવી એફઆઈઆરનો કડૂસલો વાળતા કહ્યું કે 'ફરિયાદી ( અહીં છોકરીના મા-બાપ)ને અનુરોધ છે કે જરાક સમજદારી કેળવે ને આ લગ્ન સ્વીકારી એના દીકરી અને એના પતિ સાથે મનમેળ કરી લે. આ એક જ સારો પ્રગતિનો પથ છે આવ કેસોમાં.'
પણ લોકહિતમાં ય લોકોને શાસકો આ કહી નથી શકતા. કારણ કે જ્ઞાાતિઓની વોટબેંક પર ખુરશી ટકેલી હોય છે. અંગ્રેજોની અસરમાં આજે ય આમ જ લવ મેરેજ બાદ જુદી થયેલી વહુ મેગન માર્કેલ વહુએ વગોવ્યા મોટા ખોરડા ટાઈપ બ્રિટીશ શાહી પરિવારની સંકુચિતતા ઉઘાડી પાડતી હોય છે, એ સામંતશાહી માનસ જરાક ખોતરો તો ભારતીય સમાજનું છે. 'આજના યુગમાં પતિ પત્નીને મદદ કરાવે ઘરકામમાં એમાં ખોટું નથી, મારા સેલિબ્રિટી પતિ કરાવે છે' એવી સહજ વાત એમના અનુભવે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ કહી એ ય ઘણાને ન ગમ્યું. ક્લિપ જોઇને જજ-મેન્ટલ થી જતી ફ્લિપફ્લોપ સોસાયટી છે આપણી.
ધોનીથી કોહલી સુધીના, જસપ્રીત બૂમરાહથી હાદક પંડયા સુધીના આઇકોન્સ લવ મેરેજ કરે એ ફોટા ફોરવર્ડ કરવાના પણ એક્ચ્યુઅલી કેટલાને ફોરવર્ડ થવું છે? ગુજરાતમાં જ કેટલાય આઇએએસ ને આઈપીએસ યુગલો લવ મેરેજ કરીને ટોચના હોદ્દે ફરજ બજાવે છે. ઘણા રાજકીય આગેવાનોમાં ઘણાના સંતાનો તો પરદેશ ભણી નવું વિચારતા થયા હશે. પણ સામાજિક માહોલમાં એ જ પેટીપેક જુનવાણીપણું. ઠાલા વુમન્સ ડે ઉજવવાના ને નવરાત્રીને શક્તિપૂજનની વાતો કરવાની પણ મોટા ભાગના મા-બાપ ખાસ તો દીકરીઓ જાણે પેટીમાં બંધ કરી રાખવાનું ઝવેરાત હોય એમ તાળું પોતાની પાસે રાખે.
આ ૨૧મી સદીના ૨૧વર્ષે આપણી જગતમાં ઓલરેડી આવા કારણોથી રેટિંગમાં ગબડતી જતી લોકશાહી. સંવિધાનમાં સંશોધન કરવા બેસતા કે ગુરુ બનીને પરલોકની પરીકથાઓ કરનારાઓની માનસિકતા ય માંદી પડે તો કોઈ વેક્સીન છે? ઓલમોસ્ટ અડધી સદી પહેલા ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું કે 'ગુજરાતી મા-બાપો એમના સંતાનો વતી ૮૦% જિંદગી જીવી લે છે.' દોઢ દસકા પહેલા ચેતન ભગતે લખ્યું કે 'આપણા જૂનવાણી પેરન્ટ્સને યુવાન થતા સંતાનોની દરેક ચોઇસ સાથે પ્રોબ્લેમ્સ હોય છે. પછી બિસ્કિટ હોય કે બ્રાઇડ/ગ્રુમ.' હાડોહાડ કન્ટ્રોલ ફ્રીક સોસાયટી ભલે આવી કાંટાળી મર્યાદાને ફૂલડે વધાવી ફરતી, આ જ સિક્રેટ છે આપણી પાસે કેમ પેરન્ટ્સ જ વધે છે ને વસતિના પ્રમાણમાં પેટન્ટ્સ નથી વધતી!
જી હા, સંતાનો આપણા આજે ય કેટલાય માબાપ માટે કાળજાના કટકા પછી પહેલા પોતાની આસપાસની બિરાદરીમાં અહં પોષવાના બટકા છે. ચોઈસ મેરેજની વાત આવે ત્યાં એ ચીસ પાડી ત્રાગાં કરે છે. અન્ય ભાઈબહેનોની વાતો આગળ ધરે છે. કેપેસિટી મુજબ મરવામારવાની વાતો કરી આખું ઘરનું વાતાવરણ કોરોના જેવું કાળઝાળ કરી નાખે છે.આ ટેન્શન કોઈ પ્રેમનું પ્રદર્શન નથી. ઈગોનું એક્સટેન્શન છે.
નવી પેઢીને સાચા પ્રેમના પાઠ પછી ભણાવજો. પહેલા તમે તો સાચો પ્રેમ શીખો. પ્રેમ તમને જેને ચાહો એની પ્રાયોરિટી મુજબ ઝુકતા શીખવાડે. એને મારી નાખવાની હદે ને દુુ:ખી કરી લોહીના આંસુએ રોવડાવવાના ખેલ કરાવે એ પાલતું ઢોરઢાંખરને વાડામાં પુરવા જેવો માલિકીભાવ છે. સંતાનો કે સંસ્કૃતિ કોઈ તમારી પ્રાઈવેટ પ્રોપર્ટી નથી. એમના પ્રોડકટીવ ઈયર્સની એનર્જી દેશમાં આમ જ ખર્ચાઈ જાય છે પછી શું નવા ઇનોવેશન ને પેશન રહે એકે ય ફિલ્ડમાં પૈસા કમાઈને સેટલ થયા સિવાય?
