ગુનો નિર્દોષ પણ હોઈ શકે? .


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- પોલીસની હાજરી જોઈને પેલી સ્ત્રી ઝડપથી પાછી આવી. 'એણે મારા ઉપર હુમલો કર્યો, સાહેબ, એ ડોસાને જેલમાં પૂરી દો..' 

- 'બજાર વચ્ચે એ બાઈ ઉપર હુમલો કરવાની તમે ભૂલ તો કરી જ છે. એ છતાં, એ ફરિયાદ કરવા આવે એ પહેલાં સાચી હકીકત કહી દો..'

'દા ળવડાની મસ્ત સુગંધ આવે છે. મારાથી રહેવાતું નથી.' ચાર રસ્તાથી સહેજ અંદરની તરફ દાળવડાની લારી સામે તાકી રહેલા કોન્સ્ટેબલ ગોવિંદના અવાજમાં લાચારી ઉમેરાઈ. 'સવારે ઘેરથી નીકળ્યો ત્યારે બૈરીની તબિયત ઠીક નહોતી એટલે એકલી ચા પીને જ નીકળ્યો છું.' બાજુમાં ઊભેલા કોન્સ્ટેબલ મનોજને એણે પૂછયું. 'સાહેબના રાઉન્ડને વાર છે, ત્યાં સુધીમાં તું કહે તો દાળવડાનો ટેસ્ટ કરીને ફટાફટ પાછો આવી જઈશ. તારા માટે લેતો આવું?'

'આજે અગિયારસ છે એટલે મારી ચિંતા કર્યા વગર તું પાંચ મિનિટમાં જઈ આવ.' મનોજે તાકીદ કરી. 'સાહેબની જીપનું કોઈ ઠેકાણું નહીં. ગમે ત્યારે એ આવી જશે. એમની આંખો શકરાબાજ જેવી છે. પોઈન્ટ ઉપર કોણ હાજર છે અને કોણ નથી એની એમને કાચી સેકન્ડમાં ખબર પડી જાય છે. ફટાફટ જઈ આવ. સાહેબ આવશે તો ઉપાધિ થઈ જશે.'  

આજે ભીડ સાવ ઓછી હતી એટલે રસીકરણ સેન્ટરની બહાર બંદોબસ્તમાં ગોઠવાયેલા આ બંને કોન્સ્ટેબલને થોડી રાહત હતી. રોડની સામેના ભાગમાં એક દવાની દુકાનની પાસે ડેન્ટિસ્ટનું ક્લિનિક હતું. એ પછી પાર્લરમાં આઈસક્રીમ, ઠંડા પીણાં ઉપરાંત વેફર-ચવાણાના પાઉચના હારડા ઝૂલતાં હતાં. એની પાસે પ્રોવિઝન સ્ટોરમાં કરિયાણાથી માંડીને બધુંય મળતું હતું.

ઝડપથી પેટપૂજા કરીને ગોવિંદ પાછો આવી ગયો. 'પાઠકસાહેબની ધાક એવી છે કે એમના હાથ નીચે વટથી નોકરી કરવામાં વાંધો ના આવે.' એણે મનોજને કહ્યું. 'પરમ દિવસે મૌલિકનો ફોન હતો. અહીંથી ટ્રાન્સફર થઈને એ ગયો પણ હવે પસ્તાય છે. કોઈ બાટલીમાસ્ટરને પકડે અને પેલો પીધેલો ક્યાંક ફોન કરે કે તરત બિચારા મૌલિકને ફોન કરીને એનો ઈન્સ્પેક્ટર તતડાવે કે બહુ દોઢો થયા વગર એ ભાઈને જવા દે.' એના અવાજમાં હતાશા ભળી. 'ત્રણ ટકાના દારૂડિયા કે જુગારિયા સામે આપણી વરદીની ઈજ્જતનો કચરો થાય, તો પછી નોકરી કરવાની મજા ના આવે.'

'છાપામાં અને ટીવીમાં મુંબઈના કરોડોના આંકડા અને પોલીસખાતાના ભેદભરમની વાતો જોઈને મગજ ચકરાઈ જાય છે.' મનોજે કહ્યું. 'સામે આપણા પાઠકજીનો વ્યવહાર જો. એમને મળવા કોઈ દોસ્તાર આવ્યો હોય અને એને નાસ્તો કરાવવાનો હોય તો પહેલા આપણા હાથમાં પૈસા મૂકીને એ નાસ્તો મંગાવે છે.'

