
- 'કિંગ કોંગ' અને 'ગોડઝિલા' સિરિઝની ફિલ્મો પોતપોતાની રીતે લોકપ્રિય છે. આ ફિલ્મમાં બે યોદ્ધાને ભેગા કરવામાં આવ્યા છે. તેમની વચ્ચે લડાઈ તો છે જ, પણ ફિલ્મ માત્ર એ બન્ને મહારથીઓ વચ્ચે લડાઈની નથી. કોરોનાકાળમાં પણ આ ફિલ્મે કમાણીના વિક્રમો સર્જી દીધા છે..
- વર્લ્ડ સિનેમા-લલિત ખંભાયતા
- ડિરેક્ટર: આદમ વિંગગાર્ડ
કલાકાર: એલેક્ઝાન્ડર સ્કાસગાર્ડ, મિલિ બ્રાઉન, રિબેકા હેલ, બ્રાયન હેનરી, કાયલ ચેન્ડલર, ડેમિયન બિશર
રિલિઝ: માર્ચ, ૨૦૨૧
લંબાઈ: ૧૧૩ મિનિટ
ટા પુ પર મહાકાય વાનર કોંગ રહેતો હતો, ખાતો-પીતો-મજા કરતો.. એ વાનર ક્યાંય બહાર ન નીકળે અને તેના વર્તનનો અભ્યાસ થઈ શકે એટલા માટે ઓલિમ્પિકના પંદર-પચ્ચીસ ઈન્ડોર સ્ટેડિયમ ભેગા કર્યા હોય એવડો મોટો ગુંબજ ટાપુ પર બનાવાયો હતો. ગુંબજ કાચનો હતો. દેખાવ આકાશ જેવો એટલે કોઈને ખબર ન પડે કે ટાપુ ઢાંકેલો છે. કાચની બહાર 'મોનાર્ક' સંગઠના મહિલા વિજ્ઞાાની ડૉ.ઈલિન ગોરિલા કોંગ પર નજર રાખતા હતા. તેમની સાથે નાનકડી જિયા નામની બાળકી હતી, જે ટાપુના પૂર્વ રહેવાસીઓ એવા ઈવિ પ્રજાતિની છેલ્લી વારસ હતી. જિયા કોંગ સાથે ઈશારાઓ દ્વારા વાત કરી શકતી હતી. કોંગ અને વિજ્ઞાાનીઓ વચ્ચે વાત-ચીતનું માધ્યમ જિયા હતી.
દૂર અમેરિકામાં ફ્લોરિડાના કાંઠે એપેક્સ સાયબરનેટિક્સ નામની કંપનીના હેડક્વાર્ટરમાં કંઈક ગરબડ આકાર લઈ રહી હતી. સમુદ્રમાંથી એક દિવસ કદાવર દરિયાઈ સજીવ ગોડઝિલા આવ્યો અને સાયબરનેટિક્સના મકાન પર હુમલો કરી દીધો. વર્ષોથી શાંત રહેલા ગોડઝિલાએ સાયબરનેટિક્સને શા માટે નિશાન બનાવી એ સમજવું મુશ્કેલ હતું. ગોડઝિલાની તોડફોડ દરમિયાન ત્યાં કામ કરતા બર્ની નામના કર્મચારીના હાથમાં થોડુંક રહસ્ય આવી ગયું. એ રહસ્ય દ્વારા ગોડઝિલાના હુમલાનું પગેરું મેળવી શકાય એમ હતું. એ કામગીરીમાં બર્ની સાથે વિદ્યાર્થિની મેડિસન અને તેનો ક્લાસમેટ જોશ પણ જોડાયા.
એપેક્સના માલિક વોલ્ટર સિમોન્સે આ હુમલા પછી વિજ્ઞાાની નાથન લિન્ડનો સંપર્ક કર્યો. નાથન 'હોલો અર્થ' થિયરીમાં માનતો હતો અને તેનો નિષ્ણાત હતો. હોલો અર્થ એટલે કે ધરતી અમુક ઊંડાણ પછી અંદરથી પોલી છે અને અંદર ખાલી ગોળો છે. અંદર અનોખી સૃષ્ટી પણ છે. પણ એ સાબિત કરવા ધરતીના કેન્દ્ર સુધી પ્રવાસ કરવો પડે. એ પ્રવાસ કરવા માટે જ વોલ્ટરે નાથનનો સંપર્ક કર્યો હતો. વોલ્ટરનું એવું માનવુ હતું કે ગોડઝિલાએ હુમલો કર્યો તેની પાછળનું રહસ્ય ધરતીના કેન્દ્રમાં રહેલું છે, કેમ કે એ બધા કદાવર સજીવો ત્યાંથી આવે છે, ત્યાંના મૂળ રહેવાસી છે.
