
- અર્વાચિંતનમ્-પરેશ વ્યાસ
- દરેક અનુવાદ એ તડજોડ જ હોય છે. એક તરફ છે શબ્દના સામાન્ય કે મૂળ અર્થવાળો અક્ષરશથ અનુવાદ. અને બીજી તરફ છે એ ભાષા અને એની અભિવ્યક્તિના વિશિષ્ટ સ્વરૂપને જાળવી રાખવું તે
ભા ષાફેર હોય ત્યારે સમજફેર થવાની શક્યતા રહે છે. ક્યારેક હાસ્ય નિષ્પન્ન થાય છે. ઇન ફેક્ટ, લોચા-એ-અનુવાદ કોમેડી નિષ્પન્ન કરે છે. 'અનુષ્કા હેડ હ્યુજ એપાર્ટમેન્ટ' એવા ઇંગ્લિશ વાક્યનો અનુવાદ અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ ઉપર કર્યો: 'અનુષ્કાકે પાસ વિરાટ ખોલી હૈ.' આપણે તો સમજી ગયા કે રૂમને 'ખોલી' કહેવાય. પણ જે પ્રાંતની ભાષામાં ખોલી જેવો શબ્દ ન હોય, એને ખબર ન પડે. જો એવું હોય તો એને આપણે કહી દેવું કે આમાં કોમેડી છે. કહેવામાં વાંધો નથી. આમ તો છૂપાયેલો અર્થ અને આમ કહી દઈએ તો મઝા ન આવે. કોઇની ટયુબલાઈટ મોડી મોડી સળગે. હવે જો કે પહેલાં હતી એવી ટયુબલાઇટ આવતી નથી એટલે આ મુહાવરો નવી પેઢીને ન સમજાય. એવું કહીએ તો ચાલે કે વાઈફાઈની સ્પીડ ઓછી એટલે ડાઉનલોડ થતાં વાર લાગી! તો સમજાય. આમ તો અમિતાભનાં જોકમાં ખાસ દમ નથી પણ એ અમિતાભ બચ્ચન કહે એટલે એ ચાલે. રદ્દી જોકને સ્ટાર વેલ્યુનો લાભ મળી જાય. આમ પણ આપે જોયું કે દરેક મહાનાયક (કે મહાનાયિકા) ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી કોમેડી જ કરતા હોય છે. અને સાહિત્યકારો એમ માને છે કે કોમેડી એ ઉતરતું સાહિત્ય છે. આજે જો કે આપણે અનુવાદની રમૂજની વાત કરવા જઇ રહ્યા છીએ.
ભાષાઓ અલબત્ત જાણવી સમજવી જોઈએ. ભાષા એ સંસ્કૃતિનો આયનો છે. જેઓ માને છે કે વિધ વિધ ભાષાઓ જાણવાથી શું ફાયદો? ત્યારે વિનોબાજીને ટાંકીને કહી દેવું કે ફાયદેસે ક્યાં ફાયદા? પણ પછી એક ભાષામાંથી બીજી ભાષાનાં અનુવાદમાં અર્થનો અનર્થ થાય ત્યારે રમૂજ થતી હોય છે. આવી રમૂજ ત્યારે જ સમજાય જ્યારે તમે ભાષાઓ જાણતા હો. એક ભારતીય એરપોર્ટ ઉપર એક અનુવાદનો ફોટો વાઇરલ થતો રહ્યો છે. સાઈનેજ હતી થ ફર્શ પર ખાના મના હૈ. એટલે એમ કે નીચે બેસીને શિરામણ કરવું નહીં. પણ અનુવાદ થયો થ ઇટિંગ કાર્પેટ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. કાર્પેટ ખાવાની મનાઈ છે! એક આરબ દેશમાં રસ્તાની બજાર ઉપર એક સ્ટોલમાં ઇંગ્લિશમાં બોર્ડ લગાવ્યું હતું થ ડાઉનલોડ. ના. કશું ય ડાઉનલોડ નહોતું. એ દરઅસલ ડિસ્કાઉન્ટની જાહેરાત હતી. એને એમ કે કિંમત ડાઉન છે એવું કહેવા માટે 'ડાઉનલોડ' શબ્દ બરાબર છે.
