
- ટ્રિમ્ડ લમ્પ
- મૂળ સર્જક - ઓ. હેન્રી રજૂઆત-પરેશ વ્યાસ
- નેન્સીએ શાંત ચિત્તે શાણપણથી કહ્યું. ''એક એક ડોલરની કાળજી કેવી રીતે લઇ શકાય એવું તો આપણામાંથી જ કોઇ એમને સારી રીતે સમજાવી શકે.''
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(વહી ગયેલી વાર્તા: લાઉ ઉં. વર્ષ ૨૦ અને નેન્સી ઉં. વર્ષ ૧૯. બંને બે પાક્કી સહેલીઓ છે, જે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં રોજગાર અર્થે આવી છે. બંને મહેનતી છે. લાઉ લોન્ડ્રીમાં કામ કરે છે અને નેન્સી ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં. લોન્ડ્રીમાં પ્રમાણમાં વધારે મહેનતાણું મળે છે. સ્ટોર્સમાં ઓછું મળે પણ કામ થોડું ગ્લેમરસ તો ખરું. એક વાર લાઉની લોન્ડ્રીમાં આવેલો એક યુવાન ડાન હવે લાઉનો મિત્ર થઈ જાય છે અને એ રીતે નેન્સીનો પણ ઓળખીતો થઈ જાય છે. ડાન પણ સામાન્ય આર્થિક સ્થિતિનો યુવાન છે. લાઉને સંતોષ છે પણ નેન્સીનાં અરમાન અલબત્ત ઊંચા છે. કોઈ સપનાનો રાજકુમાર...
નેન્સી સ્ટોર્સમાં કામ કરવાની સાથે અમીર ઉમરાવ લોકોનાં રહેનસહેન, એમનાં શિષ્ટાચાર શીખે છે. ક્યાંક કોઈ અમીરજાદો એને પસંદ કરી લે એ માટે નેટ-પ્રેક્ટિસ તો કરવી જ રહી! સ્ટોર્સની લેડી સુપરવાઇઝર અને કેશિયર એને એમાં મદદ કરવાની કોશિશ કરે છે. ડીનર પર લઈ જાય છે એવા બે અમીરજાદાઓ સાથે. પણ નેન્સીને એમાંથી કોઈ પસંદ આવતો નથી. સ્ટોર્સમાં એની સાથે કામ કરતી એક સહેલી એને એમ કરવા પાછળનું કારણ પૂછે છે. હવે આગળ..)
''બધું મળીને માત્ર ડોલરની જ વાત નથી, કેરી,'' એણે એની સહેલીને સમજાવતા કહયું. ''તે રાત્રે ડીનર દરમ્યાન એના મિત્રએ એનું હડહડતું જૂઠ્ઠાણું પકડી પાડયુ હતું. એમાં એક છોકરીની વાત હતી, જેના વિષે એણે કહ્યું હતુ કે એ એને લઇને થીયેટરમાં ગયો નથી. પણ સાચી વાત એ છે કે એ ગયો હતો. જૂઠું તો હું ન જ સહન કરી શકું. આમ બધું મળીને સમજો ને કે... એ મને પસંદ ન પડયો અને.. એક વાત પતી. જ્યારે હું વેચાઇશ ને તે દિવસ, કાંઇ સસ્તામાં ભાવતાલ કરાવીને ખરીદી કરવા માટેનાં સેલનો દિવસ તો નહીં જ હોય. મારે તો એવો જોઈએ કે જે ખુરશીમાં એક સાચ્ચા પુરુષની માફક ઠાઠથી બેસી શકે. હા, હું કોઇનો કેચ કરી લેવા તૈયાર જ બેઠી છું, પણ એ માણસે રમકડાનાં ગલ્લામાં માત્ર સિક્કા ખખડાવવાથી કંઇક વધારે કરવું પડશે.''
''તારું તો મગજ છટકી ગયું છે!'' આગળ ઉંચા ઓળેલા કથ્થઇ વાળવાળી છોકરી ત્યાંથી જતા જતા કોમેન્ટ કરતી ગઇ.
