એન્ટીસીપેટરી સ્ટ્રેસ પરીક્ષાર્થીથી માંડીને પ્લાસ્ટીક સર્જન સુધીનાને પરેશાન કરે છે


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- આપણો મોટાભાગનો સ્ટ્રેસ પૂર્વાનુમાન કે અમંગળની આગાહીનો સ્ટ્રેસ હોય છે. જે વ્યક્તિ, વસ્તુ કે ઘટના આપણને તનાવમાં મૂકી દે છે એ અનુભવ્યા પછી આપણને નાટયાત્મક હળવાશનો અનુભવ થાય છે. એટલું જ નહીં પહેલેથી ખોટી ધારણા  બાંધી દીધા બદલ આપણને અફસોસ થાય છે.

પ્રિ યેશ સાવ નાનો હતો અને તોફાન કરતો હતો ત્યારે મમ્મી-પપ્પા તેને ડરાવતાં.. ''જો તું વધારે તોફાન કરીશ તો તને ડૉકટર અંકલ પાસે લઇ જઇ ઈન્જેક્ષન અપાવી દઇશ.'' અને ઈન્જેક્ષનના ડરથી તે તોફાન કરવાનું બંધ કરતો. કારણ ખરેખરૂં ઈન્જેક્ષન મૂકાવ્યા વગર માત્ર પૂર્વાનુમાનથી જ ધારણા લગાવી શકતો કે ઈન્જેક્ષનની સોય ભોંકાય તે કેટલી પીડાદાયક પ્રક્રિયા હોય છે ?

માત્ર આવાં પૂર્વાનુમાનોથી જ કોઇને તોફાન કરતો અટકાવી શકાય તે એક સિધ્ધિ કહેવાય પરંતુ આવું પૂર્વાનુમાન વ્યક્તિને કેવી અને કેટલી તનાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે તે સમજવા તાહિરનો દાખલો લઇએ.

નવ વર્ષનાં તાહિરને પૂરતી દવા ગોળી આપવા છતાં પણ તાવ ઉતરતો ન હતો. એટલે તેના અબ્બાએ કહ્યું ''આજે તો ડૉકટર મોમીન પાસે લઇ જઇને ઈન્જેક્ષન મૂકાવવું જ પડશે. આમ ને આમ ક્યાં સુધી ચાલશે ?''

તાહિર આ વાર્તાલાપ સાંભળી ગયો, પછી શું થયું તેની કલ્પના તમે કરી શકો છો ? તેણે એક ચીસ પાડી ''ના હું ઈન્જેક્ષન લેવાનો નથી. અને તે ઉપરના રૂમમાં ભરાઇ ગયો. એણે એટલી ધમાચકડી મચાવી કે રફીકભાઇએ, એને દવાખાના સુધી પહોંચાડવા માટે મહોલ્લાના બે-ત્રણ બિરાદરોની મદદ લેવી પડી. ડૉ. મોમીન ઘણા વ્યસ્ત ડૉકટર હતા અને તેમનું દવાખાનું ભરચક હતું. તાહિરનો વારો આવ્યો ત્યાં સુધીમાં તેને ધમાચકડી મચાવી, બૂમ રાડા પાડી પાંચ-પાંચ જણની પક્કડમાંથી છૂટવા આખું દવાખાનું ગજવી મૂક્યું. ડૉકટરે જ્યારે તેને તપાસવા માટે એક્ઝામીનેશન ટેબલ પર ચડાવ્યો ત્યારે તેને પકડી રાખવા માટે સાત-આઠ જણા પણ ઓછા પડયા. તાહિરે નાડી તપાસતા ડૉકટરને જ બચકું ભરી લીધું.

ઈન્જેક્ષન મૂકવા માટે તેની ચડ્ડી ઉતરારવાની શરૂઆત થઇ ત્યારે એનામાં એટલી તાકાત આવી ગઇ કે તેને પકડનાર લોકો હેબતાઇ ગયાં અને ડૉકટર મોમીને ઈન્જેક્ષન આપ્યું ત્યાં સુધીમાં તો તેને પકડનારાઓને આંખે પાણી આવી ગયાં.