હા, એવા ય પેરન્ટસ છે જેમને જેન્યુઈન લાગણીને લીધે આવતીકાલની સલામતીની ચિંતા હોય. તો એક ન દેખાતો વાઈરસ ૧૦ દિવસમાં જુવાન માણસ ઉપાડી જાય છે નજર સામે. છે કોઈ ગેરેંટી? દીકરા- દીકરી કોઈ પ્રેશર કૂકર છે ખરીદેલા? હમણાં જ લખેલું વસતિગણતરીના છેલ્લા સરકારી આંકડા મુજબ ગુજરાતનો ડિવોર્સ રેટ દેશમાં હાઈએસ્ટ છે. તો શું બધા લગ્નવિચ્છેદ પ્રેમલગ્નોના જ થાય છે? સમૃદ્ધ ને સમાજના અગ્રણી કહેવાતા પેરન્ટસના સંતાનોના સેમ કાસ્ટ ને કલ્ચરના આલીશાન એરેન્જ્ડ મેરેજ પણ મહિનાઓમાં તૂટી પડે છે. ત્યારે મા-બાપની કે વડીલોની ચોઈસ ખોટી નથી પડતી? એની કબૂલાત કેટલા કરે છે?
આપણે જેની કરન્સી ગમે છે એવા ઘણા પશ્ચિમના દેશો તો પેઢીઓથી લવ મેરેજના ક્રોસ બ્રિડીંગ થકી જ આગળ આવ્યા છે. સગોત્ર ને સ્વજ્ઞાાતિના એરેન્જડ મેરેજનું જોર હિંદુ-મુસ્લિમોમાં સૌથી વધુ છે જગતમાં. તો સાયન્સથી સ્પોર્ટ્સ સુધી એમની આનુવંશિકતાએ શું ધ્વજ લહેરાવી દીધા જગતમાં? લવ ન થાય ને પાર્ટનર ટિન્ડરમાં પસંદ કરો કે મેરેજ બ્યુરોમાં એ ય ચોઈસની વાત થઇ. પણ લગ્નો બે ય પ્રકારમાં ચાલે ય છે. તૂટે ય છે. ખાલી લવ મેરેજ વાળા પર ફોકસ વધુ રખાય છે ડરને લીધે!
સંતાનોને રિમોટ કંટ્રોલ લઇ આગે સે ચલી આતી હૈની માફક ઝટ પરણાવી દેવાને બદલે એમને કેળવો. કાબેલ બનાવો સારો ને સાચો નિર્ણય લેતા. દીકરીઓ સાસરે જાય ત્યાં ફિલ્મો પુરી થાય. જીવન નહીં. દીકરી કાળજાનો કટકો હોય તો ભાગ રાખો સરખો મિલકતમાં સામેથી ને નામો રાખો એના વેપારમાં. શીખવાડો એને પગભર થતા. ભણે કદાચ ઓછું તો ય સરસ પ્રવાસ-કળા-સાહિત્ય ને માણસોથી ધબકતા જીવનનો પરિચય કરાવી એ ખોટા પાત્ર ને યોગ્ય જીવનસાથી વચ્ચે ભેદ પારખી શકે ને બોલી શકે એટલી હોશિયાર બનાવો, માત્ર ડાહીડમરી સેવિકા નહીં.
તમે નહિ કરો તો ગમે તેટલી પ્રતિજ્ઞાાઓ લવમેરેજ વિરુદ્ધ લેવડાવો, સ્માર્ટફોન એને ઘણું ભણાવી દેશે. એના કરતા બહેતર કે ખરેખર ઓટોપ્રોગ્રામિંગ વગરના પેરન્ટસ થાવ, એની પર્સનાલીટી સમજો ને એના દરેક ડિસીશનમાં પપેટ ન બનાવો. ફ્રીડમ આપો એને ભૂલો કરવાની. આઝાદી ભૂલો કરવાની અને પોતાની ચોઈસનો આધુનિક અવાજ ઉઠાવવાની છૂટને જ કહેવાય. સ્વતંત્રતા સાચી આપશો તો જવાબદારી સાચી આવશે. એમાં ફાયદો તમારા વહાલાવહાલીઓને જ છે.
બાકી કયારેક સમૂળગા લવ મેરેજ પર જ પ્રતિબંધો વિચારવાને બદલે દર વર્ષે ગુજરાતમાંથી વિદેશ જતા રહેતા યુવકયુવતીઓના આંકડા ય બહાર પાડી નજર નાખજો, કે કેમ આટલો બ્રેઈન ડ્રેઈન વધે છે?
ઝિંગ થિંગ
'આપણે રેલ્વે બસ સ્ટેશન કે એરપોર્ટ પર ઉતરીએ, તો ત્યાં જ રોકાઈએ છીએ? ના. આપણું જે જવાનું સરનામું હોય ત્યાં જઈને છીએ. એમ સંતાનો ધરતી પર ભગવાને મોકલ્યા એમાં આપણે પરિવાર તરીકે એમનું સ્ટેશન કે એરપોર્ટ બન્યા. પણ એ કાયમ અહીં નહિ પડયા રહે. એમની કરિઅરના જે સરનામાં વિધાતાએ નક્કી કર્યા હશે ત્યાં જશે.' (માયાભાઈ આહીર)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q6e5j1
ConversionConversion EmoticonEmoticon