નેન્સી એના આઠ ડોલર પ્રતિ અઠવાડિયાની કમાણીમાં ઉચ્ચ આદર્શ કહો કે ઉચ્ચ મનોરથ કહો, બસ એના બીજ વાવતી રહેતી હતી. એ એના અજાણ્યા મહાન 'કેચ'ને ઝીલી લેવા અજાણી કેડીએ તંબુ તાણતી રહેતી હતી.અને સુક્કી બ્રેડ ખાતી રહેતી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ પોતાનો કમરપટ્ટો વધારે તાણીને બાંધતી ગઇ. એના ચહેરા પર કોઈ મેનહન્ટરનું નિયતિદત્ત ધૂંધળું, મનોરંજક, નિર્દયી અને લડાકૂ સ્મિત રમતું રહેતું. આ સ્ટોર એનું જંગલ હતું અને તેના ખેલમાં ઘણી વાર એણે દેખીતી રીતે પહોળા મોટા સાબર જેવા પુરુષનો શિકાર માટે રાઇફલ ઉઠાવી હતી પણ દરેક વખતે હંમેશા એનાં અંતરમાંથી કંઇક ઊંડે ઊંડેથી સ્ફૂરી આવેલા એક સ્ત્રી શિકારી સહજ સચોટ વિચારનાં કારણે દરેક વખતે એ ગોળીબાર કરવાનું ટાળતી અને ફરીથી અજાણી કેડી પર આગળ ચાલી નીકળતી.
બીજી તરફ લાઉને લોન્ડ્રીની દુકાન ફળી હતી. દર અઠવાડિયાનાં ૧૮.૫૦ ડોલર્સમાંથી એનો જમવા રહેવાનો ખર્ચ ૬ ડોલર હતો. બાકીની કમાણી મોટે ભાગે કપડાં પાછળ ખર્ચાતી. નેન્સીની સરખામણીમાં એની પાસે એના શોખ અને એની રીતભાતને ઉચ્ચ સ્તરે લઈ જઈને સુધારવાની તક ઘણી ઓછી હતી. લોન્ડ્રીની વરાળ વચ્ચે બસ કામ, કામ ને કામ અને એ સિવાય બીજુ કાંઇ જ નહોતું. અને એ હંમેશા સાંજે સાંજે મળતા આનંદની કલ્પના કર્યે રાખતી. ઘણાં કિંમતી અને ભપકાદાર કપડાં એની ઇસ્ત્રી નીચેથી પસાર થતા અને એટલે જ એનો કપડાં પ્રત્યેનો વધતો જતો શોખનો કરન્ટ લોખંડ જેવી વાહક ધાતુની બનેલી ઇસ્ત્રીમાં થઇને એના મન સુધી પહોંચતો હતો.
જ્યારે દિવસભરનું કામકાજ પુરું થતું ત્યારે ડાન એની બહાર રાહ જોતો. એ લાઉનો વફાદાર પડછાયો હતો પછી ભલેને લાઉ કોઇ પણ પ્રકારનાં અજવાળામાં ઉભી હોય. કોઇ વાર એ લાઉનાં કપડાં સામે સરળતાથી અને ચિંતાની નજરે જોતો, એવા કપડાં જે દેખાવે ઝાકઝમાળ હતા પણ સ્ટાઇલમાં ચઢિયાતા નહોતા. રસ્તા પર જતા હોઇએ ત્યારે બીજા લોકો એના કપડાંને ફરી ફરીને જોયા કરે એ ડાનને ગમતું નહોતું. ડાન પોતાનો અણગમો વ્યક્ત કરતો પણ એ લાઉને વફાદાર હતો. અને લાઉ પણ એની સહેલી પ્રત્યે સહેજ પણ ઓછી વફાદાર નહોતી. એણે તો કાયદો જ ઘડી નાંખ્યો હતો કે તેઓ બંને જ્યારે બહાર ફરવા જાય ત્યારે તેઓએ નાન્સીને સાથે જ લઇ જવી. ડાન આ વધારાનો ખર્ચ ખૂબ જ આનંદથી અને સાચા દિલથી ઉઠાવતો હતો. એવું કહી શકાય કે એ ત્રિપુટી જ્યારે જ્યારે રોજિંદા કામકાજમાં કંઇક નવીનતા લાવવા માટે સાથે બહાર જતી ત્યારે લાઉ એમાં વિવિધ રંગ પૂરતી, નાન્સી એની આગવી છટા પ્રદાન કરતી અને મોજમસ્તીના ખર્ચનો બોજ વેંઢારવાનું કામ ડાનનું હતું.
