એલિયન: અવકાશમાં અજાણ્યા સજીવનો ભેટો


- આજે એલિયન્સની ફિલ્મોની નવાઈ નથી, પરંતુ આ ફિલ્મ એ જમાનાની છે જ્યારે આ વિષય નવો હતો. 

- એલિયન એટલે કે પરગ્રહવાસીઓ પર અનેક ફિલ્મો બની જેમાં આ ફિલ્મ જરા ચડિયાતી છે.

- વર્લ્ડ સિનેમા-લલિત ખંભાયતા

- ડિરેક્ટર : રિડલી સ્કોટ

કલાકાર: ટોમ સ્કેરીટ, સિગોર્ની વિવર, વેરોનિકા કાર્ટરાઈટ, હેરી સ્ટેન્ટન, જોન હર્ટ, ઈઆન હોમ

રિલિઝ: મે, ૧૯૭૯

લંબાઈ: ૧૧૭ મિનિટ

પ રગ્રહ પરથી કિંમતી ખનિજનો ૨૦ કરોડ ટન જેવો જંગી જથ્થો લઈને 'ધ નોસ્ટ્રોમો' નામનું અવકાશયાન પૃથ્વી પર પરત આવી રહ્યું છે. કદાવર અવકાશી જહાજનું સંચાલન કરવા માટે કુલ સાત વ્યક્તિનો સ્ટાફ હાજર છે. એક બિલાડી પણ સાથે હતી. પરત આવી રહેલું જહાજ ધરતી પર દસેક મહિને પહોંચવાનું છે. જહાજનુ સંચાલન કરવુ, ખાવુ-પીવું, યંત્ર-સામગ્રી ચેક કરવી અને નવરાં બેઠા પ્રયોગો કરવા સિવાય ખાસ કશુ કામ છે નહીં. જહાજ કોઈ દેશનું નહીં પણ કોઈ કંપનીનું કમર્શિયલ હતું. એટલે ધરતી પર આવ્યા પછી આ સફળ ટ્રીપ બદલ બોનસ મળશે કે કેમ એ વાતો પણ થતી રહેતી હતી. દુનિયામાં એવો સમય આવી પહોંચ્યો હતો જ્યારે પરગ્રહ પરથી ખનિજનો જથ્થો ભરીને જહાજોની આવન-જાવન ચાલતી રહેતી હતી.

જહાજ પર એક દિવસ મેસેજ આવ્યો. જહાજ જ્યાંથી પસાર થતું હતું ત્યાં નજીકમાં એક ઉપગ્રહ હતો. એ ઉપગ્રહ પરથી કોઈ વિચિત્ર પ્રકારના સિગ્નલ નોસ્ટ્રોમોના કમ્પ્યુટરમાં આવ્યા હતા. કંપનીની પોલિસી એવી હતી કે રસ્તામાં કોઈ અજાણ્યા સિગ્નલ મળે તો જહાજ આપોઆપ એ દિશામાં વળી જાય. કેમ કે સિગ્નલ ક્યાંથી આવે છે, તેના મૂળ-કૂળ શું છે એ જાણવામાં પણ કંપનીને રસ હતો. જહાજ નજીક પહોંચ્યુ એટલે તેમાંથી નાનકડું બીજું જહાજ અલગ પડયું અને અજાણ્યા ઉપગ્રહ પર ઉતરાણ કર્યું. 

અવકાશયાત્રીના પોશાક પહેરીને બે સભ્યો ત્યાં ઉતર્યા. ગ્રહ પર કોઈ કદાવર સ્પેસશીપ હોય એવો આકાર પડયો હતો. અંદર જઈને જોયું તો સંખ્યાબંધ ઈંડા ગોઠવ્યા હોય એવુ પણ કંઈક હતું. ઈંડાનો સ્પર્શ કરવા જતાં તેમાંથી કોઈ સજીવ બહાર નીકળ્યો. એટલુ જ નહીં કેનના મોઢા પર ચોંટી ગયો. સાથીદાર તેને લઈને પરત જહાજ પર આવ્યો, કેમ કે હવે કેન બેભાન થઈ ગયો હતો. મોઢા પર ઢાંકણું ફીટ કર્યું હોય એમ એ સજીવે ભરડો લીધો હતો.

અજાણ્યા સજીવને લઈને જહાજમાં આવવું કે ન આવવું તેની ચર્ચા થઈ. કેમ કે જહાજમાં ઘૂસ્યા પછી એ જીવ શું કરશે એ કોઈ જાણતુ ન હતું. બીજી તરફ જીવ ચોંટેલો રહે તો કેન મૃત્યુ પામે. શું કરવું એ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ અને પછી દરવાજો ખુલ્યો. અજાણ્યા સજીવ સાથે કેનને અંદર લીધો. સ્પેસશૂટમાં કાપકૂપ કરી પરંતુ એલિયન અલગ પડવાનું નામ લેતું ન હતું. નાનકડા સજીવના અંગો કાપીને અલગ પાડવાની કોશીષ કરી તો તેનું લોહી બહાર નીકળ્યું. એ લોહીમાં એસિડ હતું, એટલે ટીપું પડયું એ સાથે એક પછી એક માળ પસાર થતું નીચે જવા લાગ્યું. આવુ લોહી તો સંશોધકોએ ક્યારેય જોયુ ન હતું! 

