સોહા અલી ખાન કરે છે શ્રેષ્ઠ મમ્મી બનવાના પ્રયાસો


સોહા અલી ખાન બોલીવુડની હાઇલી એજ્યુકેટેડ સેલિબ્રિટીઝ પૈકીની એક છે. સોહા દિલ્હી પાસેના પટૌડી રજવાડાની રાજકુંવરી છે, એકટર છે, લેખિકા છે અને એ બધાથી ઉપર એક મા છે. શર્મિલા ટાગોરની આ પુત્રી મક્કમપણે એવું માને છે કે મા બનવાનો એવો અર્થ નથી થતો કે કોઈ સ્ત્રીએ પોતાના સપના, ઇચ્છા-આકાંક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને દફનાવી દેવી. પુત્રી ઇનાયાના જન્મ પછી સોહાને પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન જાળવવામાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. પરંતુ પછી એને વિચાર આવ્યો કે મારી મમ્મીએ પણ ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો અને એમને યોગ્ય રીતે ઉછેર્યા હતા. સાથોસાથ મમ્મીએ ફિલ્મોમાં અભિનય કરવાનું પણ ચાલુ જ રાખ્યું હતું.

એમાંય ખાસ નોંધવા જેવી વાત એ છે કે શર્મિલા ટાગોરે લગ્ન કર્યા પછી અને મા બન્યા પછી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. જો મમ્મી આટલુ બધુ કરી શકે તો હું કેમ ન કરી શકું એવો વિચાર આવતા જ સોહાની મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ ગઈ અને એને લાઈફમાં બેલેન્સ જાળવવાના આપમેળે ઉપાયો મળવા લાગ્યા.

સોહાની પ્રસુતિ પછીની જીવનયાત્રા દાખલારૂપ છે. કોઈ પણ સ્ત્રી મા બન્યા પછી એમાંથી પ્રેરણા લઈ શકે છે. સૌ જાણે છે કે નવી પેઢીના યુગલો લગ્ન પછી બાળકનું પ્રિ-પ્લાનિંગ કરે છે. તેઓ પોતાની કરીઅર અને બીજી બધી બાબતોનો વિચાર કરીને બાળકને જન્મ આપે છે, જેથી એના ઉછેરમાં કોઈ કમી ન રહી જાય, શું સોહાએ પણ આવું પ્લાનિંગ કર્યું હતું? સવાલ સાંભળી સોહા હસી પડે છે, 'અફકોર્સ પ્લાનિંગ કી થી, મેં લગ્ન પચી ઘણાં અરસા બાદ મા બનવાનું વિચાર્યું હતું. એટલા માટે કે હું એવી મમ્મી બનવા માગતી હતી જે પોતાના બાળકને પુરતો સમય આપી શકે.

હું ઘણી બધી ફિલ્મો કરવા ચાહતી હતી. પછી મેં એક પુસ્તક લખ્યું અને આખી દુનિયાની સફર માણી ઇનાયાના જન્મ પહેલા હું જે કાંઈ કરવા ઇચ્છતી હતી એ બધુ મેં કરી લીધુ. એટલા માટે કે મને ખબર હતી કે માતૃત્વ સ્ત્રીનું જીવન બદલી નાખે છે. અહીંથી તમે પાછા નથી જઈ શકતા. એક મા તરીકે તમારે સતત જવાબદારીઓ બજાવવી પડે છે, જેને લીધે ક્યારેક તમે રાત્રે ઉંઘી પણ નથી શકતા, તમારુ સંતાન તમારી પ્રાયોરિટી બની જાય છે. પરંતુ સમયાંતરે તમે બાળક માટે સુરક્ષિત માહોલ ઊભો કરી એને છોડીને તમારી મહત્ત્વાકાંક્ષાઓ તરફ આગળ વધી શકો છો. આ બધુ મુશ્કેલ છે પણ અશક્ય નથી.'

મોટાભાગે એવુ બને છે કે પ્રોફેશનલ મહીલાઓ પર મા બન્યા પછી એમનું કામ છોડી દેવા સામાજિક દબાણ આવે છે. સોહા ઉપર પણ આવું સોશ્યલ પ્રેશર આવ્યું હતું ખરું? અભિનેત્રી પુરેપુરા આત્મવિશ્વાસથી કહે છે, 'સાચુ કહું તો સમાજ તરફથી મારા પર ક્યારેય કોઈ પ્રેશર નહોતુ આવ્યું. હા, એ જુદી વાત ચે કે ઇનાયાની બેસ્ટ મધર બનવા મેં જાતે એક પ્રકારનું પ્રેશર વહોરી લીધું હતું. મોટાભાગની મમ્મીઓ આવુ કરે છે.