એક રક્ષક તરીકે, એક ભોમિયા તરીકે ડાન એના રેડીમેઇડ સ્યૂટ, રેડીમેઇડ ટાઇ અને એની રેડીમેઇડ વિનોદવૃત્તિની વણથંભી વણઝાર. એ મિલનસાર હતો પણ એની વિનોદી શૈલી ક્યારે ય સામી વ્યક્તિને આઘાત નહોતી પહોંચાડતી કે એની સામે ટકરાતી ય નહોતી. નેન્સીનાં શોખ ઊંચા હતા. એની અભિરુચિ ઊંચી હતી. એની સાથે સરખામણી જ થાય તો એને આ ડાન અને લાઉની સાથેનાં સાંજે સાંજે બહાર ફરવા જવાના રેડીમેઇડ મોજશોખ ક્યારેક થોડા તૂરાં લાગતા પણ એ યુવાન હતી અને યુવાની જ્યારે ઊંચા શિષ્ટ શોખને પામી ન શકે ત્યારે એ શું કરે? ખાય, પીએ ને જલસો કરે! એટલે નેન્સી એવું જ કરતી.
''ડાન તો કાયમ કે'છે, એ તો મારી સાથે સીધેસીધા, એકદમ જ લગન જ કરી લેવા માંગે છે,'' લાઉએ એને આવું એક વાર એવું કહ્યું'તું. ''પણ મારે શા માટે એમ કરવું જોઈએ? હું સ્વતંત્ર છું. હું મારી કમાણીમાંથી મને ગમે તેવું બધું જ કરી શકું તેમ છું. અને લગ્ન પછી હું મારું કામ કરવાનું ચાલુ રાખું, એ બાબતે ડાન ક્યારે ય સહમત ન થાય. અને તું મને એમ કહે નાન્સ, કે તું આ સ્ટોર સાથે ચોંટી રહીને અને આમ અડધી ભૂખી અને અડધી વસ્ત્રહીન રહીને શું હાંસલ કરવા માંગે છે? તું જો આવવા માંગે તો તને અત્યારે જ લોન્ડ્રીમાં નોકરી અપાવી દઉં. તું જો સારી રીતે વધારે કમાતી થઈ જાય તો પછી આ ખોટાં દેખાડા તારે કરવા નહીં.''
''હું નથી માનતી કે હું દંભી છું, લાઉ'', નેન્સીએ જવાબમાં કહ્યું'તું. ''પણ હું જ્યાં છું ત્યાં જ જીવવા માંગુ છું, ભલે મારું પેટ અડધું ખાલી રહે. મને લાગે છે કે મને એની આદત પડી ગઇ છે. હું એક તકની રાહ જોઇ રહી છું. હું આખી જિંદગી કાઉન્ટર પાછળ ગુજારવા માંગતી નથી. હું રોજે રોજ કંઇક નવું શીખી રહી છું. હું દરેક સમયે સંસ્કારી અને ધનિક લોકોની વચ્ચે જ રહેતી હોઉં છું. પછી ભલે હું તેમની રાહ જ જોતી હોઉં, પણ ત્યાં ફરતી રહું ત્યારે મને મળેલા કોઇ પણ ઇશારાને હું ચૂકતી નથી''
''હજી સુધી તારી માયાજાળમાં કોઇ કરોડપતિને ફસાયો કે નહીં?!'' લાઉએ ઠેકડી ઉડાડતા હાસ્ય સાથે કહ્યું.
''મેં હજી કોઇને પસંદ કર્યો નથી.'' નાન્સીએ જવાબ આપતા કહ્યું. ''હું હમણાં બધાને બારીકાઇથી જોઇ તપાસી રહી છું.''
''તારી ભલી થાય! તું અને એ બધાને..... તપાસી રહી છે! ગજબ વિચારે છે તું. કોઇ તને સ્વીકારી લેય તેવું તો કર- પછી ભલેને એની પાસે ડોલર્સ થોડા ઓછાં હોય પણ અલબત્ત તું મજાક કરી રહી છે. કરોડપતિઓ આપણા જેવી કામ કરતી છોકરીઓ વિષે વિચારતા હોતા નથી.''
