રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો મોદી વિચારધારાને મારશે કે તારશે?


- ૨૦૨૧ સુધીમાં દેશના ૪૦ કરોડ લોકોને રસી પૂરી પાડવાનો  ટાર્ગેટ બિનજરૂરી રીતે ઢીલમાં  મુકાશે

આસામ, કેરળ, તામિલનાડૂ તથા પુડૂચેરીમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આજથી બે દિવસમાં સમાપ્ત થઈ જશે જ્યારે પશ્ચિમ બંગાળમાં  ચૂંટણી આંશિક પૂરી થઈ છે અને પાંચ તબક્કા હજુ બાકી છે. આસામ તથા પશ્ચિમ બંગાળમાં ભાજપની  શાખ દાવ પર લાગી છે અને અન્ય ત્રણ સ્થળોએ પણ તે ભારે પરિશ્રમ કરી રહ્યો છે. આસામ તથા કેરળમાં કોંગ્રેસ  જોરદાર લડત આપી રહી છે. તામિલનાડૂમાં ડીએમકેને સત્તા મેળવવામાં  કોંગ્રેસ મદદ કરી રહી છે. 

કોઈપણ ચૂંટણીના પરિણામો અંગે અગાઉથી કશુ ચોક્કસ કહી શકાતું નથી. એમાંય ખાસ કરીને કોંગ્રેસ તથા ભાજપ સિવાયના અન્ય પક્ષો જેમ કે કેરળમાં સીપીઆઈ(એમ), પશ્ચિમ બંગાળમાં ટીએમસી તથા પુડૂચેરીમાં એઆઈએનઆરસી  હાજર હોય ત્યારે પરિણામોમાં સતત અનિશ્ચિતતા રહે શે .  આ રાજ્યોમાં લોકપ્રિય પરંતુ વિવાદાસ્પદ વ્યક્તિઓ પોતાના પક્ષની આગેવાની કરી રહ્યા છે. જેમ કે કેરળમાં પિનારી વિજયન, પુડૂચેરીમાં એન. રંગાસામી તથા પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી. 

ડીએમકે તથા ટીએમસીની મજબૂત સ્થિતિ

ચૂંટણી પહેલાના ઓપિનિયન પોલમાં પરિણામોની  દિશાના માત્ર સંકેત મળે છે અને હકીકતનું ચિત્ર તેમાં જોવા મળતું નથી. વિવિધ સર્વેના આધારે  એવું  લાગી રહ્યું  છે કે  તામિલનાડૂમાં ડીએમકે એલાયન્સની જીત થશે અને પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત થશે. આસામ તથા કેરળમાં ભારે હરિફાઈ જોવા મળી રહી છે અને આશ્ચર્યકારક પરિણામો આવી શકે છે. પુડૂચેરીનું ચિત્ર અસ્પષ્ટ છે. 

રાજ્યોના હક્કો, બિનસંપ્રદાયિકતા તથા ભારે આર્થિક તાણના મુદ્દાને લઈને કોંગ્રેસ આ ચૂંટણીઓ લડી રહી છે. ભાજપના એજન્ડા, રાજ્ય કેન્દ્રીત છે. પશ્ચિમ બંગાળમાં તે સીએએના મુદ્દાને ચગાવી રહ્યો છે જ્યારે આસામમાં આ મુદ્દે શાંત છે. કેરળ, પુડૂચેરી તથા તામિલનાડૂમાં તે કોમવાદી એજન્ડા ધરાવે છે. વ્યાપક જોડાણો કરીને કોંગ્રેસમુકત ભારત બનાવવાના ભાજપના પ્રયાસને કોંગ્રેસે નિષ્ફળ બનાવ્યો છે. પોતાના આ એજન્ડાને આક્રમક રીતે આગળ કરીને ભાજપે મોટો જુગાર ખેલ્યો છે.  

ચૂંટણી પરિણામોથી આગળ 

ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો ભલે  કંઈપણ આવે પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર સાથે હજુ બીજા ત્રણ વર્ષ દેશનો વહીવટ કેવો હશે તે એક મોટો પ્રશ્ન છે. મોદી સરકારના વહીવટના મૂળ હેતુઓ એકદમ સ્પષ્ટ છે. 

પ્રથમ તો નરેન્દ્ર મોદી કોઈપણ અસહમતિને સાંખી લેતા નથી. અસહમત થતા વિપક્ષી નેતાઓ અને વિપક્ષને સજા થાય છે. કોંગ્રેસ જે મુખ્ય ટાર્ગેટ છે તેના ઉપરાંત, અન્ય પક્ષો જેને તપાસ સંસ્થાઓ દ્વારા ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે તેમાં, જમ્મુ અને કાશમીરની નેશનલ કોન્ફરન્સ તથા પીપલ'સ ડેમોક્રેટિક પાર્ટી, પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ, મહારાષ્ટ્રમાં એનસીપી, કેરળમાં સીપીઆઈ (એમ) તથા તામિલનાડૂમાં ડીએમકેનો સમાવેશ થાય છે.  જે લોકોને ટાર્ગેટ નથી બનાવાયા તેમાં ઓરિસ્સામાં બીજુ જનતા દળ, આન્ધ્રમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટી તથા તેલંગણામાં તેલંગણા રાજ્ય સમિતિનો સમાવેશ થાય છે. જે પક્ષો તથા તેમના નેતાઓને પંપાળવામાં આવી રહ્યા છે તેમાં બિહારમાં જનતા દળ તથા તામિલનાડૂમાં એઆઈએડીએમકેનો સમાવેશ થાય છે. કોઈ એક જ રાજકીય પક્ષની પાંખોને વિસ્તારવા કેન્દ્ર સરકારે સત્તાનો દૂરુપયોગ કર્યો હોય તેવું આ અગાઉ ક્યારેય જોવાયું નથી.