અનુવાદમાં હાસ્ય પેદા થવાનાં બે કારણો હોય છે. એક કારણ એ કે અનુવાદ કરનારો પોતે અજ્ઞાાની છે અને બીજું કારણ એ કે કેટલાંક મૂળ શબ્દો એવા હોય છે કે જેનો અનુવાદ કરવો શક્ય નથી. 'કોકાકોલા' જ્યારે પ્રથમ વાર સને ૧૯૨૮માં ચીની માર્કેટમાં દાખલ થયું ત્યારે એનાં ચીની ભાષાનાં ઉચ્ચારનો અર્થ થતો હતો: ઘોડી જે મીણથી જકડીને બાંધી છે. લો બોલો! હવે આને કેવી રીતે પીવું?! આખરે કોકાકોલાએ ચાઇનીઝ અક્ષરો આડાતેડા કરીને એવા અર્થ અને ઉચ્ચાર કરી આપ્યા કે જેનો અર્થ થતો હતો થ મોઢાને આનંદ લેવાનો અવસર આપો! અનુવાદનું હાસ્ય ક્યારેક સમનામ શબ્દ, સમાન ઉચ્ચાર પણ અલગ અર્થવાળો શબ્દ, શબ્દાનુપ્રાસ, શબ્દશ્લેષ કે શબ્દરમતનાં કારણે નિષ્પન્ન થાય છે. ક્યારેક આવું હાસ્ય જાણી જોઈને કરવામાં આવે છે. ક્યારેક આવું હાસ્ય અજાણ્યે થઈ જાય છે. દા.ત. રોમમાં એક સ્ત્રીરોગ ચિકિત્સકની ક્લિનિક પર બોર્ડ લગાડયું હતું થ સ્પેશિયાલિસ્ટ ઇન વિમેન એન્ડ અધર ડિસીઝ. શં આ ડોક્ટર સ્ત્રીનો સ્પેશિયાલિસ્ટ હતો?! ઘણીવાર શબ્દો આગળ પાછળ થઈ જાય તો પણ અનુવાદનું હાસ્ય નિષ્પન્ન થાય છે.
રશિયામાં કબ્રસ્તાન પર બોર્ડ લાગાડયું હતું થ 'અહીં અનેક રશિયન સંગીતકાર, કલાકાર, લેખકોને રોજ, ગુરુવાર સિવાય, દફનાવવામાં આવ્યા છે તેની તમે મુલાકાત લઈ શકો છો.' કહેવા એવું માંગતા હતા કે ગુરુવાર સિવાય રોજ આ કબ્રસ્તાનની મુલાકાત લઈ શકાય અને મૃતાત્માને શ્રધ્ધાંજલિ આપી શકાય, પણ શબ્દો આગળ પાછળ થઈ ગયા, એમાં -કલાકારોને ગુરુવાર સિવાય રોજ દફનાવવામાં આવે છે- એવો અર્થ થઇ ગયો. ટોકિયોનાં દારૂનાં બારમાં લખ્યું હતું થ સ્પેશ્યલ કોકટેલ્સ ફોર વિમેન વિથ નટ્સ. 'વિથ નટ્સ' શબ્દો કોકટેલ પછી આવવા જોઈતા હતા એટલે ખ્યાલ આવે કે કોકટેલ સાથે બાઇટ્સ તરીકે નટ્સ પણ છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'નટ'નાં બે અર્થ થાય છે. એક કવચ કોટલાથી ઢંકાયેલું, ગરવાળું ફળ (બદામ, અખરોટ ઇ.), અને બીજો અર્થ તરંગી માણસ, ચક્રમ, ચસકેલું, ગાંડું. હવે અર્થ કરો તો એવો થાય થ ચક્રમ મહિલાઓ માટે ખાસ કોકટેલ!
અનુવાદમાં મૂળ ભાષા સર્વોચ્ચ છે. અનુવાદ ઓરિજિનલ જેવો ન જ હોય. પણ અનુવાદ ન હોય તો આપણે કૂવામાનાં દેડકાં કહેવાઈએ. એટલે ભલે હાસ્યજનક ગરબડ થઈ જાય પણ અનુવાદ વિના ચાલવાનું નથી. કહે છે કે દરેક અનુવાદ એ તડજોડ જ હોય છે. એક તરફ છે શબ્દના સામાન્ય કે મૂળ અર્થવાળો અક્ષરશથ અનુવાદ. અને બીજી તરફ છે એ ભાષા અને એની અભિવ્યક્તિના વિશિષ્ટ સ્વરૂપને જાળવી રાખવું તે. બાંધછોડ તો કરવી પડે. પછી ભલે હ્યુમરવાળી થઈ જાય. હ્યુમર આમ પણ ગમતી વાત છે. હેં ને?!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/320SfjM
ConversionConversion EmoticonEmoticon