''તેઓ આપણા જેવા માટે વિચારે એ એમના માટે સારું છે,'' નેન્સીએ શાંત ચિત્તે શાણપણથી કહ્યું. ''એક એક ડોલરની કાળજી કેવી રીતે લઇ શકાય એવું તો આપણામાંથી જ કોઇ એમને સારી રીતે સમજાવી શકે.''
''મારી સાથે જો કોઇ આવી વાત કરે તો,'' લાઉ હસી પડી, ''મને ખબર છે કે હું તો બેહોશ જ થઇ જાઉં.''
''એ એટલા માટે કે તું કોઇને જાણતી નથી. આવા નામાંકિત ઉચ્ચ કોટિનાં લોકો અને બીજા સામાન્ય લોકો વચ્ચે એક જ ફેર છે અને એ એ કે તમારે એને ઓળખવા માટે એમને નજીકથી જોવા પડે.'' અને પછી વાત બદલાતા કહ્યું, ''તને નથી લાગતુ લાઉ કે તારા કોટની સરખામણીમાં આ લાલ રેશમી લાઇનીંગ વધારે પડતી ચમકી રહી છે?''
લાઉએ પોતાની સહેલીનાં સાદા ઝાંખા લીલા જેકેટ સામે જોયું. ''અરે, શા માટે? મને જરા ય એવું એવું લાગતુ નથી. પણ તારા આ ઝાંખાપાંખા કપડાંની સરખામણીમાં જોઇએ તો હા, એવું લાગે ય ખરું,''
''આ જેકેટ...'' નેન્સીએ સ્વસ્થતાથી કહ્યું, ''...નાં કટ અને ફિટિંગ બરાબર મિસિસ વાન એલ્સટીન ફિશરે તે દિવસે પહેર્યા હતા તેવા જ છે. આમાં મટીરિયલની કિંમત તો ૩.૯૮ ડોલર્સ જ છે. મને લાગે છે કે એને એ જેકેટ સોથી પણ વધારે ડોલરમાં પડયુ હશે.''
બન્ને સહેલીઓની જીવવા વિષેની થિયરીનું મૂલ્યાંકન કરવા માટે સાચે જ કોઇ ફિલસૂફની જરૂરિયાત રહે. એક સ્વાભિમાન હોય છે અથવા.... તો એક ચોખલિયાવેડા હોય છે કે જેના કારણે પેટ ભરવા કે પહેરવા ઓઢવા જેટલી માંડ કમાણી છતાં પણ નેન્સી જેવી છોકરીઓ સ્ટોર્સમાં જ કામ કર્યે જતી હતી. લાઉમાં અભાવ હતો એવી ચોખલિયાતનો કે એવા સ્વાભિમાનનો. એ તો પોતાની લોન્ડ્રીનાં ઘોંઘાટિયા અને ગૂંગળાવનારા વાતાવરણમાં ખૂબ મોજથી પોતાની ઇસ્ત્રી ડાબેથી જમણે અને જમણેથી ડાબે હલાવ્યે રાખતી હતી. અને એ ઇસ્ત્રી એની કમાણી, એને સુખાકારીનાં સ્તરથી પણ એને માટે વધારે જોગવાઇ કરી આપતી હતી. એનાં વસ્ત્રોનું સ્તર વધતું જતું હતું. જો કે એ જ્યારે એનાં સાથી ડાનનાં ચોખ્ખા પણ અનાકર્ષક વસ્ત્રો તરફ અધીરાઇથી નજર નાંખતી ત્યારે એને એવું લાગતું નહોતું કે પોતાના વસ્ત્રોથી એને પોતાને કાંઇ ખાસ ફાયદો થયો હોય. આ બે સહેલીની જીવન જીવવાની જુદી જુદી ફિલસૂફી વચ્ચે ડાન હંમેશા એકનિષ્ઠ રહ્યો હતો, અવિચલ, અચલ, અવ્યય, બિલકુલ સ્થિર. (વાર્તાનો અંતિમ ભાગ અને વાર્તાનાં શીર્ષક 'ટ્રિમ્ડ લેમ્પ' પાછળની 'પૅરબલ ઓફ ટેન વર્જીન્સ'ની રસપ્રદ વાત આવતા અંકે)
કિંગ કોપેચુઆ એન્ડ ધ બેગરમેઈડ-નો સંદર્ભ
