ખેડા જિલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ 69 કેસ


નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાનું દરરોજ રેકોર્ડતોડ આંકડાનો સિલસિલો ચાલુ રહ્યો છે. રવિવારે ૧૮ એપ્રિલ જિલ્લામાં ઓલટાઈમ હાઈ ૬૯ કેસો આવ્યા છે. એપ્રિલના ૧૮ જ દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો ગગનચૂંબી કૂદકા લગાવતો ૭૦૩ સુધી અને જિલ્લાના કુલ કેસોનો આંકડો  ૪૬૧૧ પર પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોના સારવાર કેન્દ્રો,કોવિડ બેડ અને રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે તંત્ર ફૂલ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં સમગ્ર જિલ્લામાં પણ એક દિવસમાં જેટલા કેસો જોવા નહોતા મળ્યા તેટલા કેસો રવિવારે માત્ર નડિયાદ શહેર અને તાલુકામાં નોંધાયા છે. આ સ્થિતિમાં સરકારી યાદી પ્રમાણે રવિવારની સાંજ સુધી ૨૭૨ દર્દી સારવાર લઈ રહ્યા હોવાનું દર્શાવાયું છે. જોકે જિલ્લામાં ભરાયેલા અને ઉપલબ્ધ કોવિડ બેડની સંખ્યા દર્શાવતા સરકારી આંકડામાં જ ૮૫૭ કોવિડ બેડ ભરાયેલો હોવાનું દર્શાવાયું હોવાથી આંકડાની માયાજાળ ઘેરી બની રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કોરોના મૃતકોની સંખ્યા બાબતે તંત્ર દ્વારા પાળવામાં આવી રહેલા ભેદી મૌનને કારણે પણ જિલ્લાવાસીઓ ભારે અચરજમાં મૂકાયેલા છે.

જિલ્લાના વડામથક નડિયાદમાં  ૪૧ કોરોના પોઝિટિવ કેસનો ગગનચૂંબી આંકડો આવતા ભયનો માહોલ ફેલાઈ ગયેલો જોવા મળે છે. સરકારી આંકડાના વિરોધાભાસોને કારણે કોરોનાની સાચી પરિસ્થિતિ વિશે લોકો જુદા જુદા અનુમાનો લગાવી રહ્યા છે. કોરોના મૃતકોના આંકડા તો જાહેર જ કરવામાં ન આવતા હોવાથી સ્થિતિ વધુ રહસ્યમય હોવાનું લોકો ચર્ચી રહ્યા છે. હાલમાં જિલ્લામાં દર અઠવાડિયે ૨૫૦થી ૨૮૦  કેસોનો રાફડો ફાટતો જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સાચા આંકડા જાહેર કરીને નાગરિકોને સ્થિતિની ગંભીરતા સમજાવવામાં આવે તેવી ચર્ચા જાગ્રત નાગરિકોમાં જામી છે.

જોકે છેલ્લા સાતે સાત દિવસથી સળંગ રેકોર્ડબ્રેક કેસો નોંધાવવાને લીધે જિલ્લાનું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે હરકતમાં આવી ગયેલું જોવા મળે છે. જિલ્લામાં કોવિડ સારવારના કેન્દ્ર સતત વધારવામાં આવી રહ્યા છે. ૧૮ એપ્રિલ સુધી જિલ્લામાં નડિયાદ, ખેડા, કઠલાલ, મહેમદાવાદ, કપડવંજ, વસો અને મહુધા સહિતના તાલુકાઓમાં કોવિડ સારવાર કેન્દ્રો તેમ જ અન્ય શહેરોમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરીને સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરીને તાત્કાલિક વપરાશ માટે ખાનગી હોસ્પિટલોને પહોંચાડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

રવિવારે સરકારી ચોપડે  નોંધાયેલા જિલ્લાના કુલ કોરોના કેસોનો આંક ૪૬૧૧ થયો  છે.  આ સાથે એપ્રિલના ૧૮ જ દિવસમાં કોરોના પોઝિટિવનો સત્તાવાર આંકડો ૭૦૦ને વટાવી ગયો છે. જિલ્લામાં રવિવારના દિવસમાં પરીક્ષણ માટે ૫૧૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સત્તાવારી યાદી પ્રમાણે રવિવારની સાંજ સુધી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૨૭૨ રહી હતી, જેમાંથી ૧૬૨ની હાલત સ્થિર છે. જ્યારે ૮૬ દર્દી ઓક્સિજન ઉપર અને ૨૨ દર્દી  બાયપેપ ઉપર અને ૨ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, જ્યારે ૩૯ દર્દીઓ હોમ આઈસોલેશનમાં  છે.

