પ્રેમના પારણે ઝૂલતો અને ઝૂરતો કવિ


- અંતર - રક્ષા શુક્લ

હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઇએ,

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,

મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,

હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,

હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,

એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝદ,

એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.  

- મરીઝ                                       

અનોખા અંદાજ અને મેજિકલ મિજાજનો મહાનાયક એટલે મરીઝ. મરીઝના શબ્દો ભાવકને વાહમાંથી આહ તરફ દોરી જાય છે. કવિ 'વાહ' ઝીલવા માટે  નથી લખતો, એના શબ્દોમાં 'આહ'નો આંતર્નાદ પણ હોય છે જે સંવેદનશીલ હૃદયને જ સંભળાય છે. મરીઝે વિવિધ વિષયોને આવરી લેતી અનેક ઉત્તમ શેર અને ગઝલો આપી છે પરંતુ એમના પ્રણય સંવેદનનું ઉદ્દાત નિરૂપણ કરતી થોકબંધ ગઝલો એના પ્રેમની તીવ્રતા ઉપરાંત પ્રણય વૈફલ્યને સુપેરે દર્શાવે છે. જે કન્યા સાથે એના લગ્ન થવાના હતા એના પિતાએ મરીઝનો અભ્યાસ અને નબળી આથક સ્થિતિ જોઇને લગ્ન માટે સંમતિ ન આપી. આનાથી આઘાત પામેલા અબ્બાસ વાસી સાહિત્યજગતને 'મરીઝ' રૂપે પ્રાપ્ત થયા અને ઈશ્કે મિજાજીને દર્શાવતી માતબર ગઝલો આપણને મળી. મુગ્ધ હૈયાની મૂક ભાષા ગઝલ સ્વરૂપે અવતરી. જેમાં પ્રણય નિવેદન, ફરિયાદ કે ફનાગીરી, ગવ ગરિમા કે ગુમનામી વહોરવી સઘળું છે. ભાવકોને એની બેનમુન અભિવ્યક્તિથી મરીઝ ડોલાવે છે. એટલે જ સામાજિક જીવનમાં મરીઝ મિસફિટ લાગતા. અવ્યવહારુ લાગતા. પણ ગઝલોમાં ચિંતક બની આપણને પણ ગહન ચિંતન તરફ દોરે છે. સાચો પ્રેમ શબ્દોનો મોહતાજ નથી હોતો. પહેલાના સમયમાં પ્રેમ સહજ રીતે થઈ જતો. જેમાં કોઈ આવેશ નહોતો. આજે તો લાળ ટપકાવતી લાલસા જ જોવા મળે છે. 

મરીઝની કવિતામાં ઉભરાઈને આવતી પ્રેમની પ્રબળતા, પ્રેમનું પ્રભુત્વ, પ્રેમનો પમરાટ, પ્રેમની પરિણતી, પ્રેમની પીડા, પ્રેમમાં જ પિસાવું અને પિંજાવું...સઘળું કવિને પ્રેમના પારણે ઝૂલાવે પણ છે અને ઝુરાવે પણ છે. એનામાં રહેલો નખશીખ પ્રેમી વારંવાર પ્રેમના પંથે ચડી જાય છે, વારંવાર એ પ્રેમપરાગમાં તરબોળ થાય છે. ક્યારેક એ સુગંધાય છે તો ક્યારેક બેવડ વળી બૂમો પાડે છે. પ્રેમનો તાંતણો ક્યાંક સંધાતો તો ક્યાંક તૂટતો લાગે છે. એ ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ અનુભવે છે. પણ સમય જતા દિલ ટેવાઈ પણ જાય છે આ મીઠા દર્દથી. જેમ ગાલીબ કહે છે 'દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના.' ઘાયલે પણ એ જ કહ્યું હતું.. 'સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે ગમે તેવું દુ:ખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.' પરંતુ સમગ્રતયા જોતા એવું લાગે કે મરીઝ પોતે વફાદારીનો વજીફો ધરાવે છે. પ્રેમમાં નિભાવવાની વાતે કવિના પક્ષે કોઈ ચૂક કે ખામી નથી. એટલે જ એ જ્યારે કહે છે કે...

'આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,

 જે વચન દેતા નથી તોયે નિભાવી જાય છે.'

ત્યારે જીવનમાં અડીખમ વફાદારી નિભાવતા મરીઝ બધા જ પ્રેમીઓનો મરીઝ અવાજ બને છે. કોઈ ઝીઝક વિના જાણે વૈધાનિક જાહેરાત કરતા કહે છે કે 'આ જગતમાં વચનથી બંધાયેલા ન હોવા છતાં જિંદગીભર નિભાવી જાણે એવા પ્રેમીઓ હોય છે. આ આખી ગઝલ વાંચતા લાગે કે કવિ તેના આઠ શેરમાં જાણે અઢાર પુરાણોની વાત લઈને આવે છે પણ એની વિગતે વાત કરવા બેસીએ તો એ માઇલોની યાત્રા માગી લે. મરીઝની ગઝલોના માત્ર એકાદ શેરની માંહ્ય સ્પર્શીએ તોય ગંગાસ્નાન. પ્રેમમાં વફાદારી નિભાવવાની ચરમસીમા પર જીવતા પ્રેમી મરીઝને કવિ મરીઝ ક્યારેક ઠપકો પણ આપી બેસે છે કે 

'મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,

જેથી 'મરીઝ' એમને પસ્તાવો થાય ના.'

