જળ રંગસાગરમાં રસડૂબકી


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- ચિત્રકળામાં વ્યક્ત થતો મનોવ્યાપાર

અનેકવિધ પ્રાચીન કળાઓમાં મહત્વના મુકામ પર બિરાજે છે ચિત્રકળા. માનવીના જન્મ સાથે જ તેનો જન્મ થયો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે જન્મથી જ માનવનો સ્વભાવ નિરીક્ષણ, પરીક્ષણ અને અવતરણ કરવાનો હોય છે. કુદરતની નકલ કરવામાં પાવરધો માનવી વિચારશક્તિ અને વિચાર અભિવ્યક્તિ શક્તિ લઇને વાચા સહિત જન્મ્યો હોવાથી મનોવહેણની સાથે સાથે એની બુધ્ધિ અને એના હાથ પણ ચાલતા. તે વ્યક્ત કર્યા વગર રહી જ ન શકે એવું એનું બંધારણ છે અને તેથી માનવીએ નિસર્ગમાં નિરખેલા આકારોનાં અવતરણ અન્ય માધ્યમો પર કર્યાં - જેમાં માટી, ઝાડનાં થડ, મકાનોની ભીંતો- (પછી ભલે તે પર્ણ છાઇ કેમ ન હોય-) પર્વત, ખડક, ગુફા, પથ્થર ઇત્યાદિનો સમાવેશ થાય છે.

આદિવાસીઓએ ઓળખેલા મૂળ આકારો - વર્તુળ, ચોરસ, ત્રિકોણ, રેખાઓ આદિ ચિત્રોમાં સ્થાન પામ્યા અને આજ લગી એ ભૌમિતિક આકારો કે સહજ આકારો ચિત્રોના પ્રાણ બની રહ્યા છે. સળીથી જમીન કે ભીંત ખોતરવાથી માંડી કુદરતી રીતે મળી રહેતા જૈવિક રંગોના પ્રયોગ સુધીની આ દીર્ઘ યાત્રામાં વિવિધ પ્રકારના રંગોના ઉપયોગો અને પ્રયોગોનું સ્થાન અતિ મહત્વનું છે.

સભાન રીતે ચિત્ર કલાયાત્રા ક્યારે શરૂ થઇ એ કહેવું કઠિન છે પરંતુ એ પ્રાચીન પરંપરા છે એ તો નક્કી. એમાંય રંગવૈવિધ્ય અંગે ઊંડા ઉતરીએ તો વૉટરકલર... જળરંગ યુગોથી કલાવિશ્વને ધમરોળતો રહ્યો છે. પૂર્વીય એશિયા, કોરિયા, જાપાન, ઇંડોનેશિયા, ઇજિપ્ત આદિ સ્થળોએ એ બ્રશ સહિત કલાનું ઉત્તમ માધ્યમ ગણાય છે. વનસ્પતિજન્ય રંગો પાણીની મદદથી તૈયાર કરી એકલ રંગનો ચાલ શરૂ થયો તેમાં કાળા કે કથ્થઈ રંગનું પ્રાધાન્ય હતું.

કલાકારના પ્રિય રંગ કથ્થઈ, કેસરી અને શ્યામ

જેસલબહેને એક અલ્પવિરામ પછી જળરંગ માધ્યમ સાથે જળરંગ ટેકનિકને વાપરવાનું નક્કી કર્યું. પ્રકૃતિપ્રેમી આ કલાકારને જંગલ, વૃક્ષો, ધોધ, પર્વતો, લેન્ડસ્કેપ્સ, નદી, સાગર, વનસ્પતિ હંમેશ આકર્ષે અને સૌથી વધુ નજીક લાગે તેમને આકાશ ! આંબી ન શકાય તે તત્વને હૈયે ધરીને જેસલે આકાશ સાથે પણ અનેક પ્રયોગો કર્યા. એક અદ્ભુત તત્ત્વ કે વસ્તુ બીજી અદ્ભુત વસ્તુ તરફ એની મેળે લઈ જાય છે અને સપનાં પણ સહજ રીતે સાર્થક થઇ જાય છે એવું આત્મસાત્ થતાં વેંત જ આ કલાકારની કલાયાત્રા સ્વયંભૂ સરકવા લાગી. તેમને વરસાદ પૂર્વેનું દરમ્યાનનું અને પશ્ચાતનું આભ એવું તો વ્હાલું લાગે કે વાસ્તવિક જે દેખાય એમાં મનનાં મેઘધનુષ્ય રંગપૂરણી કરે. વિદ્વાન કલા- ગુરુઓની નિશ્રામાં નિસર્ગના રંગો આટાપાટા રમે. ક્યારેક નળ નીચે, કદીક સ્પ્રે કરીને તો ક્યારેક વરસતા વરસાદમાં પેપર્સને ભીંજવી તેને માથાબોળ સ્નાન કરાવે અને પછી જુઓ રંગો કેવા રસળવા લાગે, નીતર્યાં જળ જેવા પારદર્શક લાગે.

