સમાનતાના શિલ્પી અને માનવતાની મૂરત


- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી

- જગતના મોટા ભાગના મહાન માણસો સામાન્ય પરિસ્થિતિમાંથી જ આવ્યા છે. શૂન્યમાંથી શિખર સુધી પહોંચ્યા છે. એમની અંદરની આગ જ બાગ બનાવે છે

દીવાને ફૂંક મારી રાતવાસો રોજ સળગે છે,

દિવસભર જ્યોત બનવાના અભાવો રોજ સળગે છે.

કશું પણ નહીં મળે એ આંખમાં, જે સાવ સુક્કી છે,

ડૂમાને ક્યાંક સંતાડી નિસાસો રોજ સળગે છે.

કડડભૂસ થઇ ગયેલાં માળખા પર ના પ્રહારો કર,

હજુ હું કેટલો તૂટું ? સવાલો રોજ સળગે છે.

તિરાડોથી ચણેલા ઘરની ભીંતે છત નથી ટકતી,

કરી દો બંધ બારી પણ રિવાજો રોજ સળગે છે.

- ચેતન શુકલ 'ચેનમ્'

એક બાળકને સ્કૂલમાં સૌથી વધુ માર્ક્સ મળે છે છતાં શિક્ષક દૂરથી અભિનંદન આપે છે અને બીજા નંબર પર આવેલા બાળકની પીઠ પર થબથબાવી શાબાશી આપે છે. આ જોઇને બાળકના મનમાં પીડા થવાને બદલે એના અન્ય બાંધવોની અવદશા યાદ આવી અને મનમાં 'કશુક' નક્કી કરી લે છે. જિંદગીની આ પહેલી કરારી હાર હતી. એ જ બાળક મોટું થતા ૧૯૫૨માં ઉત્તર મુંબઈ લોકસભાની બેઠક પરથી ચૂંટણી હારે છે. એમના ભૂતપૂર્વ અંગત મદદનીશ એન. એસ. કાજોલકરે તેમને હરાવ્યા હતા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવ્યા હતા. એમને હરાવવા કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આ બાળક એટલે મહામાનવ ડૉ. ભીમરાવ આંબેડકર. એમના જેવા સક્ષમ અને સાક્ષર વ્યકિતની હાર એ લોકશાહીની હાર કહેવાય.

ઇતિહાસના ચોપડે ન નોંધાયેલા ઘણા કિસ્સા છે જેમાં નહેરુનો અણગમો એમના પ્રત્યે ડોકાયા કરે છે. હિંદુ સમાજમાં સમાનતા-સૌહાર્દ અને સુધારા વિશેના ડૉ. આંબેડકરના વ્યાપક વિચારો કોંગ્રેસને સ્વીકાર્ય ન હતા. આવા અનેક પીડાના પીળા પડછાયાથી જિંદગીને એમણે રૂપાળી અને રળિયામણી કરી હતી. આમ પણ એ રાજકારણના માણસ ન હતા, સમાજકારણના માણસ હતા. અનેક મિત્રોએ પીઠ પાછળ ઘા કર્યા હોવા છતાં એમણે નજર આગળ જ દોડાવી હતી. સ્થાપિત હિતોને એમના ક્રાંતિકારી વિચારો ન ગમે એ સ્વાભાવિક છે. આમે ય નવા વિચારને સ્વીકારતા વાર લાગતી જ હોય છે. રોમન કવિ ઓવિડ કહે છે કે 'મધુર નવીનતા વડે હું તમારા મગજનો કબજો જમાવી લઈશ'. આવી અનેક મધુર નવીનતાના જન્મદાતા આંબેડકરનો અસ્વીકાર એટલે સામાજિક સમરસતાનો અસ્વીકાર.

જગતના મોટા ભાગના મહાન માણસો સામાન્ય પરિસ્થિતિમાંથી જ આવ્યા છે. શૂન્યમાંથી શિખર સુધી પહોંચ્યા છે. એમની અંદરની આગ જ બાગ બનાવે છે. માનવતાની મૂરત આંબેડકરે દલિતોને જે કહ્યું છે એ દરેક કચડાયેલા અને મુરજાયેલા વર્ગને લાગુ પડે છે... 'સદીઓ સુધી તમે માત્ર ગુલામી જ નથી કરી પણ અપમાન, અત્યાચાર સહન કર્યા છે. એનાથી તમારામાં ક્રાંતિની ભાવના મરી પરવારી છે.' આમ કહેતા તેમણે ક્રાંતિની ચિનગારી દ્વારા સૂતેલાને જગાડયા અને જાગેલાને જાગૃત કર્યા હતા. હરિજનવાસમાં જઈ ભજન કરનાર અને 'વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે' ગાનાર નરસિંહ મહેતાની મશાલ ઝાલીને આંબેડકરે અસ્પૃશ્યતાના અંધારાંને દૂર કરવા કલમ અને કમર કસી હતી.

