
- દેશના લઘુ ઉદ્યોગ માટે ઓનલાઈન રિટેલિંગ વિકાસનું એક સરળ માધ્યમ બની રહ્યું છે
ઈ -કોમર્સ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય પોલિસીની રચના આજના સમયમાં આવશ્યક છે. દેશમાં ખાસ કરીને કોરોનાના કાળમાં ઈ-કોમર્સ ક્ષેત્રનો વ્યાપક વિકાસ થયો છે અને શહેરી વિસ્તારો ઉપરાંત નગરો તથા ગ્રામ્ય વિસ્તારો સુધી ઈ-રિટેલિંગે પગપેસારો કર્યો છે. દેશમાં ૭૦૦ અબજ ડોલરના રિટેલ ઉદ્યોગમાં ઈ-કોમર્સનો હિસ્સો હજુપણ ઘણો જ સામાન્ય છે. ઈ-કોમર્સ માટે ખાસ પોલિસીની રચના કરવા પહેલા કેન્દ્ર સરકારે તેનો મુસદ્દો તૈયાર કર્યો છે એટલું જ નહીં નીતિને અંતિમ રૂપ આપતા પહેલા વિવિધ હિસ્સેદારો સાથે સરકારે તાજેતરમાં ખાસ બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં દેશમાં કાર્યરત વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ તથા ઘરઆંગણેની કંપનીઓ વચ્ચે ચર્ચામાં ભારે વિરોધાભાષ જોવા મળ્યો હતો.
ઈ-કોમર્સ ક્ષેત્ર વિશ્વભરમાં નવા વેપાર મોડેલ, રોજગાર વૃદ્ધિ, સરહદપાર માલસામાનના આસાન વેચાણ માટે મહત્વની કામગીરી ભજવી રહ્યું છે. ભારતની સીત્તેર ટકા વસતિ ૩૨ વર્ષથી વયની નીચેની છે તેને કારણે તાજેતરના વર્ષોમાં દેશમાં ઈ-કોમર્સ ક્ષેત્રનો ઝડપી વિકાસ જોવા મળ્યો છે. કોરોનાના કાળમાં લોકડાઉનના સમયે ઈ-કોમર્સે ઉપભોગતાઓની માગ પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. ભારતમાં કોરોનાના ફેલાવાને એક વર્ષ કરતા વધુનો સમય પૂરો થઈ ગયો છે અને છેલ્લા એક વર્ષમાં વેપાર વ્યવહાર તથા ઉપભોગતાઓની માલસામાનની ખરીદીની પદ્ધતિમાં વ્યાપક ફેરબદલ આવ્યો છે.
શિક્ષણ તથા કામકાજ કરવાની પદ્ધતિમાં તથા આરોગ્ય અને મનોરંજન વગેરે ક્ષેત્રમાં કોરોનાએ વ્યાપક બદલાવ આણ્યો છે પરંતુ સૌથી વધુ બદલાવ માલસામાન તથા સેવાની ખરીદીમાં આવ્યો છે જેનો લાભ ઈ-કોમર્સ ક્ષેત્રને થઈ રહ્યો છે. દેશમાં રોજગારની સાથોસાથ ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને આકર્ષવામાં તથા લઘુ ઉદ્યોગોને દેશભરની તથા વિદેશની બજારો સુધી પહોંચવામાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે ભૂમિકા ભજવી રહ્યું છે, ત્યારે નવી પોલિસીમાં ઈ-કોમર્સ ક્ષેત્રનો વિકાસ રૂંધાઈ ન જાય તેની તકેદારી રાખવાની રહે છે.
