કારમો કોરોના : ફિલ્મોની રિલિઝ પર લાગી 'બ્રેક'


- કોરોનાના કાળાં ઓળાં ફિલ્મોની રિલિઝ પર પડી રહ્યા છે અને ધીમે ધીમે ફિલ્મો રિલિઝની તારીખ બદલવામાં આવી રહી છે, રિલિઝ મોકૂફ રાખવામાં આવી રહી છે અને કોરોના વધુ કારમો બને તો થિયેટરો પણ ફરી બંધ થાય એવી શક્યતા છે 

મું બઈ, મહારાષ્ટ્રમાં દિનપ્રતિદિન કોરોનાનો ઉપદ્રવ વધવા લાગ્યો છે, રાજ્યના કેટલાંક જિલ્લામાં લોકડાઉન લદાયો છે તો મુંબઈમાં ગમે તે ઘડીએ લોકડાઉન લાદવામાં આવે એવી ગણતરી માંડવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અડધી કેપેસિટી સાથે થિયેટરો ચાલુ રાખવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે, પણ દર્શકો થિયેટર સુધી પહોંચવાની જહેમત નથી લેતા. આંગળીના વેઢે ગણાય એટલાં દર્શકો ફિલ્મ જોવા જાય છે, પણ તેનાથી થિયેટરમાલિકો અને ફિલ્મસર્જકોને જબરદસ્ત નુકસાન થાય છે. આની સૌથી ખરાબ અસર જ્હોન અબ્રાહમની ફિલ્મ 'મુંબઈ સાગા' પર થઈ છે. 'સાઈના' હજુ રિલિઝ જ થઈ છે તેના પર શી અસર થાય છે એ જોવું રહ્યું.

આ સાથે જ નજીકના ભવિષ્યમાં રજૂ થનારી ફિલ્મોના ભાવિ પર તો અત્યારે અંધકારના ઓળા ઉતરી આવ્યા છે તો 'બન્ટી ઔર બબલી-૨' જે ૨૩ એપ્રિલે રિલિઝ થવાની હતી તેની રિલિઝ અટકાવવા (પોસ્ટપોન)નો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 'સૂર્યવંશી' અને 'રાધે' જેવી બિગ ફિલ્મ માટે પણ મુશ્કેલી ઉદ્ભવી છે. આ ઉપરાંત અન્ય ફિલ્મો પણ જે રિલિઝની રાહ જોઈ રહી છે, તેમના પર તો અત્યારે બ્રેક લાગી છે. આ ક્યાં સુધી ચાલશે, એ કહેવું અત્યારે તો મુશ્કેલ છે.

અહીં એ વાત નોંધવી રહી કે હજુ થોડા સમય પહેલાં કોરોનાના કેસ ઘટતાં ફિલ્મ નિર્માતાઓએ તેમની તમામ ફિલ્મો રિલિઝ કરવાની જાહેરાત અગાઉની જેમ કરી નાખી હતી અને તારીખની ઘોષણા પણ કરી હતી. બીજી તરફ દર્શકો અને સિનેમાપ્રેમીઓએ પણ તેમના ફેવરિટ કલાકારોની ફિલ્મ જોવાની તૈયારી કરવા માંડી હતી અને ઉત્સાહિત થયા હતા, પણ કોરોનાની આ બીજી લહેર પછી ફરી એકવાર રિલિઝ માટે તૈયાર ફિલ્મોનું ભાવિ અધ્ધર લટકી ગયું છે.

હોળીના વિકએન્ડમાં રિલિઝ થનારી 'હાથી મેરે સાથી' ની રિલિઝ મુલતવી રાખવાની જાહેરાત કરી ચૂક્યા છે. અન્ય ફિલ્મના નિર્માતાઓ પરિસ્થિતિ પર બાજનજર રાખીને બેઠા છે. પરિસ્થિતિ કેવો વળાંક લેશે તેના પર બધો આધાર છે. દેશભરમાં અને ખાસ કરીને મુંબઈ- મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ઝડપી આગળ વધી રહી છે.

મહારાષ્ટ્રમાં રાત્રિ કરર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાં ફિલ્મની રિલિઝ અત્યંત મહત્ત્વની છે. બીજી તરફ મધ્ય પ્રદેશની સરકારે ભોપાળ અને ઇન્દોર સહિત કેટલાક શહેરોમાં રવિવારથી લોકડાઉન જાહેર કરી થિયેટરો અને સ્વીમિંગ પુલો બંધ કરવાની જાહેરાત કરી છે.

ફિલ્મ નિર્માતા અને ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટે જણાવ્યું છે કે 'કોરોનાના વધી રહેલા કેસો ઘણી ગંભીર બાબત છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે તો દેશના કેટલાંય રાજ્યોના શહેરોમાં નાઇટ કરર્ફ્યું  અને લોકડાઉનની વાતો સંભળાવા માંડી છે. જો રાતે આઠ વાગ્યાથી નાઇટ કરર્ફ્યુ અમલી બને તો ત્યાંના સિનેગાગૃહોના સાંજ અને રાતના બે શોઝ કેન્સલ કરવા પડે. આથી ફિલ્મના કલેક્શન પર અસર થાય.

એક તો ૫૦ ટકાની કેપિસીટી સાથે થિયેટરો ચલાવવાની સૂચના સરકારે બહાર પાડી છે, તેમાંય બે શો કેન્સલ થાય અને દર્શકો પણ ઓછા આવે તો ખોટની રકમ મોટી જ થતી જાય છે. આવી સ્થિતિમાં સલમાન ખાનગી 'રાધે' અને 'સૂર્યવંશી' જેવી ફિલ્મો પર તો વ્યાપક અસર પડે.'

આવી પરિસ્થિતિમાં જે નિર્માતાઓએ તેમની ફિલ્મોની રિલિઝ મોકૂફ રાખી છે, તેવા નિર્માતાની સંખ્યા વધી શકે છે અને બે-ચાર નહીં પણ ઘણી ફિલ્મોની રિલિઝ પર 'બ્રેક' લાગી જશે. જો મધ્ય પ્રદેશની જેમ અન્ય રાજ્યોમાં પણ થિયેટરો બંધ કરવામાં આવે તો કેટલીક ફિલ્મો ઓટીટી ભણી જઈ શકે છે. અક્ષયકુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ની રિલિઝ ડેટ ૩૦ એપ્રિલ છે, જેમાં પણ ફેરફાર થઈ શકે છે.

આમ અત્યારે તો કોરોનાના કાળાં ઓળાં ફિલ્મોની રિલિઝ પર પડી રહ્યા છે અને ધીમે ધીમે ફિલ્મો રિલિઝની તારીખ બદલવામાં આવી રહી છે, રિલિઝ મોકૂફ રાખવામાં આવી રહી છે અને કોરોના વધુ કારમો બને તો થિયેટરો પણ ફરી બંધ થાય એવી શક્યતા છે અને ફિલ્મોની રિલિઝ પર બ્રેક લાગી શકે છે, જે દર્શકોનું મન દુભાવશે સાથોસાથ ફિલ્મનિર્માતાઓ માટે પણ થોભી જવાના સિગ્નલ આપશે. અત્યારે તો પરિસ્થિતિ પાણી જુઓ અને પાણીની ધાર જુઓ એવી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2iyws
Previous
Next Post »