ધરતીના કેન્દ્રમાં પ્રવાસ શક્ય બની શકે એટલા માટે વોલ્ટરે અઢળક ખર્ચ કરીને ખાસ પ્રકારના વાહનો તૈયાર કર્યા હતા. નાથન તૈયાર થયો અને તેણે ડૉ. ઇલિનને પણ તૈયાર કરી. કેમ? કેમ કે ધરતીના પેટાળમાં ક્યાં જવું એ માત્ર કોંગને જ ખબર હોય. કોંગ પણ મૂળ તો પેટાળમાંથી જ ઉપર આવ્યો હતો. કોંગ આગળ ચાલે, વાહનો પાછળ ચાલે.. એમ કરતાં કેન્દ્રમાં પહોંચી શકાય તો રહસ્ય ઉકલે. કોંગને લઈ જવા માટે ઈલિન અને જિયા તૈયાર થયા.
સમગ્ર કાફલો એન્ટાર્કટિકા ખંડ ઉપડયો, કેમ કે ધરતીના કેન્દ્ર સુધી જવાનું પોલાણ દ્વાર ત્યાં હતું. કોંગ અને ગોડઝિલાને બાપે માર્યા વેર જેવી સ્થિતિ હતી. એટલે ગોરિલાની એન્ટાર્કટિકા સફરપ વખતે જ જળરાજા ગોડઝિલાએ વચ્ચે હુમલો કર્યો, બન્ને વચ્ચે જંગ ખેલાયો પણ છેવટે ટીમ એન્ટાર્કટિકા પહોંચી શકી. ટીમ સાથે વોલ્ટરની દીકરી લિની પણ હતી. પોલાણમાં પહેલા કોંગે કુદકો માર્યો અને પછી પાછળ સુરક્ષિત વાહનો ઉતર્યા. પડકારભરી સફરના અંતે ધરતીના કેન્દ્રમાં પહોંચ્યા જ્યાં નવી દુનિયા હતી. જંગલો, પહાડો, નદી, વિવિધ પ્રકારના ચમકદાર પથ્થર, ફૂલો વગેરે હતું. ઉપર-નીચે બન્ને તરફ જમીન હતી. ખાસ તો ત્યાં ઊર્જાનો અખૂટ ભંડાર ધરાવતી ધાતુ હતી.
પેટાળમાં પહોંચ્યા એટલે ગોડઝિલા તો પોતાના મૂળ વતનને ઓળખી ગયો અને મજામાં આવી ગયો. એ વખતે લિનીએ ત્યાંની ઊર્જાનો ભંડાર ભેગો કરવાની શરૂઆત કરી દીધી. ત્યારે નાથન અને ઈલિનને સમજાયું કે અહીં સુધી મોકલવા પાછળ વોલ્ટરનો ઉદ્દેશ ગોડઝિલાનું રહસ્ય પામવાનું નહીં, અહીંની ઊર્જા એકઠી કરવાનો હતો. ત્યાં સુધી આવવા માટે ગોરિલાની જરૂર હતી, હવે એ સ્વાર્થ પુરો થઈ ગયો હતો. ગોરિલા અને સંશોધનના નામે ઈલિન-નાથન વગેરે સૌ કોઈને હાથો બનાવાયા હતા.
બીજી તરફ ધરતી પર તપાસ કરી રહેલા બર્ની-મેડિસનને પણ સમજાયું કે વોલ્ટર તો નવો ખેલ કરવાના મૂડમાં છે. વોલ્ટરે ધરતીના પેટાળમાં જ એવો ગુપ્ત માર્ગ તૈયાર કર્યો હતો, જેની મદદથી મીનિટોમાં અમેરિકાથી હોંગ-કોંગ પહોંચી શકાય. અજાણતા જ બર્ની-મેડિસન-જોશ એ માર્ગે હોંગ કોંગ પહોંચ્યા. ત્યાં જોયુ તો કદાવર લેબોરેટરીમાં એક રોબોટિક ગોડઝિલા તૈયાર થતો હતો. એ ગોડઝિલામાં વળી કેટલીક ઊર્જા પણ હતી. પણ એ ઊર્જા થોડી ઓછી પડતી હતી. એટલે વધારાની ઊર્જા મેળવવા વોલ્ટરે નાથન અને તેની ટીમને ધરતીના પેટાળમાં સંશોધનના બહાને મોકલી દીધા હતા. ટૂંકમાં પેટાળનો પ્રવાસ સંશોધન માટે ન હતો, ઊર્જા મેળવવા માટે હતો.