મહાત્મા ફુલે એક મિત્રના લગ્નમાં ગયા. તેમણે લગ્ન સમારોહ દરમિયાન વિવાહ સરઘસમાં ભાગ લીધો. પાછળથી આ સંદર્ભે તેના મિત્રના માતાપિતા કહ્યું કે 'તેઓ નીચી જાતિના હોવાથી આ સરઘસમાં ભાગ લેવો જોઈએ નહીં' આ ઘટનાથી ફુલે ખૂબ દુઃખી થયા અને નક્કી કર્યું કે 'હવેથી જાતિ વ્યવસ્થાની બેડીઓ તોડીને જ રહીશ' આંબેડકર પણ એ જ નકશે કદમ પર ચાલ્યા હતા.

એમનાાં સમાજને બદલવાની ભાવના હતી પણ બદલો લેવાનો ભાવ ન હતો. 'ખામ' થીયરી હોય કે હાર્દિક-અલ્પેશ-જીગ્નેશની ત્રેખડની ભેખડ હોય પણ રાજકારણીઓ જાતિવાદને હથિયાર માફક વાપરે છે. તા. ૨૪-૧૧-૪૯ના સંવિધાન સભામાં આંબેડકર કહે છે કે 'જાતિઓ રાષ્ટ્ર માટે ઘાતક છે. જલ્દી  જ આપણે જાતિવાદમાંથી મુક્ત થવું જોઈએ.'

છેવાડાના છેલ્લા માણસ સુધી પહોંચે એ સાચા મહાપુરુષ. કૃષ્ણે મહેલો છોડી વિદૂરની ભાજી આરોગી હતી અને રામે શબરીના બોર પકવાન જેમ ચાખ્યા હતા. સ્વામી વિવેકાનંદ કહેતા 'તું ભૂલતો નહીં કે ભારતનો નિમ્ન વર્ગ, ભારતનો પદદલિત તારા રક્તમાંસના સગા છે. તારા ભાઈઓ છે. ગર્વપૂર્વક ગર્જના કર કે હું ભારતવાસી છું.

પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.' સમાનતા અને સંવિધાનના શિલ્પી બાબાસાહેબની પ્રતિભાને વડોદરાના મહારાજા સયાજીરાવે જાણી-પિછાણી હતી. એટલે જ એમને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ મોકલ્યા અને પોતાના રાજ્યમાં આંબેડકરની સેવા લીધી. ખૂબ સારી નોકરી હતી પણ આંબેડકરે બાળપણમાં 'કશુંક' નક્કી કર્યું હતું એને યાદ આવ્યુ.ં જેમ ગાંધીજીએ દેશવાસીઓ માટે પોતાના વસ્ત્રોનો ત્યાગ કર્યો એમ સુખને ઠોકર મારી નીકળી ગયા લોકોને સુખી કરવાની રાહમાં...

માર્ટિન લ્યુથર કિંગના વંચિતોના કાર્યો વિશે જાણીએ છીએ પણ પાટણમાં લોક કલ્યાણ અર્થે જીવ આપનાર દલિત મેઘમાયાની વંદના પણ કરવી રહી. આંબેડકર ઉત્તમ વાચક હતા. વિશ્વના અનેક ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. વિદ્યાર્થી અવસ્થામાં ૨૧ કલાક વાચન કર્યું હતું. એટલે જ વંચિતોના વાણોતર આંબેડકરે સમાજના યુવાનોને શિક્ષણ લેવા પર ભાર મુકયો છે. શિક્ષણથી જ આત્મવિશ્વાસ આવશે. જેમ્સ ગાર્ફીલ્ડ કહે છે કે 'લોકશાહીમાં સૌથી વધુ મહત્વનું છે સ્વાતંત્ર્ય, પછી ન્યાય અને પછી શિક્ષણ. પણ શિક્ષણ વગર પેલા બે લાંબો વખત ટકી શકતા નથી.'

બાબાસાહેબ બુદ્ધથી પ્રેરિત હા. એકવાર બુદ્ધ પર્વતમાળામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે શિષ્યે સવાલ કર્યો કે 'આ પર્વતથી વધુ કોઈ શક્તિશાળી ?'

'પર્વતથી શક્તિશાળી લોખંડ છે. કેમ કે લોખંડથી પર્વત પણ તૂટી શકે છે.'

'મતલબ લોખંડી શક્તિશાળી ?'

બુદ્ધે કહ્યું 'ના', તેનાથી વધુ શક્તિશાળી અગ્નિ. કેમ કે અગ્નિ લોખંડને ઓગળી શકે છે. અગ્નિથી પણ શક્તિશાળી પાણી કારણ કે પાણી અગ્નિને ઠંડો કરી શકે છે.'

'સૌથી શક્તિશાળી પાણી ?'

'પાણી પણ નહીં, કેમ કે પાણીની દિશા હવા બદલી શકે છે અને હવાની દિશા માનવીની સંકલ્પશક્તિ બદલી શકે છે. સૌથી શક્તિશાળી માનવસંકલ્પ.'

આવા જ એક સંકલ્પપુરુષ બાબાસાહેબને સો સો સમરસ સલામ.

આવજો...

જ્યારે બધું જ ગુમાવી ચૂક્યા હો, ત્યારે તમારી જાત તો તમારી પાસે હોય જ છે.- રેખા (અભિનેત્રી)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uOuk3k
Previous
Next Post »