આ જગતમાં સાચા પ્રેમીને કોઈ વાણીવિલાસની જરૂર નથી. સહી-સિક્કા સાથે કોઈ શાહેદીનો ખપ નથી, જે ખાતરી આપે કે જે તે વ્યક્તિ પ્રેમ નિભાવવામાં ક્યાંય પાછી પાની નહીં કરે. જગતમાં એવા પ્રેમીઓ હોય છે જ જે કોઈ વચનથી બંધાયા ન હોવા છતાં જીવનભર નિભાવી જાય છે. આવો બિનશરતી પ્રેમ આજે જવલ્લે જ જોવા મળે છે. પ્રેમ એટલે વણબોલ્યે નિભાવવું. શબ્દોની ધૂળથી ખરડાયા વગરનો ઉજમાળો પ્રેમ આજે ક્યાં જોવા મળે છે ! નિસ્વાર્થભાવે નીતરતું આવે એવું વ્હાલ કે પ્રેમ માત્ર વિજાતીય ન હોય શકે. આવો પ્રેમ સખા, ભાઈ, માતા, પિતા કે બહેન કોઈપણનો હોય શકે. સંબંધોના નામકરણ તો આપણે કરેલા છે. બે હૃદયોના ગરિમાયુક્ત મિલનના પગરવ મૌનના પટ પર ગૂંજે છે. પ્રેમમાં તબાહી પછી પણ મરીઝના બંધ હોઠમાંથી એક જ રટણ કાગળ પર ઢોળાય છે કે 

'બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને, 

મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.'

સાચી કવિતા શાહીથી નહીં પણ લોહીથી લખાતી હોય છે. પ્રેમમાં નિભાવવાની વાત આવે ત્યારે ફિલસૂફ કિયર્કે ગાર્દ અચૂક યાદ આવે. કિયર્કે ગાર્દ માનતા કે 'હું જે વિચારું છું એ પ્રમાણે જ મારે જીવનમાં વર્તવું જોઈએ.' કિયર્કે ગાર્દ સતત ગમગીનીમાં રહેતા. એને એવું જીવવું જ ફાવતું અને ગમતું. એમાં એને મજા આવતી. પંદર વર્ષની નાની ઉંમરે એમને રેજિન નામની એક છોકરી સાથે પ્રેમ થયો. પ્રેમમાં પડયા પછી એણે વિચાર્યું કે 'એક રીતે હું પોતે તો મારા સુખમાં માનતો નથી તો રેજિનને હું સુખી કરી શકીશ કે નહીં એ મારે જોવું પડે. અને મને લાગે છે કે રેજિનને પરણીને હું એને સુખી નહીં જ કરી શકું. મને એવી ખાતરી પણ છે કારણ કે હું મારો સ્વભાવ જાણું છું. હું દૂરથી ચાહીને જ એને સુખી કરી શકીશ. રેજિનમાં કદાચ ગમગીની કે અસુખમાં જીવવાની ક્ષમતા ન હોય તો રેજિન માટે લગ્ન એ દુ:ખનું કારણ પણ બની શકે.' આવું વિચારીને એણે રેજિન સાથે કરેલું સગપણ તોડી નાખ્યું. છતાં જિંદગીભર રેજિનને પ્રેમ કરતા રહ્યા. સાચવતા રહ્યા. બીજા કોઈ સાથે કિયર્કે ગાર્દ પરણ્યા પણ નહીં. નિભાના તો ઇસે કહેતે હૈ...! મરીઝની અનેક ગઝલોમાં સંબંધો નિભાવવાની વાત ઉપસ્યા કરે છે. ફનાગીરીના ખોળે મ્હાલતા મરીઝ કહે છે કે...

'જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !

ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.'

એક શેરમાં મરીઝ દોસ્તી નિભાવવાની વાત કરતા કહે છે કે 'એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તી, બાકી અમે અહીં હતા બસ, એક ક્ષણના દોસ્ત.' મરીઝને લોકપ્રિયતા અપાવનાર ગઝલોમાં પ્રેમની ગઝલો વધુ છે. જેમાં મૂંઝવણ, વેદના, ફિલસૂફીસભર ઊમઓ ઉડીને આંખે વળગે છે. આ બધા વચ્ચે મરીઝ ક્યાંક વ્યંગ અને કટાક્ષ સાથે હળવાશની છાંટ પણ ઉમેરે છે. મરીઝની ગઝલોનો જાદુ ભાવકના દિલોદિમાગ પર એવા છવાઈ જાય છે કે એના હેંગ ઓવરમાં એ જીવનભર રહે છે. ઝૂમે છે. માનવહૃદયના અતિ સુક્ષ્મ ભાવોને મરીઝ સરળ શબ્દોમાં સહજતાથી સ્પર્શે છે અને ખોલે છે. જેના તોલ-મોલ ન થઇ શકે. તેઓ ખૂબ યોગ્ય રીતે 'ગુજરાતના ગાલીબ' તરીકે પોંખાયા છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sYXAUQ
Previous
Next Post »