'એમના જેવા ચોખ્ખા માણસો આપણા ડિપાર્ટમેન્ટમાં કેટલા હશે?' ગોવિંદે સવાલ પૂછીને જવાબની રાહ જોયા વગર ઉમેર્યું. 'અમુક રિટાયર થયેલા ઈન્સ્પેક્ટરની સાહ્યબી જોઈને આંખો અંજાઈ જાય છે.'

એ બોલતો હતો ત્યારે મનોજની નજર એની સામે જ હતી. 'ગોવા, તમાકુ ચોળવાનું બંધ કરીને હવે એટેન્શનમાં ગોઠવાઈ જા. સાહેબના રાઉન્ડની તૈયારી જ છે.'

પાંચેક મિનિટ પછી જીપ તો આવી પણ બરાબર એ જ વખતે સામે એક એવું દ્રશ્ય સર્જાયું કે આ બંને કોન્સ્ટેબલની સામે નજર કર્યા વગર ઈન્સ્પેક્ટર પાઠક જીપમાંથી ઊતરીને સીધો પ્રોવિઝન સ્ટોર તરફ દોડયો. એ દ્રશ્ય જ એવું હતું કે રસ્તે જતા રાહદારીઓ પણ થંભી ગયા.

પાંસઠેક વર્ષના એક વડીલ રિક્ષામાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.અચાનક રિક્ષા ઊભી રખાવીને એમાંથી એ નીચે કૂદ્યા. રસ્તા પરના ટ્રાફિકની ચિંતા કર્યા વગર એ પ્રોવિઝન સ્ટોર તરફ દોડયા. દુકાને ઊભી રહીને પાંત્રીસેક વર્ષની એક સ્ત્રી કંઈક ખરીદી કરી રહી હતી. પેલા વડીલ એને જોઈને જ ઝનૂનપૂર્વક દોડયા હતા. પેલી સ્ત્રીનું ધ્યાન ખરીદીમાં હતું એટલે એને આ વડીલના આગમનની ખબર ના પડી. દુકાનમાં નડતરરૂપ બને એવી ચીજવસ્તુઓ દુકાનવાળાએ બહાર ગોઠવી હતી.એમાં સાવરણીઓ અને જાળાં સાફ કરવા માટેના લાંબા બામ્બૂઝાડુ પણ હતા. ઉશ્કેરાટથી ધગધગતા એ વડીલે હાજર સો હથિયારની જેમ બામ્બૂઝાડુ ઉઠાવ્યું. બંને હાથથી એને ઊંચકીને દાંત ભીંસીને એ સ્ત્રીના બરડા ઉપર જોરથી પ્રહાર કર્યો. મારની પીડા અને અણધાર્યા આક્રમણથી ગભરાયેલી પેલી સ્ત્રી જોરદાર ચીસ પાડીને લથડી. એ વૃદ્ધનો ગુસ્સો હજુ અકબંધ હતો. ફરીથી ઝાડુ હાથમાં ઉઠાવીને એ મારવા ગયા પરંતુ ત્યાં ઊભેલા બીજા એક યુવાન ગ્રાહકે પૂરી તાકાતથી એમના હાથ પકડીને રોકી લીધા. એ દરમ્યાન પેલી સ્ત્રીએ જાત સંભાળી લીધી હતી. સિંહથી બચવા સસલું ભાગે એટલી ઝડપથી એ દોડીને ભાગી. ભાગતી વખતે પણ એની ચીસાચીસ ચાલુ હતી.

બરાબર એ જ વખતે પોલીસની જીપ આવી. આ તમાશો જોઈને પોલીસ ઈન્સ્પેક્ટર પાઠક ત્યાં પહોંચ્યો. એ છતાં, જાણે એમની પરવા જ ના હોય એમ પેલા વડીલ હજુ ક્રોધિત અવસ્થામાં હાથમાં બામ્બૂઝાડુ પકડીને જ ઊભા હતા.

'સાહેબ, આ ડોસો ગાંડો લાગે છે, એણે પેલી બૈરીને ઝૂડી નાખી..' ડોસાને પકડી લેનાર યુવાને પાઠકને માહિતી આપી. 'મેં પકડયો ના હોત તો પેલી બિચારીના રામ રમાડી દેત.'

'એ બહેન કોણ હતા?' પાઠકના પ્રશ્નના જવાબમાં પેલાએ નકારમાં માથું ધૂણાવ્યું. 'આ બેમાંથી એકેય નમૂનાને હું નથી ઓળખતો. એ બાઈમાણસને બચાવવા માટે આ ડોસાનો હાથ પકડી લીધો અને પેલીને ઉગારી લીધી. આ કાકાનું ઝનૂન એવું હતું કે એમને રોક્યા ના હોત તો પેલીને હાથ કે પગમાં સો ટકા ફ્રેક્ચર થઈ જાત.'