બાકી, મારો પરિવાર, મારો પતિ અને મારા સાસરિયા - બધાનો મને દરેક તબક્કે પુરેપુરો સપોર્ટ મળ્યો છે. હવે જમાનો બદલાઓ છે. વર્કિંગ મધરને બધેથી સપોર્ટ મળતો થયો છે, પરંતુ દરેક વર્કિંગ મધરે એવા અપરાધ-ભાવમાંથી બહાર આવવું પડે છે કે મારા બાળકને હું ઘરે એકલું મૂકીને આવી છું.'

સવાલ એ છે કે બાળકના જન્મ પચી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનું સમયપત્રક બદલવાની જવાબદારી એકલી માની જ છે, પિતાએ કાંઈ કરવાનું નથી હોતું? આવા પ્રશ્નનો કુણાલ ખેમુની પત્ની પાસેથી અપેક્ષિત જવાબ મળે છે, 'સંતાન માટે એકલી મમ્મીએ નહિ પણ ડેડીએ પણ ત્યાગ આપવો પડે છે. પિતાએ પણ પોતાનું શેડયુલ બદલવું પડે છે. એટલા માટે કે લાઈફમાં પતિ-પત્ની બંને સરખા ભાગીદાર છે.

હું નાની હતી ત્યારે મેં મારા મા-બાપને બંનેને કામે જતા જોયા છે અને મને એમાં કાંઈ અજુગતુ નહોતુ લાગતું. ખાસ કરીને મમ્મી લાંબા સમય સુધી ઘરથી દૂર રહેતી એટલે મારા પિતા ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એકલા ઘરે રહેતા, જ્યારે મમ્મીની કરીઅર પૂરજોશમાં હતી. મને એમાં કાંઈ વિચિત્ર નહોતુ લાગતુ. એટલા માટે કે મને ખબર હતી કે મમ્મીને પોતાના કામનું પેશન હતું સાથોસાથ મને એની પણ ખાતરી હતી કે મને જરૂર પડશે ત્યારે મમ્મી મારી પડખે ઊભી હશે. ટુંકમાં, કોઈને કોઈ જવાબદાર વ્યક્તિ અમારી સંભાળ લેવા ઘરમાં હાજર રહેતી, બાળકોમાં સારા જીવનમૂલ્યો રોપવા આ બહુ જરૂરી છે.'

હવે એક અતિ મહત્ત્વનો પ્રશ્ન, 'સોહા, ક્યારેક એવુ પણ બનતું હશે કે ઇનાયાને તારી જરૂર હોય અને એ જ સમયે તારે કોઈ અર્જન્ટ કામ પાડવાનું હોય. એ સ્થિતિમાં તુ શું કરે છે?' શર્મિલાની પુત્રીના ચહેરા એક પ્રકારના ગૌરવની આભા છવાઈ જાય છે, 'સર, સચ કહું તો શરૂ મેં બહોત મુશ્કિલ હોતી નથી લેકિન અબ ઐસા નહીં હૈ. ઇનાયા હવે એટલી મોટી થઈ ગઈ છે કે મારો મુદ્દો હું એને સમજાવી શકુ છું. હવે હું ઘરે ન હોઉં તો પણ એને વાંધો નથી હોતો. મારી વિશ્વાસુ વ્યક્તિના ભરોસે હું એને મુકીને બહાર જાઉં ત્યારે એને અસલામતિ નથી લાગતી.

હમણાં જ હું ઇનાયાને એક શૂટીંગ વખતે રાજસ્થાન લઈ ગઈ ત્યારે એને બહુ મજા ડી. એ હવે સમજે છે કે મમ્મી કામ કરે છે. ઘરે હું મેકઅપ નથી કરતી એટલે ઇનાયા મને મેકઅપમાં જુએ ત્યારે સમજી જાય છે કે આજે મમ્મીનું શૂટ છે. એણે પોતાના ફ્રેન્ડસનું એક ગુ્રપ બનાવી લીધું છે, જેમની સાથે મારી ગેરહાજરીમાં રમવા જાય છે. એને મારી સતત જરૂર પડે છે પણ મારા કોઈ એસાઇનમેન્ટ માટે મારે બહાર જવાનું થાય ત્યારે હું એને શાંતિથી મારા કામનું મહત્ત્વ સમજાવી દઉં છું.'

હવે, એક છેલ્લી વાત, અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન જાળવવા મથતી મમ્મીઓને સોહા શું સલાહ આપવાનું પસંદ કરશે? સોહા થોડામાં ઘણું બધુ કહી દે છે, 'તમે સપના જુઓ એમાં કશુ ખોટ નથી. એ માટે અપરાધ-ભાવ ન રાખો. સંતાનને તમારા વગર પણ રહેતા અને આનંદ કરતા શીખવો એટલા માટે કે એણે અંતે તો મોટા થઈને પોતાને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્થાપિત કરવાની છે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e4Q7xc
Previous
Next Post »