પેટાળમાં સ્થિતિ પારખી ગયેલા ગોરિલાની ભ્રકૂટી ફરી એટલે તેણે લિની સહિતના તમામ વિલનોને ત્યાં જ ખતમ કરી દીધા. બીજું રહસ્ય એ પણ ખુલ્યું કે રોબોટિક ગોડઝિલામાં કેટલાક સજીવોના ગુણ હતા. તેના પર પ્રયોગ થઈ રહ્યો હતો. એ પ્રયોગને કારણે જ સમુદ્રના પાણીમાં શાંત રહેતો ગોડઝિલા તોફાની બન્યો હતો. દરિયાઈ ગોડઝિલાએ પોતાની ઊર્જા દ્વારા પેટાળ સુધી નવી ટનલ કરી નાખી, જ્યાંથી ગોરિલા-સંશોધક ટીમ બહાર આવી ગઈ.
એક તરફ ગોરિલા, જેને દેખતાંની સાથે જ ગોડઝિલા તેના પર હુમલો કરી દેતો હતો. બીજી તરફ ગોડઝિલાએ અચાનક તરખરાટ મચાવ્યો, તેનું કારણ સંશોધકો સમજ્યા હતા પણ બધાને ખબર ન હતી. ત્રીજી તરફ રોબોટિક ગોડઝિલા જેણે આતંકની હવે શરૂઆત કરી હતી. એટલે હકીકતે તો ત્રણ મહાયોદ્ધા એકઠા થયા અને અનોખો જંગ આરંભાયો...
ગોડઝિલા કે કિંગ કોંગ સિરિઝમાં હોય એવી જ વાર્તા છે, જેમાં કોઈ મનુષ્ય પોતાના સ્વાર્થ માટે આ સજીવો સાથે છેડછાડ કરે અને પછી આકરા પરિણામ ભોગવે. વાર્તામાં થ્રીલ-થન્ડર વધે એટલે કોંગ-ગોડઝિલા-રોબોટિક ગોડઝિલા એમ ત્રિપાંખિયો જંગ ગોઠવાયો છે. એક્ટિંગ કે વાર્તાની રીતે આવી ફિલ્મોમાં કંઈ હીરા-મોતી ટાંક્યા હોતા નથી, પરંતુ મનોરંજન આપવાનું હોય એ છેવટ સુધી આપ્યા કરે છે.
૧૯૬૨માં જાપાની ભાષામાં આવી જ ફિલ્મ બની હતી. કેમ કે ગોડઝિલા મૂળ તો જાપાની લોકકથાઓમાં વણાયેલો દૈત્ય છે. જાપાનની દૃષ્ટિએ જોઈએ તો ગોડઝિલા આવતો હોય એવી આ ૩૬મી ફિલ્મ છે. કરોનાકાળમાં રિલિઝ થઈ હોવા છતાં ફિલ્મએ કમાણીના વિક્રમો સર્જી દીધા છે. રિલિઝના પહેલા અઠવાડિયામાં જ બજેટ કરતાં લગભગ ડબલ નોટો છાપી લીધી હતી.
દોઢ સદી પહેલા જૂલ્સ વર્ને 'જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ' વિજ્ઞાાનવાર્તા લખી હતી. એના પરથી ફિલ્મ બની હતી. તેની થોડી-ઘણી અસર અહીં જોવા મળે છે. તો વળી સંવેદના ધરાવતો રોબોટિક ગોડઝિલા જોઈને જેમ્સ કેમેરુનની 'અવતાર'ના માનવ સંચાલિત હુમલાખોર રોબોટ પણ યાદ આવ્યા વગર રહે નહીં.
મૂવિમાં કોંગ અને ગોડઝિલા બન્નેને અતિ કદાવર દર્શાવાયા છે. કેમ કે એ બન્ને પણ સજીવો છે અને સમય સાથે તેનું કદ વધતું રહે છે. આંકડાની વાત કરીએ તો ગોડઝિલાની ઊંચાઈ ૩૯૩ ફીટ છે અને ગોરિલા કોંગની ઊંચાઈ ૩૩૬ ફીટ છે. એમને મોટા પડદે જોવા વધારે મજેદાર અનુભવ સાબિત થશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QueOuA
ConversionConversion EmoticonEmoticon