
- સિંહે ચકલીને શાબાશી આપતા કહ્યું દરેકે પોતાની રીતે સારું કામ કર્યું છે. આમાં કોઈ મોટું અને કોઈ નાનું નથી. નદી નાનાં નાનાં ઝરણાં ભેગા થાય ત્યારે જ બને છે. સરોવર ટીપે ટીપે જ ભરાતું હોય છે.
એક વખત જંગલમાં આગ લાગી. બધું ભડભડ બળવાં લાગ્યું.
પહેલાં તો પક્ષીઓ પોતાના માળાં છોડીને આમતેમ ઉડવાં લાગ્યાં. પછી પશુઓ ગભરાઈને નાસભાગ કરવાં લાગ્યાં. પછી પશુઓ ગભરાઈને નાસભાગ કરવાં લાગ્યાં. જંગલના રાજા સિંહ કોઈથી ગભરાય એવા નહોતા.
અત્યારે જંગલનાં રક્ષણ માટે આગ માટે લડવાનું હતું.
એમણે તો આગ ઓલવવા માટે તૈયારી શરૂ કરી દીધી. પરંતુ આગના દુશ્મન સામે લડવા માટે સહુના સાથની જરૂર હતી.
સિંહે મોટી ત્રાડ પાડી.
બધાં એકબીજા સામે જોતાં એક જગ્યાએ ઉભાં રહી ગયાં.
સિહે પહેલાં તો બધાં પશુ-પંખીઓને શાંત રહેવા જણાવ્યું.
પછી સિંહે કહ્યું : એમ ગભરાઈ જવાથી આગ ઓલવાશે નહીં. ચાલો દરેક પોતાની રીતે આગ ઓલવવા માટે કામ કરવા લાગો.
સિંહનો હુકમ સાંભળીને વાઘભાઈ દોડતાં આગળ આવ્યાં. તેમણે જોરથી પગ વડે ખોતરીને ધૂળ આગ પર પડે એમ ઉડાવવાનું શરૂ કર્યું.
હાથીભાઈ તો બાજુના તળાવમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરીને લાવ્યા. પછી સૂંઢમાં ભરેલાં પાણીનો ફૂવારો આગતરફ છોડયો. તેમણે જ્યાં આગની જ્વાળા દેખાતી હતી ત્યાં પાણી છાંટવાનું શરૂ કરી દીધું.
નાની ચકલી પણ હાથીભાઈની સાથે ઊડતી ઊડતી તળાવ સુધી ગઈ. તેણે પાણીમાં ચાંચ બોળી. પોતાની ચાંચમાં પાણી લાવીને આગ પર છાંટવાનું શરૂ કર્યું.
ચકલી તો ઊડતી ઊડતી તળાવ સુધી જાય. ચાંચમાં ભરાય તેટલું પાણી ભરી લાવે. પછી આગ પર છાંટે.
ચકલીને ટીપું ટીપું પાણી લાવીને છાંટતી જોઈ વાઘભાઈને હસવું આવ્યું.
હાથીભાઈ તો પોતાની રીતે પાણી છાંટવામાં જ મશગુલ હતા. એમને તો બીજા શું કરે છે. એ જોવાનો સમય જ નહોતો.
જંગલનો રાજા સિંહ પણ પોતાની રીતે કામ કરતો હતો. એ ચારેબાજુનું ધ્યાન પણ રાખતો હતો.
દરેક પશુ-પંખીએ પોતાની રીતે આગ ઓલવવા માટે તનતોડ મહેનત કરી. આખરે સૌએ સાથે મળીને આગ ઓલવી નાખી.
આગ ઓલવાઈ એટલે જંગલના દરેક પશુ-પંખીઓએ રાહતનો શ્વાસ લીધો. બધાં એક જગ્યાએ એકઠાં થયાં. સહુ આગ ઓલવાઈ ગઈ એટલે ખુશ હતાં.
સિંહે ચકલીને પૂછ્યું : ચકીબેન ચકીબેન. આગ ઓલવવા માટે તમે શું કરતાં હતાં ?
ચકલી કહે : મહારાજ હું વાઘભાઈ જેટલી તો મોટી નથી. એમના જેવી બહાદુર પણ નથી. મારી પાસે હાથીભાઈ જેવી લાંબી સૂઢ પણ નથી. પણ મારે તો આ સંકટ સામે બધાંની સાથે મળીને લડવું હતું. આગ ઓલવવી હતી. એટલે મારી નાનીશી ચાંચમાં જેટલું પાણી આવે એટલું લાવીને હું છાંટતી હતી.
સિંહે ચકલીને શાબાશી આપી. પછી કહ્યું દરેકે પોતાની રીતે સારું કામ કર્યું છે. આમાં કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી. નદી નાનાં નાનાં ઝરણાં ભેગા થાય ત્યારે જ બને છે. સરોવર ટીપે ટીપે જ ભરાતું હોય છે. ચકીબેને પણ આગ ઓલવવા માટે સૌની સાથે મળીને કામ કર્યું છે. કોઈએ એમનાં કામને જોઈને હસવાની જરૂર નથી..
હવે જંગલની આગ બુઝાઈ ગઈ હતી.
બધાં પશુ-પંખીઓએ તાળીઓના ગડગડાટથી વન ગજાવી મૂક્યું.
- કિશોર પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dpAkJY
ConversionConversion EmoticonEmoticon