એ પણ ખબર પડી કે વિશિષ્ટ શરીર રચના, અલગ પ્રકારના લોહીને કારણે આ સજીવ ગમે તે સંજોગોમાં જીવી શકે છે. એટલે એને મારી નાખી શકાય એ વાત તો ભૂલી જવી રહી. સદ્ભાગ્યે મારી નાખવાનો વખત આવે એ પહેલા એ સજીવનું મોત થયું. જહાજમાં બધાને હાશકારો થયો અને પૃથ્વી તરફની સફર ફરીથી આગળ વધી. કેન ફરી હોશમાં આવ્યો પણ થોડી યાદશક્તિ ગુમ થઈ હતી. બીજો કોઈ ફેરફાર થયો હોવાનું જણાતુ ન હતું. એ ફેરફાર જમવા બેઠા ત્યારે નોંધાયો. કેને અચાનક ઉલટી કરી અને તેના શરીરમાંથી નવા એલિયનનો જન્મ થયો! એ પરગ્રહી જીવ આડા-અવળો સંતાઈ ગયો. જહાજમાં તેને જ્યાં-ત્યાં શોધવાનો પ્રયાસ કર્યો પણ ખાસ સફળતા ન મળી. 

સાત પૈકી એક સભ્ય કેનનું મૃત્યુ થયુ. જહાજની મુશ્કેલી વધી ગઈ. હવે એ સજીવને શોધી ન કાઢે ત્યાં સુધી શાંતિપૂર્વક આગળ વધી શકાય એમ ન હતું. માટે એલિયનને શોધી તેને વિવિધ રીતે મારી નાખવાનો પ્રયાસ થયો. બધા પ્રયાસ નિષ્ફળ ગયા. એટલુ જ નહીં તેની પાછળ ગયેલા બ્રેટ પર સજીવે હુમલો કર્યો અને તેને ખેેંચી ગયો. જહાજના બે સભ્યો ઓછા થયા. ત્યાં સુધીમાં નાનકડા એલિયને કદાવર અને વિચિત્ર દેખાતા સજીવનું રૂપ ધારણ કરી લીધું હતું. શરીર પર અનેક આંટા હતા, દાંત હતા, મોઢા હતા, લાંબા-ટૂંકા હાથ-પગ હતા, અન્ય વિચિત્ર અંગો હતા.

એલિયનને એરલોક કરી જહાજનો એટલો ભાગ અલગ કરી અવકાશમાં ફેંકી દેવાનું નક્કી થયું. એ કામગીરી ડલાસે હાથમાં લીધી. પરગ્રહી જીવ તો ન ફેંકાયો પણ ડલાસ ગુમ થઈ ગયો. એલિયને તેને પણ મારી નાખ્યો હતો. સભ્યોએ એવો વિચાર કર્યો કે હવે આપણે આ મોટું જહાજ છોડી નાના જહાજમાં બેસીને રવાના થવું જોઈએ. સિનિયર ક્રૂ મેમ્બર એશ એ વાત સાથે સહમત ન હતો. હકીકતે એશ ગુપ્ત રીતે કંપની સાથે વાતો કરીને એલિયનને ધરતી સુધી લઈ આવવા માંગતો હતો. એશ અંગે વધુ અકલ્પનિય રહસ્ય પણ એ પછી છતું થયું અને છેવટે એશનો પણ ખાત્મો થયો.

એટલુ નક્કી હતું કે આ પરગ્રહી જીવ સાથે લડી શકાય એમ નથી. હવે તો પોતાનો જીવ કેમ બચી શકે એ જ જોવાનું છે. જાહાજનો પુરવઠો તપાસવા બે સભ્યો ગયા તો એલિયને તેમને પણ ખતમ કરી દીધા. સાત સભ્યો પૈકી છેવટે રિપ્લે નામની મહિલા એક જ બાકી રહી. હવે જો એ અમુક સમયમાં જહાજ છોડીને રવાના ન થાય તો તેનોય ખાત્મો નક્કી હતો. એ વખતે જહાજમાં કુલ ૩ સજીવ હતા, એક એલિયન, એક રિપ્લે અને એક બિલાડી. રિપ્લએ બિલાડીને પોતાની સાથે લીધી. આખુ જહાજ આકાશમાં જ સ્વાહા થઈ જાય એ પ્રકારના કમાન્ડ આપ્યા અને એ કમાન્ડનો અમલ થાય એ પહેલા જહાજથી અલગ પડી જવાની તૈયારી શરૂ કરી...    

રિડલી સ્કોટે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પરગ્રહવાસીની હોવા ઉપરાંત હોરર છે, થ્રીલર છે અને ક્યાંક ક્યાંક સરપ્રાઈઝિંગ પણ છે. પરંતુ જોવાનું શરૂ કર્યા પછી અધુરી મુકી શકાય એમ નથી. આ ફિલ્મ બે ઑસ્કર માટે નોમિનેટ થઈ હતી અને તેમાંથી એક વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો એવૉર્ડ મળ્યો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ZIZwg
Previous
Next Post »