આમ તો પાણી એનો સ્વભાવ છોડે? એ હાથમાં આવે નહિં, આંખમાં પાણી લાવે પણ તોય... ચિત્રાંકન કર્યા વગર સીધા બ્રશ અને રંગનો જાદુ ધાર્યું પરિણામ લાવે. કુદરતના રંગોમાં કલ્પનાનો પાશ લગાડી વાંશ વડે નવું વિશ્વ સર્જવાનો લ્હાવો લઇને રાચતાં જેસલ જળરંગો ઉપરાંત કોલસાની કાળાશને અને પોતને પણ બહુજ ચાહે છે. ભરેલાં મન જેવી વાદળોની સ્થિતિ અને મન મૂકીને વરસ્યા પછી બધું જ શાંત. આકાશના. વૃક્ષના... આવા કલર્સ? આ પ્રશ્નો ભાવકોને મૂંઝવે જયારે તેઓ આવાં ચિત્રો સોંસરવા નીકળે. મૂળ દ્રશ્ય, એની તસવીરોની લકીરોને મન પર ધારીને કલ્પના આ નીસરી... આ કલાકારના પ્રિય રંગ કથ્થઈ, કેસરી અને શ્યામની ઝાંય સાથે સૂર્યાભાસ થાય, નીચે જળમાં પ્રતિબિંબ જોઈ આકાશેય હરખાય. અન્ય ચિત્રમાં વાદળાંનો યથેચ્છ વિહાર. એમાં વાદળી લસરકા નીચેથી ઉપર ચડતા ભાસે! ગતિશીલ!

રસઝરતા જળરંગથી ચિત્રકળાનું શિક્ષણ આરંભાય

ઓગણીસમી સદીમાં અમેરિકન કલાકારોએ જળંરગને પિછાણ્યા એ પહેલાંથી યુરોપમાં ગુફાચિત્રો જાણીતાં બનેલાં. હસ્તપ્રતોમાં વૉટર કલર વપરાતા. સ્કેચના સાધન તરીકે અથવા તો તૈલરંગ કે કોતરણીના પાયાના કામ કરવા માટે વૉટર કલરનો મહત્તમ મોભો હતો. મધ્યકાળમાં યુરોપમાં રેનેસાંથી આ પદ્ધતિ પ્રચલિત થઈ જેનો ઉપયોગ લેન્ડસ્કેપ, ફળ, ફૂલ, વેલ વન્યજીવનના ચિત્રાંકનોમાં થતો. સદીઓ પહેલાં આરંભની આ કળાની તાલીમ જર્મનીમાં અપાતી. યુરોપની પારંપરિક શૈલી બરોક શૈલીમાં સ્કેચ હેતુ જળરંગનો પ્રયોગ થતો.

અઢારમી સદીમાં બ્રિટનમાં શાહી ધરાનાનાં ચિત્રો માટે વૉટર કલર વપરાતો. ત્યાંના પોલ સેન્ડી નામના ચિત્રકાર વૉટર કલરના પિતા ગણાતા અને એ કળાને અંગ્રેજો 'રાષ્ટ્રીય કળા' તરીકે સગર્વ ઓળખતા. જળરંગમાં રંગદ્રવ્યને 'પિગ્મેન્ટ' કહેવાય જે પાવડર કે ક્રિસ્ટલ સ્વરૂપે હોઇ શકે - જેમાં પાણી ઉમેરી, થોડો ગુંદર નાખીને તૈયાર કરી શકાય. પ્રાગ્ ઐતિહાસિક અને ઐતિહાસિક સ્વરૂપ ધરાવતી આ કળામાં રંગ અને કૃતિનું આખરી સ્વરૂપ વૉટર કલરથી જ પરિણમે. એને માટે વિશિષ્ટ કાપડ, કાગળ, ચામડું, લાકડું, કેનવાસ લોકપ્રિય બન્યા. આ કળા થોડી કાળજી માંગી લે પણ તેને પોતાનો રંગ-ઓપ આપી, પોતાની બનાવી, ટેકનિકને સમજી વિકસાવી શકાય. બ્રશ, પેન કે સ્પ્રેયરથી નિષ્પન્ન થતી આ કળામાં રંગ ઉપરાંત પેપરનો પણ અગત્યનો રોલ છે.