'ધ ટ્રિમ્ડ લેમ્પદ વાર્તા એ બે સહેલીઓ, નેન્સી અને લાઉની વાર્તા છે. મહેનતકશ ગ્રામ્ય યુવતીઓ છે બંને. એકેની ઇચ્છા છે કે કોઈ ધનવાન નબીરા સાથે એનાં લગ્ન થાય. એ જ્યાં કામ કરે છે ત્યાં ઘણાં ધનવાન લોકો ખરીદી માટે આવતા હોય છે. ઓ. હેન્રી લખે છે કે એ પૈકીનો એક ધનવાન 'કિંગ કોપેચુઆ'ની અદાથી નેન્સીને પટાવવાની કોશિશ કરે છે. કોણ છે આ કિંગ કોપેચુઆ? વેલ, સોળમી સદીમાં કિંગ કોપેચુઆ આફિકાનો રાજા હતો. એની સ્થિતિ એવી કે કોઈ પણ ી પ્રત્યે એને કોઈ સેક્સ્યુયલ આકર્ષણ નહોતું થતું. એક દિવસ એ એનાં મહેલની બારીમાં ઊભો હતો અને એણે એક ભિખારણ નામે પેનેલોફોનને જોઈ અને એને ઇન્સ્ટન્ટ પ્રેમ થઈ ગયો. પહેલી નજરનો પ્રેમ અને એણે નક્કી કર્યું કે લગ્ન કરું તો આ ભિખારણ સાથે જ નહીં તો આત્મહત્યા કરું. એ રસ્તા પર આવ્યો અને એણે ભિખારીઓ વચ્ચે સિક્કાઓ વેર્યા. પેનેલોફોન પણ એ લેવા માટે આગળ આવી. અને ત્યારે કોપેચુયાએ પૂછી લીધું કે મુઝસે શાદી કરોગી? પેનેલોફોને સ્વીકાર કર્યો. એ પરણી અને રાણી બની ગઈ. ગરીબી અને એનું નીચ વર્ણ પળમાં જતા રહ્યા. રાજારાણીએ બંનેએ પછી તો ખાધું પીધું અને રાજ કીધું. લોકોની અપાર ચાહના મેળવી અને તેઓ જ્યારે મર્યા ત્યારે એક જ કબરમાં દફન થયા.
સર્જકનો પરિચય
ઓ. હેન્રી
જન્મ: ૧૧ સપ્ટેમ્બર ૧૮૬૨
મૃત્યુ: પમી જૂન ૧૯૧૦
મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. ટૂંકી વાર્તાઓનાં તેઓ દિગ્ગજ લેખક છે. એમની વાર્તાઓમાં અંત અનેપેક્ષિત હોય છે. તમે એને પૂછડે ડંખ હોય એવી વાર્તાઓ કહી શકો. ઓ. હેન્ર્રીની સફળતાનો પુરાવો પણ એ છે કે એનાં મૃત્યુનાં ૧૦ વર્ષમાં એકલા અમેરિકામાં એમનાં ૫૦ લાખ પુસ્તકો વેચાયા હતા અને વિશ્વની લગભગ તમામ ભાષામાં એમની વાર્તાઓનાં અનુવાદ થયા હતા. રશિયામાં તો ઓ. હેન્રી એટલા લોકપ્રિય બન્યા કે અમેરિકન લેખકની જન્મ શતાબ્દી નિમિત્તે રશિયાએ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઓ. હેન્રી ૪૮ વર્ષની વયે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે એના આખરી શબ્દો હતા, ''અજવાળુ કરો હું અંધારામાં મારા ઘરે જવા માંગતો નથી'' એને મન મૃત્યુ એટલે પોતાના ઘરે પાછા ફરવું. આવા સરળ, બધાને ગમે એવા, સમજાય એવા અને અદભૂત ચમત્કૃતિનાં સર્જકને સો સો સલામ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dMLNT2
ConversionConversion EmoticonEmoticon