ભારત એક મજબૂત રિટેલ ક્ષેત્ર ધરાવતું અર્થતંત્ર છે, પરંતુ સરહદપાર વેપાર માટે ઈ-કોમર્સ કંપનીઓ દેશના લાખો લઘુ ઉદ્યોગોને પોતાના પ્લેટફોર્મ્સ પર સ્થાન આપીને આ ઉદ્યોગના ટર્નઓવર તથા આવકમાં વધારો કરવાની તક પૂરી પાડવા સક્ષમ છે. કોરોનાના કાળમાં ઊભી થયેલી તક વેડફાઈ ન જાય તેવી જોગવાઈ નવી નીતિમાં થવી જરૂરી છે. ઈ-કોમર્સનો ફેલાવો દેશના માત્ર શહેરી વિસ્તારો સુધી જ સીમિત નથી રહ્યો પરંતુ ગ્રામ્ય તથા અર્ધશહેરી વિસ્તારો સુધી તે પહોંચી ગયું છે જેને પરિણામે હેન્ડીક્રાફટસ, મહિલાઓ દ્વારા તૈયાર કરાતી કલાકૃત્તિઓ વગેરેની વિદેશમાં માગ વધારવાની તક ઊભી થઈ છે.
ઈ-કોમર્સ પોલિસી માટે કેન્દ્ર દ્વારા તેયાર કરવામાં આવેલા મુસદ્દામાં સર્વસમાવિષ્ટ વિકાસનો હેતુ રખાયેલો છે પરંતુ આ હેતુ ત્યારે જ સિદ્ધ થઈ શકશે જ્યારે દરેક હિસ્સેદારોને સમાન તક મળી રહેશે. ભારતની સૂચિત ઈ- કોમર્સ પોલિસીની રચના અંગે ચર્ચા કરવા સરકારી અધિકારીઓ તથા ઉદ્યોગના આગેવાનો વચ્ચે ગયા મહિને મળેલી બેઠકમાં ભારતના ઈ-કોમર્સ આગેવાનો તથા વિદેશની ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે ભારે મતભેદ જોવા મળ્યા હતા.ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા બોલાવાયેલી બેઠકમાં ઈ-કોમર્સ માટે એફડીઆઈ પોલિસીમાં ફેરબદલને લઈને મતમત્તાંતર જોવા મળ્યા હતા. ઘરઆંગણેની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા એક્ઝિકયૂટિવ્સે ગુ્રપ કંપનીની વ્યાખ્યાને વિસ્તૃત બનાવવા એફડીઆઈ પોલિસીમાં સુધારો કરવા માગણી કરી હતી. ગુ્રપની વ્યાખ્યામાં સંલગ્ન કંપનીઓને આવરી લેવાવી જોઈએ. ઈ-કોમર્સ ક્ષેત્રમાં સ્થિરતા તથા સાતત્યતા જળવાઈ રહે તે માટે પોલિસીમાં કોઈ ફેરબદલ થવો ન જોઈએ એમ વિદેશની કેટલીક કંપનીઓ ભારપૂર્વક જણાવાયું હતું. પોલિસીમાં કોઈપણ ફેરબદલથી ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ પર પ્રતિકૂળ અસર પડશે તેવો પણ વિદેશની કંપનીઓએ દાવો કર્યો હતો.
અન્ય ક્ષેત્રોની જેમ ઈ-કોમર્સ ક્ષેત્ર માટે પણ ખાસ નિયામકની રચના કરવાની ઘરઆંગણેના રિટેલર્સ સંગઠનોએ માગણી કરી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા તથા સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા જેવા નિયામકોની હાજરી ઈ-કોમર્સ માટે ઊભી કરવા રજુઆત કરવામાં આવી હતી. દેશમાં વિકસી રહેલા ઈ-કોમર્સ ક્ષેત્ર સામે થઈ રહેલો વિરોધ વ્યવહારુ છે પરંતુ તેમાં કોઈપણ પ્રકારની જટિલતા છેવટે દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
વડા પ્રધાન દેશમાં વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે ઉદાર નીતિઓ ઘડી રહ્યા છે ત્યારે ઈ-કોમર્સ ક્ષેત્રને મૂડીરોકાણ માટે સાનુકૂળ બનાવવાની સરકારની જવાબદારી બની રહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mFQ5Qk
ConversionConversion EmoticonEmoticon