'એ ડાકણની દયા ખાવાની જરૂર નથી. મરે તો શાંતિ. પૃથ્વી ઉપરથી પાપનો ભાર ઓછો થશે..' ડોસાના ધ્રૂજતા અવાજમાં પીડા હતી. પાઠકની સામે જોઈને એણે ઝાડુ ફેંકી દીધું અને હાથ જોડયા. 'એ જોગમાયાએ અમારું જીવતર ઝેર બનાવી દીધું છે, સાહેબ, પ્રભુસ્મરણ કરવાની ઉંમરે એ પદમણીએ પળોજણમાં પરોવી દીધા છે!'

પોલીસની હાજરી જોઈને પેલી સ્ત્રી ઝડપથી પાછી આવી. 'એણે મારા ઉપર હુમલો કર્યો, સાહેબ, એ જંગલીને જેલમાં પૂરી દો..' ડોસા તરફ હાથ લંબાવીને એણે પાઠકને કહ્યું.  'એને પકડી લો, સાહેબ, કેસ કર્યા વગર એ સીધો નહીં થાય. વકીલને લઈને હું પોલીસ સ્ટેશને આવું છું.' આટલું કહીને રિક્ષા પકડીને એ ભાગી.

સામે ઊભેલા વૃદ્ધનું પાઠકે નિરીક્ષણ કર્યું. પાંસઠ વર્ષની ઉંમરના પ્રમાણમાં ટટ્ટાર પાતળી કાયા, ઘસાયેલો સફેદ ઝભ્ભો-લેંઘો અને પગમાં ખાદીભંડારના ચંપલ, માથા પર આછા થઈ ગયેલા સફેદ વાળ, તામ્રવર્ણના ચહેરા પર લાચારી અને ઉદાસી છલકાતી હતી.

'ચાલો વડીલ, જીપમાં બેસી જાવ.' એમને સૂચના આપીને પાઠકે પેલા યુવાન સામે જોયું. 'તમે પણ આવો..' આજુબાજુના બધા દુકાનવાળા અચરજથી તાકી રહ્યા હતા. પાઠકની સાથે એ વડીલ અને પેલો યુવાન જીપમાં ગોઠવાયા અને ડ્રાઈવરે જીપ ચાલુ કરી.

'વડીલ, હવે બોલો કે વાત શું છે?' પોતાની ચેમ્બરમાં સામેની ખુરસીમાં એમને બેસાડીને પાઠકે પૂછયું. 'બજાર વચ્ચે એ બાઈ ઉપર હુમલો કરવાની તમે ભૂલ તો કરી જ છે. એ છતાં, એ ફરિયાદ કરવા આવે એ પહેલાં સાચી હકીકત કહી દો..'

'જન્મ્યો ત્યારથી આજ સુધીમાં ક્યારેય ખોટું નથી બોલ્યો, સાહેબ!' પાઠકની સામે બે હાથ જોડીને એ વૃદ્ધે બોલવાનું શરૂ કર્યું. 'સરકારી બાંધકામ ખાતામાં આડત્રીસ વર્ષ નોકરી કરી, લોકો વેદિયો કહીને મશ્કરી કરતા હતા, પણ અણહકનો એક રૂપિયોયે ક્યારેય નથી લીધો. એકનો એક દીકરો મિલિન્દ. ભણવામાં એ અવ્વલ નંબર. એમ.કોમ.માં પહેલો નંબર લાવીને બૅન્કમાં સીધો ઑફિસર બની ગયો. ધામધૂમથી એને રૂપાળી કવિતા જોડે પરણાવ્યો. લગ્નના આઠ વર્ષમાં મિલિન્દ અને કવિતાના સંસારમાં ઢીંગલી જેવી ત્રણ દીકરીઓ ઉમેરાઈ. સંસાર સરસ રીતે ચાલતો હતો.'

એક શ્વાસે આટલું બોલ્યા પછી સહેજ અટકીને એમણે ટેબલ પરથી ગ્લાસ ઉઠાવ્યો અને બે ઘૂંટડા પાણી પીધું. પાઠક ધ્યાનથી સાંભળતો હતો. પેલો યુવાન અદબ વાળીને બેઠો હતો.