ઈન્જેક્ષન આપ્યા પછી સોય બહાર કાઢવામાં આવી એ સાથે જ જાણે કે ચમત્કાર થયો. તાહિર તેના અબ્બાને ભેટી પડયો અને ડૉકટરને થેન્ક યુ કહી આરામથી પોતાની મેળે જ ટેબલ પરથી ઉતરવા લાગ્યો. જો ઈન્જેક્ષનની પ્રક્રિયા આટલી સરળ હતી તો તાહિરે તેની રાહ જોયા વગર આટલો બધો હોબાળો કેમ મચાવ્યો ? આ સમજવા માટે રફીકભાઇએ ''ચાલો આજે ઈન્જેક્ષન આપવા જવું જ પડશે'' એવું જાહેર કર્યા પછી તાહિરને ખરેખર ઈન્જેક્ષન આપ્યું ત્યાં સુધી તેને શું શું વિચારો આવ્યા તે તપાસીએ.

સૌ પ્રથમ તાહિરે વિચાર્યું કે શરીરમાં સોય ભોંકાશે તો શું થશે ?... ખૂબ જ ઈજા થશે... એની પીડા સહન નહીં થઇ શકે. બસ આટલા વિચારથી તાહિરનું મન સતર્ક થઇ ગયું. અને તેને આખા શરીરમાં સંદેશા મોકલવાનાં શરૂ થઇ કર્યા. ''સાવધાન.. શરીરમાં કોઇપણ સંજોગોમાં સોય પેસવી જોઇએ નહીં. એને રોકવા બને તેટલા ધમપછાડા કરી પ્રતિકાર કરવો.

શરીરના બધા અવયવોને ફટાફટ હુકમો આપી સાબદા કરી દેવાયા એટલે જ તાહિર સોયનો ગોદો ખાય એની પહેલાં તો અન્ટીસીપેટરી સ્ટ્રેસ અર્થાત્ ભયના પૂર્વાનુમાનોના તનાવમાં તાહિરે પોતાની બચાવ પ્રક્રિયા કામે લગાડી દીધી. આમાં તાહિરને બળજબરીથી પકડી રાખવા તથા લઇ જવા જેટલી કોશિષો કરાઇ તેનો બમણા જોરથી પ્રતિકાર થયો.

તાહિરનો રેપીડ એકસન ફોર્સ એટલો શક્તિશાળી હતો કે પાંચ-સાંત જણના દબાણને  મારી હટાવી તેણે  ડૉકટરને બચકું ભરી લીધું.

પરંતુ ખરેખર ઈન્જેક્ષન અપાઇ ગયાં પછી પોતે જે ધારણાઓ બાંધી હતી તેની સરખામણીમાં ખાસ કંઇ પીડા ન થઇ એવો સંદેશો મગજને પહોંચ્યો. એ સાથે જ તાહિર એના અબ્બાને ભેટી પડયો. એટલું જ નહીં આટલો ઉહાપોહ મચાવવા બદલ પોતાની જાતને ઠપકો આપતો હોય તેમ અફસોસ વ્યક્ત કરવા લાગ્યો. અને ડૉ. મોમીનની માફી પણ માંગી.

આપણા બધાની જિંદગીમાં તાહિર જેવું અવાર-નવાર બનતું રહે છે. આપણો મોટાભાગનો સ્ટ્રેસ પૂર્વાનુમાન કે અમંગળની આગાહીનો  સ્ટ્રેસ હોય છે.

પરીક્ષા નજીક આવે ત્યારે પેપર અઘરૂં હશે તો ? સારા માર્કસ નહીં આવે તો ? વાંચેલું યાદ જ નહીં આવે તો ? નપાસ થવાશે તો ? એવો ડર રાખીને પરીક્ષાર્થી સરખું ખાતો પીતો નથી કે નિરાંતે ઊંઘી પણ શકતો નથી. આ કારણે  તેનું વાંચવામાં મન પરોવાતું નથી.