ખેડા જિલ્લા માટે કાળમુખો એપ્રિલ

૧થી ૭ તારીખ ૨૦૮ કેસ

૮થી ૧૪ તારીખ ૨૭૩ કેસ

૧૫થી ૧૮ તારીખ ૨૨૨ કેસ

કુલ ૭૦૩ કેસ 

એક દિવસમાં 41 કેસઃ નડિયાદ નવું એપિસેન્ટર

જિલ્લામાં રવિવારે નોંધાયેલા કુલ ૬૯ કેસોમાં  ૪૪ પુરુષ અને  ૨૫ સ્ત્રીઓ છે. આજ રોજ સૌથી વધુ નડિયાદ શહેર અને તાલુકા મળીને  જ ૪૧ કોરોના પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયો છે.આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ કોરોનાની પહેલી લહેરમાં સમગ્ર જિલ્લામાં પણ નોંધાયા નહોતા. આજ રોજ નડિયાદના ૪૧ ઉપરાંત મહેમદાવાદ ૬, કપડવંજ ૪, મહુધા ૪, કઠલાલ ૩, ખેડા ૩, માતર ૩, ગળતેશ્વર ૩ અને વસો-ઠાસરામાં ૧-૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જિલ્લાની ખાનગી હોસ્પિટલોને 1600 જેટલા રેમડેસિવિર તાત્કાલિક વપરાશ માટે અપાયા

જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં  સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને જિલ્લા તંત્ર દ્વારા જ રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શનના પૂરવઠા અને ફાળવણી માટે જુદા કન્ટ્રોલરૂમ સહિતની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલોને આ વ્યવસ્થાના માધ્યમથી જ ઈન્જેક્શનનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. સત્તાવાર આંકડા પ્રમાણે ગત શનિવાર સુધી જ જિલ્લાની ૨૮ જેટલી ખાનગી હોસ્પિટલોને જરૂરીયાતમંદ દર્દી માટે જ ૧૬૦૦ જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

જિલ્લામાં 35 જેટલા કોરોના સારાવાર કેન્દ્રો, હજી 239 કોવિડ બેડ ખાલી

રવિવારની સાંજ સુધી જિલ્લાની ૧૨ જેટલી ખાનગી અને અન્ય સરકારી કોવિડ હોસ્પિટલોમાં ૨૩૯ બેડ હજી પણ ખાલી હોવાનું સરકારી આંકડા દર્શાવી રહ્યા છે, જ્યારે  ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલોના ૨૦૩ જેટલા કોવિડ બેડ ભરાયેલા હોવાનું જાણવા મળે છે. જિલ્લામાં કુલ ૧૦૯૮ જેટલા કોવિડ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, તેમાં રવિવાર સુધી ૮૫૭ જેટલા કોવિડ બેડ ભરાયેલા હોવાનું જાણવા મળે છે. સૌથી વધુ ક્ષમતા ધરાવતી નડિયાદ સિવિલ અને એન.ડી. દેસાઈ જેવી મોટી હોસ્પિટલોના મોટાભાગના કોવિડ બેડ ભરાઈ ગયા હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. આ બન્ને હોસ્પિટલો મળીને ૩૧૫ જેટલા કોવિડ બેડ ઉપલબ્ધ છે, તેમાંથી રવિવાર સાંજ સુધી ૪૦ જેટલા બેડ જ ખાલી હોવાનું આંકડામાં જોવા મળે છે.

મૃતકોની સંખ્યા બાબતે તંત્ર ચૂપ

કોરોનાની વણસતી પરિસ્થિતિ અને દિવસેને દિવસે વધતા સંક્રમણ પછી કેટલા કોરોના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે તે વિશે રહસ્ય ઘેરું બનતું જાય છે. કોરોના દર્દીઓ માટે અલાયદા ફાળવવામાં આવેલા સ્મશાનગૃહોમાં લાઈન લાગતી જોવા મળે છે, છતાં તંત્ર દ્વારા કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં નથી આવી રહ્યા. તંત્ર દ્વારા બહાર પડતી સરકારી યાદીઓમાં પણ ક્યાંય મૃતકોની સંખ્યા વિશે ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવતો નથી. અત્યારની સ્થિતિમાં ચારે બાજુ કોરોનાનો હાહાકાર મચેલો છે, ત્યારે જિલ્લા તંત્ર દ્વારા દરરોજ કોરોનાની સ્થિતિ અંગે સત્તાવાર યાદી બહાર પાડવામાં આવે છે, તેમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો તો કૂદકે ને ભૂસકે વધતો જોવા મળે છે, પણ કોરોના મૃતકોની સંખ્યા વિશે કશું જ લખવામાં ન આવતું હોવાથી જિલ્લાવાસીઓમાં ભારે અચરજ ફેલાઈ છેઃ શું આવા કાળા કહેરમાં પણ ખેડા જિલ્લામાં કોરોનાને લીધે એક પણ મૃત્યુ થયું નથી? એમ લોકમુખે ઠેરઠેર ચર્ચાઈ રહ્યું છે.

નડિયાદના ચકલાસીમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન

કોરોનાના વધતા સંક્રમણને પગલે નડિયાદ તાલુકાના ચકલાસી નગરે પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે ૧૮થી ૨૮ એપ્રિલ સુધી બપોરે ૧૨થી 5 વાગ્યા સુધી અને રાતે ૮થી સવારે ૬વાગ્યા સુધી નગરની તમામ દુકાનો અને વેપારધંધા બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QcN2mI
Previous
Next Post »