'એ જ વખતે ભગવાનને અમારા સુખની ઈર્ષા થઈ. અણધાર્યું આભ તૂટી પડયું અમારા સુખી સંસાર ઉપર. મિલિન્દને પેટમાં તકલીફ શરૂ થઈ. ફેમિલી ડૉક્ટરે મોટા ડૉક્ટર પાસે મોકલ્યા. એમણે ઢગલાબંધ ટેસ્ટ કરાવ્યા. પછી મને કહ્યું કે તમારા દીકરાને આંતરડાનું કેન્સર છે અને એ પણ છેલ્લા સ્ટેજનું !'

એમણે ફરીથી બે ઘૂંટડા પાણી પીધું. ચા લઈને આવેલા કોન્સ્ટેબલને ઈશારો કરીને પાઠકે બધા માટે ચા મૂકાવી.

'મારા મોટા ભાઈનો દીકરો દેવાંગ એ જ વખતે ટ્રાન્સફર થઈને આવ્યો. શરૂઆતમાં પંદરેક દિવસ અમારી સાથે રહ્યા પછી એણે નજીકમાં જ ફ્લેટ ભાડે રાખી લીધો. મિલિન્દથી એ છ મહિના નાનો. નોકરીમાં ડાબા ને જમણા હાથની જોરદાર કમાણી અને એકલો ફક્કડરામ, એટલે વટથી જીવે. સ્વભાવે દિલદાર અને રંગીલો. એની પાસે કાર હતી એટલે મિલિન્દની ટ્રિટમેન્ટની જવાબદારી એણે ઉઠાવી લીધી. મિલિન્દનો મેડિક્લેઈમ હતો એટલે ખર્ચની ચિંતા નહોતી. હોસ્પિટલના આંટાફેરા અને દોડાદોડી કરવામાં દેવાંગ અમારી સાથે હતો. નિદાન પછીના એ આઠ મહિના બહુ કપરા હતા. અંબાજીથી માંડીને અજમેર સુધીના તમામ ધર્મસ્થાનકોની બાધા રાખી હતી, મિલિન્દને ત્યાં લઈ પણ ગયા હતા, એ છતાં બાજી હારી ગયા. આજથી બે વર્ષ અગાઉ એ અવસાન પામ્યો ત્યારે એની મોટી દીકરી છ વર્ષની, વચલી સાડા ચારની ને નાની ઢબૂડી બે વર્ષની.'

પાઠક ગંભીરતાથી સાંભળતો હતો.

'છ મહિના સુધી ઘરમાં ભારેખમ વાતાવરણ રહ્યું. હું ને મારી મિસિસ તો સાવ ભાંગી પડયા હતા. મિલિન્દનો પચીસ લાખનો ઈન્શ્યોરન્સ હતો એમાં નોમિની તરીકે કવિતાનું નામ હતું એટલે વીમાની રકમ એના ખાતામાં જમા થઈ ગઈ. સારવાર દરમિયાન હોસ્પિટલના બધાય બિલ મેં ચૂકવેલા, છતાં, મેડિક્લેઈમમાં પણ નોમિની તરીકે કવિતા હતી એટલે એ પાંચ લાખ પણ કંપનીએ એના ખાતામાં જમા કરાવ્યા.'

લગીર અટકીને આગળની વાત કહેતી વખતે એમના અવાજમાં ધ્રૂજારી ભળી.

'મિલિન્દની સારવાર દરમ્યાન કવિતા અને દેવાંગ આટલા નજીક આવી ગયા હશે એની અમને તો કલ્પના પણ નહોતી. 

વન ફાઈન માર્નિંગ, કવિતાએ અમારું ઘર છોડી દીધું. એણે અને દેવાંગે લગ્ન કરી લીધા.' વેદનાભરી આંખે એમણે પાઠક સામે જોયું. 'સાહેબ,એવા દાખલા પણ જોયા છે કે સાસરામાં દુ:ખ હોય,મરી જવાનું મન થાય એવી અસહ્ય યાતના વેઠવી પડતી હોય, તો પણ પોતાના સંતાન માટે થઈને સ્ત્રી એ બધું સહન કરીને જીવે. મરવાની તીવ્ર ઈચ્છા હોય છતાં સંતાનના મોં સામે જોઈને એ જનેતા ઝેર જેવા જીવતરના ઘૂંટડા ગળે ઊતારે. એનાથી સાવ સામા છેડાની અમારી આ અવળચંડી! દુશ્મનનેય વહાલી લાગે એવી ત્રણ દીકરીઓ ભગવાને આપી હતી. કવિતા પરણીને આવી એ દિવસથી અમારા ઘરમાં અમે એને સગી દીકરીની જેમ જ રાખતા હતા, એ છતાં, હવસની આગમાં કવિતા હેવાન બની ગઈ. ફૂલ જેવી એ ત્રણેય દીકરીઓને અમારી પાસે મૂકીને એ ભાગી ગઈ! સાથે ત્રીસ લાખનો દલ્લો પણ લેતી ગઈ!'