જળ રંગની તાકાત તો જુઓ ! પંચમહાભૂતનો એક અંશ તે જળ. તે ભલભલા રંગોને પોતાનામાં ભેળવે- રસળતા કરી દે. આમ તો જળ જ્યાં સમાય તેવો જ આકાર ધરી લે. વળી તેનો રંગ પણ અંગે ઓઢી લે, તે બીજાં તત્વોને પોતાનાં કરી દે અને એ સઘળુંય ભેગું કરીને ચિત્રમાં ઢાળી દે અદનો કલાકાર. અમદાવાદનાં જેસલ દલાલ જળરંગમાં ડૂબકી લગાવી ઊંચા આસમાને ઉડ્ડયન કર્યું છે. પારદર્શક-અપારદર્શક રંગો સાથે ખેલ કર્યા છે.

કળા જ કળાકારનું કૃત્ય, નૃત્ય અને સંપૂર્ણ સમર્પણ છે

'હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ...' જાણે ઝૂકીને સૂર્યને સલામ ભરે છે

'હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ...' જાણે ઝૂકીને સૂર્યને સલામ ભરે છે. કાળા, પીળા, જામલી શેઈડ એક ચોક્કસ સ્વરૂપ બને. સાગર જળના ઉલાળા, તેના લોઢ ગતિશીલ, ઉપર બોઝિલ વાદળો. વરસું વરસું થાય ! પેલા ચિત્રમાં ખડક પરથી ખાબકતા ધોધનો રવ સંભળાયો ? ઉત્સવી રંગના- લાલ, ગુલાબી, પીળા, કેસરી મિશ્ર ઝાંયવાળાં વૃક્ષો તો પરીકથામાં હોય ! લીલોતરીને ક્યારેક ગુલાલે રંગી હોય તો આવી જ લાગે ને ! ને સાચે સાચ સાચા લીલા રંગમાં તેના અનેક શેઈડની રમતથી ઓપતા વૃક્ષો, ઘાસ, ઉપર શ્યામલ વાદળાંની રમત અને નીચે જળમાં આ સૌનાં પ્રતિબિંબ કેવી રમત કરે છે એ ચિત્રમાં નહિ ? તો વળી, ઘેઘૂર વૃક્ષ પછવાડેથી સૂરજ દાદા ડોકિયું કરે, વૃક્ષ સાથે તડકો સંતાકૂકડી રમે અને પ્રકાશ જ પ્રકાશ દેદીપ્યમાન રંગછટાઓ જોઈ લાગે કે જેસલની પ્રકૃતિ જ પ્રકૃતિને ચાહવાની છે અને પોતાના રંગોને સ્વાભાવિકતાથી વિહરવા દે છે.

કોઈ કલાકાર પોતાને કોઈ હકીકતથી બાંધે ખરો ? પોતાનું હૃદય કળામાં ઢાળી, બધું જ સુંદર ચાહી ચાહીને વધુ સુંદર બનાવી સૃષ્ટિને અધિક ચાહવાનો આ પ્રયાસ સહજ રીતે જ આગળ માર્ગ બનાવી દે. અનેક માન-અકરામ અને પ્રદર્શનો થકી રળિયાત થયેલાં જેસલ રંગે રમે ને કોલસેથી કોળે અને કલાયાત્રા - આકાશયાત્રા- આનંદયાત્રામાં મગ્ન રહી નવાં સોપાનો સર કરે તો રસિકોય રસયાત્રાની રેલગાડીમાં પાવો સાંભળતાં સાંભળતાં ડોલે !

લસરકો

માનવી વારિ જેવો થઈ જાય તો ? રંગાઈ જવાની અન્યોન્યમાં ભળી જવાની કેવી મઝા !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s7LAyW
Previous
Next Post »