બીજો હેતુ, લોકસભામાં બહુમતિના જોરે  તથા રાજ્યસભામાં યુક્તિવાદ કરીને અન્યાયી તથા એકદમ જ ગેરબંધારણિય હોય તેવા ધારા પસાર કરી નાખવાનો રહેલો છે.  આના તાજાજ ઉદાહરણોમાં દિલ્હીની સરકારની સત્તા પર મૂકેલા કાપ તથા જમ્મુ અને કાશમીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરાયેલા રૂપાંતરનો સમાવેશ થાય છે. 

ત્રીજો હેતુ, વહીવટીતંત્રને સુધારવા નવા વિચારો, નવી પહેલો અથવા નવા  પ્રયોગોને કોઈ સ્થાન નહીં  આપવાનો છે. ખાલી એક જ વિચારધારાને સ્થાન હશે અને તે છે મોદી વિચારધારા. કોવિડ-૧૯ રસીકરણમાં  ઊભા  કરાયેલા ગૂંચવાડા તેનું ઉદાહરણ છે. રસીકરણના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ તથા દરદીઓના સંપર્કમાં આવતા આગલી હરોળના કર્મચારીઓને પ્રાધાન્ય આપવાનું પગલું બરોબર હતું પરંતુ ત્યારપછીના દરેક પગલાં એકદમ જ ભૂલભરેલા છે. આ પગલાંઓમાં રસી માટેના  વિવિધ તબક્કા,    રજિસ્ટ્રેશન માટે શરૂ કરાયેલી એપ, વેક્સિન લેવા માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવવાના નિયમનો મુખ્યત્વે સમાવેશ થાય છે. પલ્સપોલિઓ કાર્યક્રમની સરખામણીએ રસીકરણની આ ઝૂંબશે એકદમ જ વિપરીત છે. પોલિઓ ક્યારે પીવડાવાશે તેની તારીખની એક સરળ જાહેરાત સાથે જ લાખો માતાઓ પોતાના બાળકોને લઈને આરોગ્ય કેન્દ્રો ખાતે પહોંચી જાય છે.વેકસિનેશન પ્રોગ્રામના વધુ પડતા અમલદારીકરણને પરિણામે જુલાઈ ૨૦૨૧ સુધીમાં દેશના ૪૦ કરોડ લોકોને રસી પૂરી પાડવાનો  ટાર્ગેટ બિનજરૂરી રીતે ઢીલમાં  મુકાશે. આ ગાળા દરમિયાન હજારો લોકોને કોરોનાનો ચેપ લાગતો રહેશે અને અનેક લોકો મોતને ભેટશે. પીએમ  આવાસ યોજનાથી લઈને પાક વીમા યોજના સહિતના દરેક સરકારી કાર્યક્રમોને મોદી વિચારધારાએ જે રીતે અસર કરી છે તેવી જ સ્થિતિ વેક્સિનેશન પ્રોગ્રામની થશે. 

ગરીબાઈમાં વધારો

ચોથો હેતુ, આર્થિક રિકવરીને ગતિ આપવા માટેની નીતિઓ કોર્પોરેટ હિતોને ધ્યાનમાં રાખી ઘડવા સદંર્ભનો છે. માટે, સરકારે એવી સ્ટ્રેટેજી અનુસરી છે જેમાં રાજકોષિય રાહતોને નકારાઈ છે, રીકવરી ઢિલમાં પડી છે, લાખો લોકો બેરોજગાર બન્યા છે અને થોડાઘણાં જ રોજગાર ઊભા થયા છે એટલું જ નહીં અનેક લોકોને ગરીબાઈમાં ધકેલી દઈ દેવાદાર બનાવી દીધા છે. ગરીબ તથા મધ્યમ વર્ગ માટે સહાનુભૂતિ કયાંય નજરે પડતી નથી. પેટ્રોલ-ડીઝલ તથા રાંધણ ગેસના આસમાને ગયેલા ભાવ  તેનું ઉદાહરણ છે. 

લાખો ડોલરનો સવાલ એ છે કે, ચૂંટણીના પરિણામો, મોદી વિચારધારાના આ મૂળ હેતુઓને વધુ  બળ આપશે કે સરકાર તથા શાસક પક્ષને ડગમગાવી નાખવાનું કારણ બની રહેશે?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wlMcV3
Previous
Next Post »