સાયકોલોજીસ્ટોએ આવા વિદ્યાર્થીઓનો પધ્ધતિસરનો અભ્યાસ કરીને તારણો કાઢ્યાં છે. એ મુજબ પરીક્ષા શરૂ થવાના બોંતેર કલાક એટલે કે ત્રણ દિવસ પહેલાથી જ માનસિક રીતે એક યા બીજા પ્રકારના ટેન્શનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ રહેતા હતા. આના કારણે કેટલાકને ઝાડા થઇ જતા, ઉલટી થવા લાગતી, પેટમાં દુઃખવા લાગતું, કોઇને છાતીમાં દુઃખાવો ઉપડતો હતો તો કોઇને શ્વાસ ચડી જવો, દમનો હુમલો આવવો, માથાનો દુઃખાવો થવો, સ્કીન રેસીસ થવાં વગેરે જાત જાતની, શારીરિક તકલીફો થતી હતી.

આ પરીક્ષાર્થીઓમાંના થોડા તો એટલા બધા નર્વસ થઇ જતા કે તેઓ પરીક્ષા પૂર્વે નાસ્તો કરવા જતા તો તેમના હાથ ધુ્રજવા માંડતા કે હાથમાંની ચમચી પડી જતી,  તેમના કપડાં બગડી જતાં.

આ વિદ્યાર્થીઓના હાથમાં પરીક્ષાના પેપર આવ્યા ત્યારે એક-બે ટકા લોકોને આંખે અંધારા આવી ગયાં. અને પેપર છોડીને ઊભા થવા લાગ્યા. જ્યારે ૯૯% વિદ્યાર્થીઓ પેપર વાંચીને ઉત્તરવહીમાં જવાબ લખવા માંડયા અને પેપર પહેલાં પરેશાન કરતી તેમની તમામ બીમારીઓ ક્યાંય અદ્રશ્ય થઇ ગઇ. પરીક્ષા વખતના ટેન્શનને કારણે કેટલીકવાર પેટના દુઃખાવાનું ઓપરેશન પણ થયું હોય તેવા કિસ્સા બને છે. આ બધામાં એક્ઝામ ટેન્શન મુખ્ય કારણભૂત હોય છે.

પરીક્ષાના દિવસની સવાર સુધી જેઓ સાવ નર્વસ અને બીમાર લાગતા હતા અને પેપર પણ લખી શકે તેમ લાગતું ન હતું એવા વિદ્યાર્થીઓ સ્વસ્થમને લખી શક્યા તેનું કારણ શું ? આ પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીઓએ નીચે મુજબ જણાવ્યું.

''ેપેપર અઘરૂ હશે. કંઇ યાદ નહીં આવે એવા ડરથી અમે નર્વસ થઇ ગયા હતા પરંતુ પેપર હાથમાં આવતાં જ મનની સમગ્ર શક્તિ સવાલોના જવાબ શોધવાાં એટલી વ્યસ્ત થઇ ગઇ હતી કે બિમાર પડવાનો અમારી પાસે કોઇ સમય જ નહતો.

આનો સ્પષ્ટ અર્થ એવો થયો કે જે કામના પૂર્વાનુમાન પછી તમે ચિંતાતુર થઇ જાવ છો એ કામ શરૂ થયા પછી તમને ચિંતા કરવાનો સમય પણ મળતો નથી. યાદ રાખો તમારા પર આવી પડનાર આફતને ટાળવાનો કે તેનાથી ભાગવાનો તમને સમય મળે તો જ ચિંતા અને ટેન્શન વધે છે.

ન્યુરોગ્રાફ

માનવ શરીરની રચના એવી છે કે તે આફત સામે ઝઝૂમી શકે પણ મન આફતના પૂર્વાનુમાનથી સ્ટ્રેસમાં આવી જાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RxLRi5
Previous
Next Post »