નિરાશાથી માથું ધૂણાવીને એમણે ભીના અવાજે આગળ કહ્યું. 'સાહેબ, એની સામે આખી જિંદગી પડી છે એ સમજું છું. સંસારના અભરખા એના હૈયામાં હોય એ પણ જાણું છું. મારું પેન્શન અમારા ડોસા-ડોસી માટે પૂરતું છે એટલે પૈસાનો કોઈ હરખ-શોક નથી, પણ આ દીકરીઓનું શું? હું ને ડોસી એના ઘેર ગયા. ત્યાં જઈને બે હાથ જોડીને કરગર્યાં કે બેટા, તું નવા સંસારમાં સુખી થા, પણ આ ત્રણેય માસુમ પરીઓ ઓશિયાળી થઈને તને યાદ કરીને રાત-દિવસ રડયા કરે છે. એમના આંસુભર્યા ઉદાસ ચહેરા જોઈને ગળે કોળિયો નથી ઊતરતો. તેં એમને જનમ આપ્યો છે. કાયમ માટે સાથે રાખવાની તૈયારી ના હોય તો કમસે કમ શનિ-રવિમાં તો એમને તારા ઘેર લઈ જા અથવા તું અમારે ત્યાં આવ..'

અત્યાર સુધી શાંતિથી બોલતા વૃદ્ધનો અવાજ લગીર મોટો થયો ને એમાં હડહડતો ધિક્કાર ભળ્યો. 'એ ગધેડીએ અમને ગેટઆઉટ કહીને કાઢી મૂક્યા અને કહી દીધું કે એ છોકરીઓ જીવે કે મરે એની એને કોઈ પરવા નથી. લટકામાં ધમકી આપી કે ફરીથી આવી રીતે દોડયા આવશો તો જોયા જેવી કરીશ..' 

વૃદ્ધે પાઠક સામે જોયું. 'સાહેબ, આ વાત પંદર દિવસ પહેલાની. ગઈ રાતે નાની ઢબૂડીને તાવ ચડેલો. મેં ને ડોસીએ આખી રાત પોતાં મૂક્યાં પણ એ માસુમ રડી રડીને મમ્મીને યાદ કર્યા કરે.. આજે પેન્શનના કામે આ તરફ જતો હતો અને રિક્ષામાંથી એને જોઈ કે તરત કમાન છટકી. જાત ઉપર કાબૂ ના રહ્યો એટલે ગુસ્સાના આવેશમાં એને ઝૂડી નાખી!'

એમણે પાઠક સામે હાથ જોડયાં. 'આ મારો ગુનો.. આપને જે સજા ફરમાવવી હોય એ કબૂલમંજૂર છે..'

'અહીંથી ભાગો..' પાઠકે પ્રેમથી આદેશ આપ્યો. 'એ વંતરી વકીલને લઈને આવે એ પહેલા વિદાય થઈ જાવ. 'ડોસાના ચહેરા પર ઉચાટ જોઈને એણે હસીને ઉમેર્યું. 'મારી ચિંતા ના કરો. આવા નમૂનાઓ જોડે કઈ રીતે વાત કરવી એ મને આવડે છે.. તમે ભાગો..'

એ પછી પાઠકે પેલા યુવાન સામે પ્રશ્નાર્થ નજરે જોયું. વૃદ્ધની વ્યથાની વીતક કથા સાંભળીને એ યુવાને પણ વિચારી લીધું હતું. 'સાહેબ, મેં કંઈ જોયું જ નથી. હું એ દુકાન પાસે હતો જ નહીં.' મોં મલકાવીને એણે પાઠક સામે જોયું. 'એ પ્રોવિઝન સ્ટોરવાળો મારો સંબંધી છે. એણે પણ મારી જેમ કંઈ જોયું નથી એવું એ કહી દેશે એટલે વાર્તા પૂરી!'

આભારવશ નજરે એ બંનેની સામે તાકીને એ વૃધ્ધે હાથ જોડયા અને પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t9ds6U
Previous
Next Post »